લાગણીથી ધબકતો માણસ અને અનુભૂતિનું વિશ્વ

લાગણીથી ધબકતો માણસ અને અનુભૂત

‘આટલા બધા પૈસા તે હોતા હશે?’ એક ભાઈએ મને વોઈસ ઓવરના કામ સંદર્ભે વાત કરી અને મેં જ્યારે એ કામનો વાજબી પુરસ્કાર કહ્યો ત્યારે એમણે કહ્યું. સ્વાભાવિક રીતે એમણે AIના માધ્યમથી એમને જે કામ જોઇતું હતું એ કર્યું. પણ એમને મજા ન આવી, એમણે મને એ ઓડિયો મોકલ્યો. પછી ફોન કરીને કહે કે ‘આ થયું છે બરાબર પણ એમાં ઈમોશન નથી ભળતી, તમે તમારા અવાજમાં જ કરી આપો...’

‘આટલા બધા પૈસા તે હોતા હશે?’ એક ભાઈએ મને વોઈસ ઓવરના કામ સંદર્ભે વાત કરી અને મેં જ્યારે એ કામનો વાજબી પુરસ્કાર કહ્યો ત્યારે એમણે કહ્યું. સ્વાભાવિક રીતે એમણે AIના માધ્યમથી એમને જે કામ જોઇતું હતું એ કર્યું. પણ એમને મજા ન આવી, એમણે મને એ ઓડિયો મોકલ્યો. પછી ફોન કરીને કહે કે ‘આ થયું છે બરાબર પણ એમાં ઈમોશન નથી ભળતી, તમે તમારા અવાજમાં જ કરી આપો...’

વાત મારી કે મારા અવાજની નથી કરવી, એ અવાજમાં ભળેલી લાગણીની - સંવેદનાની - ભાવનાની - ભીનાશની કરવી છે. એની અભિવ્યક્તિ ટેકનોલોજી ના કરી શકે એમ નહીં, પરંતુ જે તીવ્રતાથી જે કક્ષાએ – જે ઘનતાએ માણસ કરી શકે એવી તો એ નહીં જ હોય. એટલે જ એનું મૂલ્ય નથી, એ અમૂલ્ય છે. લાગણીશીલ હોવું, લાગણીથી લથબથ રહેવું એ પોતાનામાં જ એક આનંદપૂર્ણ ઘટના છે. લાગણીથી ધબકતો માણસ જ્યારે આપણને મળે અથવા આપણે લાગણીથી ધબકતા હોઈએ અને કોઈને મળીએ ત્યારે અનુભૂતિનું જે વિશ્વ સર્જાય એ કહેવા માટે શબ્દો ઓછા પડે, એને માટે તો જીવવું પડે.

આ લાગણી, આ પ્રેમ અનુભવવા માટે એક વિચારધારા સાથે જીવવું પડે, એ વિચારધારા આપણને લઈ જાય છે બિનશરતી પ્રેમ સુધી. બોલવામાં સરળ લાગતો આ શબ્દ જીવવો અઘરો છે. બિનશરતી પ્રેમ, કારણ વગરનો પ્રેમ, અહેતુક પ્રેમ આવા ઘણા શબ્દો મળે છે આ અભિવ્યક્તિ માટે.
હું ને તમે બંને યાદ કરીએ, આપણે કોઈને આવો પ્રેમ કરીએ છીએ ખરા? આવી લાગણીથી કોઈને ચાહીએ છીએ ખરા? આવા કોઈ પાત્રને મળીને એની સાથે મનભરીને જીવીએ છીએ ખરા?
આમ જૂઓ તો આ વાત બહુ શક્ય લાગતી જ નથી. કોઈ વ્યક્તિ, બીજી કોઈ વ્યક્તિને કારણ વગર લાગણી આપે એવું તે કાંઈ હોતું હશે? એવું તે કાંઈ થાય? લોહીના કે લાગણીના તમામ સંબંધોમાં કોઈને કોઈ ગણતરી, સ્વાર્થ કે બુદ્ધિ રહેવાના જ... આ વાત જેટલી સાચી છે એટલી અધૂરી પણ છે. આપણે આપણી સમજણ વિકસતી ગઈ પછીના વર્ષોને સંભારીએ. કોઈને એકાદ-બે પાત્ર તો એવા મળશે જેને આપણે કારણ વિના પ્રેમ કર્યો હોય. સામે પક્ષે એ આપણને કદાચ ઓળખતા પણ ના હોય, છેલ્લે ક્યારે મળ્યા’તા એ યાદ પણ ના હોય... સતત સોશિયલ મીડિયાના માધ્યમથી એમની સાથે ‘ચેટ’ પણ થતું ના હોય ને છતાં એમના માટેનો પ્રેમ હૃદયમાં સતત ધબકતો હોય. એને લોકબોલીમાં કદાચ એકપક્ષી પ્રેમ કહેવાય. એ આપણા પક્ષે જ હોય. સામેનું પાત્ર બસ રાજી રહે, આનંદ કરે, હસતું રહે, પરમ તત્વની કૃપા એના પર વરસતી રહે એ ભાવ મનમાં પ્રગટતો હોય. આવું જો પાત્ર હોય તો એ પ્રેમની અનુભૂતિ કાંઈ જુદી જ હોય છે!!!

હમણાં એક ભાઈ આવી જ વાતો નીકળી તો કહેતા હતા એમના પરિચિત-સ્નેહીઓ સાથેના સંબંધોની વાત. એમનું કહેવાનું એ હતું કે એક પરિવાર સાથે એમનો વર્ષોનો સ્નેહ. હવે એ પરિવારમાં લગ્નનો પ્રસંગ આવ્યો, પરંતુ એ પરિવારના મોભી નહીં, એમના વેવાઈ આ જાણ આ ભાઈને કરે છે. પેલા વડીલ તો માત્ર વિનામૂલ્યે મોકલાતું વોટ્સએપ નિમંત્રણ પાઠવી દે છે. હવે આ કિસ્સામાં લગ્નપ્રસંગે કોઈ કામ હોય, ક્યાંક મદદરૂપ થવું હોય, આનંદમાં સહભાગી થવું હોય, તો જવું તો કેમ કરીને જવું? આખરે પછી મેં એમને કહ્યું કે ‘તમે જો એ પરિવારને પ્રેમ કરતા હો તો જવું જોઈએ.’ એમણે આમ કરવું જોઈએ અને આમ વાત કરવી જોઈએ એવી અપેક્ષા રાખ્યા વિના, કારણ કે મને વિના કારણ પ્રેમ છે એટલે જવું જોઈએ અને પ્રસંગમાં જોડાવું જોઈએ.
એવો જ એક બીજો કિસ્સો પણ છે જેમાં એક વ્યક્તિ, જે પોતાના ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરે છે, નામ-દામ કમાયા છે, એમનો એક સંસ્થા જરૂર પડે સંપર્ક કરે છે, એમના સ્કિલનો ઉપયોગ પણ કરે છે, પરંતુ જ્યારે મહત્ત્વના કાર્યક્રમો હોય ત્યારે એમને યાદ ન કરવામાં આવે. સ્વાભાવિક છે કે દુઃખ થાય, પણ એ ભાઈના મનની સ્થિરતા ગજબની છે એટલે તેઓ માને છે કે મને બોલાવે કે ના બોલાવે, મારું એ સંસ્થા માટેનું સમર્પણ એટલું જ રહેશે. એ મારા હૃદયની વાત છે. મને ગમે છે એટલે એમના કામો કરું છું, નહીં ગમે ત્યારે નહીં કરું.
આમ આપણી આસપાસ આવી ઘટનાઓ – પાત્રો મળી જ આવશે, આપણા પોતાનામાં જ મળી આવશે, જે જ્યારે સાવ અકારણ કદાચ કોઈને પ્રેમ કરતા હોય... આવા કોઈ પાત્રને તમે ને હું યાદ કરીએ, અને વધુ ઘનિષ્ટતાથી પ્રેમ કરીએ, ત્યારે પ્રેમના અજવાળાં રેલાય છે.

લાગણીથી ધબકતો માણસ અને અનુભૂત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.