સાદિક ખાન સહિત 16 લેબર નેતાને હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન
વડાપ્રધાનપદેથી વિદાયના ગણતરીના દિવસો પૂર્વે સર કેર સ્ટાર્મરે લંડનના મેયર સાદિક ખાન સહિત 16 વરિષ્ઠ લેબર નેતાને પ્રતિષ્ઠિત પીઅરેજ સન્માન એનાયત કરી હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન આપવાની જાહેરાત કરી છે.
લંડનઃ વડાપ્રધાનપદેથી વિદાયના ગણતરીના દિવસો પૂર્વે સર કેર સ્ટાર્મરે લંડનના મેયર સાદિક ખાન સહિત 16 વરિષ્ઠ લેબર નેતાને પ્રતિષ્ઠિત પીઅરેજ સન્માન એનાયત કરી હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન આપવાની જાહેરાત કરી છે. આ ચર્ચાસ્પદ બનેલા નિર્ણયમાં સર સાદિક ખાન હાઉસ ઓફ લોર્ડમાં પ્રવેશ મેળવ્યા બાદ પણ લંડનના મેયર તરીકેનો પોતાનો હોદ્દો યથાવત રાખશે. જોક તેઓ આગામી વડાપ્રધાન એન્ડી બર્નહામના વહીવટીતંત્રમાં કોઈ મંત્રીપદ સ્વીકારશે નહીં. હાઉસ ઓફ લોર્ડમાં સ્થાન મેળવનારા 26 સભ્યોમાં લિબરલ ડેમોક્રેટના 5, કન્ઝર્વેટિવના 3 અને બે અપક્ષ નેતાનો પણ સમાવેશ થાય છે.
કન્ઝર્વેટિવ પીઅરેજમાં સ્વર્ણ સિંહ નોમિનેટ
સાયકિયાટ્રીના ફિલ્ડમાં ભારતીય મૂળના અગ્રણી શિક્ષણવિદ્દ સ્વર્ણ સિંહને કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા પીઅરેજ માટે નોમિનેટ કરાયાં છે. વોરવિક યુનિવર્સિટી ખાતે સોશિયલ એન્ડ કોમ્યુનિટી સાયકિયાટ્રીના પ્રોફેસર સ્વર્ણ સિંહ કોવેન્ટ્રી અને વોર્વિકશાયર એનએચએસ ટ્રસ્ટ ખાતે કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ તરીકે સેવા આપે છે. સ્વર્ણ સિંહે કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઇસ્લામોફોબિયા સહિતના પક્ષપાત અંગે સ્વતંત્ર તપાસ કરી હતી અને તેને સિંહ ઇન્વેસ્ટિગેશન તરીકે ઓળખવામાં આવે છે. યુકે આવતા પહેલાં સિંહએ નવી દિલ્હીમાં સર્જન તરીકે તાલીમ લીધી હતી. 1991માં યુકે આવ્યા બાદ તેમણે વંશીય પ્રભાવોની માનસિક આરોગ્ય પર અસરો અંગે રિસર્ચ કર્યું હતું.
