બ્રિસ્ટલ ટેસ્ટઃ ઈંગ્લેન્ડના હાથમાંથી વિજયનો પ્યાલો છીનવી લેતી સ્નેહ રાણાની લડાયક ઇનિંગ

બ્રિસ્ટલ ટેસ્ટઃ ઈંગ્લેન્ડના

ભારતના મેન્સ અને વિમેન્સ ક્રિકેટના ઇતિહાસમાં એવી ઘણી બધી ઇનિંગ્ઝ છે જે રેકોર્ડબુકમાં જોવા નહીં મળે, પણ ક્રિકેટચાહકો માટે તે અવિસ્મરણીય હશે. ક્રિકેટના મેદાનમાં એવા ઘણાં પ્રદર્શનો છે જે આંકડાથી મૂલવી શકાતાં નથી પણ તેનું મહત્ત્વ ઘણું વધારે હોય છે. જેમ કે, બ્રિસ્ટલમાં ઇંગ્લેન્ડ-ભારતની વિમેન્સ ટીમ વચ્ચે રમાયેલી એકમાત્ર ક્રિકેટ ટેસ્ટ મેચમાં નવોદિત ભારતીય ખેલાડી સ્નેહ રાણાની બેટિંગ.

લંડનઃ ભારતના મેન્સ અને વિમેન્સ ક્રિકેટના ઇતિહાસમાં એવી ઘણી બધી ઇનિંગ્ઝ છે જે રેકોર્ડબુકમાં જોવા નહીં મળે, પણ ક્રિકેટચાહકો માટે તે અવિસ્મરણીય હશે. ક્રિકેટના મેદાનમાં એવા ઘણાં પ્રદર્શનો છે જે આંકડાથી મૂલવી શકાતાં નથી પણ તેનું મહત્ત્વ ઘણું વધારે હોય છે. જેમ કે, બ્રિસ્ટલમાં ઇંગ્લેન્ડ-ભારતની વિમેન્સ ટીમ વચ્ચે રમાયેલી એકમાત્ર ક્રિકેટ ટેસ્ટ મેચમાં નવોદિત ભારતીય ખેલાડી સ્નેહ રાણાની બેટિંગ.
વિમેન્સ ટેસ્ટ ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ ખેલાડીએ પોતાની પ્રારંભિક ટેસ્ટમાં આવી બેટિંગ કરી હશે. ટીમ ઇંડિયાની કેપ્ટન મિતાલી રાજની ટીમ ફોલો-ઓન થઈ હતી અને તેના પર પરાજયનો ખતરો મંડરાઇ રહ્યો હતો. આ સમયે નવોદિત, પણ તેજતર્રાર બેટ્સમેન શેફાલી વર્મા અને દિપ્તી શર્માએ ભારે લડત આપીને ટીમને ઉગારવાનો પાયો નાખી દીધો હતો. આમ છતાં સાત વિકેટે ૧૯૯ રનના સ્કોરે ભારત હાર ભણી આગળ વધી રહ્યું હોય તેમ લાગતું હતું. બાકી રહેલાં ખેલાડીઓની એકાદ નાનકડી ભૂલ એટલે ભારતનો પરાજય નક્કી હતો. પરંતુ સ્નેહ રાણાની ૮૦ રનની અણનમ ઇનિંગે ભારતને પરાજયમાંથી ઉગારી લીધું. એટલું જ નહીં, આ પૂર્વે તેણે ચાર વિકેટ ઝડપીને બોલિંગમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આમ કારકિર્દીની પહેલી ટેસ્ટમાં જ તેણે બેવડી સિદ્ધિ હાંસલ કરી છે.
 
હનુમા વિહારીની એ ઇનિંગ યાદ છે?!
૨૦૨૧ના પ્રારંભિક સપ્તાહની જ વાત કરીએ. ટીમ ઇંડિયાના યુવા ખેલાડી હનુમા વિહારીની એ ચાર કલાકની બેટિંગ કોણ ભૂલી શકશે? સિડની ટેસ્ટમાં તેમણે ૨૩૬ મિનિટ બેટિંગ કરીને ભારતને ટેસ્ટ પરાજયમાંથી બચાવ્યું અને આ ડ્રો મેચ જ અંતે ભારતને સિરીઝ વિજય હાંસલ કરવામાં કામ લાગી. એ મેચ ભારત હારી ગયું હોત તો બ્રિસબેનમાં જીત્યા બાદ પણ સિરીઝ તો ડ્રો જ રહી હોત. આમ તો વિહારીએ એ દિવસે માત્ર ૨૩ રન ફટકાર્યા હતા અને તેથી જ કોઈ રેકોર્ડ બુકમાં તેમને સ્થાન નહીં મળે. બસ, આવી જ રીતે બ્રિસ્ટલ ટેસ્ટમાં સ્નેહ રાણાનું બેટિંગ યોગદાન હતું.

સ્નેહ રાણાએ મેચનું પાસું પલ્ટી નાંખ્યું
માત્ર એક જ ખેલાડીએ લગભગ ત્રણ કલાકમાં તો રમતનું આખું ચિત્ર બદલી નાખ્યું, આ ખેલાડી એટલે સ્નેહ રાણા. ક્રિકેટમાં હારજીત તો થતી રહે, પરંતુ ભારતીય વિમેન્સ ટીમને આ પરાજય પોષાય તેમ નહોતો. ભારતીય ટીમે પરાજય બચાવ્યો અને મેચ ડ્રો કરી તેનાં પરિણામ ભવિષ્યમાં જોવા મળનારાં છે.
એક તો ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ રમી રહ્યું હતું. તેમાં પણ પ્રથમ દાવમાં ૧૬૭ રનની મજબૂત શરૂઆત છતાં ટીમને ફોલો-ઓન થવું પડે અને બીજા દાવમાં ધબડકો અને પરાજય. આમ થાય એટલે આગામી ટેસ્ટ માટે વધુ સાત વર્ષ રાહ જોવાની. ભારતીય ક્રિકેટ બોર્ડ માટે પણ શરમજનક બાબત હતી કેમ કે ભવિષ્યમાં તે ફરીથી ટેસ્ટ યોજવા અંગે સાત વાર વિચાર કરે તેવી પરિસ્થિતિ હતી. પણ, સ્નેહ રાણાએ પાસું પલ્ટી નાંખ્યું.

ટેસ્ટ કારકિર્દીની શરૂઆત
સ્નેહ મૂળ દહેરાદૂનની ઓલરાઉન્ડર છે. તેમની પ્રાથમિકતા ઓફ સ્પિન બોલિંગ કરવાની છે પણ એ દિવસે તેમણે પોતાની બેટિંગ વડે ભારતીય મહિલા ક્રિકેટના ભવિષ્યને નવો વળાંક આપી દીધો. આજે મહિલા ક્રિકેટના ટીકાકારો પણ મિતાલી રાજની ટીમે જે રીતે મેચ બચાવી તેની પ્રશંસા કરી રહ્યા છે તેટલી જ પ્રશંસા સ્નેહ રાણાના યોગદાનની કરી રહ્યા છે.
સ્નેહ રાણા પણ આ મેચમાં અન્ય સાતેક ખેલાડીની માફક ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરી રહી હતી. સ્વાભાવિક છે કે સાત વર્ષના લાંબા ગાળા બાદ કોઈ ટીમ ટેસ્ટ રમતી હોય તો તેમાં નવોદિતોની સંખ્યા તો વધારે જ રહેવાની, પણ સ્નેહ રાણા માટે ક્રિકેટ નવી બાબત નહોતી.
લગભગ એક દાયકાથી તે ભારતીય વિમેન્સ સર્કીટમાં રમે છે. રાણાએ કારકિર્દીનો પ્રારંભ પંજાબ માટે કર્યો. વર્ષ ૨૦૧૦-૧૧ની સિઝનમાં તે પંજાબ વિમેન્સ ટીમ માટે વન-ડે અને ટી-૨૦ રમી હતી. આ જ અરસામાં શ્રીલંકન વિમેન્સ ટીમ ભારતના પ્રવાસે આવી અને સ્નેહ રાણાને એક ઓફ સ્પિનર તરીકે ટીમમાં સ્થાન મળી ગયું.

કારકિર્દીને મળ્યો નવો વળાંક
જોકે તેને પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે છેક જુલાઇ ૨૦૧૫ સુધી રાહ જોવી પડી હતી. એ વખતે ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે હતી અને બેંગ્લૂરુમાં રાણાએ કમાલ કરીને ત્રણ વિકેટ ઝડપી લીધી. ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના ૧૪૨ રનના સ્કોરની નજીક પહોંચી રહી હતી. એને રોકવા માટે આક્રમક બેટિંગ કરનારી પેટરસન અને ગ્રીનની જોડી તોડવી જરૂરી હતી. એ વખતે કેપ્ટન મિતાલી રાજે દહેરાદૂનની આ સ્પિનરને બોલિંગ આપી અને રાણાએ કેપ્ટનને નિરાશ ન કરતાં ટીમને વિજય અપાવી દીધો. આ જ પ્રદર્શને સ્નેહ રાણાની કારકિર્દીને નવો વળાંક આપ્યો હતો.

મક્કમ મન - અડગ નિર્ધારનું પ્રતીક
ભારતીય વિમેન્સ ડોમેસ્ટિક ક્રિકેટમાં અત્યાર સુધી પંજાબ માટે રમતી સ્નેહ રાણાને રેલવેએ નોકરી આપી દીધી. આમ હવે તે રેલવેનાં કર્મચારી અને સાથોસાથ ખેલાડી પણ બની ગયાં. કોઈ પણ રમતવીર અને ખાસ કરીને મહિલા રમતવીરને કારકિર્દી માટે એક જીવનનિર્વાહ માટે સલામતીની જરૂર હોય છે અને સ્નેહ રાણાને રેલવેની નોકરીએ આ સલામતી પ્રદાન કરી દીધી. જોકે રમતમાં સફળતા માટે ધીરજની જરૂર હોય છે. ઇંગ્લેન્ડ સામેની મેચ બાદ તેણે આ વાત કબૂલી હતી.
સ્નેહ રાણાએ કહ્યું હતું કે તમારે ધીરજ ધરીને આગળ ધપવાનું હોય છે. રેડ બોલ ક્રિકેટ હોય કે લિમિટેડ ઓવરની ક્રિકેટ હોય, પણ તમારે એક ચોક્કસ માઇન્ડ સેટ સાથે જ રમવું પડે છે. તમારું મન વિચલિત થવા માટે એકાદ-બે નાનાં કારણો પણ પર્યાપ્ત હોય છે, પણ મન મક્કમ કરવા, અડગ રહેવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે.
તે ઉમેરે છે, ‘ઇંગ્લેન્ડની ટીમે મને અને શિખા-તાનિયા ભાટિયાનું ધ્યાન ભટકાવવા માટે કોઇ કસર છોડી નહોતી. તેઓ સ્લેજિંગ કરતાં રહ્યાં હતાં, પણ અમે નક્કી કર્યું હતું કે આપણે તેમની વાત સાંભળવાની નથી. ખરેખર અમારું કામ અમારી ટીમને બચાવવાનું હતું અને અમે તેમ કરીને જ રહ્યાં.’
સ્નેહ રાણા છેલ્લા એક દાયકાથી ક્રિકેટ રમે છે. તેના કારણે તે બરાબરના માઇન્ડ સેટ સાથે ભારત માટે ટેસ્ટ રમી રહી હતી. તે કહે છે, ‘કોઈ પણ બાબત તમારા દિમાગમાં ઘર ના કરી જાય તેનું ધ્યાન રાખવાનું હોય છે અને તેથી જ હું મારી જાતને બિઝી રાખું છું.’
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ બચાવવા માટે સ્નેહ રાણાએ માત્ર બેટિંગ પર ફોક્સ કર્યું અને ૨૮ વર્ષની આ ખેલાડીએ ૧૯૫ મિનિટ સુધી અંગ્રેજ ટીમને હંફાવી હતી. સ્નેહ રાણાએ માત્ર બેઝિક્સ પર જ ફોક્સ કર્યું હતું અને તેથી જ તે જરાય વિચલિત થઇ નહોતી.

સદીથી વંચિત રહેવાનો નથી અફસોસ
સ્નેહ રાણાએ પીચનો એક છેડો સાચવી રાખીને અણનમ ૮૦ રન ફટકારી દીધા. મેચ ડ્રો ભણી જઈ રહી હતી ત્યારે બંને ટીમ સહમત થઈ અને મેચ અટકાવી દેવાઈ. આમ રાણા સંભવિત સદીથી વંચિત રહી ગયાં પણ તેમને આ બાબતનો અફસોસ નથી.
આમ જોવા જઈએ તો આ જ મેચમાં શેફાલી વર્મા પણ સદીથી વંચિત રહી હતી. એ રીતે તેને વધુ અફસોસ થવો જોઈએ કેમ કે ૯૬ રન ફટકારીને શેફાલી તો માત્ર ચાર જ રન દૂર હતી. શેફાલીએ સદીની નજીક હોવાની નર્વસનેસ પોતાના દિમાગ પર સવાર થવા દીધી નહોતી.
ભારતીય વિમેન્સ ક્રિકેટમાં માટે આ સૌથી મોટી હકારાત્મક બાબત છે. શેફાલી હોય કે સ્નેહ રાણા, તેઓ અન્ય કોઈ બાબતને પોતાની ઉપર હાવી થવા દેતાં નથી.
આ વિચારધારા, આ માઇન્ડ સેટ યથાવત્ રહ્યાં તો ભવિષ્યમાં ભારતીય વિમેન્સ ટીમ ક્રિકેટજગતમાં સફળતાના અનેક શીખર સર કરશે તેમાં કોઇ બેમત નથી.

બ્રિસ્ટલ ટેસ્ટઃ ઈંગ્લેન્ડના
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.