મહાત્મા ગાંધીની હત્યામાં બ્રિટિશ ગુપ્તચર એજન્સીના કાવતરાનો તર્ક

મહાત્મા ગાંધીની હત્યામાં બ્ર

દોષનો ટોપલો કોંગ્રેસ અને સરદાર પટેલ પર નાખવાના ઈરાદાને સર્વોચ્ચ અદાલતે પીછાણ્યો

દેશના રાષ્ટ્રપુરુષોનાં મૃત્યુ કે હત્યાનાં કથિત રહસ્યો અંગે વાદવિવાદ ચાલુ જ રહે છે. હમણાં વધુ એક વાર મહાત્મા ગાંધીની હત્યાના કથિત વણઉકલ્યા રહસ્યની વાતને આગળ કરીને, એક સાવરકરવાદી સંશોધક અને ‘અભિનવ ભારત’ના ટ્રસ્ટી ડો. પંકજ કુમુદચંદ્ર ફડણીસ, હત્યાના ખટલાને ફરીથી ખોલવાની વિનંતી સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. સદનસીબે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ એસ. એ. બોબડે અને એલ. નાગેશ્વર રાવે આવા સંવેદનશીલ પ્રકરણ અંગે અદાલતના મિત્ર (એમિકસ ક્યુરી) તરીકે અમરેન્દ્ર શરણને નિયુક્ત કરીને એમનો અહેવાલ મેળવી લીધો છે.

આશ્ચર્યજનક મુદ્દો એવો નોંધવામાં આવ્યો છે કે મહાત્માની હત્યા માટે નથુરામ ગોડસે ઉપરાંત જે બીજી કથિત વ્યક્તિએ ગોળી છોડી હોવાનો દાવો કરનાર વ્યક્તિને પોતે તબીબી સારવાર આપી હતી, એવું સોગંદનામું ડો. નેનેએ રજૂ કર્યું છે. અદાલતમિત્રનો અહેવાલ તૈયાર થયા પછી ડો. નેનેનો ૨ ડિસેમ્બર ૨૦૧૭નો પત્ર અને સોગંદનામું ૪ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ મળ્યાની નોંધ એમણે અહેવાલના અંતમાં કરી છે. અદાલતમિત્ર આ સોગંદનામાને ‘૬૦ વર્ષ પછી કરાયેલા અને સાંભળેલી વાત પર આધારિત’ હોવાથી ધ્યાને લેવાપાત્ર અને વિશ્વસનીય લેખતા નથી.

અદાલતના મિત્ર એવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી શરણે આપેલો ૩૬ પાનાનો અહેવાલ હવે જાહેર થયો છે. એમાં દર્શાવેલી વિગતો અરજદારની, અગાઉ જૂન ૨૦૧૬માં મુંબઈની વડી અદાલતે ફગાવેલી આવી અરજીમાં તથ્ય નહીં હોવાની વાતને અનુમોદન આપે છે. ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ અદાલતે અરજદારને તેણે ન્યૂ યોર્કની લાઈબ્રેરી કોંગ્રેસમાંથી મેળવેલા મનાતા દસ્તાવેજો રજૂ કરવા માટે તક આપી અને હવે આગામી ૬ માર્ચે આ મામલો અદાલત સમક્ષ કેવો વળાંક લે, એના ભણી સૌની મીટ મંડાયેલી છે.

ગોડસે-આપ્ટેને ફાંસી, સાવરકર છૂટી ગયા

૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ સાંજના ૫.૧૫ કલાકે નથુરામ ગોડસેએ છોડેલી ત્રણ ગોળીથી રાષ્ટ્રપિતાની હત્યા કરાયાનું સેશન્સ કોર્ટ અને વડી અદાલતમાં પૂરવાર થયા પછી ૨૧ જૂન ૧૯૪૯ના રોજ દોષિત જાહેર થયેલા અને મૃત્યુદંડની સજા પામેલા નથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને ૧૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ ફાંસી અપાઈ હતી.

આ ખટલાના ૬ પ્રત્યક્ષદર્શીઓ હતા. હિંદુ મહાસભાના સર્વોચ્ચ નેતા વિનાયક દામોદર સાવરકર સહિત કુલ ૧૨ જણાને આરોપી દર્શાવાયા હતા. ગોડસે અને આપ્ટે ઉપરાંત વિષ્ણુ કરકરે, મદનલાલ પાહવા, શંકર કિસ્તય્યા, ગોપાલ ગોડસે (નથુરામનો ભાઈ), દત્તારામ પરચુરે, દિગંબર બડગે, ગંગાધર દંડવતે, ગંગાધર જાધવ અને સૂર્યદેવ શર્મા. નથુરામ અને આપ્ટેને ફાંસીની સજા થઇ હતી. કરકરે, પાહવા અને ગોપાલને આજીવન કેદ, સાવરકરને નીચલી અદાલતમાં જ છોડી મૂકાયા હતા. બડગેએ તાજના સાક્ષી થવાનું પસંદ કર્યું હતું, જયારે બાકીના ત્રણ આરોપી ભાગેડુ જાહેર થયા હતા.

ગાંધીજીની હત્યામાં ગોળી છોડનાર નથુરામ ઉપરાંત અન્ય વ્યક્તિ પણ હોવાની શંકા ઉપરાંત ત્રણ ગોળીને બદલે ચોથી ગોળી મળ્યા વિશે પ્રશ્નો ઊભા કરાતાં વર્ષ ૧૯૬૬માં ભારત સરકારે નિયુક્ત કરેલા જીવણલાલ કપૂર તપાસ પંચને પણ એ બાબતમાં કોઈ તથ્ય જણાયું નહોતું.

ત્રીજી ગોળી બાપુનાં કપડાંમાંથી મળી

સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન ખટલામાં ચાર ગોળી મળ્યાની તથા નથુરામ ઉપરાંત અન્ય વ્યક્તિએ પણ ગોળી છોડ્યાની વાતને આગળ કરવા ઉપરાંત બ્રિટિશ જાસૂસી તંત્ર થકી ઘડાયેલા મનાતા કાવતરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાંધીહત્યા પ્રકરણને લગતા હજારો પાનાંના દસ્તાવેજોનો અભ્યાસ કરીને અદાલતમિત્ર એવા તારણ પર આવ્યા છે કે અદાલતે ડો. ફડણીસની વાતને સ્વીકારવા યોગ્ય નથી. ગાંધીજીની હત્યા તેમની પર નથુરામે છોડેલી ત્રણ ગોળીથી થઇ હતી. ચોથી ગોળીનો સંબંધ હત્યા સાથે આવતો નથી, કારણ જયારે પોલીસ નારાયણ આપ્ટેને ૨૭ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ ગ્વાલિયર લઇ ગઈ હતી ત્યારે તે ગ્વાલિયરમાં ડો. પરચુરેના ઘરના વાડામાંથી મળી હતી. નથુરામે માત્ર ત્રણ ગોળી ચલાવી, ત્રણ અવાજ થયા અને મહાત્માની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. ગાંધીજીના શરીરમાં ત્રણ જ ગોળીનાં નિશાન હતાં. એક છાતીમાં વાગી હતી અને બે પેટમાં વાગી હતી. સ્થળ પરથી બે ગોળી અને ત્રણ ખાલી કાર્ટીઝ મળી હતી. મહાત્મા ગાંધીનું પોસ્ટમોર્ટમ થયું નહોતું, પણ એમને અંતિમ સ્નાન કરાવતી વખતે તેમનાં વસ્ત્રોમાંથી મળેલી ત્રીજી ગોળી એમના પુત્ર દેવદાસ ગાંધીએ પોલીસને સુપરત કરી હતી.

ગાંધીજીની જે તસવીર અરજદારે રજૂ કરી હતી, એ પણ ચાર ગોળી વાગ્યાની વાતને સમર્થન આપવા પ્રેરતી નથી. વળી, મોસ્કોમાં ભારતીય રાજદૂત વિજયાલક્ષ્મી પંડિતને નામે બ્રિટિશ કાવતરાની વાત કરાયાની વાતને પણ અદાલતમિત્રની તપાસમાં સમર્થન મળતું નથી.

બ્રિટિશ કે અમેરિકી કાવતરાની નિરાધાર શંકા

અરજદારે બ્રિટિશ જાસૂસી સંસ્થા ‘ફોર્સ ૧૩૬’ થકી ગાંધીજીની હત્યાનું કાવતરું ઘડાયાની વાત અરજીમાં રજૂ કરી છે. એની પાછળનો તર્ક એવો આપ્યો છે કે જો ગાંધીજી જીવે તો પાકિસ્તાન જાય અને ભારત-પાક સંબંધોમાં સુધારો થાય તો બ્રિટિશ નિકાસને અવળી અસર પહોંચે. અદાલતમિત્રના અહેવાલમાં બ્રિટિશ કે અમેરિકી જાસૂસી સંસ્થા થકી રાષ્ટ્રપિતાની હત્યાનું કાવતરું ઘડાયાને આધાર વગરની શંકા દર્શાવી છે. નથુરામ સાથે સ્થળ પર સીઆઈએના એજન્ટ હર્બર્ટ રેઇનર હોવાની વાત પણ આધાર વગરની લાગે છે.

હિંદુ મહાસભાના અધ્યક્ષ રહેલા સાવરકરનું મૃત્યુ ૧૯૬૬માં થયું અને તેઓ કપૂર પંચ સમક્ષ હાજર થઈ શક્યા નહોતા, પણ અગાઉ સાવરકર સાથે ગાઢ રીતે સંકળાયેલા ગોડસે અને આપ્ટેને નેહરુ સરકારને ટેકો આપવા અને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવા જેવા મુદ્દે વીર સાવરકર સાથે મતભેદ થયાનું અહેવાલ નોંધે છે.

વલ્લભભાઈને બદનામ કરવાનો પ્રયાસ

અગાઉ પણ ગાંધીજીની હત્યા પાછળ કોંગ્રેસના નેતા જ હતા, એવો તર્ક હિંદુ મહાસભા રજૂ કરતી રહી છે. જોકે એ વાતના પરપોટા સવેળા ફૂટતા રહ્યા છે. હિંદુ મહાસભાના નેતા અને ધારાશાસ્ત્રી બી. જી. કેસકરે ‘હુ કિલ્ડ ગાંધીજી? નોટ ગોડસે, હુ ધેન?’ નામની પુસ્તિકા લખીને ગાંધીજી પર ગોળી ચલાવનાર બીજી વ્યક્તિ કોંગ્રેસી હતી અને તે ૧૯૭૮ સુધી જીવતી હતી, એવી વાત આગળ કરી હતી. મહાત્માની હત્યા પાછળ સરદાર પટેલનો હાથ હોવાના સંકેત તેમણે આપ્યા હતા.

નેહરુ સરદાર પાસેથી ગૃહ ખાતું લઈને મૌલાના આઝાદને આપવા માંગતા હતા એવું જણાવીને કેસકરે નોંધ્યું છે કે ‘સરદાર વલ્લભભાઈ પટેલને પરોક્ષ મદદ કરવા માટે નથુરામે ગાંધીજીની હત્યાની જવાબદારી સ્વીકારી હતી.’ એક ડાબેરી નેતાએ પણ ગાંધીજીની હત્યા સાથે સરદારના નામને જોડાવાનો કેસકર જેવો જ હીન પ્રયાસ કર્યો હતો. આવા આક્ષેપના આઘાતમાં સરદારને હૃદયરોગનો હુમલો આવ્યો અને પોતે જેમને ભગવાન ગણ્યા એવા ગાંધીજીની હત્યા વિશે આવી શંકા જાગે એ પણ એમને દુઃખદ લાગ્યું હતું.

મહારાષ્ટ્રના મશહૂર ઇતિહાસકાર ડો. સદાનંદ મોરેએ ‘લોકમાન્ય તે મહાત્મા’ના દ્વિતીય ખંડમાં આ બાબત વિગતે લખી છે. મહારાષ્ટ્રના કેટલાક હિંદુવાદીઓ તો રાષ્ટ્રપિતા જ નહીં, સરદાર પટેલ અને પંડિત નેહરુની હત્યા કરવાના આગ્રહી હોવાનું એમણે સ્પષ્ટ કર્યું છે. ‘...મૂળે ભાગલાનો વિરોધ કરનાર ગાંધીને અવગણીને પાકિસ્તાનની રચનાનો સ્વીકાર કરવામાં પટેલ નેહરુ સાથે હતા. રામમનોહર લોહિયાએ પણ તેમને વિભાજનના ગુનેગાર ગણાવ્યા છે.’ એવું નોંધીને ડો. મોરે ઉમેરે છે કે ૨૭ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ હિંદુ મહાસભાના મહામંત્રી વિ. ઘ. દેશપાંડેએ કરેલા ભાષણમાં ‘નેહરુ અને પટેલને ફાંસી થવી જોઈએ’ એવું કહ્યાના સમાચાર ‘નવશક્તિ’માં છપાયાનું ય. દિ. ફડકેએ નોંધ્યું છે. ફડકે નામવંત ઇતિહાસકાર ગણાય છે. નથુરામના હિટલિસ્ટ પર ગાંધી અને નેહરુ સાથે જ સરદાર પટેલનું નામ હોવાનું પણ ડો. મોરે નોંધે છે.

કમનસીબે કેસકરની થિયરીઓ આજે પણ એક યા બીજા સ્વરૂપે ચર્ચામાં રહે છે. પ્રજાએ સમગ્ર બાબતમાં પોતાની રીતે નીરક્ષીર કર્યા વિના સોશિયલ મીડિયામાં ફેલાવાતી તથ્યહીન વાતો માનવાથી દૂર રહેવું.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)

મહાત્મા ગાંધીની હત્યામાં બ્ર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.