બુમરાહની બોલિંગ જ બેટ્સમેનોને સમજાતી નથી

વર્લ્ડ કપની સૌપ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા સામેના વિજયથી ખુશખુશાલ કેપ્ટન કોહલીએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ભારોભાર વખાણ કર્યા હતા. ટીમ ઈન્ડિયામાં સામેલ અમદાવાદનો ફાસ્ટ બોલર જસપ્રીત હાલ વન-ડેમાં વર્લ્ડ નંબર વન બોલર છે. કોહલીએ કહ્યું બુમરાહની બોલિંગનો કેવી રીતે સામનો કરવો એ બેટ્સમેનોને સમજાતું જ નથી. તેમાં ય જો બુમરાહને ખબર પડી જાય કે બેટ્સમેન દ્વિધા અનુભવી રહ્યો છે એટલે તે વધુ ઘાતક બની જાય છે અને વિકેટ લઈને જ જંપે છે.
સાઉથમ્પટનઃ વર્લ્ડ કપની સૌપ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા સામેના વિજયથી ખુશખુશાલ કેપ્ટન કોહલીએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ભારોભાર વખાણ કર્યા હતા. ટીમ ઈન્ડિયામાં સામેલ અમદાવાદનો ફાસ્ટ બોલર જસપ્રીત હાલ વન-ડેમાં વર્લ્ડ નંબર વન બોલર છે. કોહલીએ કહ્યું બુમરાહની બોલિંગનો કેવી રીતે સામનો કરવો એ બેટ્સમેનોને સમજાતું જ નથી. તેમાં ય જો બુમરાહને ખબર પડી જાય કે બેટ્સમેન દ્વિધા અનુભવી રહ્યો છે એટલે તે વધુ ઘાતક બની જાય છે અને વિકેટ લઈને જ જંપે છે.
ભારતને વર્લ્ડ કપની સૌપ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા સામે જીત અપાવવામાં બુમરાહની ભૂમિકા મહત્ત્વની રહી હતી. કારકિર્દીની પ્રથમ વર્લ્ડ કપ મેચ રમી રહેલા બુમરાહે ખૂબ જ કુશળતાથી બોલિંગ કરતાં સાઉથ આફ્રિકાને બેકફૂટ પર ધકેલ્યું હતું. તેણે માત્ર ૩૫ રન આપતાં બે વિકેટ ઝડપી હતી.
કોહલીએ તેના વખાણ કરતાં કહ્યું કે તેની બોલિંગ જોવાની ખૂબ જ મજા આવે છે. ખાસ કરીને જ્યારે બેટ્સમેનને તેનો સામનો કેવી રીતે કરવો તે જ ન સમજાય ત્યારે સ્થિતિ રસપ્રદ બને છે. તે સતત બેટ્સમેન પર હાવી રહે છે. મેં અમલાને ક્યારેય આ પ્રકારે આઉટ થતા જોયો નથી. તે સ્ટ્રોક ફટકારીને આઉટ થતો હોય છે, પણ આ પ્રકારે તેને આઉટ કરવો એ બુમરાહની સિદ્ધિ કહેવાય.
બુમરાહની ખાસિયત જણાવતા કોહલીએ કહ્યું કે તે નેટ પ્રેક્ટિસમાં પણ મેચ જેટલી જ તીવ્રતાથી બોલિંગ નાંખે છે. તે સતત બેટ્સમેનની એકાગ્રતાને ચકાસે છે. જો બેટ્સમેન થોડો પણ નબળો પડે એટલે તેની વિકેટ ઝડપી જ સમજો.
