એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ
ભારતના ડૉ. બિમલ પટેલ ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી (ITLOS) ના ન્યાયાધીશ તરીકે ચૂંટાયા છે. સંયુક્ત રાષ્ટ્રના કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સીના સભ્ય દેશો દ્વારા ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ તેઓ આગામી સપ્ટેમ્બર મહિનામાં ટ્રિબ્યુનલમાં પોતાનો કાર્યકાળ સંભાળશે.
બિમલ પટેલ ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સીના ન્યાયાધીશ તરીકે ચૂંટાયા
ન્યૂયોર્કઃ ભારતના ડૉ. બિમલ પટેલ ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી (ITLOS) ના ન્યાયાધીશ તરીકે ચૂંટાયા છે. સંયુક્ત રાષ્ટ્રના કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સીના સભ્ય દેશો દ્વારા ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ તેઓ આગામી સપ્ટેમ્બર મહિનામાં ટ્રિબ્યુનલમાં પોતાનો કાર્યકાળ સંભાળશે. ડૉ. બિમલ પટેલની આ પસંદગી સાથે જ આ વૈશ્વિક ટ્રિબ્યુનલમાં ભારતનું પ્રતિનિધિત્વ યથાવત રહેશે. હાલમાં ભારતના નીરુ ચઢ્ઢા આ ટ્રિબ્યુનલના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. તેમનો નવ વર્ષનો કાર્યકાળ આગામી સપ્ટેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાત ડૉ. બિમલ પટેલ હાલમાં સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય કાયદા પંચના સભ્ય છે અને ગુજરાતની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે કાર્યરત છે. આ ઉપરાંત, તેઓ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં પણ સભ્યપદ ધરાવે છે. તેમણે નેધરલેન્ડ્સની લેઇડન યુનિવર્સિટી અને જયપુર નેશનલ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય કાયદા વિષયમાં પીએચ.ડી. ની પદવીઓ મેળવેલી છે.
0000000000000000000000000000000000000000000000000000000000
ક્રેડના સ્થાપક કુણાલ શાહ વૈશ્વિક સ્તરે વોટ્સએપનું નેતૃત્વ કરશે
કેલિફોર્નિયાઃ મેટા પ્લેટફોર્મ્સે ફાઇનાન્શિયલ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ 'ક્રેડ' ના સીરીઝ H ફંડિંગ રાઉન્ડના ભાગરૂપે 900 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આ સોદાના ભાગરૂપે ક્રેડના સ્થાપક કુણાલ શાહની વોટ્સએપના નવા વૈશ્વિક વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ છેલ્લા સાત વર્ષથી આ લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મનું નેતૃત્વ કરનાર વિલ કેથકાર્ટનું સ્થાન લેશે. કરારની શરતો અનુસાર મેટા કંપની ક્રેડમાં આશરે 20 ટકા જેટલો માઇનોરિટી હિસ્સો હસ્તગત કરશે. આ રોકાણ સાથે ક્રેડનું પોસ્ટ-મની મૂલ્યાંકન 4.5 અબજ ડોલર પર પહોંચી ગયું છે. આ ફંડિંગ પ્રાઇમરી અને સેકન્ડરી શેરની ખરીદીના સંયોજન સ્વરૂપે કરવામાં આવ્યું છે. આ નવી જવાબદારી સાથે કુણાલ શાહ ક્રેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરપદેથી મુક્ત થશે અને મેટાની વૈશ્વિક લીડરશિપ ટીમમાં જોડાશે. તેઓ વિલ કેથકાર્ટ પાસેથી કાર્યભાર સંભાળશે. મેટાના જણાવ્યા અનુસાર કુણાલ શાહ વોટ્સએપને તેના આગામી વિકાસના તબક્કા તરફ દોરી જવા માટે જવાબદાર રહેશે. તેમની મુખ્ય પ્રાથમિકતા જાહેરાતો અને સબ્સ્ક્રિપ્શન પ્રોડક્ટ્સ દ્વારા પ્લેટફોર્મની આવકમાં વૃદ્ધિ કરવાની તેમજ વોટ્સએપમાં AI એજન્ટોને સંકલિત કરવાની રહેશે.
0000000000000000000000000000000000000000000000000000000000
ન્યૂયોર્કમાં માતાને બચાવવાના પ્રયાસમાં ઘોડાગાડીમાંથી પટકાતાં રોમાંચ મહાજનનું મોત
ન્યૂયોર્કઃ ન્યૂયોર્કના પ્રખ્યાત સેન્ટ્રલ પાર્કમાં પોતાની માતાનો જીવ બચાવવાના પ્રયાસમાં 18 વર્ષીય ભારતીય યુવક રોમાંચ મહાજનનું ઘોડાગાડીમાંથી નીચે પટકાતાં કરુણ મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવાર ઘોડાગાડીની સવારી માણી રહ્યો હતો અને તેનો ચાલક ગ્રુપ ફોટોગ્રાફ લેવા માટે ગાડીથી થોડો દૂર ગયો એ જ ક્ષણે ઘોડો અચાનક ભડક્યો હતો અને દોડવા લાગ્યો હતો. જે બાદમાં અન્ય એક ઘોડાગાડી સાથે અથડાઈને પલટી મારી ગયો હતો. તે દરમિયાન રોમાંચે નીચે પડતી માતાને બચાવવા કૂદકો માર્યો હતો. આ પ્રયાસમાં તેના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેને તાત્કાલિક ન્યૂયોર્ક પ્રિસ્બિટેરિયન વેઇલ કોર્નેલ મેડિકલ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં મોડી રાત્રે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારના અન્ય સભ્યોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. મહાજન પરિવાર રોમાંચના હાઈસ્કૂલ ગ્રેજ્યુએશનની ઉજવણી નિમિત્તે ભારતથી ન્યૂયોર્ક રજાઓ ગાળવા આવ્યો હતો.
0000000000000000000000000000000000000000000000000000000000
વોશિંગ્ટન ડીસીની વોર્ડ ડેમોક્રેટ પ્રાયમરીમાં અપર્ણા રાજેનો વિજય
વોશિંગ્ટનઃ પ્રથમવાર ચૂંટણી લડી રહેલા એનઆરઆઇ પરિવારના પુત્રી અપર્ણા રાજે વોશિંગ્ટન ડીસીમાં વોર્ડ નંબર 1ની કાઉન્સિલ સીટ માટે ડેમોક્રેટિક પ્રાયમરીમાં વિજયી થયાં છે. અપર્ણા રાજે 52 ટકા મત મેળવીને હવે ડીસી કાઉન્સિલની સૌથી યુવા સભ્ય તરીકે ચૂંટાઇ આવવાની તૈયારી કરી રહ્યાં છે. પ્રોગ્રેસિવ એડવોકેસી ગ્રુપમાં કોમ્યુનિકેશન્સ મેનેજર તરીકે કાર્યરત અપર્ણા રાજેએ રાજકીય કારકિર્દીનો પ્રારંભ ભાડૂઆતોના અધઇકારો માટે કામ કરનારા આયોજક તરીકે કર્યો હતો. અપર્ણા પોતે પણ ભાડાના મકાનમાં રહે છે.
0000000000000000000000000000000000000000000000000000000000
કેલિફોર્નિયામાં ફોટો લેવાના ચક્કરમાં નદીમાં ડૂબી જતાં ગુજરાતી દંપતીનું મોત
સેન માટેઓઃ અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં વેકેશન માણવા ગયેલા ગુજરાતી દંપતી પાર્થ પટેલ અને ધરતી પટેલનું નદીમાં ડૂબી જવાના કારણ મોત થયું હતું. સેન માટેઓના રહેવાસી એવું આ દંપતી મેમોરિયલ ડે હોલી ડે નિમિત્તે કિંગ્સ કેન્યોન નેશનલ પાર્કની મુલાકાતે ગયું હતું. રોઅરિંગ રિવર ફોલ્સમાં ડૂબી જતાં તેમના મોત થયાં હતાં. ધરતી પટેલ 40 ફુટ ઉંચા ધોધ પાસે ફોટોગ્રાફ લેવાનો પ્રયાસ કરતી હતી ત્યારે તે પથ્થર પરથી લપસી જતાં ડૂબવા લાગી હતી. પાર્થ પટેલ તેને બચાવવા કૂદી પડ્યો હતો પરંતુ બંનેમાંથી એકને પણ તરતાં ન આવડતું હોવાથી ગણતરીની સેકન્ડોમાં ડૂબી ગયાં હતાં.
0000000000000000000000000000000000000000000000000000000000
ટેક્સાસમાં ભારતીય યુવકે માતા, પિતા અને દાદીની ગોળી મારી હત્યા કરી
ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસમાં 19 વર્ષીય પુત્રએ માતા, પિતા અને દાદીની ગોળી મારી હત્યા કરી નાખી હતી. ઝડપાયેલ આરોપી ગૌરવ ચોપરા ભારતના પંજાબના નવાશહરના લખપુર ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. હિડાલ્ગો કાઉન્ટી શેરિફના જણાવ્યા અનુસાર ગૌરવ ચોપરાએ પિતા સ્વીતા રામ, માતા કમલેશ રાની અને દાદી મિંદર કૌરની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ગૌરવે કરેલા અંધાધૂંધ ગોળીબારમાં તેના સગા ભાઇનો આબાદ બચાવ થયો હતો. હત્યા બાદ નાસી રહેલા ગૌરવે માર્ગ અકસ્માત સર્જતાં પોલીસે ઝડપી લીધો હતો.
0000000000000000000000000000000000000000000000000000000000
ફ્લોરિડાના સ્ટોરમાંથી 41,500 ડોલરના કપડાંની ચોરીના આરોપસર ધીર પટેલની ધરપકડ
ફ્લોરિડાઃ ફ્લોરિડામાં ધીર પટેલ નામના એક ગુજરાતી યુવકની સ્ટોરમાંથી 41,500 ડોલરના ડિઝાઇનર કપડાંની ચોરીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ રિપોર્ટ અનુસાર ધીર પટેલની આ કરતૂત સ્ટોરના સીસીટીવી કેમેરામાં પણ કેપ્ચર થઈ હતી. આરોપીએ 30 માર્ચથી ચોરીનો સિલસિલો શરૂ કર્યો હતો જે ગત સોમવાર સુધી ચાલ્યો હતો. નવાઈની વાત એ છે કે આરોપી જે આઈટમ્સની ચોરી કરતો હતો તેને પાછી તે જ સ્ટોરમાં વેચવા માટે પણ જતો હતો અને ત્યારે પણ હાથફેરો કરી આવતો હતો. સ્ટોરના માલિકે જણાવ્યું હતું કે, ધીર પટેલે તેને ત્યાંથી સવા બે મહિનાના ગાળામાં હજારો ડોલરના કપડાં ચોર્યા છે. શરૂઆતમાં તો તેણે કરેલી કથિત ચોરીનો આંકડો 41,550 ડોલર જેટલો થતો હતો પરંતુ તેનો ફાઈનલ હિસાબ કરાયો ત્યારે ચોરીની રકમ વધીને 60 હજાર ડોલર સુધી પહોંચી ગઈ હતી. આ સ્ટોર રેર લક્ઝરી ક્લોધિંગ, બેગ્સ, એક્સેસરી, જ્વેલરી અને વૉચ સહિતની આઈટમ્સ વેચે છે.
0000000000000000000000000000000000000000000000000000000000
મિઝુરી પ્લેન ક્રેશમાં ભારતીય એન્જિનિયર સાંઇ કાર્તિક વર્માનું પણ મોત
મિઝુરીઃ અમેરિકાના મિઝુરીમાં ગયા રવિવારે સવારે સર્જાયેલા એક ભયાનક વિમાન અકસ્માતમાં જીવ ગુમાવનાર 12 કમનસીબ લોકોમાં એક ભારતીય સોફ્ટવેર એન્જિનિયર સાંઇ કાર્તિક વર્મા પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. બેટ્સ કાઉન્ટી કોરોનર ઓફિસ દ્વારા મંગળવારે બપોરે જાહેર કરાયેલી સત્તાવાર યાદીમાં મૃતકની ઓળખ 24 વર્ષીય સાંઇ કાર્તિક વર્મા દાતલા તરીકે થઇ છે. આ અકસ્માત રવિવારે સવારે આશરે 11:30 વાગ્યા પહેલાં બટલર મેમોરિયલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તુરંત જ સર્જાયો હતો.
0000000000000000000000000000000000000000000000000000000000
કેનેડા-યુએસ પર ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ઘૂસાડતા ચેતન કુમારની ધરપકડ
બ્રેમ્પટનઃ કેનેડા-યુએસ સરહદેથી ગેરકાયદેસર રીતે માઇગ્રન્ટ્સની ઘૂસણખોરી કરાવવાના આરોપસર બ્રેમ્પટનના 24 વર્ષીય ચેતન કુમારની ધરપકડ કરવામાં આવી છે. ક્વિબેકના મોન્ટેરેગી વિસ્તારમાં આ શંકાસ્પદ માનવ તસ્કરને રોકવાનો પ્રયાસ કરી રહેલા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના એક અધિકારી પર વાહન ચડાવી દેવાતા તેઓ ઘાયલ થયા હતા જેના પગલે આરોપી સામે અનેક ગંભીર ફોજદારી ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક નોયાન વિસ્તારમાં વહીવટીતંત્રે હાથ ધરેલા એક સર્ચ ઓપરેશન બાદ આરોપી ચેતન કુમારની ધરપકડ કરવામાં આવી હતી. બ્રેમ્પટનના ચેતન કુમાર સામે પોલીસ કર્મચારી પર હુમલો કરવાના બે ગુના, ખતરનાક રીતે વાહન ચલાવવા અને અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ભાગી જવાના આરોપો હેઠળ ગુનો નોંધી તેને હાલ ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
0000000000000000000000000000000000000000000000000000000000
ઓસ્ટ્રેલિયામાં નદીમાં ડૂબી જવાથી ગુજરાતી પિતા અને પુત્રીના મોત
સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં સેટલ થયેલા મૌલિક ધંધુકિયા અને તેમની છ વર્ષની દીકરીનું પેરમાટા નદીમાં ડૂબી જવાથી મોત થયાં હતાં. બંને પિતા-પુત્રી બોટિંગ કરવા નીકળ્યાં હતા પરંતુ તેના ગણતરીના સમયમાં જ મૌલિકનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મૌલિકને પૈસે-ટકે કોઈ તકલીફ નહોતી પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ પોતાની હેલ્થને લઈને ખૂબ જ તણાવમાં રહેતા હતા. પ્રારંભિક તપાસમાં શંકા વ્યક્ત કરાઇ છે કે મૌલિકે આત્મહત્યા કરી છે અને અંતિમ પગલું ભરતાં પહેલા મૌલિકે દીકરીની હત્યા કરી હતી. આ ગોઝારી ઘટના બાદ દીકરી અને પતિ સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતા પ્રિતીબેન ધંધૂકિયા હવે એકલા પડી ગયા છે.
0000000000000000000000000000000000000000000000000000000000
આસ્ટ્રેલિયન સ્પેસ પ્રોગ્રામની પ્રથમ બેચના સ્નાતકોમાં નંદિની પુરોહિતનો સમાવેશ
સિડનીઃ ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના સર્વપ્રથમ સ્પેસ ઇનિશિયલ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ તાલીમ મેળવનારા અધિકારીઓની પ્રથમ બેચમાં ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન સૈન્ય અધિકારી નંદિની રાજપુરોહિતે સફળતાપૂર્વક સ્નાતક પદવી મેળવી છે. ફ્લાઈંગ ઓફિસર રાજપુરોહિત સ્પેસ ઓપરેશન્સ ઓફિસર તરીકે આ કોર્સ પૂર્ણ કરનારા 16 અધિકારીઓમાં સામેલ છે. તેઓ આગામી સમયમાં 1 સ્પેસ સર્વેલન્સ યુનિટ ખાતે ઓપરેશનલ ભૂમિકામાં કાર્યરત થશે. આ અગાઉ તેઓ રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સના મુખ્યાલયમાં પર્સનલ કેપેબિલિટી ઓફિસર તરીકે નિયુક્ત હતા. કોમ્પ્યુટર સાયન્સ, ગણિત અને સ્ટેટિસ્ટિક્સ STEM વિષયોમાં તેમની મજબૂત પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને તેમને સ્પેસ ઓપરેશન્સ વિભાગમાં મોકલવામાં આવ્યા છે.
0000000000000000000000000000000000000000000000000000000000
