બલજિત સિંહ મર્ડરઃ મિલરશિપને આજીવન કેદ 03/08/2015 9:48 am Achyut Sanghavi લંડનઃ વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટના જજ જ્હોન વોર્નરે ૫૦ વર્ષીય બલજિત ‘બિલ’ સિંહની હત્યા બદલ હોરર ફિલ્મના ચાહક સ્ટુઅર્ટ મિલરશિપને આજીવન કેદની સજા ફરમાવી છે અને તેને ઓછામાં ઓછાં ૨૫ વર્ષ તો જેલમાં ગાળવા પડશે. બલજિત સિંહની હત્યા તેમના પુત્ર રોમાનના નવમા જન્મદિને જ થઈ હતી. તેમના ભાઈ ગુરપ્રીત દોસાંઝે કહ્યું હતું કે સુનાવણીમાં બલજિતની પ્રતિષ્ઠા ખરડાઈ તેનો આઘાત છે. મિલરશિપે આક્ષેપો કર્યા હતા કે બલજિત સિંહના સંબંધો ગેંગસ્ટર્સ, ડ્રગ્સ ડીલર્સ સાથે હતા.
કેમરનના પ્રવચનમાં બ્રિટિશ એશિયનની મદદ 03/08/2015 9:50 am Achyut Sanghavi લંડનઃ ઈસ્લામિક કટ્ટરવાદના સામના અને યુકેમાં એકીકરણના અભાવ વિશે ડેવિડ કેમરનના સીમાચિહ્ન સંબોધનને આકાર આપવામાં તેમના બ્રિટિશ એશિયન સહાયક અમીત ગિલની મદદ મળી હતી. પૂર્વ પ્રવચનલેખક ગિલને સામાન્ય ચૂંટણી પછી ડિરેક્ટર ઓપ સ્ટ્રેટેજી તરીકે બઠતી અપાઈ છે. તેઓ કેમરનની ટીમમાં નવ વર્ષ અગાઉ સામેલ થયા હતા અને તેમના સૌથી વિશ્વાસુ અને પ્રતિષ્ઠિત સલાહકાર મનાય છે.
પેન્શન કરરાહત છીનવાઈ જવાના સંકેત 03/08/2015 9:52 am Achyut Sanghavi લંડનઃ ઊંચી કમાણી કરતા પાંચ મિલિયન લોકોને વર્તમાન ટેક્સ રાહત હેઠળ વર્ષે સરેરાશ ૫,૦૦૦ પાઉન્ડનો લાભ થાય છે. આ કરરાહત છીનવાઈ શકે તેવો સંકેત સરકારી સૂત્રોએ આપ્યો છે. નાણા મંત્રાલય પેન્શન ફાળામાં ટેક્સ રીલિફ બાબતે ધરમૂળથી સુધારો લાવવા માગે છે. જેની સીધી અસર પેન્શન બચતો પર થઈ શકે છે.
રિબલ વેલીમાં કબ્રસ્તાનની યોજનાથી રોષ 03/08/2015 9:54 am Achyut Sanghavi લંડનઃ લેન્કેશાયરના કન્ટ્રીસાઈડ રિબલ વેલીમાં ૧૦,૦૦૦ની ક્ષમતા ધરાવતા કબ્રસ્તાનના નિર્માણની દરખાસ્તે સ્થાનિક ગ્રામવાસીઓમાં રોષ જન્માવ્યો છે. આ કબ્રસ્તાન મુખ્યત્વે મુસ્લિમો દ્વારા ઉપયોગમાં લેવાશે. વિશાળ ૨૭ એકરના કબ્રસ્તાનની યોજના અંગે આર્કિટેક્ટ્સ કહે છે કે તેમણે નોર્થ-વેસ્ટ ઈંગ્લેન્ડમાં અન્ય તમામ વિકલ્પો શોધ્યાં હતાં. અદ્ભૂત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ફોરેસ્ટ ઓફ બોલેન્ડ નજીક આવેલા ધ લાન્ઘો નેચરલ બરિઅલ ગ્રાઉન્ડનો ઉપયોગ મુખ્યત્વે બ્લેકબર્નની મુસ્લિમ વસ્તી દ્વારા જ કરાશે. સ્થાનિક રહેવાસીઓએ યોજનાનો વિરોધ કર્યો છે અને સ્થાનિક સાંસદ નાઈજેલ ઈવાન્સ દરખાસ્તનો તીવ્ર વિરોધ કરતા કહે છે કે આટલી વિશાળ સેમેટ્રી માટે સૌંદર્યધામ ખરેખર ખોટી જગ્યા છે.
બાળકોને રજાઓમાં ઘરનું બજેટ સોંપી જીવનનું ગણતર સમજાવો 03/08/2015 9:56 am Achyut Sanghavi લંડનઃ નોટિંગહામશાયરની ટૂટ હિલ સ્કૂલના હેડ ટીચર એશ રહેમાને બાળકોને સારા નાગરિક બનાવવા અને જીવનનું ગણતર શીખવવા માતાપિતાને સારી શીખામણ કે સલાહ આપી છે. તેઓ કહે છે કે કિશોરાવસ્થાનો બાળકો શાળામાં માત્ર અભ્યાસ જ કરે છે. તેઓ શાળા છોડીને જાય ત્યારે જીવન કેવી રીતે જીવવું તેનું જ્ઞાન હોતું નથી. ભણતર હોય છે, પરંતુ ગણતર હોતું નથી. બાળકોને ઉનાળાની રજાઓમાં ઘરના બજેટ અને કામકાજ વિશે પૂરતી સમજ આપવી જોઈએ. રજાઓ દરમિયાન ઘરખર્ચ ચલાવવાનું કાર્ય તેમને સોંપી દેવું જોઈએ, જેથી ભવિષ્યમાં જવાબદારી ઉઠાવવાની આવે ત્યારે આ જ્ઞાન કામમાં આવે તેવી સલાહ રહેમાને આપી છે.