મીઠુંઃ સ્વાદ માટે આવશ્યક, સ્વાસ્થ્ય માટે જોખમી

બ્લડશુગર મીઠુંઃ સ્વાદ માટે આવ

માનવશરીર એક રાસાયણિક કારખાનું છે. અનેક રાસાયણિક તત્વો શરીરને ટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમાનું એક તત્વ એટલે સોડિયમ, આ સોડિયમનો મુખ્ય સ્ત્રોત એટલે રસોઈને સ્વાદિષ્ટ બનાવતું મીઠું. માનવીના દૈનિકજીવનમાં રસોઈમાં જે મીઠાનો ઉપયોગ કરાય છે તે સોડિયમ અને ક્લોરાઈડ - આ બંને તત્ત્વોનું બનેલું છે.

માનવશરીર એક રાસાયણિક કારખાનું છે. અનેક રાસાયણિક તત્વો શરીરને ટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમાનું એક તત્વ એટલે સોડિયમ, આ સોડિયમનો મુખ્ય સ્ત્રોત એટલે રસોઈને સ્વાદિષ્ટ બનાવતું મીઠું. માનવીના દૈનિકજીવનમાં રસોઈમાં જે મીઠાનો ઉપયોગ કરાય છે તે સોડિયમ અને ક્લોરાઈડ - આ બંને તત્ત્વોનું બનેલું છે. આ મીઠામાં સોડિયમ ૪૦ ટકા અને ક્લોરાઈડ ૬૦ ટકા જેટલું હોય છે.

સોડિયમ શરીરના કોષો અને અંતઃસ્ત્રાવોનું મહત્ત્વનું અને અનિવાર્ય તત્ત્વ છે. શરીરના સ્નાયુઓ, અસ્થિઓ, હૃદય, કિડની, મગજ, ચેતાતંતુઓ એમ આ બધાં અંગોની ક્રિયાઓમાં સોડિયમ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શરીરના કોષોમાં પાણીનું પ્રમાણ બરાબર જાળવવાનું કાર્ય સોડિયમ કરે છે. આ ઉપરાંત સોડિયમ શરીરમાં લોહીનું દબાણ અને લોહીનું પ્રમાણ સામાન્ય સ્થિતિમાં જાળવવાનું કાર્ય પણ કરે છે. વળી, શરીરના સ્નાયુઓ, મગજના જ્ઞાનતંતુઓ બરાબર કાર્ય કરી શકે તે માટે પણ સોડિયમ અનિવાર્ય છે. એવી જ રીતે ક્લોરાઈડ પણ ચયાપચયની અનેક પ્રકારની ક્રિયાઓમાં ઉપયોગી અને ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. આ રીતે સોડિયમ અને ક્લોરાઈડ આ બંને તત્ત્વો એટલે કે મીઠું શરીર માટે આવશ્યક છે.

મીઠું કેટલા પ્રમાણમાં લેવું જોઈએ?

વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ સપ્રમાણ મીઠું જુદી જુદી વ્યક્તિઓ માટે જુદા જુદા પ્રમાણમાં આવશ્યક છે. ઉદાહરણ તરીકે એમ કહી શકાય કે પુખ્ત વયની તંદુરસ્ત વ્યક્તિ માટે ૨ ગ્રામ સોડિયમ જરૂરી છે જે તેને પ્રતિદિન પાંચથી છ ગ્રામ મીઠું લેવાથી મળી રહે છે.

હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, કિડનીના રોગોના દર્દીઓ તથા ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ મુજબ સપ્રમાણ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. વળી, જે બાળકો રમતગમત અને અધિક શારીરિક શ્રમ પડે તેવી રમતોમાં ભાગ લેતા હોય તેમને થોડી વધુ માત્રામાં મીઠું અને અન્ય તત્ત્વો જરૂરી છે.

જરૂરિયાતથી ઓછું મીઠું લેવાથી શું થાય?

૨૦૧૪માં ‘ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં પ્રકાશિત એક લેખમાં આહારમાં વધુ પડતા અલ્પ મીઠાના પ્રમાણને પણ નુકસાનકારક ગણવામાં આવ્યું છે. ખાસ કરીને વૃદ્ધોમાં સોડિયમના ઓછા પ્રમાણને કારણે હાડકાનું ફ્રેક્ચર, શરીરનું અસંતુલન, બેધ્યાનપણું, ભૂખ ન લાગવું, અપચો જેવી બીમારીઓની શક્યતા વધી જાય છે.

વધુ મીઠું શા માટે જોખમકારક?

જો રોજિંદા આહારમાં વધુ પડતું મીઠું લેવામાં આવે તો મીઠામાં રહેલા વધારાના સોડિયમને કિડની પેશાબ વાટે બહાર ઠાલવે છે. જો આહારમાં કાયમ વધુ પડતું મીઠું લેવાની આદર હોય તો કિડનીને વધુ પડતું કામ કરવું પડે છે અને વધારાનું સોડિયમ લોહીમાં ભળે છે. આવા સંજોગોમાં હાયપર ટેન્શન, હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યર, લકવો, પગમાં રહેલી નસોનું સંકોચન, કિડનીનો રોગ વગેરે થવાની શક્યતા વધે છે.

શરીરમાં પાણીનો વધારો થતાં હાથ-પગમાં સોજા આવવા, હાથ-પગ જકડાઈ જવા, સાંધામાં દુઃખાવો થવો, વજનમાં વધારો થવો વગેરે બીમારીઓને પણ નિમંત્રણ મળે છે.

વળી, સોડિયમની સાથે સાથે જો કેલ્શિયમ પણ શરીરમાંથી વધુ પ્રમાણમાં બહાર ઠલવાય તો હાડકાં નબળાં પડવાની કે હાડકાનાં ફ્રેક્ચર થવાની શક્યતા વધે છે. આ ઉપરાંત મીઠાંનો વધુ પડતો ઉપયોગ જઠરના કેન્સરની શક્યતા પણ વધારે છે. આજકાલ મળતા ટેબલ સોલ્ટમાં મીઠાંમાં ભેજ ન લાગે તે માટે તેમાં કેટલાંક રસાયણો પણ ઉમેરવામાં આવે છે જે શરીરને વધુ નુકસાન પહોંચાડે છે.

હાઈ બ્લડ પ્રેશરના દર્દીને શા માટે મીઠું ઓછું લેવું જોઈએ?

જે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર હોય છે તેવી વ્યક્તિઓને ડોક્ટરો આહારમાં મીઠું ઓછું લેવાની સલાહ આપતા હોય છે. આ સલાહ પાછળનું કારણ એ છે કે જો આહારમાં મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઈડ વધુ પ્રમાણમાં લેવામાં આવે તો તે એન્ડ્રિનાલ ગ્રંથિના અંતઃસ્ત્રાવને ઉત્તેજિત કરે છે. આ અંતઃસ્ત્રાવો ઉત્તેજિત થવાથી તેનાં રસાયણો લોહીમાં ઠલવાય છે. લોહીમાં થયેલો એન્ડ્રિનાલનો આ સ્ત્રાવ બ્લડ પ્રેશરને વધારે છે તેથી ડોક્ટરો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને આહારમાં મીઠું ઓછું લેવાની સલાહ આપે છે.

મીઠાંની માત્રા કેવી રીતે ઘટાડી શકાય?

વધારે પડતા મીઠાંના સેવનથી એક સાથે થતા અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે વ્યક્તિએ પોતાના રોજિંદા આહારની પદ્ધતિમાં બદલાવ લાવવો અનિવાર્ય છે.

(૧) હંમેશા તાજા શાકભાજી અને ફળોનો જ ઉપયોગ કરવો. (૨) ઉપરથી મીઠું ન લેવું. (૩) ઘણા પરિવારોમાં રોટલી કે રોટલામાં પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ કરવાનું ટાળો. (૪) સલાડ કે છાશમાં ઉપરથી મીઠું લેવાને બદલે જીરું કે મરીના પાવડરનો ઉપયોગ કરી તેને સ્વાદિષ્ટ બનાવી શકાય. (૫) બજારમાં મળતા રેડી ટુ કૂક અથવા ઈન્સ્ટન્ટ ફૂડ પેકેટ્સ ન વાપરવાં. (૬) સોયા સોસ, મસ્ટાર્ડ સોસ, મેયોનીઝ કે બીજા તૈયાર સોસ પણ બગડી ન જાય તે માટે તેમાં વધુ પ્રમાણમાં મીઠું હોય છે. આથી આવા સોસનો ઉપયોગ ન કરવો. (૭) ટિનફૂડ લેવા જ પડે તેમ હોય તો તેને સ્વચ્છ પાણીથી બે-ત્રણ વાર ધોઈને પછી જ ઉપયોગમાં લેવા. (૮) હોટેલમાં કે રેસ્ટોરાંમાં મળતા ફાફડા, ગાંઠિયા, કચોરી વગેરે ફરસાણો તથા નાસ્તાની લારીઓ પર મળતી વાનગીઓમાં મીઠાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આથી આવી વાનગીઓ ખાવાનું ટાળો કે બંધ કરો. (૯) અથાણાં, પાપડ, વેફર્સ, ચેવડો, નમકીન, ખારી શીંગ, મીઠું વધારે હોય તેવા ડ્રાયફ્રૂટ્સ, વિવિધ ચટણીઓ વગેરેમાં પણ મીઠાનું પ્રમાણ જરૂર કરતાં વધારે હોય છે. આથી તેનો ઉપયોગ ટાળો.

નિષ્ણાતોના મત મુજબ કોઈ પણ સ્વાદ કેળવતાં વ્યક્તિને ૬થી ૮ અઠવાડિયા લાગે છે. આથી આહારમાં જો ધીમે ધીમે મીઠું ઓછું લેવાની ટેવ કેળવવામાં આવે તો એ સુસ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે. ઉલ્લેખનીય છે કે રોજિંદા આહારમાં માત્ર ૧.૬ ગ્રામ જેટલું મીઠું પણ ઓછું કરવામાં આવે તો હૃદયરોગ અને હાયપર ટેન્શનની તકલીફોમાં ૩૦ ટકા ઘટાડો કરી શકાય છે.

આમ, તબિયત બગડ્યા પછી મીઠાંનું પ્રમાણ ઓછું કરવા કરતાં પહેલેથી જ જો કાળજી લેવામાં આવે તો નીરોગી અને સ્વસ્થ જીવન બહુ દૂરની વાત નથી.

(સૌજન્યઃ બીએપીએસ સ્વામિનારાયણ દ્વારા પ્રકાશિત ‘પ્રેમવતી’)

બ્લડશુગર મીઠુંઃ સ્વાદ માટે આવ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.