છેલ્લી ઇન્ટરનેશનલ મેચમાં ટેલર ભાવુક બન્યો, આંખોમાં આંસુ છલકાયા
ન્યૂઝીલેન્ડના સિનિયર ખેલાડી રોસ ટેલરે સોમવારે પોતાની કારકીર્દિની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે નેધરલેન્ડ્સ સામેની અંતિમ વન-ડે બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દીધી હતી.
હેમિલ્ટન: ન્યૂઝીલેન્ડના સિનિયર ખેલાડી રોસ ટેલરે સોમવારે પોતાની કારકીર્દિની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે નેધરલેન્ડ્સ સામેની અંતિમ વન-ડે બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દીધી હતી. 15 વર્ષ સુધી બ્લેક કેપ્સ તરીકે ઓળખાતી કિવિ ટીમનો હિસ્સો બનેલો ટેલર હેમિલ્ટન ખાતેની ત્રીજી વન-ડે શરૂ થતાં પહેલાં જ ભાવુક બન્યો હતો. રાષ્ટ્રગીત દરમિયાન 38 વર્ષીય ટેલરની આંખોમાં આંસુ આવી ગયા હતા. ટેલરે ગયા ડિસેમ્બરમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. પોતાની છેલ્લી મેચમાં ટેલરે 16 બોલમાં 14 રન બનાવ્યા હતા.
રોસ ટેલરે પોતાની લાંબી કારકિર્દીમાં ન્યૂઝીલેન્ડ તરફથી કુલ 450 ઇન્ટરનેશનલ મેચ રમી હતી. જેમાં 112 ટેસ્ટ, 235 વન-ડે અને 102 ટી-20 મેચનો સમાવેશ થાય છે.
આ દરમિયાન તેણે કુલ 18,199 રન બનાવ્યા હતા, જેમાં 40 સદી તથા 93 અડધી સદી સામેલ છે. 2006માં ડેબ્યૂ કરનાર ટેલરે 112 ટેસ્ટમાં 7683 રન, 235 વન-ડેમાં 8593 રન તથા 102 ટી-20 ફોર્મેટમાં 1909 રન બનાવ્યા હતા. ત્રણેય ફોર્મેટમાં 100 પ્લસ મેચ રમનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.
