દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવઃ સૌરાષ્ટ્રના 47 તાલુકામાં ઝાપટાં
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. સોમવારે સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં 7.72 ઇંચ ખાબક્યો હતો, જ્યારે વલસાડના પારડીમાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને 15 જેટલા રસ્તાઓ વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયા છે, જેને પગલે કેટલાક ગામોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. સોમવારે સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં 7.72 ઇંચ ખાબક્યો હતો, જ્યારે વલસાડના પારડીમાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને 15 જેટલા રસ્તાઓ વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયા છે, જેને પગલે કેટલાક ગામોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
આંકડાકીય વિગતો મુજબ સોમવારે નવસારીમાં 6.04 ઇંચ, ગણદેવીમાં 6.0 ઇંચ, ખેરગામમાં 4.56 ઇંચ, ચીખલીમાં 1.4 ઇંચ, વલસાડમાં 4.36 ઇંચ, ઉમરગામમાં 2.88 ઇંચ, વાપીમાં 2.60 ઇંચ, ધરમપુરમાં 2.48 ઇંચ, નાનાપોંઢામાં 2.08 ઇંચ, કપરાડામાં 1.36 ઇંચ અને સુરતના મહુવામાં 4.0 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણામાં 3.36 ઇંચ, બારડોલીમાં 2.20 ઇંચ, સુરત શહેરમાં 0.76 ઇંચ અને કામરેજમાં 0.68 ઇંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રના 47 તાલુકાઓમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી છે.
ગતવર્ષે 18 જુલાઈ સુધી ગુજરાતમાં સરેરાશ કુલ 433.31 મિ.મી. એટલે કે 48.62 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો, જ્યારે આ વખતે 241.43 મિ.મી. એટલે કે 26,56 ટકા જેટલો જ વરસાદ થયો છે. અર્થાત્ ગતવર્ષની સરખામણીએ 191.88 મિ.મી. વરસાદની ઘટ છે, જ્યારે વાવેતરમાં 21 ટકા જેટલી ઘટ જોવા મળી રહી છે.
