નોવાકના હત્યારા વિક્રમ દિગ્વાની માતા કિરણ કૌરને 3 વર્ષની કેદ
હેનરી નોવાકના હત્યારા વિક્રમ દિગ્વાની માતા કિરણ કૌરને અદાલતે હત્યામાં વપરાયેલ છરી છૂપાવીને મદદ કરવા માટે દોષી ઠેરવી 3 વર્ષની કેદ ફટકારી છે.
લંડનઃ હેનરી નોવાકના હત્યારા વિક્રમ દિગ્વાની માતા કિરણ કૌરને અદાલતે હત્યામાં વપરાયેલ છરી છૂપાવીને મદદ કરવા માટે દોષી ઠેરવી 3 વર્ષની કેદ ફટકારી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, કિરણ કૌર હત્યાના સ્થળે પહોંચ્યા હતા અને દિગ્વાએ હેનરી પર જેના વડે હુમલો કર્યો હતો તે 8 ઇંચની છરી પોતાની સાથે લઇ ગયા હતા અને પુત્રના બેડરૂમમાં હથિયારોના સંગ્રહમાં મૂકી દીધી હતી.
કિરણ કૌરને ત્રણ વર્ષની સજા સંભળાવતા જજ વિલિયમ મૌસલી કેસીએ જણાવ્યું હતું કે, એક જવાબદાર માતા-પિતા તરીકે તમારે તમારા પુત્રના કૃત્ય સામે સવાલ ઉઠાવવો જોઈતો હતો અને તેને સાચો રસ્તો પસંદ કરવા પ્રોત્સાહિત કરવો જોઈતો હતો. તેના બદલે તમે છરી ઘરે લઈ ગયા અને તેને તમારા પુત્રના બેડરૂમમાં ધાર્મિક અને અન્ય હથિયારોના મોટા સંગ્રહમાં છુપાવી દીધી. આ પગલાંથી તે હથિયાર કયા ગુનામાં વપરાયું હતું તે છુપાવવામાં મદદ મળી હોત.
