બે બેઠકો પરથી ચૂંટણી લડનારા ‘રણછોડરાય’

બે બેઠકો પરથી ચૂંટણી લડનારા ‘ર...

સામાન્ય રીતે ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સંસદસભ્ય ચૂંટાતા રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૧૭મી લોકસભાની ચૂંટણી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ લડવાનો નિર્ણય કર્યો.

સામાન્ય રીતે ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સંસદસભ્ય ચૂંટાતા રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૧૭મી લોકસભાની ચૂંટણી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ લડવાનો નિર્ણય કર્યો. ૩૧ માર્ચે કોંગ્રેસના મુખ્યાલયમાંથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન એ. કે. એન્ટની અને મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ કરેલી આ જાહેરાતમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ના નેતાઓને કેન્દ્રનાં પ્રધાન અને ગુજરાતમાંથી હજુ ઓગસ્ટ ૨૦૧૭માં છ વર્ષ માટે રાજ્યસભામાં ચૂંટાયેલાં સ્મૃતિ ઈરાની સામે રાહુલની અમેઠીમાંથી હાર દેખાઈ. રાહુલને રણછોડરાય પણ કહ્યા. અગાઉ ચાંદની ચોક બેઠક પર હારેલાં ભાજપી ઉમેદવાર શ્રીમતી ઈરાની મે ૨૦૧૪માં અમેઠીમાં કોંગ્રેસના રાહુલ સામે ય હારી ચૂક્યાં હતાં.

દક્ષિણનાં ત્રણ રાજ્યો કર્ણાટક, કેરળ અને તમિળનાડુમાંથી રાહુલ ચૂંટણી લડે એવી માંગને પગલે કોંગ્રેસ અધ્યક્ષે આ નિર્ણય લીધો. કોંગ્રેસની પરંપરાગત વાયનાડ બેઠક કેરળ, કર્ણાટક અને તમિલનાડુના ત્રિભેટે હોવાની વાત એન્ટનીએ કરી હતી. પ્રશ્ન કરાયો કે ‘અમેઠીમાં રાહુલની સ્થિતિ ખરાબ હોવાથી આ નવો વિકલ્પ કોંગ્રેસ શોધી રહી છે?’ સુરજેવાલાએ પ્રતિપ્રશ્ન કર્યો: ‘ભાજપે એ જવાબ કેમ નથી વાળ્યો કે મોદીજી ગુજરાત છોડીને (વડોદરા લડવા ઉપરાંત ઉત્તર પ્રદેશ) કેમ ભાગ્યા હતા? એ બનારસ ગયા, એનો મતલબ ગુજરાતમાં સ્થિતિ ખરાબ હતી?’

વડા પ્રધાન રહેલા હરદનહલ્લી દોદેગૌડા દેવેગોવડાના શાસનકાળમાં ઓગસ્ટ ૧૯૯૬થી કોઈ પણ ઉમેદવાર બેથી વધુ બેઠકો પરથી ચૂંટણી ના જ લડી શકે, એવી કાનૂની જોગવાઈ લોકપ્રતિનિધિ ધારા - ૧૯૫૧ અન્વયે અમલી બનાવાઈ હતી. ઓગસ્ટ ૧૯૯૬ પહેલાં તો જનસંઘ-ભાજપના નેતા અને સદ્ગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી કે તેલુગુ ફિલ્મોના સુપરસ્ટારમાંથી અવિભાજિત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન બનેલા નંદમુરિ તારક રામારાવ પણ ત્રણ-ત્રણ કે એથી વધુ બેઠકો પરથી ચૂંટણી લડી ચૂક્યા હતા. ૧૯૫૭માં અટલજી બલરામપુરથી જીત્યા હતા, લખનઊમાં બીજા ક્રમે રહ્યા અને મથુરામાં તેમની ડિપોઝિટ જપ્ત થઇ હતી. રામારાવ ૧૯૮૫માં ગુડીવાડા, હિન્દુપુર અને નાલગૌંડા વિધાનસભા બેઠકો લડ્યા. બધી જીત્યા, પણ હિન્દુપુર રાખી બીજી બે પરથી રાજીનામું આપ્યું હતું.

વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી ૧૯૭૭માં રાયબરેલી બેઠક હાર્યા પછી ૧૯૮૦માં રાયબરેલી અને મેડક (હવે તેલંગણમાં) બંને બેઠકો જીતીને ફરી સત્તામાં આવ્યાં હતાં. ૧૯૯૧માં વાજપેયી વિદિશા અને લખનઊ લોકસભા લડ્યા અને જીત્યા હતા. એ જ વર્ષે આડવાણી નવી દિલ્હી અને ગાંધીનગર લોકસભા લડ્યા અને જીત્યા હતા. ૧૯૯૬માં વાજપેયી ગાંધીનગર અને લખનઊ પર જીતીને ૧૩ દિવસ માટે વડા પ્રધાન થયા હતા. ૧૯૯૯માં સોનિયા ગાંધી બેલ્લારી અને અમેઠી લોકસભા લડ્યાં અને જીત્યાં હતાં.

૧૯૮૯માં રાજસ્થાનની સીકર અને હરિયાણાની રોહતક બેઠક જીતી નાયબ વડા પ્રધાન થયેલા દેવીલાલ ૧૯૯૧માં આ જ સીકર અને રોહતક લોકસભા બેઠક હાર્યા એટલું જ નહીં, હરિયાણાની જીરાય (હિસ્સાર) વિધાનસભા બેઠક પરથી પણ હાર્યા હતા. વર્ષ ૨૦૧૪માં મુલાયમસિંહ યાદવ આઝમગઢ અને મૈનપુરી લોકસભા લડ્યા અને જીત્યા. તેમજ ૨૦૦૯માં લાલુ પ્રસાદ સારણ અને પાટલીપુત્ર લોકસભા બેઠક લડ્યા અને જીત્યા હતા. ભારતીય લોકપ્રતિનિધિ ધારામાં તો એવી જોગવાઈ છે કે અમુક નિર્ધારિત સમયગાળામાં વધુ બેઠકો પર ચૂંટાયેલી વ્યક્તિ એક સિવાયની બીજી બેઠક પરથી રાજીનામું આપે નહીં તો એણે જીતેલી બધી (હવે બંને) બેઠકો પરની તેની ચૂંટણી રદબાતલ થઇ જાય.

હમણાં સર્વોચ્ચ અદાલતમાં વધુ એક વાર જાણીતા ધારાશાસ્ત્રી અને ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે જાહેર હિતની અરજી કરીને કોઈ પણ ઉમેદવાર માત્ર બે બેઠકો પરથી ચૂંટણી લડી શકે એ જોગવાઈ પર અંકુશ લાવીને માત્ર એક જ બેઠક લડવાની જોગવાઈ માટે દાદ માગી હતી. ગત ૨૭ માર્ચે ન્યાયાધીશો એસ. એ. બોબડે, એમ. એમ. શાંતાનાગોંડર તથા એસ. અબ્દુલ નઝીરે ઉપાધ્યાયની અરજીને બે સપ્તાહ પછી એટલે કે વર્તમાન લોકસભા ચૂંટણી માટે અરજીપત્રકો ભરવાની મુદત પતે પછી સાંભળવાનું સ્વીકાર્યું છે.

જુલાઈ ૨૦૧૮માં ઉપાધ્યાયની જ જાહેર હિતની અરજીથી મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના વડપણવાળી ખંડપીઠ સમક્ષ બે બેઠકો પરથી એક સાથે ચૂંટણી લડવાની જોગવાઈવાળી લોકપ્રતિનિધિ ધારાની કલમ ૩૩(૭)ને રદ કરવા ઉપરાંત ગેરબંધારણીય જાહેર કરવાની દાદ માંગવામાં આવી હતી. જોકે એ વેળા ભારત સરકારે ઉમેદવારને બે બેઠકો પર લડવાને વ્યક્તિનો અધિકાર લેખાવતાં ઉપાધ્યાયની અરજીનો વિરોધ કર્યો હતો.

ચૂંટણી પંચે એપ્રિલ ૨૦૧૮માં પોતાની ૨૦૦૪ની ભૂમિકાને વળગી રહેતાં સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે કોઈ પણ ઉમેદવારને એકસાથે બે બેઠકો પરથી લડવાની મંજૂરી આપવામાં ના આવવી જોઈએ. બંને બેઠકો લડવાની જોગવાઈ ચાલુ રખાય અને ઉમેદવાર બંને બેઠકો પરથી જીતે તો તેણે પેટા-ચૂંટણી યોજવા માટે અમુક નિર્ધારિત ખર્ચ સરકારી તિજોરીમાં જમા કરાવવો. વર્ષ ૨૦૦૪માં ચૂંટણી પંચે વિધાનસભાની ખાલી પડનાર બેઠકની પેટા-ચૂંટણી માટે પાંચ લાખ રૂપિયા અને લોકસભાની ખાલી પડનાર બેઠકની પેટાચૂંટણી ચૂંટણી માટે ૧૦ લાખ રૂપિયા જમા કરાવવા માટે સૂચવ્યું હતું, એ રકમમાં પણ યોગ્ય અને પ્રમાણસરનો વધારો કરવામાં આવે, એ બાબત સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરી હતી.

જસ્ટિસ એ. પી. શાહના વડપણવાળા દેશના કાયદા પંચે વર્ષ ૨૦૧૫માં કેન્દ્ર સરકારને સુપરત કરેલા ૨૫૫મા અહેવાલમાં પણ એવી ભલામણ કરી હતી કે કોઈ પણ ઉમેદવારને એકસાથે યોજાનારી ચૂંટણીમાં માત્ર એક જ બેઠક પરથી લડવાની છૂટ આપતી કાનૂની જોગવાઈ કરવી જોઈએ. આ અહેવાલના અનુસંધાનમાં ચૂંટણી પંચે ડિસેમ્બર ૨૦૧૬માં ભારત સરકારને પાઠવેલી ૪૭ દરખાસ્તોમાં પણ કાનૂની રીતે ઉમેદવાર એક સમયે માત્ર એક જ બેઠક પરથી ચૂંટણી લડી શકે, એ માટે જરૂરી કાયદાકીય સુધારાનો આગ્રહ સેવ્યો હતો. જોકે આ મામલો હજુ આવતા દિવસોમાં પણ વ્યક્તિ સ્વાતંત્ર્ય અને નાણાકીય સંસાધનોના બગાડના વિવાદ વચ્ચે હિલોળા લેતો રહેશે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)

બે બેઠકો પરથી ચૂંટણી લડનારા ‘ર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.