રામાયણનું પઠન-શ્રવણ જ્યાં થાય છે ત્યાં રચાય છે દિવ્ય વાતાવરણ

‘વક્તા, શ્રોતા કે આયોજક, ક્યારેય રામથી મોટા ન હોઈ શકે...’ ‘ઘરમાં જેનું ચિત્ર રાખશો, એવું ચરિત્ર થશે...’ ‘સો ટકા કોપી કરી શકાય, એવા ભગવાન શ્રી રામ છે...’ ‘સેતુ માત્ર સમુદ્ર પર નથી બન્યો વિચારધારાનો પણ સેતુ હોઈ શકે...’ આ અને આવા અનેક નાના-મોટા વિચાર સૂત્રો સાંભળવા મળ્યા બ્રિટનના લેસ્ટર શહેરમાં યોજાયેલી રામકથામાં.

‘વક્તા, શ્રોતા કે આયોજક, ક્યારેય રામથી મોટા ન હોઈ શકે...’

‘ઘરમાં જેનું ચિત્ર રાખશો, એવું ચરિત્ર થશે...’
‘સો ટકા કોપી કરી શકાય, એવા ભગવાન શ્રી રામ છે...’
‘સેતુ માત્ર સમુદ્ર પર નથી બન્યો વિચારધારાનો પણ સેતુ હોઈ શકે...’
આ અને આવા અનેક નાના-મોટા વિચાર સૂત્રો સાંભળવા મળ્યા બ્રિટનના લેસ્ટર શહેરમાં યોજાયેલી રામકથામાં.
લેસ્ટરની ભૂમિ પર દાયકાઓથી ધર્મ અને કર્મની, સત્વ અને તત્વની અનેક કથાઓના આયોજનો થતાં રહ્યાં છે. ધર્મ સાથે જોડાયેલા વિવિધ ઉત્સવોના આયોજનો થતાં રહે છે. સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ, વિવિધ સંપ્રદાયો, વિવિધ મંદિરો અને ધાર્મિક-સામાજિક સંસ્થાનો દ્વારા યોજાતા આવા આયોજનો થકી ભારતીય સંસ્કૃતિના આદર્શ ગૃહસ્થજીવનના, આદર્શ કૌટુંબિક જીવનના સંસ્કારો બાળકો-યુવાનોમાં રેડાય છે અને વયસ્કોમાં તે સંવર્ધિત થાય છે.
આવું જ એક આયોજન કરાયું છે લેસ્ટરના પ્રજાપતિ હોલમાં. જાણીતા ગાયક-ભજનિક અને માનવતાના કાર્યોમાં જોડાયેલા શ્રી શૈલેષ રાજા પરિવાર દ્વારા આયોજિત રામકથામાં વ્યાસપીઠ પરથી કથા રસપાન કરાવી રહ્યા છે જાણીતા વક્તા અને કથાકાર પૂ. શ્રી શ્યામભાઈ ઠાકર.
પૂ. ‘ભાઈશ્રી’ રમેશભાઈ ઓઝાના શિષ્ય, સાંદિપની વિદ્યાનિકેતન પોરબંદરના વિદ્યાર્થી અને અભ્યાસુ, વાચક, શ્રોતા, કથાવાચક શ્રી શ્યામભાઈના સ્વરમાં ગહનતા છે, સંવેદના છે, ભક્તિ છે અને ભારતીય સનાતન ધર્મની સંસ્કૃતિ પ્રત્યેનું સમર્પણ છે. વેદ-પુરાણ અને પ્રાચીન ધર્મશાસ્ત્રોના ગ્રંથોમાં રહેલી કથાને, ઘટનાને, શાસ્ત્ર સંવાદને તેઓ મૂળ પરંપરાગત ભાવને સાચવીને વર્તમાન સમયમાં, જે-તે દેશકાળમાં જીવતા મનુષ્યો માટે આ દિવ્ય સંદેશ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેની જાગૃતિ સાથે વાત કરે છે અને એથી શ્રોતાઓ સાથે ભાવપૂર્ણ રીતે કનેક્ટ થઈ શકે છે.
કોઈની પણ પાસેથી ડોનેશન નહીં લેવાના વિનય સાથે યોજાયેલી આ કથામાં મને પણ અતિથિ તરીકે જોડાવા મળ્યું એનો આનંદ થયો. સનાતન ધર્મશાસ્ત્રો અને વિચારધારામાં શ્રદ્ધા ધરાવનાર સહુ કોઈને ખબર છે કે રામાયણમાં સગુણ સાકાર ભગવાન શ્રીરામની આદર્શ જીવનલીલા છે.
ગોસ્વામી તુલસીદાસજી શ્રી રામચરિત માનસમાં લખે છે કે,
કબિ ન હોઉં, નહિ ચતુર કહાવઉ,
મતિ અનુરૂપ રામગુન ગાવઉં...
નહિ કલિ કરમ, ન ભગતિ બિબેકુ
રામનામ અવલંબન એકુ...
સત્સંગમાં રહીએ ત્યારે સમજાય છે કે શ્રીરામે એક અહલ્યાને તારી છે અને અબજો લોકોની બુદ્ધિ સુધારી છે. શ્રી રામે દંડકવનને સોહામણું બનાવ્યું છે તો અબજો ભક્તોના જીવનમાં પણ હકારાત્મક બદલાવ લાવ્યા છે. રામાયણનું વાંચન-પઠન-શ્રવણ-ગાયન જ્યાં જ્યાં થાય છે ત્યાં ત્યાં દિવ્ય વાતાવરણ રચાય છે.
લેસ્ટરની કથામાં આ પહેલાં પણ અનુભવ્યું છે અને આ વખતે પણ મેં અનુભવ્યું કે સાવ નાના બાળકો અને યુવાનો-યુવતીઓ શ્લોક, દોહા, ચોપાઇ વગેરે સાથે ગાતા હોય છે. એમને આમ કિશોર અને યુવાવસ્થામાં ભક્તિમય વાતાવરણમાં એકાકાર થતાં જોઈને સહજ આનંદ થાય. અહીં આ કથા દરમિયાન પણ આવો જ આનંદ અનુભવાયો. આ યુવા પેઢી જે રીતે સનાતન ધર્મના શાસ્ત્રો અને ભારતીય સંસ્કૃતિના આદર્શ મૂલ્યો સાથે જોડાઈ રહી છે એ જોઈને રાજી રાજી થઈ જવાય છે.
રામચરિત માનસમાં લખાયું છે,
હોઈહિ સોઈ જો રામ રચિ રાખા,
કો કરી તરક બઢાવે સાખા...
જેહિ કે જેહિ પર સત્ય સનેહુ
સો તેહિ મીલહી ન કછુ સંદેહુ
આ અને આવી અનેક ચોપાઈ આપણા જીવનમાં ભરોસો પ્રગટાવે છે અને એ ભરોસો જ આપણને ભગવાન સાથે મેળાપ કરાવે છે. ભારતીય સંસ્કૃતિના અજવાળાંને ઝીલતાં ઝીલતાં ભારતીય શાસ્ત્રોનું શ્રવણ થાય ત્યારે સ્વાભાવિક જ ઝળાંહળાંનો અનુભવ થાય છે.

રામાયણનું પઠન-શ્રવણ જ્યાં થાય છે ત્યાં રચાય છે દિવ્ય વાતાવરણ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.