૨૬ જાન્યુઆરીઃ પૂર્ણ પ્રજાસત્તાક ભારતનું નિર્માણ

‘૨૬મી જાન્યુઆરીનો દિવસ એટલે દાદા-દાદીને વહેલી સવારે ટીવી સામે ગોઠવાઈ જવાનો દિવસ...’ આવું ચાર્મીએ હસતાં હસતાં કહ્યું એટલે દાદા બોલ્યા, ‘બેટા, પ્રજાસત્તાક પર્વ એટલે આપણા હૃદયમાં રાષ્ટ્રીય ભાવના જગાડતું પર્વ... સ્વતંત્રતાસંગ્રામમાં શહીદી વહોરનારને વંદનનું અને બંધારણની રચના કરનારાના સ્મરણનું પર્વ છે...’ ને પછી દાદાએ ચાર્મી સાથે જાણે ગોઠડી માંડી.
‘૨૬મી જાન્યુઆરીનો દિવસ એટલે દાદા-દાદીને વહેલી સવારે ટીવી સામે ગોઠવાઈ જવાનો દિવસ...’ આવું ચાર્મીએ હસતાં હસતાં કહ્યું એટલે દાદા બોલ્યા, ‘બેટા, પ્રજાસત્તાક પર્વ એટલે આપણા હૃદયમાં રાષ્ટ્રીય ભાવના જગાડતું પર્વ... સ્વતંત્રતાસંગ્રામમાં શહીદી વહોરનારને વંદનનું અને બંધારણની રચના કરનારાના સ્મરણનું પર્વ છે...’ ને પછી દાદાએ ચાર્મી સાથે જાણે ગોઠડી માંડી.
તારીખ ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસ, ભારતનું પ્રજાસત્તાક પર્વ. જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં ઊજવાતું રાષ્ટ્રીય પર્વ. આ દિવસથી ભારતનું પોતાનું બંધારણ અમલમાં આવ્યું. અભ્યાસ કહે છે કે ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે. બંધારણમાં પ્રત્યેક વિષય વિસ્તારપૂર્વક સામેલ છે. બંધારણ એકતા, રાષ્ટ્રવાદ અને સંઘભાવનાને પોષે છે. ભારતના નાગરિકોને અનેક મૌલિક અધિકારો આપ્યા છે બંધારણે.
૧૭૫૭થી ૧૯૪૭ સુધી ભારત પર બ્રિટિશ રાજ હતું. આર્થિક-સામાજિક અને રાજકીય શોષણ સામે સ્વાતંત્ર્ય ચળવળ શરૂ થઈ અને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું. ૨૯ ઓગસ્ટના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં મુસદ્દા સમિતિ રચાઇ, જેનું કામ હતું ભારતના બંધારણની રચના કરવાનું. ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ હિન્દી અને અંગ્રેજી - એમ બે નકલો પર હસ્તાક્ષર કરાયા અને બે દિવસ પછી ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી બંધારણ અમલી બન્યું. ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો.
૨૬ જાન્યુઆરી સાથે એક સ્મરણ જોડાયેલું છે એનું સ્મરણ પણ ઘટે. રાવી નદીના કિનારે ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના રોજ કોંગ્રેસના અધિવેશનમાં આ દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઊજવવાનું નક્કી કરાયું હતું. એ પછી આ દિવસ પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઊજવાયો. તે ઘટનાની સ્મૃતિમાં બંધારણનો અમલ આ દિવસથી કરાયો. ભારત બ્રિટિશ વાલીપણા હેઠળના દેશમાંથી પૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો.
પ્રજાસત્તાક પર્વની ઊજવણી ભારતના નાના-મોટા શહેરો-નગરોમાં ઉલ્લાસપૂર્ણ માહોલમાં થાય છે. ઠેર ઠેર સાંસ્કૃતિક રાષ્ટ્રભાવનાની પ્રેરણા આપતા કાર્યક્રમો યોજાય છે. પાટનગર નવી દિલ્હીમાં ભવ્ય પરેડ યોજાય છે, જે ટીવીના માધ્યમથી દેશ-વિદેશના લોકો નિહાળે છે. પરેડમાં ભૂમિદળ-વાયુદળ-નૌસેનાની ટુકડીઓ ગણવેશમાં કવાયત કરે છે. દેશના વિવિધ રાજ્યોનો સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસો દર્શાવતા ફ્લોટ્સ રજૂ થાય છે. ભારતના રાષ્ટ્રપતિ સલામી ઝીલે છે. તેમજ તેમના હસ્તે વીરતા પુરસ્કારો અને ચંદ્રકો એનાયત થાય છે. આ પ્રસંગે મિત્ર રાષ્ટ્રના વડાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાય છે. ભારતના શક્તિ-સામર્થ્યનું નિદર્શન કરતી પરેડ નિહાળવી એ પણ લ્હાવો છે.
ભારતના બંધારણે દેશના દરેક નાગરિકને વિકાસ માટે છ મૌલિક અધિકારો આપ્યા છે. સમાનતાનો, સ્વતંત્રતાનો, શોષણ સામે અવાજ ઊઠાવવાનો, ધાર્મિક સ્વતંત્રતાનો, સંસ્કૃતિ અને શિક્ષણની બાબતોનો તથા સંવૈધાનિક ઉપચારોનો મૂળ અધિકાર એમાં સામેલ છે.
વ્યક્તિગત રીતે વિચારીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે બંધારણે આપણને ઘણું બધું આપ્યું છે. એક નાગરિક તરીકે અનેક અધિકારો આપ્યા છે. એની સામે નાગરિક તરીકે, રાષ્ટ્રપ્રેમને સમર્પિત થઈને આપણે પણ જવાબદારીઓ વહન કરવી જોઈએ.
સમાનતાનો અધિકાર ભોગવીએ ત્યારે સામેના માણસને પણ એ જ અધિકાર મળ્યો છે એનો ખ્યાલ રાખીએ. સ્વતંત્ર જરૂર બનીએ પણ સ્વચ્છંદ ના થઈએ, બીજાનું શોષણ ના કરીએ, બીજા ધર્મનું સન્માન કરીએ... જેવી અનેક ફરજો બજાવવાથી રાષ્ટ્રભાવના વધુ ઊજાગર બનશે.
૨૬ જાન્યુઆરીના દિવસે અન્ય કેટલીક ઘટનાઓ પણ યાદગાર બનીને જોડાયેલી છે. ૧૯૭૧ના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ સ્થાપિત થઈ તેનો આરંભ આ દિવસે ૧૯૭૨માં થયો છે. ૧૯૮૧ની ૨૬ જાન્યુઆરીએ પૂર્વોત્તર રાજ્યમાં હવાઈ સેવા વાયુદૂતનો આરંભ થયો હતો. ૨૬ જાન્યુઆરી ૧૯૮૨ના રોજ વૈભવપૂર્ણ રેલયાત્રા માટે ભારતીય રેલવે ‘પેલેસ ઓન વ્હિલ’ની શરૂઆત કરી હતી.
પ્રજાસત્તાક પર્વે માત્ર અધિકારોથી અવગત થઈ, એની સુવિધા માણીએ એવું નહીં, રોજિંદા જીવનમાં, નાની-નાની ઘટનાઓમાં સામેની વ્યક્તિ, બીજી વ્યક્તિને ડિસ્ટર્બ ન કરીએ એ પ્રકારના નાગરિક ધર્મની જવાબદારી પણ આપણે લઈએ ત્યારે લાગે છે કે આપણી આસપાસ પ્રજાસત્તાક પર્વે નાગરિક ધર્મના અજવાળાં રેલાય છે.
