ડાયાબિટીસઃ રોગ નહીં, પણ આધુનિક લાઇફસ્ટાઇલની આડપેદાશ

ડાયાબિટીસઃ રોગ નહીં, પણ આધુનિક...

સાયલન્ટ કિલર ડાયાબિટીસ કોઈ રોગ નથી પરંતુ, આધુનિક લાઈફસ્ટાઈલના કારણે પણ સર્જાતી અવસ્થા છે જેમાં શરીરના લોહીમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જેના પરિણામે, હૃદય અને રક્તવહન સંબંધિત રોગોનું જોખમ વધી શરીરમાં રક્તવાહિનીઓને નુકસાન થઈ શકે છે. યુકેમાં 5.6 મિલિયન લોકો ડાયાબિટીસ સાથે જીવે છે અને તે તમામ વયજૂથના લોકોને અસર કરે છે.

સાયલન્ટ કિલર ડાયાબિટીસ કોઈ રોગ નથી પરંતુ, આધુનિક લાઈફસ્ટાઈલના કારણે પણ સર્જાતી અવસ્થા છે જેમાં શરીરના લોહીમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જેના પરિણામે, હૃદય અને રક્તવહન સંબંધિત રોગોનું જોખમ વધી શરીરમાં રક્તવાહિનીઓને નુકસાન થઈ શકે છે. યુકેમાં 5.6 મિલિયન લોકો ડાયાબિટીસ સાથે જીવે છે અને તે તમામ વયજૂથના લોકોને અસર કરે છે.
આપણા શરીરના લોહીમાં રહેલી ખાંડ અથવા ગ્લુકોઝ મુખ્ય ઊર્જાસ્રોત છે. આપણે જે પણ ખોરાક લઈએ અને ખાસ કરીને બ્રેડ, બટાકા, પાસ્તા, ફળો, પીણાં, કેક, મીઠા જેવાં કાર્બોહાઈડ્રેટ્સ ધરાવતા ખોરાકમાંથી ગ્લુકોઝ મળે છે. આ ગ્લુકોઝ લોહી મારફત શરીરના કોષો સુધી પહોંચે છે જેથી તેમને કામ કરવા ઊર્જા મળે છે. જઠર નજીકના અંગ સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિઆસમાંથી ઝરતું ઈન્સ્યુલિન નામનું હોર્મોન શરીરના કોષોને ગ્લુકોઝના શોષણ થકી ઊર્જા તરીકે ઉપયોગ, તેને ચરબીમાં રૂપાંતરિત કરવા તેમજ શરીર માટે આવશ્યક અન્ય પદાર્થોમાં ફેરવવામાં મદદ કરે છે. સ્વાદુપિંડ દ્વારા ઈન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થાય છે ત્યારે ગ્લુકોઝનું સંપૂર્ણ શોષણ થતું નથી ને વધારાનો ગ્લુકોઝ લોહીમાં ભળે છે. આ સ્થિતિ ડાયાબિટીસ કહેવાય છે. મતલબ કેઃ • શરીરના કોષો ગ્લુકોઝનો ઊર્જા માટે ઉપયોગ કરી શકતા નથી • ઉપયોગમાં ન લેવાયેલું ગ્લુકોઝ લોહીમાં રહીને એકત્ર થાય છે • વધારાનું ગ્લુકોઝ ધમનીને નુકસાન પહોંચાડી શકે છે (ધમની ઓક્સિજન અને પોષક તત્વોથી ભરપૂર લોહી શરીરમાં પહોંચાડે છે) • જો ધમનીને નુકસાન થાય તો હૃદય ને રક્તવાહિની સંબંધી રોગોનું જોખમ વધે છે.
ડાયાબિટીસના બે મુખ્ય પ્રકાર
ટાઇપ 1 ડાયાબિટીસઃ આમાં શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન થતું નથી કારણ કે શરીરની રોગપ્રતિકારક શક્તિ જ ઇન્સ્યુલિન બનાવતા કોષો પર હુમલો કરે છે. યુકેમાં ડાયાબિટીસ ધરાવતા લગભગ 12માંથી 1 વ્યક્તિને ટાઇપ 1 ડાયાબિટીસ હોય છે.
ટાઇપ 2 ડાયાબિટીસઃ આમાં શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી અથવા તે જે ઇન્સ્યુલિન બનાવે છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. ટાઇપ 2 ડાયાબિટીસ વધુ સામાન્ય છે.
પ્રી-ડાયાબિટીસ: આમાં લોહીમાં ખાંડનું સ્તર સામાન્ય કરતાં વધુ હોય છે, પરંતુ તે ડાયાબિટીસ તરીકે નિદાન થાય તેટલું ઊંચું નથી. ડાયાબિટીસ થવા પહેલાની અવસ્થા ગણાય. ઘણી વખત, ગર્ભવતી સ્ત્રીઓમાં ડાયાબિટીસ થઈ શકે છે જે સામાન્ય રીતે બાળકના જન્મ પછી અદૃશ્ય થઈ જાય છે. આ પ્રકારના ડાયાબિટીસને ગર્ભાવસ્થા ડાયાબિટીસ (જેસ્ટેશનલ ડાયાબિટીસ) કહેવાય છે.
ડાયાબિટીસ થવાનાં કારણો ક્યા?
ટાઇપ 1 ડાયાબિટીસનું કારણ અજ્ઞાત છે. વૈજ્ઞાનિકો જાણે છે કે ટાઇપ 1 ડાયાબિટીસ શરીરને ઇન્સ્યુલિન બનાવતા કોષો પર હુમલો કરે છે. જ્યારે ટાઇપ 2 ડાયાબિટીસનું કારણ ઇન્સ્યુલિનના ઉત્પાદન અથવા ઉપયોગમાં સમસ્યા છે. આના કારણે શરીર લોહીમાં ખાંડનું સ્તર નિયંત્રિત થયાં વિના સતત વધતું રહે છે.
ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારતા પરિબળો
ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધારતા પરિબળો પર એક નજર ફેરવીએ તો, • શારીરિક નિષ્ક્રિયતા • વધારે વજન કે સ્થૂળતા • પરિવારમાં ટાઇપ 2 ડાયાબિટીસનો ઇતિહાસ • ઉંમર વધવી. ટાઇપ 2 ડાયાબિટીસ સામાન્ય રીતે ધીમે ધીમે વિકસે છે અને 40 વર્ષથી વધુ ઉંમરના વયસ્કોને વધુ અસર કરે છે, પરંતુ તે કોઈપણ ઉંમરે વિકસી શકે છે • વંશીયતા. જો તમે દક્ષિણ એશિયાઈ, આફ્રિકન કેરેબિયન કે બ્લેક એશિયન પશ્ચાદભૂ ધરાવતા હશો તો તમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે • કમર-ઊંચાઈનો રેશિયો ગુણોત્તર. કમર-ઊંચાઈનો ગુણોત્તર 0.5 કે તેથી વધુ હોય ત્યારે ટાઇપ 2 ડાયાબિટીસ સહિત આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધે છે.
ડાયાબિટીસના લક્ષણો ક્યા?
ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસના લક્ષણો આ મુજબ છે:
• ઝાંખી દૃષ્ટિ • ખૂબ થાક લાગવો (થકાવટ) • ખૂબ તરસ લાગવી • કારણ વિના વજનમાં ઘટાડો • શ્વાસમાં ફળ જેવી ગંધ આવવી • સામાન્ય કરતાં વધુ પેશાબ કરવો, ખાસ કરીને રાત્રે • જનનાંગોમાં ખંજવાળ અથવા વારંવાર થ્રશ થવું • કાપ, ઉઝરડા અથવા ઉઝરડા જે રૂઝાવામાં લાંબો સમય લે. ઘણા લોકોને ટાઇપ 2 ડાયાબિટીસના શરૂઆતના તબક્કામાં કોઈ લક્ષણો દેખાતા નથી.
ડાયાબિટીસ અને તમારું હૃદય
ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસમાં ઉપયોગમાં ન આવેલું ગ્લુકોઝ લાલ રક્તકણોને ચોંટી જઈ લોહીમાં એકત્ર થાય છે જે ઓક્સિજન અને પોષક તત્વો લઈ જતી ધમનીઓને નુકસાન પહોંચાડે છે. ધમનીઓને નુકસાન સાથે ચરબીયુક્ત પદાર્થો ધમનીની દિવાલો સાથે ચોંટી જવાથી ધમનીઓ જાડી થતાં લોહીના પ્રવાહ માટે જગ્યા ઘટે છે. હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં ભરાવો થાય તો હૃદયરોગ અને મગજને લોહી પહોંચાડતી ધમનીઓમાં ભરાવો થાય, તો સ્ટ્રોકનું કારણ બની શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોને સ્ટ્રોક થવાની શક્યતા બમણી હોય છે.
ડાયાબિટીસનું નિદાન અને સારવાર
ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસનું નિદાન સામાન્ય રીતે લોહીમાં ખાંડનું સ્તર તપાસીને કરાય છે. આ ઉપરાંત, મુખ્ય લોહી પરીક્ષણ હિમોગ્લોબિન A1c (અથવા HbA1c) છે. જે, 2 થી 3 મહિના સુધી તમારા લોહીમાં લાલ રક્તકણો સાથે ચોંટેલી ખાંડના સરેરાશ સ્તરને માપે છે. ડાયાબિટીસની સારવારની વાત કરીએ તો, ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસની સારવાર સામાન્ય રીતે અલગ હોય છે. ટાઇપ 1 ડાયાબિટીસની સારવારમાં ઇન્સ્યુલિન દવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નિયમિત વ્યાયામ અને સ્વસ્થ સંતુલિત આહારની પણ ભલામણ કરાય છે. ટાઇપ 1 ડાયાબિટીસ સાથેના લોકોને લોહીમાં ખાંડના સ્તરને નિયંત્રિત કરવા માટે બહારથી ઇન્સ્યુલિન આપવું જરૂરી છે.
ટાઇપ 2 ડાયાબિટીસની સારવારમાં સામાન્ય રીતે ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે દવાઓ, નિયમિત વ્યાયામ અને સ્વસ્થ સંતુલિત આહારનો સમાવેશ થાય છે. કેટલીકવાર, ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકોને ઇન્સ્યુલિન ઇન્જેક્શનની જરૂર પડી શકે છે.
ડાયાબિટીસ હોય તો કેવો ખોરાક લેશો?
જો ડાયાબિટીસ હોય, તો સંતુલિત આહાર લેવા સાથે અને ચોક્કસ ખોરાકને મર્યાદિત માત્રામાં લેવો મહત્ત્વપૂર્ણ છે. ડોક્ટર્સ સામાન્ય રીતે વધુ આખા ખોરાક ખાવાની તેમજ વધુ ખાંડ, ચરબી અને મીઠું ધરાવતા ખોરાક અને પીણાં ઘટાડવાની અને નિયમિત ખોરાક લેવાની ભલામણ કરશે, કારણ કે ભોજન છોડવાથી તમારા લોહીમાં ખાંડનું સ્તર ખૂબ ઓછું થઈ શકે છે.
ડાયાબિટીસમાં આ પ્રમાણે ખોરાક લેવો જોઈએ • ફળો અને શાકભાજી • આખા અનાજના સ્ટાર્ચયુક્ત ખોરાક જેમ કે આખા ઘઉંની બ્રેડ, બ્રાઉન રાઈસ અને ઓટ્સ • પ્રોટીનવાળો ખોરાક જેમ કે દાળ, કઠોળ, બદામ, ઈંડાનો સમાવેશ થાય છે • ઓછી ચરબી અને ખાંડવાળા ડેરીપદાર્થો અને ઓછી ચરબીવાળું ચીઝ, નેચરલ અથવા ખાંડ વગરનું દહીં અને અડધું ચરબી ઘટાડેલું દૂધ.
ડાયાબિટીસ માટે વ્યાયામની ભલામણ
શારીરિક સક્રિયતા લોહીમાં ખાંડના સ્તરને નિયંત્રિત કરવાની બીજી શ્રેષ્ઠ રીત છે. વ્યાયામથી સ્નાયુઓએ ગ્લુકોઝનો વધુ ઉપયોગ કરવો પડતો હોવાથી લોહીમાં ગ્લુકોઝ (ખાંડ)નું પ્રમાણ ઘટી શકે છે. આનાથી હૃદય અને રક્તવહન સંબંધિત રોગો અને અન્ય ગૂંચવણોનું જોખમ ઘટે છે. શારીરિક પ્રવૃત્તિ તમારા મૂડને ઉત્સાહિત કરી શકે છે, તમારું વજન ઘટી શકે છે જે, બ્લડ પ્રેશર, કોલેસ્ટરોલ સ્તર અને ડાયાબિટીસને નિયંત્રિત કરવાની શ્રેષ્ઠ રીત છે. તમે આ પ્રકારની કસરતો કરી શકો છોઃ
• સ્વિમિંગ • સાયકલ ચલાવવી • ઝડપથી ચાલવું (બ્રિસ્ક વોક) • પાર્કમાં ફ્રિસબી સાથે રમવું • લોન મોવર ચલાવવું અથવા વેક્યૂમ કરવું.

ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ કે ગૂંચવણો
ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસ યોગ્ય રીતે નિયંત્રિત ન થાય તો અન્ય આરોગ્ય સમસ્યાનું કારણ બની શકે છે. ડાયાબિટીસની કેટલીક ગૂંચવણો કોઈપણ સમયે થઈ શકે અને કેટલીક સમયાંતરે વધે છે. આ સમસ્યાઓ થઈ શકે છે:
• આંખ અને દૃષ્ટિની સમસ્યાઓ • પેઢાંના રોગ - દાંતની સમસ્યાઓ • જાતીય સમસ્યાઓ • છાલાં અથવા મૂત્રમાર્ગના ચેપની વધુ શક્યતા • ચેતાતંત્રને નુકસાન જે લાગણી, હલનચલન કે સાંભળવા પર અસર કરી શકે છે • હૃદયરોગ, સ્ટ્રોક અને વાસ્ક્યુલર ડિમેન્શિયા જેવા હૃદય અને રક્તવહન સંબંધિત રોગો • લોહીમાં ખાંડનું સ્તર ઓછું હોય ત્યારે ધ્રુજારી, પરસેવો કે દિશાહીનતા અનુભવવી • ડાયાબિટીક કીટોએસિડોસિસ એટલે કે શરીર ઊર્જા માટે ખાંડનો ઉપયોગ કરી શકતું નથી ત્યારે તે ચરબીનો ઉપયોગ કરવા લાગે છે, જેનાથી કીટોન્સ નામના હાનિકારક રાસાયણિક પદાર્થો પેદા થાય છે, જે તમને બીમાર કરી શકે છે. આ મોટાભાગે ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા લોકોને અસર કરે છે.

ડાયાબિટીસઃ રોગ નહીં, પણ આધુનિક...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.