Advanced search


નારાણપરના અને નાઇરોબી સ્થિત કંપની ડનહીલ બિલ્ડર્સના ચેરમેન કુંવરજી અરજણ કેરાઇ અને નારાયણ પ્રેમજી વેકરિયાએ ૧૩મીએ મીડિયાને જણાવ્યું છે કે, તેઓ ૪થી જાન્યુઆરીએ અમદાવાદથી જેટ એરવેઝની ફ્લાઇટમાં આબુધાબી જવા રવાના થયા ત્યારે તેમને છેક નાઇરોબી સુધીના બોર્ડિંગ પાસ અપાયા હતા. જેટ અને ઇતીહાદ બંને કંપનીઓ અમુક રૂટમાં સાથે કામ કરતી હોવાથી આબુધાબી ઇતીહાદ એરવેઝમાં નાઇરોબી જવાનું હતું, પરંતુ ઈતીહાદની કનેક્ટિંગ ફ્લાઈટ કચ્છીઓને લીધા વગર રવાના થઈ હતી. 

સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે તાજેતરમાં કેન્યા વિચરણ દરમિયાન હાથી બચાવ અભિયાનને બળ પૂરું પાડતાં કચ્છી દાતા ગોપાલભાઇ ધનજી રાબડિયા પરિવાર દ્વારા ૧૦ લાખ સિલિંગનો ચેક અર્પણ કરાવ્યો હતો. હાથીદાંતની લાલચે કરાતી હત્યા નિવારવા આફ્રિકામાં હાથીદાંત ન માગો અભિયાન ચાલી રહ્યું છે. મસાઇમારા સફારી પાર્કમાં પ્રોજેક્ટના સી.ઇ.ઓ. માર્ક ગોસને સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સહયોગ અપાયો તેનો આભાર વ્યક્ત કર્યો હતો.

વાયબ્રન્ટ સમિટમાં આ વખતે માત્ર મૂડીરોકાણ જ નહીં, પણ નવી યુનિવર્સિટી તેમજ કોલેજ ખોલવા, શિક્ષણનું આદાન-પ્રદાન કરતા કરારો કરવામાં આવી રહ્યા છે. જેમાં કચ્છ યુનિવર્સિટીએ ૧૫ એમઓયુ કર્યા છે. કુલપતિ ડો. સી. બી. જાડેજાના જણાવ્યા મુજબ, અગાઉ છ સમજૂતી કરી જ દેવામાં આવી છે, બાકીની પ પણ કરી દેવાતાં કુલ ૧૫ કરાર થયા છે. જેમાં નવી ઇન્સ્ટિટ્યૂટ્સ શરૂ કરવી. કચ્છમાં બે નવી વિજ્ઞાન કોલેજોની દરખાસ્ત મૂકવી. અર્થ એન્ડ એન્વાયર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સહિતના વિભાગોના રિસર્ચ તથા વિદ્યાર્થીઓના પ્રાધ્યાપકોના આદાનપ્રદાન સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

જૂનાગઢ સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. આ વર્ષે મંડળના સભ્યોએ અપનાઘરમાં રહેતા વડીલોનું મોંઢું મીઠું કરાવીને ગીતાજી અર્પણ કર્યાં હતાં. બાદમાં મમરાનાં લાડુ આરોગવા સહિતની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૧૫૦ જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. ભાઈઓમાં ૭૦ વર્ષના એન. ડી. માલવિયા પાંચ મિનિટમાં ૧૩ લાડુ ખાઈને પ્રથમ હતા. ૬૫ વર્ષના જયંતીભાઈ કાછડિયા ૧૨ લાડુ ખાઈને દ્વિતીય તથા રમેશભાઈ મહેતા ૧૧ લાડુ ખાઈને તૃતીય સ્થાને હતા.

સુરત શહેરને મેટ્રો રેલનો લાભ આપવા માટે હાઈપાવર કમિટી દ્વારા ૧૩મીએ સુરત મેટ્રો રેલના બે રૂટને મંજૂરી આપવામાં આવી છે. જેના માટે રૂપિયા ૧૨૮૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. મંજૂર થયેલા રૂટના પ્રોજેક્ટનો રિપોર્ટ તૈયાર કરવા હાઈપાવર કમિટીની મંજૂરી મળી ગઈ છે. છારાથી ડ્રીમ સિટી અને ભેંસાણ ડેપોથી સરોલી સુધીના બે રૂટો અત્યારે નક્કી કરાયા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સાંખ્યયોગી બહેનોએ કલ્યાણમૂર્તિ ગાયને દીકરી ગણી તેના કલ્યાણ માટે સમુદાય પાસેથી મોસાળું લઇ કેરા ગૌશાળા ટ્રસ્ટને અર્પણ કરી દીધું હતું. ભાગવત કથામાં ૫૮ લાખ, ભુજ મંદિર માટે ૨૨ લાખ ફંડ થયું હતું. તો ૧૨ ગાયો સાથે સામૂહિક દૂધ ઉત્પાદન આરંભાયું હતું. 
કેરા ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો, કેરા મંદિરના ત્યાગી બહેનોની પ્રેરણાથી ગૌલાભાર્થે ગૌશાળા ટ્રસ્ટ આયોજિત શિક્ષાપત્રી ભાષ્ય અને ભાગવત દશમ સ્કંધ જ્ઞાનયજ્ઞમાં હેતુને સાર્થક કરતાં ગૌપ્રેમી હરિભકતોએ ૫૮ લાખ રૂપિયા દાન આપ્યા હતા.

થોરાળા પોલીસ મથકના પીઆઈ સુખવિંદરસિંઘ ગડ્ડુ, પીએસઆઇ સુરેશ સોલંકી, પોલીસમેન ચેતનસિંહ ગોહિલ, અનિલસિંહ ગોહિલ અને હિતેષ પરમારની ૧૨મીએ ધરપકડ કરાઈ હતી. હત્યા, લૂંટ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ખૂની હુમલા અને ફરજમાં રૂકાવટ સહિતના વીસ જેટલા ગુનામાં સંડોવાયેલા શકિતસિંહ ઉર્ફે પેંડો પ્રદીપસિંહ ઝાલા અને મૂળ સરપદડના વતની અને હાલ ધ્રાંગધ્રા રહેતા પ્રકાશ દેવરાજભાઇ લુણાગરિયાની લાશ બીજી જાન્યુઆરીએ મોડી રાત્રે આજી વસાહતમાંથી મળી આવી હતી.

દિલ્હી પોલીસે બે સગીરાઓના બળાત્કારના કેસમાં પકડેલા ૩૮ વર્ષીય વ્યક્તિના ખુલાસાથી પોલીસને આઘાત લાગ્યો હતો. તેણે જણાવ્યું કે, ૧૨ વર્ષમાં તેણે ૫૦૦ જેટલી છોકરીઓનું જાતીય શોષણ કર્યું હતું. વ્યવસાયે દરજી એવી આ વ્યક્તિનું નામ સુનીલ રસ્તોગી છે. તેણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં તેણે ૨,૫૦૦ છોકરીઓ સાથે જાતીય સતામણીના પ્રયાસ કર્યા છે.

કાગવડમાં શ્રદ્ધાનો મહેરામણઃ

ખોડલધામ મંદિરમાં ૧૭મીથી ૨૧મી જાન્યુઆરી સુધી આયોજિત મા ખોડલની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ ભવ્યાતિભવ્ય રીતે થયો છે. ૧૭મી જાન્યુઆરી, મંગળવારે સવારે રાજકોટથી મા ખોડલની શોભાયાત્રાનું રંગેચંગે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને આ પ્રસંગે લાખોની સંખ્યામાં પાટીદારો અને મા ભક્તો ઉમટી પડયા હતા. શોભાયાત્રાને અગ્રણી રાજકીય નેતા કેશુભાઇ પટેલ તથા સામાજિક અગ્રણી નરેશ પટેલે દીપ પ્રાગટ્ય કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રામાં શણગારેલી રિક્ષાઓએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. આ યાત્રામાં નાસિકના પ્રખ્યાત ઢોલ અને તાંસા સાથે ૫૦ વાદ્યકારોને આમંત્રણ હતું. શોભાયાત્રામાં ૧૦૦૦ બુલેટ, ૪૦૦૦ કાર, ૧૦,૦૦૦ ટુ વ્હીલર, ૭૫ ફ્લોટસ્, મહિલા સમિતિની ૧૫૧ બસ જોડાઈ હતી. તેમાં ૨.૫ લાખ લોકોએ ભાગ લીધો હતો. 

પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા યોજાયેલાં વિધવા બહેનોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ

સેવાભાવી સંસ્થા પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા ચાલી રહેલા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સ્વરોજગારીની તાલીમ પામનારી ગરીબ અને વિધવા બહેનોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ અમદાવાદમાં ૧૦ જાન્યુઆરીના રોજ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ તથા ન્યૂ જર્સીમાં વસતા પરીખ વર્લ્ડ વાઈડ મીડિયાના ચેરમેન -પબ્લિશર ડો. સુધીર પરીખના હસ્તે બહેનોને કિટ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ‘જૈના’ (અમેરિકા)ના કન્વીનર ગુણવંતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૨૦૦ જેટલી તાલીમ પામેલી બહેનોને કિટ અપાઈ હતી.