ભારતીય ઉદ્યોગોની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં પણ વધારો કરશેઃ ભારતીય ઉદ્યોગ સંગઠનો
ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણી સંગઠનોએ યુકે સાથેના વેપાર કરારના અમલને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો. ફિક્કીના જનરલ સેક્રેટરી અનંત સ્વરૂપે જણાવ્યું હતું કે, આ વેપાર કરાર વૈશ્વિક વેલ્યુ ચેઈન્સમાં ભારતની ભાગીદારી વધારવામાં અને ઇનોવેશન આધારિત વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં લાંબાગાળાની ભુમિકા ભજવશે.
લંડનઃ ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણી સંગઠનોએ યુકે સાથેના વેપાર કરારના અમલને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો. ફિક્કીના જનરલ સેક્રેટરી અનંત સ્વરૂપે જણાવ્યું હતું કે, આ વેપાર કરાર વૈશ્વિક વેલ્યુ ચેઈન્સમાં ભારતની ભાગીદારી વધારવામાં અને ઇનોવેશન આધારિત વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં લાંબાગાળાની ભુમિકા ભજવશે. ઇનોવેશન, ટેકનોલોજી અને ટેલેન્ટ મોબિલિટીના ક્ષેત્રે પરસ્પર સહયોગ સરળ બનવાથી ભારતીય ઉદ્યોગોની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં પણ વધારો થશે.
એસોચેમના પ્રમુખ નિર્મલ કુમાર મિંડાએ જણાવ્યું હતું કે, આ કરાર ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ છે. તે વિશ્વની બે સૌથી જૂની લોકશાહીઓને એક વ્યાપક મુક્ત વ્યાપાર ભાગીદારી દ્વારા એકમંચ પર લાવે છે. આ ઐતિહાસિક પગલાથી ભારતના ટેક્સટાઈલ્સ, લેધર, મરીન પ્રોડક્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ અને કેમિકલ્સ જેવા ક્ષેત્રોને મોટો ફાયદો થવાની સંભાવના છે.
ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મોહિત સિંગલાએ પણ આ કરારના અમલીકરણને ભારતની સૌથી મહત્વપૂર્ણ આર્થિક ભાગીદારીઓ પૈકીની એકને મજબૂત કરતું સીમાચિહ્ન ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આ ઐતિહાસિક કરાર યુકેના બજારમાં ભારતીય નિકાસકારો માટે બહેતર માર્કેટ એક્સેસ, વધુ સુદ્રઢ અગમચેતી અને સમાન તકો પૂરી પાડીને ઉજ્જવળ સંભાવનાઓનું નવું પ્રકરણ શરૂ કરશે.
