કોંગ્રેસના રાજકીય વ્યૂહરચનાના રાજકીય નિષ્ણાત માધવસિંહ સોલંકી

કોંગ્રેસના રાજકીય વ્યૂહરચનાન...

શનિવારે માધવસિંહ સોલંકીનું અવસાન થયું. નેવુંથી વધુ વર્ષ ‘જીવી જાણનારા’ આ આપણા મુખ્ય પ્રધાનને અનેક રીતે યાદ કરવામાં આવ્યા છે. પાછલા વર્ષોમાં તેમણે સ્વાસ્થ્યની દૃષ્ટિએ બહાર જવાનું ટાળ્યું છે. ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને એકાંતિક જિંદગી જીવતા, પુસ્તકો વાંચે, મુલાકાતીઓ (જેની સંખ્યા ક્રમશઃ ઓછી થઈ રહી હતી)ને મળે, આરામ કરેઃ આ તેમનો નિત્યક્રમ.

શનિવારે માધવસિંહ સોલંકીનું અવસાન થયું. નેવુંથી વધુ વર્ષ ‘જીવી જાણનારા’ આ આપણા મુખ્ય પ્રધાનને અનેક રીતે યાદ કરવામાં આવ્યા છે. પાછલા વર્ષોમાં તેમણે સ્વાસ્થ્યની દૃષ્ટિએ બહાર જવાનું ટાળ્યું છે. ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને એકાંતિક જિંદગી જીવતા, પુસ્તકો વાંચે, મુલાકાતીઓ (જેની સંખ્યા ક્રમશઃ ઓછી થઈ રહી હતી)ને મળે, આરામ કરેઃ આ તેમનો નિત્યક્રમ. દરેક રાજકારણી હવે પોતાના રાજકીય વારસદારને મૂકી જાય છે. ભરતસિંહ તેમના પુત્ર, કોંગ્રેસના એક જૂથના મહા-રથી, હમણાં કોરોનાના સંકજામાં આવ્યા અને તેમાંથી પાર થઈને વળી પાછા સક્રિય થયાં.

માધવસિંહ ફૂલસિંહ સોલંકીની કારકિર્દીની તરાહમાં વિવિધતા રહી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રચાર અધિકારી (પીઆરઓ), અમદાવાદથી પ્રસિદ્ધ થતા ‘ગુજરાત સમાચાર’ના પત્રકાર, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પછી કોંગ્રેસના સંગઠનની જવાબદારી ધારાસભ્ય અને બે વાર મુખ્ય પ્રધાન, તે પછી કેન્દ્રના વિદેશ પ્રધાન... આમ તેમના અનુભવોનો રસ્તો ઘણો વિશાળ અને લાંબો હતો. એક વાર - ૧૯૮૫નાં રમખાણો દરમિયાન, જ્યારે એ મુખ્ય પ્રધાન હતા - મેં ‘જનસત્તાની મારી કોલમમાં લખ્યું હતુંઃ ‘કાશ, જો લખે સોલંકી તેમની આત્મકથા’.

એવું તો તેમણે કર્યું નહીં, પણ ‘મતદારના મંચ’ પર ખાસ્સો ઉહાપોહ મચાવે તેવાં નિર્ણયો જરૂર અમલમાં લાવ્યા. સોલંકીની સાથે એક શબ્દ જોડાઈ ગયો તે ‘ખામ’ થિયરીનો. કેટલાકે તેને સોશિયલ એન્જિનિયરનો પ્રયોગ ગણાવ્યો અને તેને કારણે પછાત અવસ્થામાં ઉદ્ધારની આશા રાખતો મોટો વર્ગ કોંગ્રેસને મળ્યો તેનું શ્રેય માધવસિંહને જાય છે. એમના પછી એવા લાખ પ્રયત્નો નિષ્ફળ ગયા અને ગુજરાતનો કબજો ભાજપ - કેશુભાઈ - નરેન્દ્ર મોદી - આનંદીબહેન અને વિજય રૂપાણીએ લીધો.

આ બધાંની રાજકીય વ્યૂહરચનાઓ અલગ અલગ રહી. સોલંકીને ‘ખામ’ થિયરીના જનક ગણવામાં આવ્યા છે, પણ તેમની સાથે સનત મહેતા અને ઝીણાભાઈ દરજી પણ આ વ્યૂહરચનામાં સામેલ હતા, જે પછીથી સોલંકીની નીતિરીતિથી અસંમત થઈ ગયા. તેમના કાર્યકાળ દરમિયાન જ ગુજરાત કોંગ્રેસમાં ભાગલા પડ્યા. નારાજ રતુભાઈ અદાણી અને બીજા ગાંધીવાદી કોંગ્રેસ નેતાઓ ‘ખામ’થી પેદા થયેલા વર્ગવિગ્રહ અને અરાજકતાથી ભારે નારાજ હતા. અને કોંગ્રેસને છોડીને રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી હતી.

પણ ૧૯૮૫માં વળી પાછા સોલંકી ભારે બહુમતથી ચૂંટાઈ આવ્યા. એ સિદ્ધિ સંઘર્ષ પણ લાવી. ૧૯૮૫નાં અનામતવિરોધી તરફેણમાં જે તોફાનો થયા, હિંસાચાર સર્જાયો, લાશો ઢળી, આગજની અને લૂંટફાટ શરૂ થયા તે ગુજરાતના રાજકીય ઇતિહાસનો રક્તરંજિત અને વિભાજિત અધ્યાય છે.

એક દિવસ પોલીસ હડળતાળ પર ઉતરી ગઈ. તો રસ્તા પર દારૂના પીપડાં છલકાયાં, જાહેર જુગાર શરૂ થયો, ઘરોને બાળવામાં આવ્યાં, રસ્તા પર સળગતાં ટાયરની આડશ ઊભી કરાઈ. આ નજરે જોયેલા હિંસાચાર અને અરાજકતા પછી મેં મારી ‘જનસત્તા’ની કોલમમાં લખ્યુંઃ ‘જો લખે આત્મકથા, મુખ્યમંત્રી સોલંકી...’ એવા સમયે પણ તેમનો ફોન આવ્યો. કોલમમાં નિષ્ફળ કાયદો - વ્યવસ્થાની સખત ટીકા હતી, પણ જરા સરખો અણસાર આપ્યા સિવાય તેમણે અમૃત ઘાયલની એક ગઝલ પંક્તિ ટાંકીને મને કહ્યું કે ‘હું તો માત્ર વાંચું છું બધું, લખતો નથી... તમે પૂછો છો કારણને, પણ હું તો કારણનું અકારણ છું!’

ગુજરાતની રાજનીતિમાં આ બીજા મુખ્ય પ્રધાન એવા નીકળ્યા જેનું કોંગ્રેસ સર્વોચ્ચ નેતાગીરીએ રાજીનામું માંગી લીધું. ૧૯૭૪માં ચીમનભાઈ પટેલને રાજીનામું આપવાની તાકીદ કરવામાં આવી હતી. તેમણે પદ છોડ્યું, નવો પક્ષ ‘કિમલોપ’ સ્થાપ્યો અને પછી તેનો લોપ કરીને જનતા દળ, પછી વળી પાછા કોંગ્રેસમાં જોડાયા અને ફરી વાર મુખ્ય પ્રધાન પણ બન્યા. સોલંકીએ એ રસ્તો અપનાવ્યો નહીં. કેન્દ્રે તેમને વિદેશ પ્રધાન બનાવ્યા, ત્યારે બોફોર્સ મુદ્દે ‘પોસ્ટમેન’ હોવાનો કટાક્ષ અખબારોએ કર્યો હતો!

સોલંકી સાહિત્યપ્રેમી હતા. મિત્રોનો ડાયરો તેમને પસંદ હતો. ‘ગુજરાત સમાચાર’ (અમદાવાદ)માં તેમણે થોડોક સમય પત્રકારની કામગીરી પણ બજાવી. તે સમયના દિગ્ગજ પત્રકારો વાસુદેવ મહેતા, નીરુભાઈ દેસાઈ, પ્રબોધ ચોક્સી, ઠાકોરભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, શેખાદમ આબુવાલા વગેરે સાથે તે ટોળટપ્પા મારતા. વિઠ્ઠલભાઈને તેમણે રાજ્યસભામાં મોકલ્યા. શેખાદમ આબુવાલાને કેન્સર હતું તે સમયે આર્થિક પ્રશ્ન ના નડે એટલે માહિતી ખાતામાં સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. ભૂપત વડોદરિયા અને મોહમ્મદ માંકડ - બંને તેમના સાહિત્યકાર મિત્રો. એક માહિતી નિયામક બન્યા, બીજા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ. અત્યારે લગભગ પથારીવશ મોહમ્મદ માંકડની વય માધવસિંહભાઈ જેટલી જ છે. તેમને સાહિત્ય અકાદમીનો ખ્યાત ‘ગૌરવ પુરસ્કાર’ એનાયત કર્યો. તેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉપસ્થિત રહીને સન્માન કર્યું હતું.

સોલંકી ગુજરાતના રાજકારણમાં તેવા સમયે આવ્યા જ્યારે વિવાદ, સંઘર્ષ અને વ્યૂહરચનાઓનો રસપ્રદ તબક્કો હતો.

કોંગ્રેસના રાજકીય વ્યૂહરચનાન...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.