પાચનતંત્રને મજબૂત રાખો... ઇમ્યૂનિટી વધશે ને બીમારી તો દૂર જ રહેશે
અનેકવિધ બીમારીઓથી બચવાનો સૌથી શ્રેષ્ઠ અને પાયાનો ઉપાય છે પોતાનું પેટ એટલે કે પાચન-તંત્રને ઠીકઠાક રાખો. નિષ્ણાતો આને સદાબહાર સ્વસ્થતા માટેની સર્વોત્તમ રીત પૈકીની એક ગણાવે છે. આ માટે શરીરની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવાની જરૂર છે.
લંડન: અનેકવિધ બીમારીઓથી બચવાનો સૌથી શ્રેષ્ઠ અને પાયાનો ઉપાય છે પોતાનું પેટ એટલે કે પાચન-તંત્રને ઠીકઠાક રાખો. નિષ્ણાતો આને સદાબહાર સ્વસ્થતા માટેની સર્વોત્તમ રીત પૈકીની એક ગણાવે છે. આ માટે શરીરની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવાની જરૂર છે. બ્રિટનના ઇમ્યૂનોલોજિસ્ટ ડો. જેના મૈકિઓચીના કહેવા અનુસાર, સ્વસ્થ શરીર માટે સંતુલિત ઇમ્યૂનિટી મહત્ત્વની છે. મૂળે, ઇમ્યૂનિટી વધારવાથી શરીરમાં બળતરા (ઇન્ફલેમેશન) થવાનું જોખમ વધી જાય છે. આનાથી પાચનતંત્ર પ્રભાવિત થાય છે. બાદમાં તે સાંધાનો દુખાવો, કેન્સર, હૃદય સહિત અનેક પ્રકારની બીમારીઓનું કારણ બને છે. તેનાથી બચવા માટે પાચનતંત્રને મજબૂત રાખવાની જરૂર છે. પાચનતંત્રને સંતુલિત કરવાની સાચી રીત આહાર અને આંતરડાના સૂક્ષ્મ જીવાણુઓની દેખભાળ છે. ડો. જેના કહે છે કે આહારમાં પાંદડાવાળાં શાકભાજીની સાથે વિવિધ પ્રકારની દાળોનું સંતુલિત સેવન અને ફળોને સામેલ કરીને પાચનતંત્રને સારું રાખી શકાય છે. તેઓ કહે છે કે ઇમ્યૂન સિસ્ટમમાં ગરબડના કારણે જ બીમારીઓ ઘર કરી જાય છે.
ડો. જેના કહે છે કે ઇમ્યૂન સિસ્ટમ શરીરની કોશિકાઓ અને કોશિકા સમૂહોની સાથે જ અન્ય અણુઓથી બનેલી છે. તેને ફૂટબોલ ટીમના ખેલાડીઓના ઉદાહરણથી સમજી શકાય છે. જેમ ફૂટબોલ ટીમમાં એક ખેલાડીની નબળી રમત સમગ્ર ટીમના દેખાવ પર અસર કરે છે તેવું જ ઇમ્યૂન સિસ્ટમનું છે. જો આ સિસ્ટમનો કોઇ એકાદો હિસ્સો પણ યોગ્ય રીતે કામ નથી કરતો તો તે સોજો, થાક અને ત્વચા પર કરચલીઓના રૂપમાં જોવા મળતો હોય છે. આથી જો તમે પણ નિરામય સ્વાસ્થ્ય ઇચ્છતા હો તો પાચનતંત્ર ટનાટન રહે તેની કાળજી લો.
