પુરુષાર્થ ને સંઘર્ષ પછી મેળવેલી સફળતાની સાર્થકતા

પુરુષાર્થ ને સંઘર્ષ પછી મેળવે

‘ઉંમરના સાંઈઠ વર્ષ પસાર થઈ ગયા, એ પછી આજે 35 વર્ષની પત્રકાર-કલાકાર તરીકેની કારકિર્દીમાં તમને શું મળ્યું? આવો સહજ સવાલ હમણાં કોઈએ મને પૂછયો હતો. લાંબો અને વિસ્તૃત, સમયના સંદર્ભો સાથેનો જવાબ થઈ શકે, પરંતુ મેં માત્ર અઢી અક્ષરના એક શબ્દમાં એમના પ્રશ્નનો ઉત્તર આપ્યો, એ શબ્દ છે ‘પ્રેમ’.

‘ઉંમરના સાંઈઠ વર્ષ પસાર થઈ ગયા, એ પછી આજે 35 વર્ષની પત્રકાર-કલાકાર તરીકેની કારકિર્દીમાં તમને શું મળ્યું? આવો સહજ સવાલ હમણાં કોઈએ મને પૂછયો હતો. લાંબો અને વિસ્તૃત, સમયના સંદર્ભો સાથેનો જવાબ થઈ શકે, પરંતુ મેં માત્ર અઢી અક્ષરના એક શબ્દમાં એમના પ્રશ્નનો ઉત્તર આપ્યો, એ શબ્દ છે ‘પ્રેમ’.

પ્રેમ... હા, અસીમિત અને અનહદ પ્રેમ મળ્યો છે. કોઈપણ કલાના પર્ફોમર માટે એની કલાની પ્રસ્તુતિ પછી એને શું મળ્યું એ સવાલ મહત્ત્વનો છે. એના જવાબમાં પૈસા, સંપત્તિ, સ્થાવર-જંગમ મિલકતો, વાહન, પ્રવાસો, દાગીના, માન-મોભોને મરતબો, પદ-પ્રતિષ્ઠા... આમ ઘણું ઘણું હોઈ શકે, હોવું જ જોઈએ. પરંતુ એ બધાથી પણ ઉપર, એ બધાથી થોડું આગળ કાંઈક છે જે મેળવવાની ઝંખના હોય છે, જે અનાયાસ-અચાનક મળે છે. ત્યારે મન-હૃદય પ્રસન્ન થઈ જાય છે, આનંદ આનંદ છવાઈ જાય છે. જેટલા વર્ષો કામ કર્યું એ કરવા માટે જે પુરુષાર્થ ને પ્રાર્થના કર્યા, સંઘર્ષ કર્યો અને સફળતા મેળવી એની સાર્થકતા અનુભવાય છે.
પત્રકાર-કલાકાર તરીકેના સાડા ત્રણ દાયકાની સફરમાં જેમ મારી પાસે અનેક ઘટનાઓ છે એમ વાચક પાસે પોતાના કાર્યક્ષેત્રની આવી અનેક ઘટનાઓ હશે જ. જરૂર હોય છે એમાં સમાયેલી લાગણીને અનુભવવાની, સંવેદનશીલતાને પામવાની, જો આવું અનુભવાય તો આપણે ભૌતિકતા અને આધ્યાત્મિક્તા કે પૈસો અને પ્રસન્નતા વચ્ચેનો ભેદ સમજી શકીશું.
હમણાં ગુજરાત ટુરિઝમ દ્વારા દર વર્ષની જેમ રિવરફ્રન્ટ-અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ 2026 ઉજવાયો. રોજ સાંથે થયેલા વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સેલિબ્રિટી હોસ્ટ તરીકે, સૂત્રધાર તરીકે જોડાવાનો મને પણ અવસર મળ્યો. વર્ષોથી આ ઉત્સવ સાથે હું જોડાયેલો રહ્યો છું એ મારું સદ્ભાગ્ય છે. એકવાર સાંજે હું સ્ટેજ તરફ જઈ રહ્યો હતો અને પાછળથી કોઈએ સાદ પાડ્યો... મને રોક્યો... જોયું તો કેટરિંગના ડ્રેસકોડ સાથેનો એક યુવાન હતો. નજીક આવ્યો અને સીધો જ મને પગે લાગ્યો. મને પણ નવાઈ લાગી. નામ, ચહેરો, બધી વાત થઈ, કોઈ પરિચય નહોતો. પછી કમલેશ નામના એ યુવાને આખી ઘટનાને ભેદ ખોલ્યો ને કહ્યું, ‘તમે દુરદર્શન પર રજૂ થતાં માહિતી ખાતાના કાર્યક્રમ ‘ઝરુખો’માં એન્કરિંગ કરતા, સ્ક્રિપ્ટ લખતા ને ડિરેક્ટર હતા ત્યારથી હું તમારો ચાહક રહ્યો છું. અમારા ઘરના બધા સભ્યો દર મંગળવારે સાંજે તમારો કાર્યક્રમ જોતા હતા.’
હું આશ્ચર્ય અને આનંદ સાથે એ યુવાનને જોઈ રહ્યો. એને ભેટી પડ્યો. ‘ઝરુખો’ નામનો ગુજરાતની સંસ્કૃતિ આધારિત એ કાર્યક્રમ પ્રસારિત થવાનું બંધ થયાને પણ પંદરેક વર્ષ થયા હશે ને છતાં એ યુવાનને મારો ચહેરો, મારો અવાજ, મારી સ્ક્રિપ્ટ બધું જ યાદ હતું, એના કારણે જ એ મને મારી કલાકાર તરીકેની પ્રસ્તુતિને ચાહતો થયો હતો. મેં પણ એના કામની સરાહના કરી, ભવિષ્ય માટે શુભકામના પાઠવી અને મનમાંને મનમાં પરમતત્વને વંદન કરતો કરતો સ્ટેજ તરફ ગયો કે મને જે કલા મળી એના કારણે આવા અનેક શ્રોતા-દર્શકોનો મને નિઃસ્વાર્થ પ્રેમ મળ્યો.
દરેક માણસને પોતાની કારકિર્દી હોય છે, પોતાનું કામનું ક્ષેત્ર હોય છે જ્યાંથી એને જીવન માટે જરૂરી જે કાંઈ હોય તે મળતું હોય છે. પરંતુ એ બધામાં જ્યારે આવી કોઈ ઘટના બને, આવી રીતે કોઈનો પ્રેમ મળે ત્યારે આંખમાં આનંદના આંસુ આવી જાય છે, હૈયું નાચી ઊઠે છે અને મા સરસ્વતીની કૃપાથી જે કલા મળી છે એના થકી જીવન સાર્થક થયાની અનુભૂતિ થાય છે અને જે મળ્યું છે એના અજવાળાં અનુભવાય છે.

પુરુષાર્થ ને સંઘર્ષ પછી મેળવે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.