સંબંધોને સાચવતું સૌથી મોટું પરિબળ છે સંવાદ
હમણાં એક સત્સંગમાં જવાનું થયું, વિધિવિધાન કરાવી રહેલા ભુદેવે સાંપ્રત ઉદાહરણો સાથે એક સહજ સત્ય સમજાવ્યું અને કહ્યું કે સામાન્ય રીતે લગ્નજીવનના ત્રણ કે પાંચ વર્ષમાં પતિ-પત્ની એકબીજાને ઓળખી ગયા હોય, બંનેના સ્વભાવ એકબીજાએ સમજી જ લીધા હોય, એવું હોવું જ જોઈએ. આ પછી પણ બેમાંથી કોઈ એક પાત્ર જો સામેના પાત્ર માટે ફરિયાદ કરે તો એ એની ભૂલ છે, કારણ કે સામેની વ્યક્તિ આવી જ છે, એ વાત એ સમજ્યો નથી. એ વ્યક્તિના સ્વભાવ વિશે, વાણીવર્તન કે વ્યવહાર વિશે ત્રણ કે પાંચ વર્ષમાં તો એને ખ્યાલ આવી જ જવો જોઈએ, એ પછી એમાં સુધારવા કોશિષ પણ કરી હશે, એમાં નિષ્ફળ ગયા મતલબ કે સામેની વ્યક્તિ જેમ જીવે છે એમ જીવવા માંગે છે, એને સુધરવું જ નથી તો એને સુધરવાના પ્રયત્નમાં આપણો મૂલ્યવાન સમય આપણે ના વેડફવો જોઈએ.

સત્સંગમાં કહેવાયેલી વાત આપણા સહુના જીવનમાં સાચી ઠરે છે. મોટાભાગે કોઈપણ માનવી સંબંધમાં પછી એ બ્રિટનમાં રહેનારા હોય કે ભારતમાં રહેનારા હોય, લોકો વચ્ચે સંબંધ બંધાય પછી અપેક્ષાઓ વધે, લાગણી વધે, પરસ્પર સમજણ વિકસિત થાય એના કરતાં તો વધુ ગેરસમજણ વિકસિત થાય, સંવાદથી વધુ વિવાદ સર્જાય... આવું આવું ઘણું ઘણું થાય અને છતાં સંબંધો ટકી રહે અથવા તો એમાં બ્રેકઅપ થઈ જાય.
અમારા એક પરિચિત બહેન છે. જીવનના પચાસ વર્ષથી વધુ વર્ષો પસાર થયા છે. આમ જુઓ તો બધી રીતે સુખી છે, પરંતુ એમને જ્યારે તક મળે ત્યારે એમના પતિ સાથે ઊંચા અવાજે બળાપો કાઢીને પોતે જ આ દુનિયામાં સહુથી વધુ દુઃખી છે એવું સાબિત કરવાની એકેય તક ચુકે નહીં. એમના પતિએ પણ આ સ્વભાવ સ્વીકારી લીધો છે, એ મૌન થઈ જાય છે અને સંબંધ ટકી રહે છે.
સંબંધોને ટકાવવામાં સૌથી મોટું પરિબળ હોય છે સંવાદ. યોગ્ય અને સાચો સંવાદ, સમયસરનું કોમ્યુનિકેશન. જ્યાં જ્યાં આ કોમ્યુનિકેશન ઓછું હોય ત્યાં સંબંધોની દોરીમાં ઊભી થતી ગૂંચો વધારે. કેટલાક સમજદારી સાથે પૂરું કોમ્યુનિકેશન કરે નહીં અને પછી બધો દોષનો ટોપલો બીજા પર ઢોળી દે એવું પણ જોયું છે.
એક વડીલની ઉંમર ખાસ્સી થઈ છે. આમ બધી રીતે સ્વસ્થ છે પણ એમની તકલીફ એ છે કે દીકરા - વહુ કે પત્ની સાથે વાત કરે ત્યારે કહેશે કે મને બહુ સંભળાતું નથી, અને પેલા લોકો જ્યારે એમની વાતો કરતા હોય ત્યારે એ વડીલ પાછા બધું સાંભળતા હોય! પરિવારના સભ્યો પણ આ બધું જ સમજે છે અને સંસ્કાર - પરંપરાને સાચવીને મૌન રહે છે.
એક બહેન આમ એવું કહેતાં ફરે કે મેં તો લગ્નના 20–25 વર્ષ વીત્યા કોઈ મોંઘી ખરીદી કરી જ નથી, પરંતુ એકેય વસ્તુ એવી ના હોય જેની ખરીદી કરતી વખતે એમણે એમના પતિ કે દીકરાને કીધું હોય! ઓર્ડર અપાઈ જાય, નક્કી થઈ જાય પછી પેલાને તો માત્ર પૈસા ચુકવાયાની જાણ જ થાય!
કોઈકને વળી પીડા છે કે હું બધું જ આયોજનબદ્ધ રીતે જ કરવા માંગું છું પણ મારે તો આખી જિંદગી સાવ બિનઆયોજનબદ્ધ પાત્ર સાથે જ પસાર થઈ... કોઈને વળી વેદના છે કે મને કોઈ સમજતું જ નથી.
ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે,
તુલસી ઈસ સંસાર મેં, ભાતભાત કે લોગ,
સબ સે હિલમીલ રહિયે, નદી નાવ સંજોગ.
બસ થોડી સમજણ આવી જાય, બધું સમજ્યા પછી મૌનનો અનુભવ થઈ જાય તો પછી અજવાળું અજવાળું જ છે.