15 ઓગસ્ટ અને દેશપ્રેમ

ઉત્સવ મહત્વનાં છે. તેનાથી ચોક્કસ પ્રકારની સંલગ્નતા ફરીથી સ્થાપિત થતી હોય છે, કેટલીક વિચારસરણીની પુનરુક્તિ થતી હોય છે, ઇતિહાસ તથા પરંપરા સાથે ફરીથી સંકળાવાની તક ઉભી થતી હોય છે, કેટલીક ભુલાઈ ગયેલી બાબતો ફરીથી તાજી થતી હોય છે, સમાજ અને વ્યક્તિનો ચોક્કસ પ્રકારની ‘ઓળખ’ સાથે ફરીથી નાતો બંધાતો હોય છે. ઉત્સવ ધાર્મિક હોય, સામાજિક હોય કે રાષ્ટ્રીય, તેનું મહત્વ જાણે ફરીથી સ્થાપિત થતું હોય છે, યાદ આવતું હોય છે, અનુભવાતું હોય છે અને તે બધાંને કારણે ચોક્કસ પ્રકારની માનસિકતા ફરીથી ઉભરતી હોય છે. સમાજના સ્વાસ્થ્ય માટે આ જરૂરી છે. સમાજની પરંપરાને સમજવા માટે આની આવશ્યકતા છે.
ઉત્સવ મહત્વનાં છે. તેનાથી ચોક્કસ પ્રકારની સંલગ્નતા ફરીથી સ્થાપિત થતી હોય છે, કેટલીક વિચારસરણીની પુનરુક્તિ થતી હોય છે, ઇતિહાસ તથા પરંપરા સાથે ફરીથી સંકળાવાની તક ઉભી થતી હોય છે, કેટલીક ભુલાઈ ગયેલી બાબતો ફરીથી તાજી થતી હોય છે, સમાજ અને વ્યક્તિનો ચોક્કસ પ્રકારની ‘ઓળખ’ સાથે ફરીથી નાતો બંધાતો હોય છે. ઉત્સવ ધાર્મિક હોય, સામાજિક હોય કે રાષ્ટ્રીય, તેનું મહત્વ જાણે ફરીથી સ્થાપિત થતું હોય છે, યાદ આવતું હોય છે, અનુભવાતું હોય છે અને તે બધાંને કારણે ચોક્કસ પ્રકારની માનસિકતા ફરીથી ઉભરતી હોય છે. સમાજના સ્વાસ્થ્ય માટે આ જરૂરી છે. સમાજની પરંપરાને સમજવા માટે આની આવશ્યકતા છે.
ભારતમાં રાષ્ટ્રીય ઉત્સવ તરીકે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીનું વિશેષ મહત્વ છે. આ દિવસોએ એક નવાં જ પ્રકારની ચેતના સમગ્ર ભારતમાં જોવા મળતી હોય છે. પ્રિન્ટ મીડિયાથી લઇને સોશિયલ મીડિયા, બધે જ દેશપ્રેમનો અદ્ભૂત પ્રવાહ વહેતો હોય છે. દરેક વ્યક્તિમાં નવાં જ પ્રકારનો ઉત્સાહ જોવાં મળે જેને દેશપ્રેમ તરીકે આલેખાય છે. આ બે દિવસોમાં દેશ-પ્રેમનો ઉભરો ચરમ કક્ષાએ વર્તાતો હોય છે. આ દિવસે દેશપ્રેમની ભાવનામાં ઇચ્છનીય વધારો જોવાં મળે છે. આ એક સારી ઘટના છે. પ્રાસંગિક હોય કે અન્યથા, દેશ માટે આગવો લગાવ હોવો પણ જોઈએ અને તે ટકી પણ રહેવો જોઈએ.
દેશની વ્યાખ્યા સહેલી છે. રાષ્ટ્રની વ્યાખ્યા પણ સહેલી છે, છતાં તેની સમજ જટિલ છે. દેશ એ જમીનના રાજકીય સીમા-લેખનનું પરિણામ છે જ્યારે રાષ્ટ્ર એક સાંસ્કૃતિક પરંપરા છે. સાંસ્કૃતિક પરંપરા જળવાઈ રહેશે તો દેશનું વજૂદ, દેશની અસ્મિતા, દેશની સંસ્કૃતિ, દેશની વિચારધારા અને દેશનાં મૂલ્યો જળવાઈ રહેશે. રાષ્ટ્રભાવના મૂળમાં છે તો દેશપ્રેમ તેનું ફળ છે. રાષ્ટ્રભાવના આધાર છે તો દેશપ્રેમ આધારિત ઉપજ છે. રાષ્ટ્રભાવના કારણ છે તો દેશપ્રેમ પરિણામ છે. આ રાષ્ટ્રભાવનાથી ઊભું થતું ઉત્તરદાયિત્વ એટલે રાષ્ટ્રધર્મ.
દેશના અસ્તિત્વમાં અને દેશના વિકાસમાં દરેક નાગરિકે યથા યોગ્ય ફાળો આપવો પડે. આવો ફાળો ન આપનાર પણ એટલાં જ ‘દેશદ્રોહી’ કહેવાય જેટલાં દેશનો દેખીતો અપરાધ કરનારા કહેવાય. વ્યક્તિએ દેશના જમીનના ટુકડા માટે તો ન્યોછાવર થવાં તૈયાર રહેવું જ જોઈએ પણ સાથે સાથે પ્રત્યેક વ્યક્તિમાં પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિ, રાષ્ટ્રીય ચેતના, રાષ્ટ્રીય ગરિમા, રાષ્ટ્રીય શ્રદ્ધા અને રાષ્ટ્રીય અસ્મિતા માટે પણ બલિદાનની ભાવના હોવી જોઈએ. દેશપ્રેમ અને રાષ્ટ્રધર્મ પરસ્પર પૂરક બની રહેવાં જોઈએ.
ભલે દેશને ભૌગોલિક સીમા ધરાવતો જમીનનો એક ટુકડો માની લેવામાં આવે, પણ સાથે સાથે એ સમજવું જરૂરી છે કે દેશ એ એક વિચારધારા છે, સાંસ્કૃતિક પરંપરા અને વારસો છે, હક અને અધિકારનો સમન્વય છે, વ્યક્તિગત સંભાવના અને સામૂહિક વિકાસ વચ્ચેનું સંતુલન છે, ભૂતકાળ અને ભવિષ્યનો સંગમ છે, ગૌરવશાળી અસ્તિત્વ છે, વિજ્ઞાન તથા કળાના ચોક્કસ પ્રકારના સમન્વયથી ઉદભવેલ જીવંત પરંપરા છે. દેશ ખાતરી છે, વિશ્વાસ છે, ભાવનાત્મક છે, સમન્વય છે, સત્ય છે, સંતુલન છે, આધાર છે, સ્વપ્ન છે, અસ્મિતા છે, જવાબદારી છે અને સંભાવના છે. આ બધાનું જતન-રક્ષણ કરવું, આ બધામાં વિશ્વાસ રાખવો અને આ બધામાં પોતાનો ઉત્તમ હકારાત્મક ફાળો આપવો એ રાષ્ટ્ર ધર્મ છે.
ક્યારેક એમ લાગે છે કે દેશપ્રેમ એવી ઘટના છે કે જેમાં અકસ્માતે ઉભરો આવે. ચોક્કસ સંજોગોમાં દેશપ્રેમની માત્રા એકદમ વધી જતી હોય એમ લાગે. કટોકટીના સમયે આવેગમાં આવીને સર્વસ્વ ન્યોછાવર કરી દેવાં માટે જાણે બધાં તૈયાર થઈ જાય. આવી ભાવના ઈચ્છનીય છે. યુદ્ધના સમયે અપાર દેશપ્રેમ જાગે તે યોગ્ય છે પણ સાથે સાથે દેશપ્રેમ એ રોજિંદા જીવન સાથે વણાયેલી ઘટના સમાન હોય તે પણ જરૂરી છે. બન્ને પરિસ્થિતિમાં દેશપ્રેમની અભિવ્યક્તિમાં અને તેની માટેનાં સાધનોમાં ફેર હોઈ શકે. જરૂરી એ છે કે દેશપ્રેમ પ્રત્યેક ક્ષણે, પ્રતિદિન, જીવનપર્યંત પ્રજ્વલિત રહે - વહેતો રહે.
દેશ આપણને ઘણું આપે છે અને આ પરંપરા ચાલુ રહે તે માટે દેશની સ્થિરતા અને અખંડતા જરૂરી છે. આ સ્થિરતા અને અખંડતા જાળવી રાખી એટલે જ દેશપ્રેમ. દેશપ્રેમ ‘ધર્મ’ સમાન પણ છે. સનાતન પરંપરામાં ધર્મનું આગવું મહત્ત્વ છે. આ ધર્મ એટલે ઉત્તરદાયિત્વ. જેમ સમાજ પ્રત્યે દરેક વ્યક્તિનું ઉત્તરદાયિત્વ છે તેમ દેશ પ્રત્યે પણ દરેક વ્યક્તિનું ઉત્તરદાયિત્વ રહે. દેશ અને સમાજ ક્યાંક પરસ્પર પર્યાય બની જાય. દેશ હશે તો વ્યક્તિ હશે અને વ્યક્તિ હશે તો સમાજ હશે. દેશ છે તો બધી સંભાવના છે.
ભારતમાં એવી પ્રથા પ્રચલિત છીએ કે ‘કુટુંબ માટે વ્યક્તિનો ત્યાગ કરવો, ગામ માટે કુટુંબનો ત્યાગ કરવો અને દેશ માટે ગામનો ત્યાગ કરતાં પણ અચકાવું નહીં’. આ પ્રથામાં નાના એકાયી સામે મોટા એકાયીને મહત્ત્વ આપવામાં આવે છે. આ એકાયીની શૃંખલા જો ચાલુ રહે તો ક્યાંક દેશ આવે, પછી વિશ્વ આવે કે માનવતા આવે. દેશના સ્તરે જો વાત અટકાવીએ તો એમ કહી શકાય કે દેશની અખંડતા અને સંપ્રભુતા માટે પ્રદેશ, ભાષા, સંપ્રદાય કે ભૌગોલિક વિભાગીકરણની માનસિકતાને બાજુમાં મૂકવી પડે. વાત તો સરળ અને સ્વાભાવિક વર્તાય છે, પણ વાસ્તવિકતામાં તેમ દેખાતું નથી. પ્રશ્ન દેશપ્રેમનો છે, દેશની અસ્મિતાનો છે, રાષ્ટ્ર ધર્મનો છે, જાગ્રતતા તો દાખવવી જ પડશે.
