ગુજરાતી લોકસંગીતના સૂરનો પર્યાય અવિનાશ વ્યાસ

ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના અધ્યાય-80નો વિષય એક એવા વ્યક્તિત્વ પર કેન્દ્રિત રહ્યો, જેનાથી ગુજરાત અને ગુજરાતીઓની એક વિશેષ ઓળખ વિશ્વ સમક્ષ ઊભી થાય છે. ‘પદ્મશ્રી અવિનાશભાઈ વ્યાસ’ એક એવું વીરલ વ્યક્તિત્વ, જેણે ગુજરાતી સંગીત અને લોકગીતોને અવિનાશી બનાવી દીધાં. સોનેરી સંગતનો આ અધ્યાય તેમનાં જ સુમધુર સંસ્મરણોને આધિન રહ્યો.
ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના અધ્યાય-80નો વિષય એક એવા વ્યક્તિત્વ પર કેન્દ્રિત રહ્યો, જેનાથી ગુજરાત અને ગુજરાતીઓની એક વિશેષ ઓળખ વિશ્વ સમક્ષ ઊભી થાય છે. ‘પદ્મશ્રી અવિનાશભાઈ વ્યાસ’ એક એવું વીરલ વ્યક્તિત્વ, જેણે ગુજરાતી સંગીત અને લોકગીતોને અવિનાશી બનાવી દીધાં. સોનેરી સંગતનો આ અધ્યાય તેમનાં જ સુમધુર સંસ્મરણોને આધિન રહ્યો.
કચ્છીઓના નવા વર્ષ અને ખુદ ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે તેવા અષાઢી બીજના પાવન અવસરે આ કાર્યક્રમનું આયોજન કરાયું. આ નિમિત્તે આસિતભાઈ દેસાઈ અને તેમનાં પત્ની હેમાબહેન દેસાઈ દ્વારા અવિનાશભાઈની રચનાની રોમાંચિત કરતી વાતો થઈ.
કાર્યક્રમનું સંચાલન કરતાં કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે કહ્યું, અવિનાશભાઈને યાદ કરતાં તેમણે રચિત ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’, ‘તાલીઓના તાલે એક લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ...’, ‘છેલા જી રે...’, ‘રંગલો જામ્યો કાલિન્દીને ઘાટ’ અને ‘પાંદડું લીલું ને રંગ રાતો’ જેવાં સંખ્યાબદ્ધ ગીતો આપણા સ્મરણ પર છવાઈ જાય છે. તેમનાં ગીતોમાં પ્રેમની ભીનાશ છે, રોમાન્સ છે, હળવાશ છે, સંવેદનાનો રણકો છે અને ભાવની અભિવ્યક્તિ પણ છે.
અમદાવાદના નાગર પરિવારના અનંતરાય વ્યાસને ત્યાં 21 જુલાઈ 1912ના રોજ જન્મ લઈ ગુજરાતી સંગીત અને ફિલ્મ સંગીતને સમૃદ્ધ બનાવનારા અવિનાશભાઈએ 72 વર્ષનું આયુષ્ય ભોગવી તેમની જીવનલીલા સંકેલી લીધી, તેઓ ભલે સદેહે આપણી સાથે ન હોય, પરંતુ તેઓ તેમનાં ગીતો દ્વારા આપણી વચ્ચે જ છે. અવિનાશભાઈએ તેમની કારકિર્દી દરમિયાન 190 ગુજરાતી અને હિન્દી ફિલ્મો માટે 1200 ગીત સંગીતબદ્ધ કર્યાં અને આશરે 12 હજાર ગીતોમાં સંગીત પીરસ્યું. આજે તેમની જન્મજયંતીની ઉજવણી આપણા માટે આનંદ અને ગૌરવ લેવા જેવી છે. શબ્દ-સૂર અને તાલના એ બેતાજ બાદશાહનાં ચરણોમાં નમન.
તેમના સમયના મોટાભાગના દિગ્ગજ ગાયકોએ તેમનાં ગીતોને સ્વર આપ્યો છે, જેમાં લતા મંગેશકર, આશા ભોંસલે, મૂકેશ, મોહંમદ રફી, મન્ના ડે, ઉષા મંગેશકર, ગીતા દત્ત, સુમન કલ્યાણપુર,
હેમંત કુમાર, તલત મહેમૂદ, કિશોર કુમાર અને મહેન્દ્ર કપૂરનો સમાવેશ થાય છે.
આજે અવિનાશભાઈની જન્મજયંતીની ઉજવણી કરતાં ગુજરાતી સંગીત જગતમાં જેમના અવાજના જાદુએ સંગીતપ્રેમીઓને ઘેલું લગાડ્યું છે એવી સંગીત બેલડી આસિતભાઈ અને હેમાબહેન દેસાઈને સાંભળીશું, પરંતુ તે પહેલાં સંસ્કાર પુરુષ ચંદુભાઈ મટાણીના પુત્ર એવા લેસ્ટરના કલાકાર હેમંતભાઈ મટાણી તેમની ઓળખ આપશે.
હેમંતભાઈ મટાણીઃ હાલની સ્થિતિ એવી છે કે કોઈને ખબર પણ નથી કે અવિનાશ વ્યાસ કોણ છે! આપણાં ગુજરાતી ગીતો હિન્દીના દિગ્ગજ કલાકારોએ ગાયાં છે તે અંગે કોઈ જાણતું પણ નહોતું. આ જાણકારી આપતો આપણો આ કાર્યક્રમ ઐતિહાસિક થઈ જશે. નરસિંહ મહેતાએ સૈકાઓ પહેલાં અનેક પદોની રચના કરી, પરંતુ લોકોને તરત સમજાય તેવાં 12 હજાર ગીતોની અવિનાશભાઈની રચનાઓ કોઈ નાનીસૂની વાત નથી. આજે આપણા મહેમાન આસિતભાઈ અને હેમાબહેન આપણને તેમની રચનાઓની સમજણ આપે તે સમયની જરૂરિયાત છે.
કાર્યક્રમની શરૂઆત કરતાં હેમાબહેન દ્વારા અવિનાશભાઈની રચના ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ લલકારી, જેની સંગતમાં આસિતભાઈ પણ જોડાયા હતા. જે બાદ હેમંતભાઈએ તેમને અવિનાશભાઈ સાથેનાં તેમનાં સંસ્મરણો જણાવવા કહ્યું.
હેમાબહેનઃ મા જગદંબામાં ભાઈ (અવિનાશભાઈ)ને અપાર શ્રદ્ધા. તેમની આ બેજોડ શ્રદ્ધામાંથી કેટલીક અમર રચનાઓ આપણને મળી. આ રચનાઓ (કાવ્યો) ભીતરની યાત્રાની અનુભૂતિ કરાવે. આ ફક્ત કાવ્યો નહોતાં, એ સુંદર સ્વરગુંથણી સાથે સજાઈ-મંજાઈ ગુજરાતી સુગમ સંગીતનાં ઘરેણાં બન્યાં. માતૃભક્ત અવિનાશભાઈ દર ભાઈબીજે અંબાજી જઈને દર્શન કરે. નિયમ મુજબ વહેલી સવારે અબોટિયું પહેરી માતાજીની સન્મુખ ભીની આંખે અને આર્જ્ય હૈયે ઊભા રહે. જાણે કે માતાજીને પોતાની કલમ વાટે વહેવા માટે વિનંતી કરતા હોય. તેમની આ ભક્તિથી આપણને કેટલીક રચનાઓ મળી, જેમાં ‘હવે મંદિરનાં બારણાં ઊઘાડો મોરી માત’, ‘માડી તારું કંકું’, ‘માડી તારી સામે કેમ કરી મીટ માંડું’, ‘આમથું આકાશ જોને આવે આડું’, ‘માડી તારા મંદિરિયે ઘંટારવ થાય’ જેવી અદભુત માતાજીનાં ગુણગાન ગાતી ભક્તિસભર રચનાઓ સામેલ છે.
કેટલાંય વર્ષોથી હું ‘માડી તારું’ ગાઉં છું પણ ગાઈને આનંદ જ આવે છે. એવું કોઈ દિવસ નથી લાગતું કે એકનું એક કેટલીવાર ગાઉં. તેમની જન્મજયંતી ગુજરાતી સાહિત્યનો ઘણો મહત્ત્વનો દિવસ કહી શકાય. એમને સ્નેહ સાથે વંદન...
આસિતભાઈઃ અમે સુગમસંગીતના કલાકારોનું અસ્તિત્વ અવિનાશભાઈના કારણે જ છે. તેમનાં ગીતો, ગઝલો અને ગરબા અમારા સુધી પહોંચ્યાં અને હવે પછીની પેઢી સુધી પણ પહોંચશે જ, કારણ કે તેમણે સરળ શબ્દોમાં લખ્યું અને કમ્પોઝ કર્યું છે. અમે એના ઋણી છીએ અને તેમને જ ગાઈને જ આગળ વધ્યા છીએ. અમે ગુજરાતી ભાષાને સાચવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ એ ગુજરાતી ભાષાને ઉજાગર કરી અવિનાશભાઈએ.
તેઓ ઘરમાંથી બહેનોને સ્ટેજ પર લાવ્યા - ગરબા ગાતાં કર્યાં. કોઈ એવો વિષય બાકી નથી રાખ્યો જેના પર તેમણે ગીત ન લખ્યું હોય. તેમના લખેલાં 12 હજાર ગીતોમાં વિવિધતા કેટલી બધી છે! દા.ત. અમે સંતુ રંગીલી નામનું બેલે કર્યું હતું, જેમાં અવિનાશભાઈનું સંગીત હતું, જેમાં મુંબઈની કાળી-પીળી ટેક્સી પર પણ તેમણે ગીત લખ્યું હતું - ‘પીળું પોલકું ને કાળો ઘાઘરો- આંખ્યું નો અણસારો આકરો.’ ગુજરાતી ભાષા વિશે તેમણે લખ્યું છે, ‘ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર...’ તેમણે આમાં વ્યથા ઠાલવી છે કે, હું ગુજરાતી ભાષા વિશે આટલું કરું છું, છતાં આપણા ગુજરાતીઓ તેમની ભાષા સરખી બોલી પણ નથી શકતા.
હેમાબહેનઃ અવિનાશભાઈએ વેણી પર સુંદર ગીત લખ્યું છે, જેમાં એક કે બે નહીં ચાર ફૂલ વણાયેલાં છે. પરિવાર સાથે વણી લઈ તે ચાર ફૂલને પરિવારની ચાર વ્યક્તિ સાથે વણી લીધાં છે. - મોગરાના ફૂલની જેમ સસરા શાંતિથી બેઠા ઠે પણ તેમનો દબદબો એવો ને એવો છે. ‘પહેલું ફૂલ જાણે મારા સસરાજી શોભતા - જાણે પેલું મોગરાનું ફૂલ.’ બીજું ફૂલ છે સાસુમા જેમને સૂરજમુખીના ફૂલ સાથે સરખાવ્યા છે - ‘બીજું ફૂલ, જાણે મારા સાસુજી આકરાં, જાણે પેલું સૂર્યમુખી ફૂલ.’ ત્રીજું ફૂલ નાની નણંદબા છે, જે નવી ભાભી આવી છે તેની વાતો કરે છે - ‘ત્રીજું ફૂલ જાણે મારી નણંદ પેલી નાનકી, જાણે પેલું ચંપાનું ફૂલ.’ ચોથું ફૂલ પતિ સાથે સરખાવ્યું છે, જે દિવસે મોટાના માનમાં નથી બોલતું પણ રાત પડ્યે બુલબુલ જેવું બોલે - ‘ચોથું ફૂલ જાણે મારા હૈયાના હારનું, જાણે પેલું રાતરાણી ફૂલ.’ પરણીને જ્યારે યુવતી પિયર ગઈ ત્યારે ઘરમાં કોણ શું કરે છે તે દર્શાવવા આટલી સુંદર રીતે પોતાના ઘરની વાત કરી કે મારા ઘરમાં આવા ચાર માણસની આ ખાસિયત છે. આમ અવિનાશભાઈની કલમ સામાન્ય માણસોથી લઈને સંગીતરસિકોના મન સુધી પહોંચી શકી છે.
આસિતભાઈઃ અવિનાશભાઈએ આવું પણ લખ્યું છે, ‘રાસે રમતી ને આંખને ગમતી... તારા પૂનમની રઢિયાળી રાતે - મારું મન મોહી ગયું...’ આ શબ્દોમાં કોઈ આછકલાઈ નથી, છતાં પ્રેમ ઠાલવી દીધો છે. આવું જ બીજું એક ગીત છે, ‘કહું છું જવાનીને પાછી વળી જા, ઘડપણનું ઘર મારું આવી ગયું છે.’
એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ સોનબાઈની ચુંદડીમાં સુંદર ગીત હતું ‘કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપડી...’ તેમના આ ગીતમાં મારા અને મારા કાકાની દીકરી ફોરમ દ્વારા કંઠ અપાયો છે. જે બદલ ગુજરાત રાજ્ય દ્વારા અમને એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. ‘રંગલો જામ્યો કાલિન્દીને ઘાટ’ ગીત આશા ભોંસલેએ ગાયું છે, જેમાં શરૂઆતનો છંદ મેં ગાયો છે. એક ગુજરાતી ફિલ્મ હતી, ‘મા બુટભવાની મા’ એમાં ‘માડી તારું કંકું’ મારા કંઠે ગવાયેલું છે. આમ અવિનાશભાઈએ અમને ઘણા અવસર આપ્યા છે.
‘મારી હાટુ પાટણથી પટોડાં મોંઘાં લાવજો’ ગીતમાં માત્ર મોંઘું પટોડું નહીં, તેમાં મોરલા ચિતરાવજો, પોપટ લાવજો... જેવી અનેક વસ્તુઓ મગાવી લેવાય છે. સમાજમાં વણાયેલી વાતો તેઓ સ્ટેજ પર લાવ્યા છે અને રેકોર્ડ કરાવ્યું છે તે આપણા માટે ખરેખર સૌભાગ્યની વાત છે. તેમના નામને સાર્થક કરતાં તેમનું સંગીત અવિનાશી જ હતું.
અવિનાશી અમૃત આલબમ અંગે થોડી વાત કરો
આસિતભાઈઃ અવિનાશી અમૃત આલબમમાં અવિનાશભાઈ અને બરકત વીરાણીના જાણીતાં ગીતોને વણી લેવામાં આવ્યાં છે. જેમાં ‘તારી આંખનો અફિણી’ ગીતની સાથે મહેન્દ્ર કપૂરના સ્વરથી કંડારાયેલું ‘ધુણી કે ધખાવી’ પણ વણી લેવાયાં છે.
ભગિની સમાજ નામની સંસ્થામાં અવિનાશભાઈ ગરબા કરતા, એની ખાસિયત એ હતી કે અવિનાશભાઈ એ સંસ્થામાં બેઠાંબેઠાં જ વિવિધ વિષય પર ગરબા લખતા અને કમ્પોઝ કરતા. જોવાનું એ છે કે જે બહેનો ગરબા કરે અને સાથોસાથ તેઓ જ ગાઈને ગરબો પ્રસ્તુત કરતાં.
હેમાબહેનઃ ગરબો વ્યક્તિ હોય તો શું કહે? તે અંગે અવિનાશભાઈએ ખૂબ સુંદર લખ્યું છે, ‘આકાશના ખોળે હું જન્મ્યો, મા જગદંબાએ મારું હાલરડું ગાયું, દૂધગંગાએ દૂધ પાયું અને સ્વર્ગના અધિષ્ઠાતા દેવ કૃષ્ણએ રાસ રમતાં શિખવાડ્યું, વાયુદેવે ગરબાને લય આપ્યો, વરુણદેવે આવીને સૂરોથી સીંચ્યો. હવે વારો હતો તેજનો - ગર્ભદીપનો પ્રકાશ તેણે ઉમેર્યો, જેના અજવાળે ગગનધરાએ સ્નાન કર્યું. આમ પંચતત્ત્વથી મઢેલા ગરબાએ પૃથ્વી પર પગ મૂક્યો અને ગુર્જરીની ધરતી પાવન થઈ. ગુજરાતણની કંઠકટોરીએ છલકાઈને ગુજરાતના ગગનમાં કંકુનો સૂરજ ઊગ્યો.’
હેમંત મટાણીઃ આસિતભાઈ અવિનાશભાઈ આ માસનાં ગીતો કરતા હતા, જેમાં જાનીબાબુ, મુકેશજી, મન્ના ડે જેવા અનેક કલાકારો આવતા હતા તે અંગે જણાવશો.
આસિતભાઈઃ ભારતીય વિદ્યાભવન કલ્ચરલ સેન્ટરમાં અવિનાશભાઈએ લખેલાં આ માસનાં ગીતો એટલે કે કોઈપણ એક મહિનાનાં 10થી 15 ગીતનું ઓર્કેસ્ટ્રા સાથે પ્રેઝન્ટેશન કરાતું. જેમાં પુરુષોત્તમભાઈ, મન્ના ડે, એ.આર. ઓઝા, આશાજી જેવા દિગ્ગજો ગાવા માટે આવતાં હતાં.
હેમાબહેનઃ અવિનાશભાઈ આ કાર્યક્રમની ટિકિટ રાખતા. કોઈએ કહ્યું કે, ‘તમે આ કામ કરો છો, તો ટિકિટ કેમ રાખો છો?’ જેના જવાબમાં તેમણે ખૂબ સુંદર જવાબ આપ્યો, ‘ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્યની અસ્મિતાનું તમે પ્રીમિયમ ભરો છો.’
અવિનાશભાઈએ લખ્યું છે કે, ‘આ તો પ્રયોગ છે - ધિંગાણું છે. આ કવિતા માટે, ગુજરાતી સાહિત્ય અને સંગીત માટે ખપી જવાનું કામ છે. એક પૈસો નાખીને બે પૈસા સામા મળે એવો વાણિયો વેપારી વિચાર કરે એનું કામ કવિતા છે જ નહીં.’ જે-તે સમયે કાર્યક્રમ થતા ત્યારે અવિનાશભાઈએ પણ સમજાવવું પડતું, આજનો તો શું વિચાર કરીએ!
ગુજરાતી વિશે આપણે ચિંતા કરવાની જરૂર છે, પરંતુ એવું નથી કે ગુજરાતી વેન્ટિલેટર પર છે. જ્યાં સુધી આપણા ટેબલ પર અથાણાં રહેશે, જ્યાં સુધી આપણી દાદીઓ બાજરીના રોટલા આપણને ખવડાવતી રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કંઈ જ નહીં થાય.
આજની પેઢીને આ ગીતો કરતાં તેનું બેકગ્રાઉન્ડ સમજાવવાની જરૂર છે. ‘છાનુંને છપનું’ તમને ત્યારે જ સમજાય જ્યારે એ જમાનાની મુગ્ધા- એક નવી પરણેલી સ્ત્રીની વાત વિચારી શકો. આજના સમયમાં લોકોને તે સમજાવવું ખૂબ અઘરું છે.
આસિતભાઈઃ અવિનાશભાઈના વિવિધ વિષયોમાં શહેરો પણ સ્થાન પામતાં. તેમણે અમદાવાદ વિશે ‘અમે અમદાવાદી’ અને મુંબઈ વિશે ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી’ પણ ગીત લખ્યાં છે.
હેમાબહેનઃ અવિનાશભાઈએ કેટલીક એવી રચનાઓ આપી, જે અંગે કોઈ કવિએ વિચાર પણ નહીં કર્યો હોય. સંત તુલસીદાસ કે વાલ્મીકિ રામાયણના રચયિતાની આંખમાં આંખ નાખી રામને તેમણે પૂછયું, ‘તમે ગમે તેટલા મહાન હશો, પરંતુ સીતાજીની તોલે ન આવો.’ આ વિચાર જ કેટલો અદભુત છે!
આવું કહીને તેઓ છૂટી નથી જતા પણ વકીલની જેમ સાબિત કરે છે કે ‘તમારી પાસે તો આખી સેના હતી પણ અશોકવાટિકામાં એકલાં સીતાજી દસ માથાવાળા રાવણ સામે લડ્યાં અને જીત્યાં પણ ખરાં...’ જગતમાં પ્રભુ થઈને તમે ભલે પુજાઓ પણ કેટલાક પ્રશ્નો છે, જેને પૂછવાની હિંમત અવિનાશભાઈ જેવો વ્યક્તિ ભાવવહી રીતે જ કરી શકે - ‘એ રામ તમે સીતાજીની તોલે ન આવો...’
હેમંત મટાણીઃ જીવનની રમત પરનું ગીત બહુ સામાન્ય લાગે પણ બહુ મર્મભેદી છે, તે અંગે જણાવો
આસિતભાઈઃ આપણું જીવન એક રમત છે, જેને આ ગીતમાં કબડ્ડી - હુતુતુ સાથે સાંકળી લેવાયું છે - ‘હુ તુ તુ તુ તુ તુ તુ તુ, જામી રમતની ઋતુ.’ આ રચનામાં એકમેકનો સાથ આપી મંજિલ પર પહોંચવા માટેનો સંઘર્ષ સુંદર શબ્દોમાં તેમણે વણી કાઢ્યો છે. આ વિચાર માત્ર અવિનાશભાઈને જ આવે અને તેનું સુંદર સ્વરાંકન પણ તેઓ જ કરી શકે. આ ગીતને મન્ના ડે દ્વારા સ્વર અપાયો છે.
હેમાબહેનઃ અવિનાશભાઈનું બીજું પણ એક સુંદર ગીત છે, ક્યાંય પણ જ્ઞાનના ભાર વિના જીવનની ફિલોસોફીને સમજાવતું ‘ચકડોળ’. જીવનની ચડતી-પડતી અને સારા-નરસા પ્રસંગોમાંથી જાતને કેવી રીતે આનંદ આપવો અને છતાં પદ-પ્રતિષ્ઠા-પાવર-અભિમાન અને મોટાઈની શરમને જરાપણ આપણા પર હાવી ન થવા દેવી. જીવનના ચકડોળમાં બેઠેલા આપણા સૌનું ભાગ્ય કેવી કેવી કરવટ લે તેની વાત અવિનાશભાઈએ ખૂબ સુંદર રીતે વણી છે. ‘ચરર... ચરર... મારું ચકડોળ ચાલે, આજે રોકડાને ઉધાર કાલે...’ કેટલી સહજતાથી વાત કરી છે.
આસિતભાઈઃ તેમનું ગણિત પરનું પણ ખૂબ સુંદર ગીત છે, જેને મન્ના ડે સાહેબે સુંદર રીતે સ્વર આપ્યો છે, ‘માંડો રે સરવાળો... કરો બાદબાકી ગુણો ભાગો અને ભાળો’ આવાં તો અનેક ગીતો દ્વારા અવિનાશભાઈએ આપણને ન્યાલ કરી દીધા છે. નર્મદે પ્રણ લીધો હતો કે ‘ત્યાં સુધી પાઘડી નહીં પહેરું જ્યાં સુધી ગુજરાતી ભાષાને તેની ઓળખ ન મળે’. આ ઓળખ અવિનાશભાઈએ આપણને અપાવી છે. આનંદ અને ગર્વની વાત એ છે કે આપણે એ સમયમાં જન્મ્યા છીએ, જ્યારે અવિનાશભાઈની હયાતી હતી. તેની પાસે બેસી અમે ઘણું શીખ્યા છીએ, પામ્યા છીએ.
હેમાબહેનઃ 25 વખત શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ પામનારા પદ્મશ્રી અવિનાશભાઈએ માત્ર ગુજરાતી જ નહીં 62 જેટલી હિન્દી ફિલ્મોમાં પણ ગીત આપ્યાં છે. મંગળફેરા ફિલ્મનું ગીત ‘રાખનાં રમકડાં’ એટલું લોકપ્રિય બન્યું કે ગીતની રોયલ્ટીરૂપે તે દિવસોમાં રૂ. 20 હજાર મળ્યા હતા. આ ગીત માટે એચએમવીએ તેમને 10 તોલાનું સુવર્ણચંદ્રક પણ આપ્યું હતું. ગીતની લોકપ્રિયતાને જોતાં 18 ભાષામાં તેનો અનુવાદ પણ થયેલો. આ જ કારણે અવિનાશભાઈ કહેતા કે આ રાખનાં રમકડાં નથી લાખનાં રમકડાં છે.
અવિનાશભાઈ અંગેની ખાટીમીટી ચર્ચા વચ્ચે ‘સોનેરી સંગત’ના કાર્યક્રમ દરમિયાન તેમના દ્વારા રચિત ગીત ‘ભીતરનો ભેરુ મારો, આતમો ખોવાયો રે’ અને આખરમાં ‘ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં’ રજૂ કરવામાં આવ્યું હતું.
આસિતભાઈઃ અમે ધન્ય થઈ ગયા કે આજે અમને અવિનાશભાઈ અંગે ચર્ચા કરવાનો અવસર પ્રાપ્ત થયો. સાચું કહું તો આ એક કલાકના કાર્યક્રમના ગાગરમાં સાગર ન સમાય. આ માટે તો અવિનાશભાઈના ફેસ્ટિવલનો આખો દિવસ પણ ઓછો પડે.
સી.બી. પટેલઃ આપણી માતૃભાષા અને અસ્મિતાના આરાધ્ય સાધક અવિનાશભાઈ આપણી સાથે હતા અને કાયમ રહેવાના જ છે. સાહિત્ય, સંગીત અને સંસ્કારનો વારસો સિંચવામાં તેમણે અમરતત્ત્વ મેળવ્યું છે. આજના કાર્યક્રમમાં અંબોળામાં જેમ વેણીનાં ફૂલ હોય એમ જ્યોત્સનાબહેને મોગરાનાં ચાર-ચાર ફૂલ ભેગાં કર્યાં. સંસ્કારભૂમિ લેસ્ટરને આજીવન સિંચનારા ચંદુભાઈ મટાણીના સુપુત્ર હેમંતભાઈએ ખૂબ સુંદર કાર્ય કર્યું છે. જય-જય ગરવી ગુજરાત...
