હાઉસ ઓફ લોર્ડ્સમાં ‘વિકસિત ભારત 2047’ ફોરમનું આયોજન
બ્રિટન અને ભારતના સંબંધોને વધુ સુદ્રઢ કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સમર્થન આપવાના ઉદ્દેશ્ય સાથે ગત 19 જૂનના રોજ હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે એક ઉચ્ચ સ્તરીય ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ બેઠકમાં સાંસદો, રાજદ્વારીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ અને પ્રવાસી ભારતીય સમુદાયના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લંડનઃ બ્રિટન અને ભારતના સંબંધોને વધુ સુદ્રઢ કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સમર્થન આપવાના ઉદ્દેશ્ય સાથે ગત 19 જૂનના રોજ હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે એક ઉચ્ચ સ્તરીય ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ બેઠકમાં સાંસદો, રાજદ્વારીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ અને પ્રવાસી ભારતીય સમુદાયના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
એનઆરઆઈ એસોસિએશન ઓફ યુકે દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યત્વે વેપાર, શિક્ષણ, ટેકનોલોજી અને સાંસ્કૃતિક આદાનપ્રદાન ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત વરિષ્ઠ આઈઆરએસ અધિકારી અને ઇન્કમટેક્સના પ્રિન્સિપલ કમિશ્નર મીનાક્ષી સિંહે ભારતની સનાતન સભ્યતાના મૂલ્યો આધુનિક શાસન વ્યવસ્થાને કેવી રીતે આકાર આપી રહ્યા છે તે બાબત રેખાંકિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતની વિકાસયાત્રામાં દિવ્યતા અને વિકાસ એકબીજા સાથે વણાયેલા છે. તેમણે મહાકુંભની વિભાવનાને ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વસમાવેશી વિકાસ મોડલ સાથે સાંકળીને રજૂ કરી હતી.
બીજી તરફ લોર્ડ ગ્રેહામ બ્રેડી અને લોર્ડ રેમી રેન્જરે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂકતા પ્રવાસી ભારતીયોને બંને રાષ્ટ્રો વચ્ચેના એક મજબૂત જીવંત સેતુ સમાન ગણાવ્યા હતા. ફોરમ દરમિયાન વક્તાઓએ ભારતના આર્થિક વિકાસની ગતિ અને સૂચિત યુકે-ઈન્ડિયા મુક્ત વ્યાપાર કરાર અંતર્ગત સર્જાનારી નવી તકો અંગે ભારે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
