ભારતના ભાગલાના સ્વીકારનો કમનસીબ દિવસ...
કેટલાક દિવસો સમાજ અને દેશને માટે નિર્ણાયક બની જતા હોય છે. યુદ્ધોમાં હાર કે જીત એવી ઘટના હોય છે, પણ કોઈ એક ઇમારતમાં બેસીને થોડાક નેતાઓ પોતાના વર્તમાન અને ભવિષ્યને અસર કરતો કોઈ દુર્ભાગી નિર્ણય લે તે સૌથી વધુ ઐતિહાસિક કરુણાંતિકાનો દિવસ છે. 14-15 જૂન એવો જ એક દિવસ હતો.
કેટલાક દિવસો સમાજ અને દેશને માટે નિર્ણાયક બની જતા હોય છે. યુદ્ધોમાં હાર કે જીત એવી ઘટના હોય છે, પણ કોઈ એક ઇમારતમાં બેસીને થોડાક નેતાઓ પોતાના વર્તમાન અને ભવિષ્યને અસર કરતો કોઈ દુર્ભાગી નિર્ણય લે તે સૌથી વધુ ઐતિહાસિક કરુણાંતિકાનો દિવસ છે.
14-15 જૂન એવો જ એક દિવસ હતો.
તેનાં વિશે અને તે પછીના નિર્ણયો વિશે અનેક ઇતિહાસકારો, સમીક્ષકો અને રાજનેતાઓએ પુસ્તકો લખ્યાં, નિવેદનો કર્યાં, વિશ્લેષણ કર્યું. તે દિવસે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઇ. લોર્ડ માઉન્ટબેટને ત્રીજી જૂન બ્રિટિશ સરકાર તરફથી ભારતના ભાગલાની જાહેરાત કરી દીધી અને સર વિસ્કાઉંટ સિરિલ રેડકલીફ નામના બ્રિટિશ મહાનુભાવને ભારતના વિભાજનનો નકશો તૈયાર કરવા, તેમજ બે અલગ દેશોની વિભાજન રેખા તૈયાર કરવા માટે નિયુક્ત કર્યા. આ સજ્જને ભારત આ પહેલાં જોયું નહોતું, ભારતની ભૂગોળ કે ઇતિહાસની કોઈ ખબર નહોતી, પણ કોંગ્રેસના નેતાઓ અને મુસ્લિમ લીગ તેમજ લોર્ડ માઉન્ટબેટનને ‘કોઈક’ ઉતાવળ હતી તેમ તત્કાલીન પ્રતિક્રિયાઓમાં નોંધાયું છે.
લીઓનાર્દ મોસલેના પુસ્તક ‘ધ લાસ્ટ ડેઝ ઓફ બ્રિટિશ રાજ’માં લેખકે જ્યારે જવાહરલાલ નેહરુને પૂછ્યું કે તમે વિભાજનને કેમ સ્વીકાર્યું? તેનો જવાબ હતો: ‘અમે લોકો થાકી ગયા હતા, અમારામાંથી બહુ થોડા લોકો ફરીવાર જેલ જવા માટે તૈયાર ન હતા. જો અમે અમારા સ્વપ્ન માટે, અખંડ ભારત માટે દૃઢ રહ્યા તો અમોને ફરીવાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હોત. પંજાબમાં ગોળી ચાલી રહી હતી, અને હત્યાઓની વાતો સાંભળવા મળતી હતી. વિભાજનની યોજનામાં અમને એક ઉપાય દેખાયો અને અમે તે સ્વીકારી લીધો. અમારું માનવું હતું કે આ ભાગલા અસ્થાયી હશે, કેમ કે પાકિસ્તાને મજબૂરીની સાથે અમારી સાથે પાછા ફરવું પડશે.’ મહાપુરુષો પણ કોઇકવાર કેવી ભ્રમણા અને આત્મવંચનાનો ભોગ બનતા હોય છે!
લોર્ડ માઉન્ટબેટનને ઉતાવળ એ હતી કે પોતે ભારતની સ્વતંત્રતાનું ‘મહાન’ કામ કરવાનો યશ લઈ શકે. તેનો સ્વભાવ જ બધી બાબતોમાં પોતાને યશ મળે તેવો હતો. શરૂઆતમાં 15 ઓગસ્ટ સ્વતંત્રતા માટેનો દિવસ નક્કી થાય એવી કોઈ યોજના નહોતી. માઉન્ટબેટને પંદરમી એટલા માટે પસંદ કરી કેમ કે તે દિવસે જાપાને મિત્ર દેશોની સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. આઝાદ હિન્દ ફોજના નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિતના સૈનિક નેતાઓને યુદ્ધના અપરાધી જાહેર કરવામાં આવ્યા હતાં, સુભાષ બ્રિટિશરોની ‘બહાદુર’ ફોજની આંખમાં ધૂળ નાખીને છટકી ગયા હતાં. બીજાઓ પર દિલ્હીના લાલ કિલ્લામાં (કે જ્યાં 1857ના વિપ્લવ નેતા બહાદુરશાહ ઝફર પર મુકદ્દમો ચલાવાયો હતો ત્યાં) કેસ ચલાવીને બ્રિટિશરોની સામે માથું ઊંચકવાની સજા કેવી હોય તેનો બોધપાઠ આપવા માંગતા હતાં, પણ ભીતરમાં ડરી ગયા હતાં. વડાપ્રધાન અર્લ એટલીએ તો સ્વીકાર્યું પણ ખરું કે ભારતના સૈન્ય અને નૌસેના પર બ્રિટિશ સત્તાને હવે વિશ્વાસ રહ્યો નહોતો, નેતાજીની ફોજ તેનું ઉદાહરણ હતી, પછી નૌકાદળમાં પણ સૈનિકોએ સ્વતંત્રતા માટે હથિયાર ઉઠાવ્યા એટલે ભારત છોડી જવાનો નિર્ણય બ્રિટિશરોએ લીધો. ગાંધીનો અને અસહકાર લડતનો પ્રભાવ કે કારણ તો તદ્દન ‘મિનિમલ’ હતાં. (રેવા ચેટરજીનાં પુસ્તક ‘નેતાજી બોઝઃ બેંગાલ, રિવોલ્યુશન એન્ડ ઇન્ડિપેનડેન્સ’માં આ પ્રસંગ વિગતે આપવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના ગવર્નર પી.વી. ચક્રવર્તીએ વડાપ્રધાન અર્લ એટલી સાથે વાર્તાલાપ કર્યો તેની વિગતો છે.
14-15 જૂન, 1947ની કોંગ્રેસ કારોબારીની વિશેષ બેઠકમાં શું થયું? વિભાજનનો વિરોધ સિંધના ચૌથરામ ગિદવાણીએ કર્યો, ને કહ્યું કે ઝીણા અને લીગને લીધે હિંસા થઈ તેની સામે આપણે શરણાગતિ સ્વીકારી લીધી છે. પુરુષોત્તમદાસ ટંડનનો વિરોધ પ્રખર હતો, તાર્કિક હતો. રૂંધાયેલા ગળે સંવેદનપૂર્વક બોલ્યાઃ ‘આ પ્રસ્તાવ કમજોરી અને નિરાશા દર્શાવે છે. નેહરુ સરકાર મુસ્લિમ લીગના આતંકી પ્રયાસોની સામે સાહસ ખોઈ બેઠી છે. ભાગલાનો સ્વીકાર એક ગદ્દારી હશે, આત્મસમર્પણ બનશે. અખંડ ભારતને માટે હજુ થોડા સમય માટે બ્રિટિશ રાજને સહન કરી લઈએ. આપણે દેશ-રક્ષા માટે સજ્જ રહીએ. જરૂર પડે તો બ્રિટિશ રાજ અને મુસ્લિમ લીગ બંનેની સામે લડવા તત્પર રહીએ.’ તેમના ભાષણને તાલીઓથી વધાવી લેવાયું. જયપ્રકાશ નારાયણ અને ડો. રામ મનોહર લોહિયાએ દૃઢતાથી સવાલો ઉઠાવ્યા, પણ જવાબ કોણ આપે? ડો. લોહિયાએ એક પુસ્તિકામાં ‘ગિલ્ટી મેન ઓફ 1947’માં તેનું વિગતે વર્ણન કર્યું છેઃ ‘કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદ આ નાનકડા કમરામાં એક ખૂણે સિગરેટ ફૂંકતા રહ્યા, એક શબ્દ પણ બોલ્યા નહિ. કદાચ બોલવામાં કોઈ તકલીફ પડી રહી હતી. વિભાજિત ભારતમાં તેઓ એક દસક સુધી મંત્રી પણ રહ્યા. વિભાજનના તે વિરોધી હતા પણ, વલણમાં બેવડી માનસિકતા હતી. આચાર્ય કૃપલાણીની આકૃતિ તો દયનીય હતી. આ બેઠકમાં તેઓ તકિયાના ટેકે ઊંઘી રહ્યા હોય તેવું દેખાતું હતું. ગાંધીજીએ વક્તવ્યમાં એક જગ્યાએ તેમના વિશે સંદર્ભ આપ્યો ત્યારે મેં (લોહિયાએ) કૃપલાણીનો હાથ પકડીને ઝકઝોર્યા, ત્યારે તેમણે કહ્યું કે તેઓ માથાના દુખાવાથી પરેશાન છે. ભાગલાના વિરોધમાં હતાં પણ ઢળતી ઉંમર અને બીમારીને લીધે થાક તેમજ નિરાશા તેમના પર હાવી થઈ ગયા હતાં.’
ખાન અબ્દુલ્લ ગફારખાન માત્ર બે વાક્યો બોલ્યા. તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે ‘સાથીદારોએ ભાગલાને સ્વીકાર્યા. અમારા પર મહેરબાની કરો કે અમે પશ્ચિમી સીમાના લોકો ભારત કે પાકિસ્તાન પસંદ કરવાની આઝાદી ધરાવીએ છીએ કે નહિ એ તો જણાવો.’
લોહિયા નોંધે છે, ‘જયપ્રકાશે સંક્ષેપમાં પણ, નિશ્ચિત આલોચના કરી. બીજી બેઠકોમાં ચૂપ રહ્યા. તેમનું ચરિત્ર કોઈ પણ પ્રસંગે સ્વસ્થ પ્રતિક્રિયા પર અધિક સાવધાનીનું મિશ્રણ હોય છે, તેનો મને ભારે ગુસ્સો છે. ગાંધીજીએ પોતાના ભાષણમાં કહ્યું કે વિભાજનની યોજનામાં પ્રતિબદ્ધ થવા પૂર્વે તમે મને કેમ જણાવ્યું નહીં? તેમનો સંકેત નેહરુ-સરદાર તરફ હતો. નેહરુએ દરમિયાનગીરી કરીને ખુલાસો કર્યો કે અમે તમને પૂરેપૂરા માહિતગાર કર્યા હતા. ગાંધીજીએ તેનો જવાબ નકારમાં આપ્યો તો નેહરુએ વળી કહ્યું કે આપ નોઆખલી હતાં, દિલ્હીથી દૂર એટલે વિસ્તૃત જાણકારી આપી શકાઈ નહિ હોય. મેં પત્રમાં તો લખ્યું હતું. મને આમાં ગાંધીજીની તરફેણમાં રહેવું યોગ્ય લાગે છે. નેહરુ અને સરદારે સામાન્ય રીતે નક્કી કરી લીધું હશે કે કામ નિશ્ચિત થઈ જાય તે પહેલાં ગાંધીજીને જણાવવું ઠીક નહીં રહે. સીમાંત ગાંધીના ભાઈ ડોક્ટર ખાનસાહેબે વિભાજનના પ્રસ્તાવને એકદમ અવ્યવહારુ ગણાવ્યો. મેં (લોહિયાએ) ઉમેર્યું કે પ્રસ્તાવની મુખ્ય વાત જ તેમાં રહેલી અવ્યવહારિક્તા છે. ગાંધી-સરદારનો વ્યવહાર તેમના ગુરુ પ્રત્યે અત્યંત શુષ્ક હતો. લોહિયાએ એક સુધારો મૂક્યો અને ગાંધીજીએ સમર્થન આપ્યું, તેમ ભારતની સમુદ્ર અને પર્વતો સાથેની જે છબી છે, તેને કોઈ માનવસર્જિત એજન્સી બદલાવી શકે નહિ. ભારતમાં બે રાષ્ટ્રના ખોટા સિદ્ધાંતનો તિરસ્કાર કરીશું.’ નેહરુને આ ગમ્યું નહિ, અને કહ્યું કે ઝીણાના વિચારો આ લોકો પર હાવી છે એટલે તેની બહસમાં જ ગૂંચવાયેલા રહે છે. લોહિયાનો જવાબ હતો કે અમેરિકામાં ગૃહયુદ્ધ થયું અને બંને તરફ ત્રણ-ચાર લાખ લોકો માર્યા હતાં, તેનો અર્થ એવો નહોતો કે ભાઈચારો ના રહ્યો. પણ ગાંધીજીએ પ્રસ્તાવ પારિત કરવા દલીલ કરી કે ‘જો પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં ના આવે તો દુનિયા શું કહેશે? નવા નેતૃત્વકર્તા શોધવા પડશે, નવી કારોબારી બનાવવી પડશે, ક્યારેક એવા નિર્ણય લેવા પડતા હોય છે કે જે અણગમતા હોય.’ આ પ્રસ્તાવ પસાર થયો ત્યારે કોઈને ખબર નહોતી કે રેડકલીફ મહોદય જમીન પર કેવી લકીર દોરીને પ્રાચીન ભારતને ખંડિત બનાવશે? તેની ખબર તો છેક 15-16 ઓગસ્ટે જ પડવાની હતી!
