બજેટમાં કાપથી હજારો લોકલ ફાર્મસી બંધ થવાની શક્યતા 06/06/2016 10:26 am Achyut Sanghavi સરકારે બજેટમાં મૂકેલા કાપને કારણે હજારો લોકલ ફાર્મસી બંધ થવાની શક્યતા છે. તેની કડવી અસર નજીકની ફાર્મસી સુધી પહોંચવા માટે લાંબુ અંતર કાપતા ગ્રામીણ વિસ્તારોના લોકોને થશે. હેલ્થ મિનિસ્ટર એલિસ્ટિર બર્ટે જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષના અંતે ૧૭૦ મિલિયન પાઉન્ડની સબસિડી નાબૂદ કરાશે. તેથી ઈંગ્લેન્ડની ૧૨,૦૦૦માંથી ૩,૦૦૦ કોમ્યુનિટી ફાર્મસી બંધ થવાનો અંદાજ છે.
બજેટકાપના લીધે વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલનું કેમેરા નેટવર્ક બંધ 06/06/2016 10:26 am Achyut Sanghavi કરકસરના કારણે બજેટમાં મૂકાયેલા કાપના લીધે ટોરી પાર્ટીના શાસન હેઠળની વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલે સપ્ટેમ્બરના આરંભથી સીસીટીવી નેટવર્ક બંધ કરી દેવા નિર્ણય લીધો છે. આના પરિણામે સેન્ટ્રલ લંડનનો મોટા ભાગનો વિસ્તાર સર્વેલન્સ કેમેરારહિત બની જશે. કાઉન્સિલે જણાવ્યું હતું કે વેસ્ટ એન્ડ, પાર્લામેન્ટ તથા લંડનના અન્ય પ્રસિદ્ધ લેન્ડમાર્કસ પર ગોઠવાયેલા ૭૫ જેટલા સર્વેલન્સ કેમેરાના નિભાવ માટે તેની પાસે નાણા નથી.
બાય-ટુ-લેટ મકાનમાલિકોની સંખ્યામાં સાત ટકાનો વધારો 06/06/2016 10:26 am Achyut Sanghavi બાય-ટુ-લેટ રોકાણોમાં ભારે વૃદ્ધિ સાથે વર્ષ ૨૦૧૩-૧૪માં યુકેમાં મકાનમાલિકોની સંખ્યા સાત ટકાના વધારા સાથે ૧.૭૫ મિલિયનથી પણ વધુ થયાનું રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગના નવા આંકડા જણાવે છે. જોકે, અત્યાર સુધી આ સંખ્યા ઘણી વધી હોઈ શકે છે. આંકડા અનુસાર વર્ષ ૨૦૧૨-૧૩માં ૧.૬૩ મિલિયન લોકોની સરખામણીએ ૨૦૧૩-૧૪માં ૧.૭૫ મિલિયન લોકોએ પ્રોપર્ટીમાંથી આવકની જાહેરાત કરી હતી. મકાનમાલિકે તેમની રેન્ટલ પ્રોપર્ટીઝમાંથી ૧૪.૨ બિલિયન પાઉન્ડની નેટ ઈન્કમ મેળવી હતી, જે અગાઉના વર્ષે ૧૩.૧ બિલિયન પાઉન્ડ હતી.
કડક નિયંત્રણોથી સ્ટુડન્ટ વિઝા અરજીઓની સંખ્યાને ભારે અસર 06/06/2016 10:26 am Achyut Sanghavi દરિયાપારના વિદ્યાર્થીઓ પર કડક નિયંત્રણોના કારણે સ્ટુડન્ટ વિઝા અરજીઓની સંખ્યાને ભારે અસર થઈ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા મુજબ વર્ષ ૨૦૧૬ના માર્ચ મહિના સુધી ઈયુ બહારના દેશોના વિદ્યાર્થીઓમાં વિઝા અરજીઓ છ ટકાના ઘટાડા સાથે ૨૨૨,૬૦૯ થઈ હતી. આ ઘટાડો મુખ્યત્વે યુનિવર્સિટી સેક્ટરની બહાર ફર્ધર એજ્યુકેશન સંસ્થાઓમાં અરજીઓના ઘટાડાથી નોંધાયો છે.
પ્રવાસસ્થળોએ ‘સેલ્ફીપ્રિય’ બ્રિટિશ પર્યટકો 06/06/2016 10:26 am Achyut Sanghavi માનવી જિજ્ઞાસાપ્રિય હોવાથી પ્રવાસનો શોખ રાખે છે. પર્યટનમાં વિવિધ વિસ્તારોમાં જોવાલાયક સ્થળો, લોકોની રહેણીકરણી અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાનો મુખ્ય હેતુ રહેલો છે. બ્રિટિશ પર્યટકો પણ વિશ્વપ્રસિદ્ધ સ્થળોની મુલાકાત લેવામાં પાછા પડતા નથી. પરંતુ એક તાજા અભ્યાસ અનુસાર લગભગ અડધા પર્યટકો આ સ્થળોને રસ અને ઝીણવટથી નિહાળવાના બદલે તેની આગળ ‘સેલ્ફી’ લઈને થોડી મિનિટોમાં રવાના થઈ જાય છે. સાઈટસીઈંગનો તેમનો અભિગમ હવે ‘ફોટો ખેંચો, ટ્વીટ કરો અને રવાના થાવ’નો જ રહ્યો છે.
શાળામાં ઉનાળુ વેકેશનમાં કાપઃ પાંચ સપ્તાહનું કરવા નિર્ણય 06/06/2016 10:54 am Achyut Sanghavi વિદ્યાર્થીઓને અભ્યાસમાં નુકસાન ન જાય તેવા હેતુસર શાળાઓ ઉનાળુ વેકેશનમાં કાપ મૂકી માત્ર પાંચ સપ્તાહનું કરશે. બ્રિટનમાં સાઉથ યોર્કશાયરની બાર્ન્સ્લે કાઉન્સિલ વેકેશનમાં કાપ મૂકવામાં પ્રથમ રહી છે, જ્યાં ૨૦૧૭-૧૮ના શૈક્ષણિક વર્ષમાં વેકેશન પાંચ સપ્તાહથી પણ ઓછું એટલે કે ચાર સપ્તાહ અને ચાર દિવસનું રહેશે. સ્થાનિક ઓથોરિટી સ્કૂલ્સ જુલાઈના અંત સુધી ખુલ્લી રાખવાનો આદેશ કરાયો છે. જોકે, પોતાની સાથે પરામર્શ કરાયો ન હોવાના કારણે કેટલાક હેડટીચર્સમાં નારાજગી પણ છે.
લંડન સતત બીજા વર્ષે યુરોપની કોકેઈન કેપિટલ 06/06/2016 10:54 am Achyut Sanghavi યુરોપના ૬૦ શહેરમાં વેસ્ટ વોટર (યુરિન)ના કરાયેલા સેમ્પલ સર્વેમાં આંચકાજનક પરિણામ એ હતું કે લંડનના લોકોના યુરિનમાં નશાકારક કોકેઈનનું સૌથી વધુ પ્રમાણ હતું. આમ, લંડન યુરોપની કોકેઈન કેપિટલ બની છે. આ સર્વેમાં લંડનમાં પ્રતિ ૧,૦૦૦ વ્યક્તિએ ૯૦૯mgનું પ્રમાણ જણાયું હતું, જે ૨૦૧૪માં ૭૩૭mg હતું. બીજા ક્રમે આવેલા એમસ્ટર્ડેમમાં આ પ્રમાણ ૬૪૨mg હતું. બંધાણીઓમાં એક્સ્ટસી (Ecstasy)નો શોખ ફરી વધી રહ્યો છે. જોકે, સૌથી વધુ મોત હેરોઈનના કારણે નીપજ્યાં હતાં.
હેડસ્કાર્ફ પહેરવા પર કંપની પ્રતિબંધ મૂકી શકે 06/06/2016 10:54 am Achyut Sanghavi કંપનીઓ તેની કોર્પોરેટ પોલિસીના ભાગરૂપે તેના કર્મચારીઓ પર કામના સ્થળે હેડસ્કાર્ફ, ક્રોસ અને અન્ય ધાર્મિક પ્રતિકો પહેરવા પર પ્રતિબંધ લાદી શકે તેવો અભિપ્રાય યુરોપિયન કોર્ટના એડવોકેટ જનરલ જુલિયન કોકોટ્ટે આપ્યો હતો. તેનો વિરોધ કરતા સાંસદોએ ચેતવણી ઉચ્ચારી હતી કે કોકોટ્ટના આ મંતવ્યને લીધે પોતાના ધર્મની નિશાની દર્શાવવા માગતા બ્રિટિશ વર્કરો સાથે ભેદભાવ થઈ શકે.