નદી-નહેરમાં સરકતી 129 વર્ષ જૂની બોટ પોસ્ટ સર્વિસ
ડિજિટલ યુગમાં જ્યાં મેસેજ મિલીસેકન્ડ્સમાં પહોંચી જાય છે, ત્યાં જર્મનીના સ્પ્રીવાલ્ડ વિસ્તારમાં આજે પણ જૂની પદ્ધતિ પર ભરોસો બરકરાર છે. આ વિસ્તારમાં એક અનોખી પોસ્ટ સર્વિસ ચાલી રહી છે, જે છેલ્લા 129 વર્ષથી બોટ દ્વારા પત્રો પહોંચાડે છે. વસંત ઋતુની શરૂઆત સાથે આ ઐતિહાસિક પોસ્ટકાન સર્વિસસ ફરીથી શરૂ થઈ છે.
બર્લિનઃ ડિજિટલ યુગમાં જ્યાં મેસેજ મિલીસેકન્ડ્સમાં પહોંચી જાય છે, ત્યાં જર્મનીના સ્પ્રીવાલ્ડ વિસ્તારમાં આજે પણ જૂની પદ્ધતિ પર ભરોસો બરકરાર છે. આ વિસ્તારમાં એક અનોખી પોસ્ટ સર્વિસ ચાલી રહી છે, જે છેલ્લા 129 વર્ષથી બોટ દ્વારા પત્રો પહોંચાડે છે. વસંત ઋતુની શરૂઆત સાથે આ ઐતિહાસિક પોસ્ટકાન સર્વિસસ ફરીથી શરૂ થઈ છે.
ડોયર્ચે-પોસ્ટ દ્વારા મેનેજ થતી આ પોસ્ટ સર્વિસ સ્પ્રીવાલ્ડના લેહડે ગામનાં રહેવાસીઓ માટે સંદેશાવ્યવહારનું મુખ્ય સાધન છે. આ વિસ્તારમાં લગભગ 65 જેટલા એવા ઘર છે જ્યાં સીધી રોડ સુવિધા નથી એટલે પોસ્ટ પહોંચાડવાનો એકમાત્ર રસ્તો નદી અને નહેરો છે. દર અઠવાડિયે બોટ દ્વારા 600થી વધુ પત્રો, પોસ્ટકાર્ડ અને રજિસ્ટર્ડ મેલની સાથે અંદાજે 80 પાર્સલ પહોંચાડવામાં આવે છે. શિયાળામાં આ વિસ્તાર બરફમાં થીજી જતો હોવાથી આ પોસ્ટલ સેવા માત્ર વસંતથી શરદ ઋતુ સુધી ચાલે છે.
પર્યાવરણને પ્રાધાન્ય
સ્પ્ર્રીવાલ્ડ વિસ્તાર નદી અને નહેરોથી ભરેલો છે. તે એક સંરક્ષિત બાયોસ્ફિયર વિસ્તાર તરીકે પણ ઓળખાય છે. અહીં પર્યાવરણનું ધ્યાનમાં રાખીને આધુનિક રોડ નેટવર્કનું વિસ્તરણ મર્યાદિત રાખવામાં આવ્યું છે. જેથી, આ બોટ પોસ્ટ સર્વિસ આજે પણ પ્રાસંગિક છે.
‘પોસ્ટકાન’ નામની બોટ સર્વિસ 1897થી ચાલી રહી છે. ફ્લેટ ડિઝાઈનવાળી બોટ ઓછી ઊંડાઈવાળા પાણીમાં સરળતાથી ચાલે છે. બોટ ચલાવનારા પોસ્ટ કર્મચારીઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે.
55 વર્ષીય પોસ્ટલ વર્કર એન્ડ્રીયા બુનાર કાર છોડીને હવે હોડી દ્વારા પત્રો પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. યુનેસ્કો હેરિટેજ લિસ્ટમાં સામેલ લેહડે ગામમાં રસ્તાઓ ન હોવાથી એપ્રિલથી ઓક્ટોબર સુધી હોડી દ્વારા જ ટપાલ અપાય છે. એન્ડ્રીયા દર સપ્તાહે અંદાજે 600 પત્રો અને 80 પેકેજ પહોંચાડે છે. 8 કિમી લાંબા જળમાર્ગ પર તેઓ જાતે હલેસાં મારીને હોડી ચલાવે છે. તેઓ આ કાર્યને પોતાની ‘ડ્રીમ જોબ’ ગણાવે છે.
પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર
સમયના વહેવા સાથે આ સર્વિસ હવે ફક્ત જરૂરિયાત પૂરતી મર્યાદિત નથી રહી. તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પણ બની ગઈ છે. વિશ્વભરના પ્રવાસીઓ અને ફોટોગ્રાફરો આ અનોખી પરંપરા જોવા માટે અહીં આવે છે. ઘણી વખત સ્થાનિક લોકો સાથે તેમના પાળતુ પ્રાણીઓ પણ બોટને આવકારવા પહોંચી જાય છે.
આધુનિકતા અને પરંપરા
આ પ્રદેશમાં આધુનિકતા વચ્ચે પરંપરાનો શ્રેષ્ઠ સમન્વય જોવા મળે છે. આજના આધુનિક સમયમાં જ્યાં ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે, ત્યાં સ્પ્રીવાલ્ડની આ બોટ પોસ્ટ સર્વિસ યાદ અપાવે છે કે ભૂગોળ અને પરંપરા હજુ પણ લોકોના દૈનિક જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રસ્તાઓ ભલે ન હોય, સંદેશાઓને કોઇ સીમાડા નડતા નથી.
