યુગાન્ડાના સ્કૂલ બસ અકસ્માતમાં 21ના મોત
યુગાન્ડાની રાજધાની કમ્પાલાસ્થિત કિંગ ડેવિડ જુનિયર સ્કૂલના શૈક્ષણિક પ્રવાસે નીકળેલાં બાળકોની બસને કપચોરવા ડિસ્ટ્રિક્ટમાં 16 જુલાઈ, ગુરુવારની રાત્રે થયેલા ગંભીર અકસ્માતમાં 20 બાળકો અને એક પુખ્ત વ્યક્તિ સહિત 21 લોકોએ જાન ગુમાવ્યો હતો. સ્કૂલ બસ રોડ પરથી પલટી ખાઈ જવાના અકસ્માતમાં અનેક બાળકોને ઈજા પણ પહોંચી છે, જેમાંથી 9ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતના પગલે યુગાન્ડા સરકારે તમામ શૈક્ષણિક પ્રવાસો સસ્પેન્ડ કરવાના આદેશ જારી કર્યા છે.
કમ્પાલાઃ યુગાન્ડાની રાજધાની કમ્પાલાસ્થિત કિંગ ડેવિડ જુનિયર સ્કૂલના શૈક્ષણિક પ્રવાસે નીકળેલાં બાળકોની બસને કપચોરવા ડિસ્ટ્રિક્ટમાં 16 જુલાઈ, ગુરુવારની રાત્રે થયેલા ગંભીર અકસ્માતમાં 20 બાળકો અને એક પુખ્ત વ્યક્તિ સહિત 21 લોકોએ જાન ગુમાવ્યો હતો. સ્કૂલ બસ રોડ પરથી પલટી ખાઈ જવાના અકસ્માતમાં અનેક બાળકોને ઈજા પણ પહોંચી છે, જેમાંથી 9ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતના પગલે યુગાન્ડા સરકારે તમામ શૈક્ષણિક પ્રવાસો સસ્પેન્ડ કરવાના આદેશ જારી કર્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો પ્રખ્યાત પર્યટન સ્થળ સિપી ફોલ્સના શૈક્ષણિક પ્રવાસે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વેળાએ ડ્રાઈવરે મિકેનિકલ ફોલ્ટના લીધે વાહન પરનું નિયંત્રણ ગુમાવતા ગમખ્વાર અકસ્માત થયાની આશંકા છે. સ્થાનિક તંત્રે જણાવ્યા અનુસાર, મૃતક પુખ્ત વ્યક્તિ સ્કૂલના સ્થાપક અને સંચાલક હોવાનું મનાય છે.
યુગાન્ડાના એજ્યુકેશન મિનિસ્ટર જ્હોન ક્રીસોસ્ટોમે અકસ્માતની સંપૂર્ણ તપાસ કરી ન લેવાય ત્યાં સુધી શૈક્ષણિક પ્રવાસો પર કામચલાઉ પ્રતિબંધની જાહેરાત કરી જણાવ્યું હતું કે તાકીદના સાવચેતીના પગલાં તરીકે બાળકોની સલામતી મુદ્દે કશુંક કરવું આવશ્યક છે.
યુગાન્ડા સહિત ઘણા આફ્રિકાના દેશોમાં ખરાબ રસ્તા, વાહનોની અપૂરતી જાળવણી અને વધુ પડતી ઝડપ સહિતના કારણોસર માર્ગ અકસ્માતો ગંભીર સમસ્યા છે.વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા અનુસાર, રોડ સેફ્ટીની બાબતમાં આફ્રિકાની સ્થિતિ દુનિયામાં સૌથી ખરાબ મનાય છે. આફ્રિકા ખંડમાં દર વર્ષે ત્રણ લાખથી વધુ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થાય છે.
