કેરીઃ સાચ્ચે જ અમૃત ફળ

કેરીઃ સાચ્ચે જ અમૃત ફળ...

‘એ ભાઈ તમે આમ અમને ઈર્ષ્યા કરાવો નહીં, હું યે પ્લેનમાં ઊડીને આવું છું. આંબાવાડીયુંમાં ફરવા ને કેરી ખાવા...’ હું વલસાડમાં કેરીની વાડીયુંમાં હતો, બ્રિટનથી બહેન મીનાનો ફોન આવ્યો, મેં એને આંબા ને કેરીના ઢગલાં બતાવ્યા એટલે તેણે આમ કહ્યું. દીકરી સ્તુતિ અત્યારે અમેરિકા ફરવા ગઈ છે તો ઘરે રોજ કહે છે કે હું આવું ત્યારે મારા માટે પાક્કો ને સાચ્ચો રસ તૈયાર રાખજો. વાત કેરીની છે કારણ કે મૌસમ કેરીની છે. કેરી પાકે છે આંબા ડાળે, આપણે ત્યાં લોકજીવનમાં લોકગીતોમાં આંબાને પ્રતિકરૂપે લઈને અને ગીતો-ભજનો લખાયાં છે.

‘એ ભાઈ તમે આમ અમને ઈર્ષ્યા કરાવો નહીં, હું યે પ્લેનમાં ઊડીને આવું છું. આંબાવાડીયુંમાં ફરવા ને કેરી ખાવા...’

હું વલસાડમાં કેરીની વાડીયુંમાં હતો, બ્રિટનથી બહેન મીનાનો ફોન આવ્યો, મેં એને આંબા ને કેરીના ઢગલાં બતાવ્યા એટલે તેણે આમ કહ્યું. દીકરી સ્તુતિ અત્યારે અમેરિકા ફરવા ગઈ છે તો ઘરે રોજ કહે છે કે હું આવું ત્યારે મારા માટે પાક્કો ને સાચ્ચો રસ તૈયાર રાખજો.
વાત કેરીની છે કારણ કે મૌસમ કેરીની છે. કેરી પાકે છે આંબા ડાળે, આપણે ત્યાં લોકજીવનમાં લોકગીતોમાં આંબાને પ્રતિકરૂપે લઈને અને ગીતો-ભજનો લખાયાં છે.
‘સોનાની સાંકળે બાંધ્યો હીંડોળો આંબાની ડાળ...’, શ્રીમદ્ ભાગવતજીના આંબાના આધ્યાત્મિક ગીતમાં લખાયું છે, ‘સખી રે આંબો અખંડ ભુવનથી ઉતર્યો...’, ‘કોયલ બેઠી આંબલીયાની ડાળ...’, કેટકેટલા ગીતો છે આંબાના. આજકાલ હવે જૂન સુધી કેરીની મોસમ રહેશે. ગુજરાત સરકારના કૃષિ-ખેડૂત કલ્યાણ વિભાગના ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા કેરી ઉત્પાદકો સીધા જ કેરી વેચાણ કરી શકે માટે કેરી મહોત્સવનું આયોજન કરાયું છે તેમાં જોડાવાનો અવસર પણ મને મળ્યો.
આપણી પૃથ્વી વસુંધરાની એક એક વનસ્પતિઓ, વૃક્ષો વગેરેથી સમૃદ્ધ છે અને આ પૈકીનું એક વૃક્ષ એટલે આંબો.
આંબો શબ્દ સાંભળીએ કે બોલીએ એટલે આપણે ક્યાંક – ક્યારેક જોયેલા આંબાવાડીયાના દ્રશ્યો નજર સામે આવી જાય. મારું વતન ભાવનગર અને અમે બાળપણમાં મોસાળના ઘરે બહુ જતા, તમારામાંના બહુ બધાએ આવો લ્હાવો લીધો જ હશે. મોસાળના બંગલામાં છ-છ આંબા હતા એટલે કેરીનો અદભૂત સ્વાદ અમે ત્યારથી માણ્યો છે. કાચી કેરી તોડીને મીઠું-મરચું લઈને ખાવાની જે મજા હતી તે અદભૂત આનંદ આપનારી હતી.
થોડુંઘણું જાણનારા લોકોને એ વાતની ખબર હશે કે સામાન્ય રીતે ત્રણ પ્રકારના આંબા થાયઃ જંગલી, દેશી અને કલમી. સામાન્ય રીતે ઉનાળામાં વર્ષમાં એકવાર ફળ આવે. આંબા પર પહેલાં મોર આવે, જે ક્યારેક પવનમાં ખરી પણ જાય અને તો પાક ઓછો થાય. પછી આંબાના વૃક્ષ પર લીલા રંગની ઝાંઈ વાળી ‘મરવા’ નાની કેરી થાય તે મોટી થઈને કેરી તરીકે ઓળખાય. કેરી પાકે એટલે એને ચોક્કસ સાધનોથી સીધા ઝોળીમાં આવે એમ ઉતારવામાં આવે, એને કેરી વેડવી એમ પણ કહેવાય. સીધી જમીન પર પડેલી કેરીમાં ચાંદી પડી જાય જેનો સ્વાદ સારો ના હોય.
ગુજરાતમાં કેરીની આવક સામાન્ય રીતે રત્નાગીરી આલ્ફાન્ઝોથી થાય, પછી તાલાલા ગીરની, પછી વલસાડની અને છેલ્લે સીઝન પૂરી થતાં કચ્છની કેસર એનો સ્વાદ આપતી જાય. અલબત્ત હવે તો પ્રાકૃતિક પરિવર્તનો અને આધુનિક સંસાધનોના સથવારે લગભગ બધે બધી જ કેરી મળી રહે છે. પરંતુ જીવ પ્રવાસનો હોય, બીજા ગામોના સારા સંપર્કો હોય તો ગીર કે વલસાડ તરફ જઈને સીધા જ વાડીમાંથી કેરી તોડીને ગાડીમાં 50-60 કિલો કેરી લઈ આવવાની, ત્યાં રહો ત્યારે ખેતરમાં આંબાવાડીયામાં કેરીની સુગંધ અને સ્વાદ માણવાનો આનંદ માણ્યો હોય એને જ ખબર હોય.
કેરી ફળોનો રાજા કહેવાય છે. અંદાજે વિશ્વભરમાં 700-800 જેટલી કેરીની જાત છે. ગુજરાત – ભારતમાં કેસર, હાફૂસ, પાયરી, બદામ, લંગડો, દાડમીયા, દશેરી, સીંદુરીયા, તોતા, રાજાપુરી, જમાદાર, નીલમ એમ કેટકેટલા નામોની કેરી મળે. બધાના રંગ, રૂપ, કદ, આકાર, વજન જુદા જુદા. સો ગ્રામની એક કેરી પણ જોવા મળે અને એક કિલોની એક કેરી પણ જોવા મળે.
બ્રિટન 2003થી આવું છું, અહીં આવીએ ત્યારે જુદા જુદા દેશોની કેરીનો સ્વાદ અહીં પણ માણ્યો છે. એ સિવાયના દેશોમાં પણ કેરીનો સ્વાદ માણ્યો છે પરંતુ ગીરપ્રદેશમાં અને વાપી, વલસાડ વિસ્તારમાં જઈને સવાર, બપોર, સાંજ ને રાત કેરી ખાવાનો જે આનંદ મળે છે એની વાત જ નોખી છે. કેરીના રસમાંથી બનતી અનેક દેશી - વિદેશી વાનગી ફાઈવસ્ટાર હોટેલમાં મોંઘા ભાવે મળે છે પણ હાથે ઘોળીને રસ કાઢીને એમાં સૂંઠ-ઘીને થોડું મીઠું નાંખીને બે-ચાર વાટકા રસ પીવાનો જે આનંદ આવે એની તોલે કોઈ આનંદ ન આવે.
કાચી કેરીના પણ એટલા જ ઔષધીય ગુણો છે, એના અથાણાંનો સ્વાદ પણ જોરદાર, ગોર કેરીને મુરબ્બો ને કટકીના અથાણા સાથે થેપલાંની મજા તો દેશ-વિદેશના પ્રવાસોમાં એરપોર્ટ પર જમીન પર બેસીને બહુ લીધી છે.
એક અર્થમાં કહીએ તો કેરીનું ફળ અમૃત ફળ સાચે જ કહેવાયું છે કારણ કે એના ગુણો પણ એવા જ છે અને એનો સ્વાદ પણ એવો જ છે. ભારતમાં અને વિદેશોમાં હવે તો બારે મહિના ફ્રોઝન ફૂડરૂપે કેરીનો રસ મળી રહે છે એની ના નહીં પરંતુ જ્યારે સિઝન હોય ત્યારે એનો ભરપૂર સ્વાદ આરોગ્યને લક્ષમાં લઈને જેટલો માણી શકાય એટલો માણવાની આ ઋતુ છે. સ્વાદના શોખીનો માટે કેરીનો રસ અમૃત રસ છે જેને આરોગવાથી જાણે કોઠેકોઠે સ્વાદની સોડમ પ્રસરે છે. અને આનંદના અજવાળાં રેલાય છે.

કેરીઃ સાચ્ચે જ અમૃત ફળ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.