સર્જન એ માત્ર કળા નથી, પરંતુ તે મનની એક અવસ્થા છે

સર્જન એ માત્ર કળા નથી, પરંતુ તે...

‘હે સોમનાથ મહાદેવ, મારી સર્જનાત્મક્તા, મારું લખવાનું અને બોલવાનું કાર્ય ક્યારેય અટકે નહીં એવી કૃપા કરજો. તન-મનની એવી સ્વસ્થતા આપજો કે શ્રેષ્ઠ સર્જન કરી શકું.’ મનોમન આવી સહજ પ્રાર્થના સોમનાથ મહાદેવના ચરણોમાં થઈ ગઈ અને આંખમાં આંસુ પણ ઝલમલી ગયા.

‘હે સોમનાથ મહાદેવ, મારી સર્જનાત્મક્તા, મારું લખવાનું અને બોલવાનું કાર્ય ક્યારેય અટકે નહીં એવી કૃપા કરજો. તન-મનની એવી સ્વસ્થતા આપજો કે શ્રેષ્ઠ સર્જન કરી શકું.’

મનોમન આવી સહજ પ્રાર્થના સોમનાથ મહાદેવના ચરણોમાં થઈ ગઈ અને આંખમાં આંસુ પણ ઝલમલી ગયા.

કોઈ કારણ વિના જેને અકારણ કહેવાય એમ હમણાં લાંબા સમયથી મારી આ કોલમ માટે હું લેખ મોકલી શકતો ન હતો. આભાર માનું સી.બી. પટેલનો કે એમણે આ માટે ક્યારેય મને ફોન ના કર્યો કે કેમ કોલમ નથી આવતી? અમદાવાદ ઓફિસના નીલેશભાઈને SORRYનો મેસેજ લખું તો ઉષ્માપૂર્ણ રીતે એવો સરસ સંવાદ કરે કે ‘જરાયે બોજ ના રાખો, ક્યારેક આરામ પણ જરૂરી હોય છે, લખાય ત્યારે મોકલજો.’ મારા પ્રથમ પુસ્તકના 2021માં પ્રકાશન બાદ બીજું પુસ્તક છેક 2024માં પ્રગટ થયું. પ્રકાશક દોસ્ત બુકશેલ્ફના હીરેન શાહને મેં એકસામટા પુસ્તકો લખી આપીશ એમ કહ્યું હતું, ના થયા, તો એમણે પણ વરસે એકાદ વાર યાદ કરાવવા સિવાય ક્યારેય મને દુઃખ કે પીડા થાય એવી રીતે ના કહ્યું કે પુસ્તકો કેમ નથી આપતા? આ બંને કિસ્સા સિવાય બીજા પણ ચાર-પાંચ પ્રસંગો છે જેમાં ક્યાંક મારી સર્જનશક્તિ - લેખનશક્તિ - પ્રોજેક્ટ અમલમાં મુકવાની પ્રક્રિયામાં હું ઢીલો પડ્યો હોઉં.

આખરે પરિવાર સાથે સોમનાથ જવાનું થયું તો સહજપણે લેખના આરંભે લખેલી પ્રાર્થના અભિવ્યક્ત થઈ ગઈ. મારી અંદર કંઈક ફરી પુનઃ જાગૃત થયું અને હવે ફરી વિચાર – આકાર – સ્વીકાર – આચારની દિશામાં આગળ વધવાનું થયું છે એ જ ભાવ માધવપુરમાં માધવરાયજીના ચરણે - મોચા હનુમાનના ચરણે - સાંદીપનીમાં, શ્રી હરિના ચરણે, દ્વારિકાધીશ અને નાગેશ્વરના ચરણે પણ અભિવ્યક્ત થતો રહ્યો.

મનોમંથન ચાલ્યું કે આવું કેમ થાય? ક્યારેક મનમાં ખુબ વિચારો આવે પણ એ શબ્દોનું સ્વરૂપ ધારણ ના કરે, ક્યારેક માનસિક થાક જ લાગ્યા કરે એટલે લખવાનું મન ના થાય, ક્યારેક વળી એમ થાય કે એકની એક સ્ટાઈલમાં કેટલું લખું? બહુ લખ્યું છે, ક્યારેક મન ખોટા રસ્તે દોડતું રહે, શરીરનું પણ એવું જ થાય, સમય પસાર થાય ત્યારે સમજાય કે તન – મન – ધન ખોટા ખર્ચાયા, એનો ઉપયોગ સર્જનાત્મક્તા માટે, સ્વયં માટે કર્યો હોત તો? એટલે ફરી જાગૃતિ આવે, ફરી સંકલ્પ થાય, ફરી કંઈક લેખન – વાંચન – શ્રવણ તરફ મન પ્રેરાય.

લખાય નહીં, નવા પ્રોજેક્ટનું અમલીકરણ થાય નહીં એનો અર્થ એ નથી કે પ્રતિભા ખૂટી ગઈ છે. પણ હા, કાંઈક ખૂટ્યું છે એ તો જરૂર ખ્યાલ આવે જ. બસ આટલી જાગૃતિ રહે તો પણ ઘણું છે. આખરે એ જાગૃતિ જ નવી ઊર્જા અને નવા કામો સાથે જોડે છે, આપણને વર્કમોડમાં પ્રવાહિત કરે છે.

આપણી ભાષાના એક સર્જક સુરેશ જોષીએ ક્યાંક લખ્યું છે ને એવું મેં ક્યાંક વાંચ્યું છે કે સર્જન એ માત્ર કળા નથી, પરંતુ તે મનની એક અવસ્થા છે. મનની આ અવસ્થામાં સ્હેજપણ ડામાડોળપણું આવે તો ઘણું બધું ચૂકી જવાય છે. આ ચુકી જઈએ પછી ફરી પાછા અવસર ઊભો કરીએ અને ફરી પાછા ગમતા લોકો સાથે - ગમતા કામ સાથે જોડાઈએ એનો આનંદ વિશેષ હોય છે. અત્યારે ફરી મનમાં જાણે ઊર્જાનો મહાસાગર ઘૂઘવતો થયો છે. અધૂરાં રહેલા, છૂટી ગયેલા કેટલાંક પ્રોજેક્ટ હાથ પર લીધા છે અને કામ આગળ વધ્યું છે.

વાચકોને પણ આવા અનુભવો થયા જ હશે, તમે તમારા જીવનના આવા અનુભવો તમારા પત્ર દ્વારા જણાવી શકો છો. આવી પરિસ્થિતિમાંથી કેવી રીતે તમે બહાર આવ્યા તે વાત જાણવી પણ એટલી જ રસપ્રદ હોય છે. દરેક વ્યક્તિની અલગ સ્ટોરી હોય છે. મારી સ્ટોરી પણ મા સરસ્વતી અને સદગુરૂ કૃપાથી આગળ વધતી રહે ને શબ્દ – સૂરના અજવાળાં ઝીલતો રહું...

સર્જન એ માત્ર કળા નથી, પરંતુ તે...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.