આજની ઘડી તે રળિયામણી...

આજની ઘડી તે રળિયામણી......

વડીલો સહિત સહુ વાચકમિત્રો, અલ્પ... વિરામ બાદ ફરી એક વખત આપ સહુ સમક્ષ ઉપસ્થિત થઇ રહ્યાનો આનંદ તો છે જ પરંતુ તેનાથીય અદકો આનંદ છે પાંચમી મેના આગમનનો... ‘ગુજરાત સમાચાર’ના વધુ એક જન્મદિનનો. આપના જેવા અગણિત વાચકોએ જેને હૃદયસિંહાસન પર સ્થાન આપ્યું છે તેવું આ સમાચાર સાપ્તાહિક જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞની 54 વર્ષ લાંબી જ્વલંત પ્રકાશન યાત્રા પૂરી કરીને 55મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ભૂતકાળ ભણી નજર કરું છું તો સેંકડો સ્મરણો - સંભારણાની હકડેઠઠ ભીડ જોવા મળે છે ને ભાવિ ભણી નજર કરું છું તો દૈદિપ્યમાન અને વધુ આશાવંત પ્રગતિપથ જોવા મળી રહ્યો છે.

વડીલો સહિત સહુ વાચકમિત્રો, અલ્પ... વિરામ બાદ ફરી એક વખત આપ સહુ સમક્ષ ઉપસ્થિત થઇ રહ્યાનો આનંદ તો છે જ પરંતુ તેનાથીય અદકો આનંદ છે પાંચમી મેના આગમનનો... ‘ગુજરાત સમાચાર’ના વધુ એક જન્મદિનનો. આપના જેવા અગણિત વાચકોએ જેને હૃદયસિંહાસન પર સ્થાન આપ્યું છે તેવું આ સમાચાર સાપ્તાહિક જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞની 54 વર્ષ લાંબી જ્વલંત પ્રકાશન યાત્રા પૂરી કરીને 55મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ભૂતકાળ ભણી નજર કરું છું તો સેંકડો સ્મરણો - સંભારણાની હકડેઠઠ ભીડ જોવા મળે છે ને ભાવિ ભણી નજર કરું છું તો દૈદિપ્યમાન અને વધુ આશાવંત પ્રગતિપથ જોવા મળી રહ્યો છે.
 હજુ બે સપ્તાહ પૂર્વે જ આયખાના નેવુંમાં દાયકામાં પ્રવેશ કર્યો છે, અને હવે ગુજરાત સમાચારનો નૂતન વર્ષારંભ... આવું સુખી-સંપન્ન-સમૃદ્ધ જીવન સહુ કોઇના લલાટે નથી લખાયું હોતું. મિત્રો-સ્વજનોને અવારનવાર મળવાનું બનતું રહે છે. આમાંના કોઇ કોલેજકાળથી સંપર્કમાં છે તો કોઇ આફ્રિકાનિવાસ વેળાના પરિચિત છે. ચહેરામહોરા અલગ અલગ હોય છે, પણ સરેરાશ સવાલ લગભગ સમાન હોય છે. કારણ કે તેમણે મારો સંઘર્ષકાળ જોયો છે. સી.બી., અત્યારે તમે સમાજમાં મુઠ્ઠીઊંચેરું નામ ધરાવો છો, પાંચમાં પૂછાવ છો... ક્યાંથી ક્યાં પહોંચી ગયા છો... કર્મયોગ ફાઉન્ડેશનના માધ્યમથી પાંચ લાખ પાઉન્ડ કરતાં વધુ રકમનું અનુદાન આપી ચૂક્યા છો... આ બધું કેમનું થયું? આ કે આવા સવાલોનો મારી પાસે કોઇ સીધોસટ જવાબ તો નથી, પરંતુ એટલું અવશ્ય કહી શકું કે પરમ કૃપાળુ પરમાત્માની કૃપા અને આપના જેવા જ સેંકડો-હજારો લોકોના પ્રત્યક્ષ-પરોક્ષ યોગદાનથી આ શક્ય બન્યું છે.
ગુજરાત સમાચારની પ્રકાશન યાત્રામાં સંઘર્ષ ભલે અમારો રહ્યો, પરંતુ આપ સહુના સહયોગ-સમર્થન વગર આટલી શાનદાર - જ્વલંત પ્રકાશન યાત્રા સંભવ નહોતી. લગભગ સાડા પાંચ દસકાના આયુષ્યકાળ દરમિયાન ગુજરાત સમાચારે જનહિતમાં અનેક ચળવળોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. સત્તાધિશોની સાડીબારી રાખ્યા વગર અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને લોકોને તેમના ન્યાયસંગત હક-અધિકારો મેળવવામાં સહાયક બન્યું. 1975માં ભારતમાં ઇંદિરા ગાંધીએ લોકશાહીનું ગળું ઘોંટીને કટોકટી લાદી હતી તે વેળા આ અન્યાય સામે દરિયાપારના દેશોમાં અવાજ ઉઠાવનાર ગણ્યાગાંઠ્યા ભારતીય અખબારી સમૂહોમાં ગુજરાત સમાચાર મોખરે હતું.
ઇમિગ્રેશન નેશનાલિટીનો મુદ્દો હોય, રેસિસ્ટ એટેકનો પ્રશ્ન હોય કે ફિજીમાં ભારતવંશી લશ્કરી વડા મહેન્દ્ર ચૌધરીની ગેરકાયદે હકાલપટ્ટીની વાત હોય, ગુજરાત સમાચાર અવાજ ઉઠાવવાનો અવસર ક્યારેય ચૂક્યું નથી. હા, અવાજ ભલે અમે ઉઠાવ્યો, પણ આપ સહુના સાથસહકારે તેને બુલંદ બનાવ્યો. પ્રચંડ લોકલાગણીને વશ થઇ સત્તાધિશોને તેમના નિર્ણયો બદલવા ફરજ પડી. આપણા સહુના સહિયારા પ્રયાસોના પરિણામે જ આજે હરેકૃષ્ણ મંદિરના દરવાજા ખુલ્લા છે અને લંડન-અમદાવાદ-લંડન રૂટ પર લગભગ દરરોજ ડાયરેક્ટ ફ્લાઇટ ઓપરેટ થાય છે. આ દરેક ઝૂંબેશ વેળા હજારો વાચકોએ પિટીશનમાં સહી કરી, કંઇ કેટલીય વાર વિરોધ સરઘસોમાં જોડાઇને જે સમર્થન પૂરું પાડ્યું છે તેને અમારું સદભાગ્ય ગણું છું. આજની આ શુભ ઘડીએ આપ સહુના યોગદાન બદલ અંતઃકરણપૂર્વક ઋણસ્વીકાર કરું છું.
સાડા પાંચ દસકાના આરે આવીને ઉભેલી આ પ્રકાશન યાત્રા દરમિયાન ઘણું બધું જોયું-જાણ્યું, અનુભવ્યું-માણ્યું છે. આગેકૂચ પણ થઇ છે, ને સમય-સંજોગે ક્યારેક પીછેહઠ પણ કરાવી છે. જે સીઢીએ ઉપર ચઢાવ્યો છે તે જ પગથિયાએ નીચે પણ ઉતાર્યો હશે, પરંતુ આ બધાના સરવાળે સશક્ત થયો છું તેમાં બેમત નથી. મનુષ્ય છું, ક્યારેક થાકીય જવાય છે, પણ પો’રો ખાઇને આગળ વધ્યો છું. સામે ઉપાધિ છોને મોં ફાડીને આવતી હોય, પરંતુ આત્મશ્રદ્ધા - આત્મવિશ્વાસ અડગ રહ્યા છે. જીવનમાં હામ હાર્યો નથી. આ કેમ મળ્યું છે કે પેલું કેમ નથી મળ્યું તે વાતે જિંદગી સામે કોઇ ફરિયાદ નથી. જીવનમાં જે મળ્યું છે તે માણ્યું છે.
મિત્રો, હું તો દરેકને વિનંતી કરીશ કે થોડોક સમય પોતાના માટે ફાળવો. ચિંતન-મનન કરો. પોતાની જાતને ઓળખો, પારખો અને તમારા વ્યક્તિત્વના વર્તુળને વિસ્તારો. આટલો પ્રયાસ સફળતાને તમારા આંગણે લઇ આવશે. મારી સાથે પણ આ જ થયું છે. દરેક વાચકને હું કહેવા માગીશ કે મેં કર્યું છે તે અનોખું નથી. બસ, જે કર્યું છે તે નિષ્ઠાપૂર્વક કર્યું છે, પૂરતી પ્રતિબદ્ધતા સાથે કર્યું છે. અને મારા આ પ્રયાસોને સહુકોઇનો સાથ મળ્યો. મારા પરિવારજનો, મારા વાચકો, મારા સાથીદારો - સહુકોઇએ અંતઃકરણપૂર્વક સાથ આપ્યો. અનેકના આશીર્વાદ મળ્યા અને જિંદગીના દરેક તબક્કે પરમાત્માએ મારી કાળજી લીધી. આ બધાના પરિણામે આજે નેવું વર્ષની વયે પણ તન-મનથી ટનાટન છું.
વાચકમિત્રો, મારા જીવન ઘડતરમાં બે ગુજરાતી રચનાએ બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. જરૂરતના સમયે મજબૂત સહારો આપ્યો છે એમ કહું તો પણ ખોટું નથી. પહેલું કાવ્ય છે કવિ સુંદરમ્ રચિત ‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા!’ કાવ્ય અને બીજી કૃતિ છે, સ્વામી કૃપાલાનંદજીનું ભજન ‘હતાશને...’ આ બન્ને રચના આ લેખ સાથે અલગથી, પણ શબ્દશઃ રજૂ કરી છે. વાંચજો, અને વિચારજો. જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઇ જશે. જ્યારે જ્યારે મૂંઝાયો છું કે અટવાયો છું ત્યારે આ કૃતિઓએ માર્ગ ચિંધ્યો છે, મારામાં ચેતનાનો સંચાર કર્યો છે. અને આ બધા ઉપરાંત સોને પે સુહાગા સમાન પંચાક્ષરી મંત્ર તો ખરો જ. મારા માટે તો ૐ નમઃ શિવાયનો પંચાક્ષરી મંત્ર લાઇફલાઇન છે. એક સ્પષ્ટતા કરી દઉં કે હું ધાર્મિક હોવાનો કે પવિત્ર હોવાનો દાવો નથી કરતો, અને ક્યારેય આવો દાવો કર્યો પણ નથી, પણ પંચાક્ષરી મંત્રમાં મારી શ્રદ્ધા અતૂટ જરૂર છે.
પંચાક્ષરી મંત્ર માટેની મારી આ જ અખૂટ શ્રદ્ધા ‘ગુજરાત સમાચાર’માં પણ ઉતરી છે એમ કહું તો લગારેય અતિશ્યોક્તિ નહીં ગણાય. ગુજરાત સમાચાર માટે વાચક હંમેશા દેવ સમાન રહ્યો છે, અને સમાજનું હિત સર્વોપરિ. 23 વર્ષની વયે સ્વ-દેશ છોડીને અજાણી ભોમકા ખૂંદવા નીકળી પડ્યો હતો. આ વાતને આજે 67 વર્ષ થયાં. તે વેળા સાથે લીધેલો લગેજ તો હવે કોણ જાણે ક્યાં પડ્યો હશે, પણ તે વેળા ગાંઠે બાંધેલા ભારતીય મૂલ્યો - સંસ્કૃતિ - સંસ્કાર વારસો યથાતથ્ જળવાય રહ્યા છે તે વાતનો આનંદ છે. ગુજરાતી હોવાનું ગૌરવ છે, માતૃભાષા ગુજરાતી મારો પ્રાણ છે અને શ્રદ્ધા પણ. અને આપણી ભાષા-સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે ગુજરાત સમાચાર પ્રતિબદ્ધ હતું, છે અને રહેશે. ગુજરાત સમાચાર આપણા સમાજનો અવાજ છે, અને રહેશે તે મારું આપ સહુને વચન છે.
વીતેલા વર્ષો દરમિયાન અમને - ગુજરાત સમાચારને સાથસહયોગ આપનાર વાચકો - લેખકો - વિજ્ઞાપનદાતાઓ સહુ કોઇનો અંતઃકરણપૂર્વક આભાર... આગામી વર્ષોમાં પણ આવો જ ઉષ્માભર્યો સાથસહકાર મળતો તેવી અપેક્ષા છે. (ક્રમશઃ)

•••

ઘણુંક ઘણું ભાંગવું,
ઘણ ઉઠાવ, મારી ભુજા!
– સુન્દરમ્
ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.
ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !
અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.
. તોડીફોડી પુરાણું,
. તાવી તાવી તૂટેલું.
ટીપી ટીપી બધું તે અવલનવલ
ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ,
જગને ઘા થકી ઘાટ દેને.

•••

હતાશને
- સ્વામી કૃપાલાનંદજી

આઘેથી તું તિમિરદલને દેખતાં હામ છોડી-
શાને બેઠો રુદન કરતો મસ્તકે હાથ ઠોકી?
ઊભો થા! ને પથ પર પડ્યા શુષ્ક બે કાષ્ઠ ખોળી
એમાંથી તું મથનબલથી સુપ્ત ઢંઢોળ જ્યોતિ

તારા ભાલે અકલ લિપિમાં લેખે કોયે ન કોર્યા,
એ તો કર્મે ગત સમય તેં તેજ-અંધાર ઢોળ્યાં,
ભૂતે ભાળી નયને થકવે નિર્બલો ભાગ્ય જોતાં,
ત્યારે પેલા નર સબલ તો કાર્યમાં મગ્ન રે’તાં.

થાકે વૃદ્ધો શિથિલ સઘળાં ગાત્ર જેનાં થયાં તે,
તારાં ગાત્રો, નવયુવક ઓ! શક્તિ-શૌર્યે ભર્યાં છે,
થાકે જેનું હૃદય નબળું ઉદ્યમી તો ન થાકે,
એ તો આગે ચરણ ધરતો ધ્યેયમાં ધ્યાન રાખે.

સાથીહીણા ડગ નવ ભરે અન્ધ કે પંગુઓ જ,
તારે નેત્રો, પગ સબલ બે, આત્મશક્તિ અમોઘ,
તોયે શાને સ્વબલ વિસરી આમ બેઠો? ચકોર!
ઉત્સાહીને કઠિન ન કશું, કાર્યમાં ચિત્ત જોડ.

નીચી આંખે ચરણતલના કંટકો શેં નિહાળે?
ના જોતા ઘા સમર-રમતા શૂર તો કોઈ કાળે,
વીરોને તો અચલ ડગલાં ધારવાં એ જ છાજે
શસ્ત્રો છાંડી રણ પર હરે માતની કૂખ લાજે.

ઊંચી ડોકે સ્થિર નયનથી શક્તિનો સાર ફીણી,
લોકો સામે અડગ મનથી તેં પ્રતિજ્ઞા કરી’ તી,
કે, ના છોડું વિકટ પથ આ, ના કરું પ્રાણ પ્રીતિ,
તેનું આજે સ્મરણ કર તું, ત્યાગ આ તુચ્છ ભીતિ.

આદર્શોનું જતન કરતાં વૈભવોમાં જ લોક,
કષ્ટોમાં તો સકલ જનમાં ધીર ને વીર કોક,
ઝંઝાવાતે તરુવર નમે, અદ્રિ રે’ તો અડોલ,
દુઃખે એવા અણનમ રહે ભીષ્મના ભદ્ર બોલ.

આશાકેરા અજયગઢના મસ્તકે રોપવાને,
હાથે ઝાલી વિજયધ્વજ ને ચાલ, આગે પ્રવાસે,
ઊભો રે’છે ભય મલકતો કાયરોના જ માર્ગે,
નિર્ભીતોથી ભય ભયધરી નાસતો, ના ખડો રે.’

•••

આજની ઘડી તે રળિયામણી......
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.