ક્વીન દ્વારા 79મા જન્મદિવસ નિમિત્તે યર 6ના દરેક બાળકને પુસ્તક ભેટ આપવાની જાહેરાત
ક્વીન કેમિલાએ 79મા જન્મદિવસની ઉજવણી કરતાં આગામી ક્રિસમસ પર યર 6માં અભ્યાસ કરતા દરેક બાળકને એક નવલકથા ભેટમાં આપવાની જાહેરાત કરી છે.
લંડનઃ ક્વીન કેમિલાએ 79મા જન્મદિવસની ઉજવણી કરતાં આગામી ક્રિસમસ પર યર 6માં અભ્યાસ કરતા દરેક બાળકને એક નવલકથા ભેટમાં આપવાની જાહેરાત કરી છે. બાળકોમાં વાંચન વધારવાના અભિયાન અંતર્ગત ક્વીન કેમિલા કેથરિન રુન્ડેલ દ્વારા લિખિત નવલકથા ઇમ્પોસિબલ ક્રીચર્સ બાળકોને ભેટમાં આપશે.
ક્વીન કેમિલા નેશનલ લિટરેસી ટ્રસ્ટના પેટ્રન છે અને તેમના નેતૃત્વ હેઠળ આ અભિયાન ચાલી રહ્યું છે. શાળાઓ અને પુસ્તકાલયો દ્વારા વિતરીત કરવામાં આવનારા આ દરેક પુસ્તકના કવર પર ખાસ ડિઝાઇન કરાયેલ રોયલ સ્ટેમ્પ હશે અને અંદર ક્વીનનો અંગત સંદેશ પણ સામેલ હશે.
ક્વીને પોતાના સંદેશમાં લખ્યું છે કે, મારા મનપસંદ લેખકોમાંના એક દ્વારા લખાયેલી નવલકથા ઇમ્પોસિબલ ક્રીચર્સ એક શાનદાર કાલ્પનિક વાર્તા છે, જે તમને અદ્ભુત કાલ્પનિક મિત્રો અને ભયાનક દુશ્મનોની દુનિયાથી પરિચિત કરાવશે. મને આશા છે કે જેટલી આ વાર્તા મને ગમી છે, એટલી જ તમને પણ ગમશે.
