વિન્ચેસ્ટર કોલેજ દ્વારા ભારતીય ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડીનું સન્માન
વિન્ચેસ્ટર કોલેજના વાર્ષિક ગ્રીષ્મ ઉત્સવ 'વાઈકહામ ડે'ના ભાગરૂપે ક્રિકેટ પેવેલિયન હંટર ટેન્ટ ખાતે 13 જૂનના રોજ એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટાઇગર પટૌડી તરીકે ખ્યાતનામ એવા ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને પટૌડીના નવાબ એવા મન્સૂર અલી ખાન પટૌડીના નામની તક્તીનું અનાવરણ કરી સન્માન કરાયું હતું.
લંડનઃ વિન્ચેસ્ટર કોલેજના વાર્ષિક ગ્રીષ્મ ઉત્સવ 'વાઈકહામ ડે'ના ભાગરૂપે ક્રિકેટ પેવેલિયન હંટર ટેન્ટ ખાતે 13 જૂનના રોજ એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટાઇગર પટૌડી તરીકે ખ્યાતનામ એવા ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને પટૌડીના નવાબ એવા મન્સૂર અલી ખાન પટૌડીના નામની તક્તીનું અનાવરણ કરી સન્માન કરાયું હતું. આ પ્રસંગે ટાઇગર પટૌડીના પુત્ર અને બોલીવૂડના ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાન પણ હાજર રહ્યા હતા. ટાઇગર પટૌડીના ક્રિકેટ જગતમાં પ્રદાન અને આ પ્રતિષ્ઠિત બ્રિટિશ શાળા સાથેના તેમના વર્ષો જૂના સંબંધોને યાદ કરવામાં આવ્યા હતા. સૈફ અલી ખાન પણ આજ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે. આ પ્રસંગે અભિનેતાએ જણાવ્યું હતું કે આ સન્માનથી તેમનો સમગ્ર પરિવાર અત્યંત ગૌરવ અનુભવી રહ્યો છે.
સૈફે જણાવ્યું હતું કે, વિન્ચેસ્ટર કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાના નાતે આજે અહીં પરત ફરીને મારા પિતાના વારસાનું સન્માન કરવું એ મારા માટે બહુ મોટું સૌભાગ્ય છે. વિન્ચેસ્ટર એ જ સ્થળ છે જ્યાંથી મારા પિતાની ક્રિકેટ સફરની સાચી શરૂઆત થઈ હતી. તેઓ આ સંસ્થાને માત્ર રમત માટે જ નહીં, પરંતુ અહીંથી મેળવેલા મિત્રો, મૂલ્યો અને અનુભવો માટે હંમેશા ખુબ જ આદરપૂર્વક યાદ કરતા હતા.
આ પ્રસંગે વિન્ચેસ્ટર કોલેજના વોર્ડન સર રિચાર્ડ સ્ટેગે જણાવ્યું હતું કે, ટાઇગર પટૌડી ક્રિકેટના ઈતિહાસમાં એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા હતા અને વિન્ચેસ્ટર કોલેજ માટે તેઓ હંમેશા ગર્વ સમાન રહેશે. તેમણે 1919માં ડગ્લાસ જાર્ડિન દ્વારા એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાના સ્થાપિત રેકોર્ડને તોડ્યો હતો. આગળ જતાં તેઓ એક મહાન ક્રિકેટર અને ભારતીય ક્રિકેટના કુશળ સુકાની બન્યા હતા.
