ભારતમાં કોઈ લઘુમતી નથી એટલે લઘુમતી પંચ બરખાસ્ત કરો

ભારતમાં કોઈ લઘુમતી નથી એટલે લઘ...

નેહરુ સરકારના પ્રધાન જસ્ટિસ ચાગલાએ સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું કે મુસ્લિમો લઘુમતી નથી

ચાલો, મોડે મોડે પણ સંઘ પરિવારની વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) થકી સહોદર ભારતીય જનતા પક્ષની કેન્દ્ર સરકાર સમક્ષ ‘લઘુમતી આયોગને વિખેરવા અથવા બહુમતી આયોગની સ્થાપના’ કરવાની માગણી કરાઈ છે. ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઓગસ્ટ ૧૯૬૪માં સ્વામી ચિન્મયાનંદના પવાઈ ખાતેના સાંદિપની આશ્રમમાં થઈ, એના છ મહિના પહેલાં વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના શિક્ષણ પ્રધાન જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલાએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાશ્મીર વિવાદ સંદર્ભે ભાષણ કરતાં ખૂબ સૂચક નિવેદન કર્યું હતું. આજે પણ જસ્ટિસ ચાગલાના એ વ્યાખ્યાનને મઢાવી રાખવા જેવું છે. તેમણે ૫ ફેબ્રુઆરી, ૧૯૬૪ના રોજ કહ્યું હતુંઃ

‘પ્રચલિત અર્થમાં ભારતમાં મુસ્લિમો લઘુમતી નથી. ભારતમાં પાંચ કરોડ (૫૦ મિલિયન) મુસ્લિમો છે. ભારત વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ ધરાવતા દેશોમાં ત્રીજા ક્રમે આવે છે. તેઓ ધરતીના છોરુ છે, તેઓ પ્રજા તરીકે ભારતીય છે. નાગરિક તરીકેના તમામ અધિકાર ભોગવે છે. એમના માટે પ્રત્યેક હોદ્દો ખુલ્લો છે અને હકીકતમાં દેશના સર્વોચ્ચ હોદ્દે તેમાંના ઘણા પહોંચી ચૂક્યા છે... હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ, પારસી અને અન્ય તમામને પૂજા-ધાર્મિક સ્વાતંત્ર્ય અને મૂળભૂત અધિકારો અમારા બંધારણે નાગરિકોને સંપૂર્ણપણે આપ્યા છે. અમારે ત્યાં કોઈ ફર્સ્ટ ક્લાસ અને કોઈ સેકન્ડ ક્લાસ નથી. પ્રત્યેક વ્યક્તિ કાયદા સમક્ષ સમાન છે.’ અત્યારે ભારતમાં ૭૯ કરોડ હિન્દુઓ સાથે ૧૯ કરોડ મુસ્લિમો વસે છે.

ભારતને પાકિસ્તાન બનાવવાની ચાલ?

નેહરુ પ્રત્યેની ભાંડણલીલામાં રમમાણ મહારથીઓએ નેહરુની આ નીતિરીતિના ઘટનાક્રમ ભણી વિશદ અભ્યાસ કરવાની જરૂર ખરી. જસ્ટિસ ચાગલા થકી ધર્મરાજ્ય (થિયોક્રેટિક) પાકિસ્તાનની તુલનામાં ધર્મનિરપેક્ષ (સેક્યુલર) ભારતની સંયુક્ત રાષ્ટ્રમાં એ વેળા કરવામાં આવેલી વ્યાખ્યાઓનો અભ્યાસ આજે વિશ્વ હિન્દુ પરિષદવાળા કરતા લાગે છે. વિહિપના આંતરરાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ડો. સુરેન્દ્ર જૈનનું ‘કાં લઘુમતી પંચ કે આયોગને સમાપ્ત કરો અથવા તો બહુમતી આયોગની રચના કરો’ એ સંદર્ભનું નિવેદન વિહિપની વેબસાઇટ પર ઝગારા મારે છે. ૨૦ જૂન ૨૦૧૭ના આ નિવેદન પૂર્વે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષપદે ઉત્તર પ્રદેશ ભાજપના નેતા અને પક્ષના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી રહેલા ગયૂરુલ હસન રિઝવીની નિમણૂક કરી હતી. વિહિપની ભૂમિકા છે કે આવા લઘુમતી આયોગથી અલગતાવાદ પ્રસરે છે અને બેપાંદડે થાય છે.

ડો. જૈનનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારને ખુલ્લો સવાલ છે કે શું લઘુમતી આયોગ ભારતને પાકિસ્તાન બનાવવા તરફ ધકેલવા માગે છે? ‘દેશ લઘુમતી પંચ પાસેથી એ જાણવા માગે છે કે ભારતમાં મુસ્લિમ સમાજ પીડિત છે કે અત્યાચારી? વિહિપ આ સંદર્ભમાં ખુલ્લી ચર્ચા ચાહે છે.’ આ ભડકો થયો છે લઘુમતી પંચે શરૂ કરેલી હેલ્પલાઇનના મુદ્દે. કોઈ મુસ્લિમ પર અત્યાચારની ઘટના બને તો સત્તાવાળાઓને જાણ કરવા માટે લઘુમતી આયોગે એક હેલ્પ લાઇન શરૂ કરી છે. વિહિપની ભૂમિકા સ્પષ્ટ છે કે ભારતમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ છે પછી લઘુમતી આયોગની શી જરૂર છે? અને લઘુમતીના પ્રશ્નો માટે એ જરૂરી છે તો પછી બહુમતી એટલે કે હિન્દુઓના પ્રશ્નો માટે બહુમતી આયોગની રચના કરવામાં આવે.

પૂજાપાની સામગ્રી પર જીએસટીનો વિરોધ

હવે વિશ્વ હિન્દુ પરિષદને ભારત સરકાર અમલી બનાવેલા માલ અને સેવા કર (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ – જીએસટી)માં જજીયાવેરો દેખાવા માંડ્યો છે. પોતીકી સરકારને ભીંસમાં લેતા હોય એ રીતે વિહિપના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ચંપત રાયે નાણા પ્રધાન અરુણ જેટલીને પત્ર લખીને મંદિર, એમાં પ્રવેશ-દર્શન, પૂજા-સામગ્રી, પ્રસાદ, ગાયનું ઘી તથા અન્ય ગાયનાં ઉત્પાદનોને જીએસટીના અમલથી બહાર રાખવા અનુરોધ કર્યો છે. વડતાલમાં વિહિપની કેન્દ્રીય પ્રબંધ સમિતિની બેઠકમાં આ બાબતમાં વિશદ ચર્ચા થઈ અને તિરુપતિ સહિતના દેશના તમામ મંદિરોમાં ઉપરોક્ત બાબતમાં જીએસટીનો અમલ કરાવાય એ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

વિહિપના નેતાઓની જાસૂસીનો આક્ષેપ

વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાની ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના અધિકારીઓ સામે ફરિયાદ એ છે કે તેઓ વિહિપના હોદ્દેદારો અને કાર્યકરોની જાસૂસી કરી રહ્યા છે. ડો. તોગડિયા થકી વડા પ્રધાન મોદી અને કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહને આ બાબતમાં પત્ર લખીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ડો. તોગડિયા કહે છે કે અમારા તબીબી બાબતોમાં લોકોને મદદરૂપ થનારા સેવાભાવી કાર્યકરોની આઇબીના અધિકારી તપાસ કરે છે અને એ સંદર્ભમાં તેમણે તાકીદે માફી માગવી જોઈએ. તેઓ ઇન્ડિયન હેલ્થ લાઇન અને હિન્દુ હેલ્પ લાઇન ચલાવે છે. આ પ્રજાના હિતના કામમાં ગુપ્તચર વિભાગના અધિકારીઓ અવરોધ સર્જી રહ્યા હોવાનું ડો. તોગડિયાનું કહેવું છે. નવાઈ તો એ વાતની છે કે ડો. તોગડિયાની પોતાની જાસૂસી કરાઈ રહ્યાની ફરિયાદ તો અત્યારના વડા પ્રધાન મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારથી થઈ રહી છે. વિહિપના આ નેતાનો ફોન ટેપ થતો હોવાની ફરિયાદ પણ ઊઠી હતી. સંઘ પરિવારમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા નેતાઓની આ ફરિયાદ ‘ઓલ ઇઝ વેલ’ નહીં હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે.

ગોવંશ રક્ષાનો કાયદો બનાવવા માગ

એક બાજુ, વડા પ્રધાન મોદી ગોરક્ષાના નામે હત્યાઓ કે લોકોની કનડગતને સહન નહીં કરાય એવી ઘોષણા કરતા રહે છે ત્યારે વિહિપની નેતાગીરી વડા પ્રધાનના ગોરક્ષા કાનૂન બનાવીને સમગ્ર દેશમાં તેનો કડકાઈથી અમલ કરવાની બાબતમાં આગ્રહ કરી રહ્યા છે. વિહિપના પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યું હતું કે આપણા વડા પ્રધાન વારતહેવારે મહાત્મા ગાંધી અને આચાર્ય વિનોબા ભાવેનું નામ લેતા રહે છે. આ બન્ને મહાનુભાવો ગોરક્ષા માટે કડક કાનૂન બનાવવાના સમર્થક હતા. એટલે અમે, અનુરોધ કરીએ છીએ કે વડા પ્રધાન ગોવંશ રક્ષા માટે કડક કાયદો બનાવીને એનો કડકાઈથી અમલ કરાવે તો જ એમની વાતોનો મતલબ છે.

વડા પ્રધાને અમદાવાદના ગાંધી આશ્રમમાં ગોરક્ષાના નામે હિંસાને સહન નહીં કરવામાં આવે એવા કરેલા નિવેદનના પ્રત્યાઘાતરૂપે બંસલે કહ્યું હતુંઃ ‘ગોરક્ષકો તો ગાયના રક્ષકો છે. તેઓ હત્યારા કઈ રીતે બની શકે? હત્યારા કાંઈ રક્ષક ના જ હોઈ શકે?’ વિહિપ થકી સરકારી તંત્ર પર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે કે સરકારી તંત્ર ગોરક્ષાની બાબતમાં સદંતર નિષ્ફળ ગયું છે.

રામમંદિર નિર્માણનો મુદ્દો ચગ્યો

આગામી બે વર્ષમાં અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ પૂરું કરવામાં આવશે એવા સંકલ્પ સાથે શ્રીરામ ભક્તો અને વિહિપ આગળ વધી રહ્યાનું લાગે છે. રામમંદિર નિર્માણ સંદર્ભે અયોધ્યા ભૂમિ વિવાદ હજુ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન હોવા છતાં સ્પષ્ટ બહુમતવાળી ભાજપ સરકાર કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં સ્થાપિત થયા પછી ખાસ કાયદાકીય જોગવાઈ કરીને પણ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે મોકળાશ કરી આપવાનો આગ્રહ થઈ રહ્યો છે.

વિહિપ રામ જન્મભૂમિ ન્યાસ અને સંતો થકી રામમંદિર નિર્માણની કામગીરીને આગળ વધારવાની બાબતમાં આશા-અપેક્ષાની પૂર્તિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થશે, એવું મનાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં ગોરખપુર પીઠના મહંત અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ રામમંદિર નિર્માણના સમર્થક રહ્યા છે. અગાઉ ઉત્તર પ્રદેશની અખિલેશ સરકારે રામમંદિર નિર્માણમાં સહયોગ કર્યો નહોતો, પણ હવે યોગી સરકાર આવતાં મંદિર નિર્માણ માટે કોતરકામ માટે લાલ પથ્થરના ટ્રક છૂટથી અયોધ્યામાં આવી રહ્યા છે. રામમંદિર બનાવવાની ઉજળી શક્યતા છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)

ભારતમાં કોઈ લઘુમતી નથી એટલે લઘ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.