દક્ષિણ ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો

સમગ્ર વિશ્વમાં સોનાની વધતી માંગ અને આભને આંબતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાનો એક મોટો ખજાનો હાથ લાગ્યો છે. દક્ષિણ ભારતીય રાજ્ય આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા જોન્નાગિરી ગામના પેટાળમાં અંદાજે 50 ટન સોનાનો ભંડાર હોવાની પુષ્ટિ થઈ છે. આ મોટી શોધના પગલે આંધ્રપ્રદેશ આગામી થોડા જ વર્ષોમાં દેશમાં સોનાનું સૌથી મોટા સપ્લાયર બનીને ઉભરી શકે છે. આનાથી દેશમાં ન માત્ર સોનાનું સ્થાનિક ઉત્પાદન વધશે, પરંતુ સોનાની આયાત (ઇમ્પોર્ટ) પર ભારતની નિર્ભરતા પણ ઘટશે.
નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં સોનાની વધતી માંગ અને આભને આંબતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાનો એક મોટો ખજાનો હાથ લાગ્યો છે. દક્ષિણ ભારતીય રાજ્ય આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા જોન્નાગિરી ગામના પેટાળમાં અંદાજે 50 ટન સોનાનો ભંડાર હોવાની પુષ્ટિ થઈ છે. આ મોટી શોધના પગલે આંધ્રપ્રદેશ આગામી થોડા જ વર્ષોમાં દેશમાં સોનાનું સૌથી મોટા સપ્લાયર બનીને ઉભરી શકે છે. આનાથી દેશમાં ન માત્ર સોનાનું સ્થાનિક ઉત્પાદન વધશે, પરંતુ સોનાની આયાત (ઇમ્પોર્ટ) પર ભારતની નિર્ભરતા પણ ઘટશે.
માઇન્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ કુમાર મીણાએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, એકલા જોન્નાગિરીમાં જ અંદાજે 50 ટન સોનું મોજૂદ હોવાનો અંદાજ છે. સ્થાનિક બજારમાં આ સોનાની અંદાજિત કિંમત આશરે 7,500 કરોડથી લઈને 9,000 કરોડની વચ્ચે હોવાનું મનાય છે. લગભગ એક દાયકા પહેલા આ ગામમાં માઇનિંગ માટે 1,500 એકર જમીન ફાળવવામાં આવી હતી. હાલમાં માત્ર 500 એકર જમીન પર જ ખોદકામ અને સંશોધન થયું છે, જેમાં 13 ટન સોનાનો અંદાજ મળ્યો છે અને બાકીની 1,000 એકર જમીન પર શોધખોળ થતાં આ આંકડો 50 ટન સુધી પહોંચી જશે. રાજ્ય સરકાર આ ખનિજ-સમૃદ્ધ વિસ્તારોના વધુ વિકાસ માટે પ્લાનિંગ કરી રહી છે.
મુકેશ કુમાર મીણાના જણાવ્યા અનુસાર, સોનાની માઇનિંગ માટે જોન્નાગિરી ઉપરાંત અન્ય ચાર સંભવિત સ્થળો પણ અલગ તારવવામાં આવ્યા છે. આ સ્થળોમાં રામાગિરી, જવ્વકુલા, ચિગુરુકુંટા અને બિસ્નાટમનો સમાવેશ થાય છે. સોનાની માઇનિંગ કામગીરી એ જંગી મૂડીરોકાણ અને અત્યાધુનિક ટેક્નોલૉજી માંગી લેતું કામ હોવાથી, સરકારે પારદર્શક ટેન્ડર પ્રક્રિયાના માધ્યમથી આ માઇનિંગ રાઇટ્સ ખાનગી પ્લેયર્સને સોંપ્યા છે.
આ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ અને ભારતની માઇનિંગ મહત્ત્વાકાંક્ષાઓ માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે. જોન્નાગિરી ગોલ્ડ પ્રોજેક્ટમાં કોમર્શિયલ પ્રોડક્શન (વ્યાપારી ઉત્પાદન)ની પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દેવામાં આવી છે. સંભવતઃ ચાલુ મહિનાના અંતમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ આ જોન્નાગિરી ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે તેમ મનાય છે.
