ભારતના વિદ્યાર્થી આંદોલનના યુકેમાં પડઘા, ડાયસ્પોરાનું સમર્થન
ભારતમાં મેડિકલ પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નીટમાં કથિત ગેરરીતિઓ અને નવી દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર થયેલા પોલીસ દમનના વિરોધમાં ભારતના વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપવા સોમવારે સાંજે સેન્ટ્રલ લંડન સ્થિત ભારતીય હાઈકમિશન બહાર સેંકડો પ્રવાસી ભારતીયો એકઠા થયા હતા
લંડનઃ ભારતમાં મેડિકલ પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નીટમાં કથિત ગેરરીતિઓ અને નવી દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર થયેલા પોલીસ દમનના વિરોધમાં ભારતના વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપવા સોમવારે સાંજે સેન્ટ્રલ લંડન સ્થિત ભારતીય હાઈકમિશન બહાર સેંકડો પ્રવાસી ભારતીયો એકઠા થયા હતા. આ વિરોધ પ્રદર્શનો માન્ચેસ્ટર, ગ્લાસગો અને એડિનબરોમાં પણ જોવા મળ્યા હતા, જ્યાં પ્રદર્શનકારીઓએ ભારતની શિક્ષણ વ્યવસ્થામાં સુધાર અને પારદર્શિતા લાવવાની માગ સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હાકલ કરી હતી.
સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા યુકેના સચિવ સોમિહા ચેટર્જીએ ભારતમાં ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓ પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું હતું અને પ્રદર્શનકારીઓ પર થઈ રહેલા પોલીસ અત્યાચારની સખત શબ્દોમાં નિંદા કરી હતી.
આ વિરોધ પ્રદર્શનનું આયોજન સાઉથ એશિયા સોલિડારિટી ગ્રુપ, SFI-UK અને ઈન્ડિયા વર્કર્સ એસોસિએશન (GB) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા હાઉસ બહાર એકઠા થયેલા દેખાવકારોએ "ઇન્કલાબ ઝિંદાબાદ" અને "પ્રધાન રાજીનામું આપો" જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
