રેની નોરોન્હાઃ ભારતની સૌથી યુવા આયર્નમેન ચેમ્પિયન
આજની બહુમતી યુવા પેઢી 18 વર્ષની વયે મોબાઈલ, એસાઈન્મેન્ટ, એક્ઝામ કે ઈન્ટર્નશિપમાં વ્યસ્ત જોવા મળતી હોય છે. બહુ ઓછા યુવાનો આ ઉંમરે ભણવાની સાથે સાથે કંઇક અનોખું કરવાની દિશામાં મહેનત કરતા હોય છે. પરંતુ જે ચીલો ચાતરવાનું સાહસ કરે છે, દૃઢ નિર્ધાર સાથે દિવસ-રાત ઝઝૂમે છે, પરસેવો પાડે છે તેઓ અચૂક જ્વલંત સફળતાને વરે છે. મુંબઈની રેની નોરોન્હાએ આવી જ સફળતા વિશ્વ કક્ષાએ મેળવી છે.
આજની બહુમતી યુવા પેઢી 18 વર્ષની વયે મોબાઈલ, એસાઈન્મેન્ટ, એક્ઝામ કે ઈન્ટર્નશિપમાં વ્યસ્ત જોવા મળતી હોય છે. બહુ ઓછા યુવાનો આ ઉંમરે ભણવાની સાથે સાથે કંઇક અનોખું કરવાની દિશામાં મહેનત કરતા હોય છે. પરંતુ જે ચીલો ચાતરવાનું સાહસ કરે છે, દૃઢ નિર્ધાર સાથે દિવસ-રાત ઝઝૂમે છે, પરસેવો પાડે છે તેઓ અચૂક જ્વલંત સફળતાને વરે છે. મુંબઈની રેની નોરોન્હાએ આવી જ સફળતા વિશ્વ કક્ષાએ મેળવી છે. નાનપણથી રમત પ્રત્યેના ઝનૂન અને મહેનતે તેને આર્યનમેન જેવી સૌથી અઘરી રેસ સુધી પહોંચાડી દીધી છે. જિમ્નાસ્ટિકથી શરૂ થયેલી તેની સફર આજે ટ્રાયથ્લોન ચેમ્પિયન બનવા સુધી પહોંચી છે.
આઈઆઈટી-મદ્રાસમાં અભ્યાસ કરતી 19 વર્ષની રેની નોરોન્હા ભારતની સૌથી નાની ઉંમરની આર્યનમેન બની છે. તેણે આર્યનમેન ટ્રાયથ્લોન એક વખત નહીં, પણ બે વખત પૂર્ણ કરી છે. નાનપણથી જ સ્પોર્ટ્સમાં રસ ધરાવતી રેનીની સફર મુંબઇમાં જિમ્નાસ્ટિકથી શરૂ થઇ હતી. એ દરમિયાન રેનીએ ટ્રાયથ્લોનની દુનિયા વિશે જાણ્યું. જેમાં સ્વિમિંગ, સાઇક્લિંગ અને રનિંગ એમ ત્રણેય રમત સામેલ હોય છે. એટલે કે એક જ કોમ્પિટિશનમાં આ ત્રણેયનું બેસ્ટ પર્ફોર્મન્સ આપવાની સાથે ઓછા સમયમાં તેને પૂર્ણ કરવાનું હોય છે. રેનીને તેમાં રસ પડ્યો અને એ દિશામાં મહેનત કરવાનું શરૂ કર્યું.
રેનીએ આ પડકાર પહેલી વખત ગોવામાં પાર કર્યો હતો. ગોવામાં હાફ આર્યનમેન રેસનું આયોજન કરાયું હતું. જેમાં ભાગ લીધા પછી રેનીએ નક્કી કર્યું હતું કે તે ફુલ આર્યનમેનમાં ભાગ લેશે અને તેને પાર કરશે. તેણે જર્મનીના હેમ્બર્ગમાં યોજાનારી આર્યનમેન યુરોપિયન ચેમ્પિયનશિપમાં આ કમાલ કર્યો હતો. આ ચેમ્પિયનશિપમાં તેણે 14કલાકમાં 3.8 કિમી સ્વિમિંગ, 180 કિમી સાઈલિંગ અને 42.2 કિમીની ફુલ મેરેથોન પૂર્ણ કરી હતી. આટલા ઓછા સમયમાં ત્રણેય વસ્તુને સફળતાપૂર્વક પાર કરવી એ કંઈ નાનીસૂની વાત નથી, કારણ કે તરવું, સાઇક્લિંગ કરવું અને દોડવું એ થકવી નાંખે એવી પ્રવૃત્તિ છે. એક પછી એક તમામ એક્ટિવિટી રેનીએ કરી. કોઇ પણ કોમ્પિટિશનમાં ભાગ લેતાં પહેલાં એ માટે તૈયારી કરવી પડે છે, જે રેનીએ કરી હતી. એમાં તેના પરિવારનો પૂરતો સપોર્ટ રહ્યો છે. રેની કહે છે કે, જ્યારે હું દોડવા કે સાઇક્લિંગ કરવા જતી ત્યારે મમ્મી મોટાભાગે મારી સાથે રહેતી હતી. પપ્પા વિદેશ હોવા છતાં તે વીડિયો કોલ કરીને મને હંમેશાં પ્રોત્સાહ આપતા હતા. શરૂઆતમાં ટ્રાયથ્લોન અઘરી લાગતી હતી, પણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતાં રહો તેમ તેમ એમાં ફાવટ આવી જાય. રેની આઈઆઈટી મદ્રાસમાં ડિસ્ટન્સ મોડમાં ડેટા સાયન્સ અને એપ્લિકેશનમાં બીએસસી કરી રહી છે. આઇઆઇટી મદ્રાસની સાથે તે લંડનની કોલેજમાં સ્પોર્ટ્સ સાયન્સમાં ડિપ્લોમા પણ કરી રહી છે. રેની રમતગમતમાં જેટલી હોંશિયાર છે એટલી ભણવામાં પણ છે. તે સ્પોર્ટ્સ અને સ્ટડીને બેલેન્સ કરીને ચાલે છે. રેની નોરોન્હા મૂળ ગોવાની છે. જ્યારે હાલ તેનો પરિવાર મુંબઇના સાંતાક્રૂઝમાં રહે છે.
રેની કહે છે કે, ‘મેં પહેલી વખત જ્યારે આ પ્રતિયોગિતા માટે સાઈનઅપ કર્યું હતું, ત્યારે મને તરવાનો કે રોડ સાઇલિંગનો કોઈ અનુભવ નહોતો, પરંતુ અલગ અલગ પડકાર પ્રત્યેના ઝનૂને મને હંમેશાં આગળ વધવા માટે પ્રેરિત કરી છે. પરિણામે આજે હું મારા લક્ષ્યને મેળવવામાં સફળ થઈ શકી છું. હું પહેલાં જિમ્નાસ્ટ રહી ચૂકી છું. જિમ્નાસ્ટિકે મને શિસ્ત અને સંતુલન કેવી રીતે જાળવી શકાય એ શીખવ્યું છે. જોકે, આ રમત એકદમ અલગ છે. કોઈ પણ ગેમમાં ફોકસ બહુ જરૂરી છે. મારી ટ્રાયથ્લોન પ્રત્યેની ધગશ અને આત્મવિશ્વાસે મને સ્વિમિંગ, સાઈલિંગ અને દોડવામાં મદદ કરી. મારા પરિવારે મને પૂરતો સપોર્ટ કરવાની સાથે મારા જુસ્સાને વધાર્યો છે.
રેનીએ ન્યૂઝિલેન્ડથી લઇને જર્મની સુધી સાબિત કરી દેખાડ્યું છે કે શિસ્ત અને મહેનતથી કોઈ પણ સપનાને સાકાર કરી શકાય છે. આજે તેનું લક્ષ્ય ભારતની યુવતીઓને સ્પોર્ટ્સ સાથે જોડી નવી પ્રેરણા આપવાનું છે.
