સ્વભાવ જ મજબૂત બનાવે છે સંબંધોને

સ્વભાવ જ મજબૂત બનાવે છે સંબંધો...

સામેના છેડેથી એણે ફોન કાપી નાંખ્યો, એ પછી રશ્મિએ બે-ત્રણ-ચાર વાર ફરી ફોન જોડ્યા પણ એની બહેને ફોન રિસીવ ના જ કર્યા. હીંચકે ઝુલતાં ઝુલતાં રશ્મિ મૌન રહીને વિચારતી રહી. કેમ એ આવું કરતી હશે? સામેના માણસની લાગણી સમજવામાં કેમ પાછી પડતી હશે? આનાથી વધારે તો હું એને કેટલી અનુકૂળ થાઉં? સરવાળે આ બધા પ્રશ્નોના જવાબમાં એને માત્ર ત્રણ અક્ષરોનો એક શબ્દ જડ્યો... સ્વભાવ.

સામેના છેડેથી એણે ફોન કાપી નાંખ્યો, એ પછી રશ્મિએ બે-ત્રણ-ચાર વાર ફરી ફોન જોડ્યા પણ એની બહેને ફોન રિસીવ ના જ કર્યા. હીંચકે ઝુલતાં ઝુલતાં રશ્મિ મૌન રહીને વિચારતી રહી. કેમ એ આવું કરતી હશે? સામેના માણસની લાગણી સમજવામાં કેમ પાછી પડતી હશે? આનાથી વધારે તો હું એને કેટલી અનુકૂળ થાઉં? સરવાળે આ બધા પ્રશ્નોના જવાબમાં એને માત્ર ત્રણ અક્ષરોનો એક શબ્દ જડ્યો... સ્વભાવ.

હા, સ્વભાવ જ છે, જે માણસને આગળ પણ વધારે છે અને પાછળ ધકેલી દે છે. સ્વભાવના કારણે જ માણસો લોકપ્રિય પણ થઈ શકે છે અને અપ્રિય પણ થઈ શકે છે. સ્વભાવ માણસના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. સ્વભાવ માણસના સંબંધોનું અભિન્ન અંગ છે. સ્વભાવ સારો હશે તો સહન કરીને પણ સંબંધો સચવાયા હશે અને સ્વભાવ સારો નહીં હોય તો સાથે રહેતા લોકો પ્રત્યે પણ મનમાંને મનમાં નકારાત્મક્તા પ્રગટતી જ રહેશે.
પ્રસ્તુત કિસ્સામાં રશ્મિની બહેનનો એ સ્વભાવ કે ફોન પર એ અસ્ખલિતપણે બોલ્યા જ કરે, એને યાદ ન રહે કે આ વાત તો એ અગાઉ ત્રણ વાર કરી ચુકી છે, એના પતિ અને બાળકો સાથેના વિસંવાદો અને એમાં એ સાચી હોય એની પણ ખબર હોય પણ સામેના પાત્રો એને સમજતા નથી... ઘરમાં મને કોઈ ગણતું નથી... આખા ઘરના કામ કર્યા પછી મને પુછાય છે કે તે શું કર્યું? આ અને આવી સાચી પીડા કે પ્રશ્નો વિશે એ રશ્મિ સાથે વાત કરે, ક્યારેક રડી લે. રશ્મિ એને સાંત્વના આપે, સમજાવે, મૌન રહેવા કહે, સામેના માણસનો સ્વભાવ સમજવા કહે. બીજું તો શું કરી શકે? ક્યારેક ક્યાંક જવાનું હોય, કોઈ સામે આવી મળે તો ફોન ટુંકાવવા પડે. આ વખતે તો એ વાતવાતમાં હં...હં... કહેતી હતી. વચ્ચે ક્યાંક આવું ન બોલાયું ને સામેના છેડે રહેલી બહેનને થયું કે મારી વાતમાં રશ્મિને રસ નથી. એણે ફોન કાપી નાંખ્યો અને રીસાઈને પછી ફોન લીધા જ નહીં. રશ્મિનો કોઈ વાંક ન હતો, એ સાવ સાચા હૃદયથી એની બહેનને પ્રેમ કરતી હતી, એની વાત સાંભળતી હતી, એને સધિયારો આપતી હતી છતાં નાની બહેને આવું કર્યું એ વાતે થોડી દુઃખી હતી.
બીજા એક આવા જ પારિવારિક કિસ્સામાં દીકરો-વહુ એમના બાળક ઉપર સાવ ઓછું ધ્યાન આપે છે, દાદા-દાદીએ જાણે સંપૂર્ણ સમય એમને પૌત્રને જ આપવાનો એવું વાતાવરણ ઘરમાં છે. પૌત્રને એમણે સાચવવાનો એટલે એમણે ક્યાંય બહાર નહીં જવાનું, તીર્થયાત્રા નહીં કરવાની, ઉલ્ટાનું સામે પક્ષે દીકરા-વહુને ફરવા જવું હોય તો એમના દોસ્તો સાથે તેઓ બિન્દાસ ઊપડી જાય ને ફરી આવે. દાદા-દાદી દીકરાને સાચવે એમાં વળી શું નવાઈ?
થાય કે માણસો સાવ આવું કેમ કરતા હશે? વ્યાજનું વ્યાજ ગણતા બાળકો દાદા-દાદીને વહાલા હોય જ, પરંતુ સઘળી જવાબદારી એમના પર નાંખીને મા-બાપ પોતે જવાબદારીમાંથી છુટી જાય એ કેટલું વાજબી ગણાય?
અહીં દાદા-દાદી તો પોતાના સ્વભાવને કે શોખને બદલીને પણ સમર્પિત ભાવે સેવા કરી જ લે છે, પણ એ બાળકના માતા-પિતા પોતાનો સ્વભાવ આવો કેમ રાખતા હશે?
ત્રીજા કિસ્સામાં તો વળી નવા સમયના યુવાનોની મનોદશા પ્રતિબિંબિત થાય છે. ઘરમાં દીકરી છે, ખૂબ ભણી, ખૂબ સારી નોકરી છે, સંસ્કારી છે બધું સાચું, પણ ઘરમાં રહે ત્યાં ઘરકામમાં તો ઠીક, પોતાના કામમાં પણ એ જરાયે રસ ના લે. એના રૂમમાં બધું જ વેરવિખેર પડ્યું હોય, કાંઈ પણ વસ્તુ ના મળે એટલે મમ્મી-મમ્મી સાદ પાડવાના. મમ્મી ગોતી આપે ત્યારે મેળ પડે. ઘરમાં રસોઈવાળા મહારાજ ના આવે તો બહારથી મંગાવી લે, ના મમ્મીને કરવા દે ના પોતે કરે.
દુઃખી મમ્મી કે પપ્પા થાય, પૈસો ઈશ્વરે આપ્યો, સુવિધા આપી, એનો અર્થ એવો તો નહીં કે ઘરની પ્રાથમિક જવાબદારીઓ બાળકો ભુલતા જાય. પણ સ્વભાવ અને સમયને અનુરૂપ પરિવર્તનો સ્વીકાર્યા સિવાય કોઈ રસ્તો જ નથી.
મૂળમાં માણસનો સ્વભાવ જ એના સંબંધોને મજબૂત બનાવે છે, જતું કરવાનો - સહન કરવાનો સમર્પિત ભાવે સંબંધો સાચવાતો સ્વભાવ હશે તો સામેનું પાત્ર ભલે એના સ્વભાવ મુજબ વર્તન કરે, આપણા સ્વભાવમાંથી સારપના અજવાળાં રેલાશે જ, અને એનો આપણને આનંદ હશે.

સ્વભાવ જ મજબૂત બનાવે છે સંબંધો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.