અલ્પવિરામ, અર્ધવિરામ, યુદ્ધવિરામ અને પૂર્ણવિરામ!

અલ્પવિરામ, અર્ધવિરામ, યુદ્ધવિ

આમ તો એક જ શબ્દ ‘યુદ્ધવિરામ’ પરસ્પર સંઘર્ષ, લડાઈ અને યુદ્ધ પછીની સમજૂતી માટે પ્રયોજવામાં આવે છે, બીજા ત્રણ ભલે ભાષાકીય શબ્દો હોય પણ સરહદી જંગને સમજવામાં કામ લાગે તેવા છે. આજકાલ ભારત-પાકિસ્તાનની વચ્ચે જે થયું તે યુદ્ધ નથી, પહલગામ અને તે પહેલાં સરહદ ઓળંગીને આવતા ત્રાસવાદી-આતંકવાદીઓના હિંસાચારને સમાપ્ત કરવા માટેનો સંકલ્પ હતો. ઓપેરેશન સિંદૂર દ્વારા તે સફળ થયો.

આમ તો એક જ શબ્દ ‘યુદ્ધવિરામ’ પરસ્પર સંઘર્ષ, લડાઈ અને યુદ્ધ પછીની સમજૂતી માટે પ્રયોજવામાં આવે છે, બીજા ત્રણ ભલે ભાષાકીય શબ્દો હોય પણ સરહદી જંગને સમજવામાં કામ લાગે તેવા છે. આજકાલ ભારત-પાકિસ્તાનની વચ્ચે જે થયું તે યુદ્ધ નથી, પહલગામ અને તે પહેલાં સરહદ ઓળંગીને આવતા ત્રાસવાદી-આતંકવાદીઓના હિંસાચારને સમાપ્ત કરવા માટેનો સંકલ્પ હતો. ઓપેરેશન સિંદૂર દ્વારા તે સફળ થયો.
સરહદની પેલી પાર જઈને ભારતીય સેનાએ પાકિસ્તાની સુરક્ષા-સ્થાનોને નષ્ટ કર્યાં તે ભારતીય યુદ્ધના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન મેળવવાનું અધિકારી છે. પાકિસ્તાને તેના માટે બડાશ તો ઘણી હાંકી, ત્યાંના રાજકીય નેતાઓએ ‘લોહીની નદીઓ વહેશે’થી ‘અમારી પાસે અણુબોમ્બ છે’ સુધીની ધમકીઓ આપી, પણ 2025ના આ સંઘર્ષની વ્યૂહનીતિનો નકશો જ અગાઉના યુદ્ધોથી અલગ હતો.
ભારતે સાહસપૂર્વક સિંધુ જળકરારને રદ જાહેર કર્યો તે કોઈ પરમાણુ બોમ્બ જેટલો જ શક્તિશાળી છે. 1960માં આ કરાર થયા હતા તેમ સિંધુ, જેલમ અને ચિનાબના 80 ટકા પાણી પાકિસ્તાનને ફાળે ગયાં અને રાવી, બિયાસ, સતલજ ભારતને ભાગે આવી. પંજાબ વિધાનસભાએ તો આખો કરાર રદ કરવાનો પ્રસ્તાવ પણ પસાર કર્યો. પાકિસ્તાને 2016 માં કાશ્મીરના ઉરી સેક્ટરમાં નાપાક હરકત કરી ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોહી અને પાણી એકસાથે વહી શકે નહિ. આઠ વર્ષ પછી આ કરારને રદ કરતાં તેમણે આ વિધાન ફરી વાર કર્યું છે. સિંધુ જળકરારના અમલીકરણની બંને દેશોની બેઠક દરેક છ મહિને મળતી હોય છે. કારગિલ યુદ્ધ સુધી આ સૌજન્ય આપણે જાળવી રાખ્યું, પણ પહેલગામ-ઘટનાએ ભારત સરકારને દૃઢ પગલાં લેવાની ફરજ પાડી, તેના નુકશાન (અર્થાત્ પીવાના, સિંચાઇના પાણીનો અભાવ, ખેતઉત્પાદનને ગંભીર અસર અને ભૂખમરો)નું ભાન હવે પાકિસ્તાનને આ સંઘર્ષ-વિરામ પછી જ થયું. અબ પચ્છતાયે હોવત ક્યાં, જબ ચીડિયાં ચુગ ગઈ ખેત જેવી દશા તેની થઈ. ભારત સરકારને સિંધુ જળકરાર સ્થગિત ના કરવા અપીલ પણ કરી.
મુદ્દાનો સવાલ એ છે કે શું પાકિસ્તાન ભારતની સરહદો પરથી આતંકવાદીઓને ભીતર ના મોકલવાનો નિર્ણય કરશે? શું 1947માં જ કાશ્મીર પર સૈન્ય અને કબાઈલી જનજાતિએ હુમલો કર્યો અને તદ્દન ગેરકાનૂની કબજો રાખ્યો તે ‘પોક’ (પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર) ભારતને પરત કરશે? આવું કરે તો પડોશી તરીકે ભારત પાકિસ્તાન સાથે દુશ્મની કરવાનો ઇરાદો ધરાવતું નથી. તેનાથી વિપરીત પાકિસ્તાને દરેક સમયે ભારત પર હુમલા કર્યા.
1947માં કાશ્મીર મુદ્દે લોર્ડ માઉન્ટબેટનનું માનીને જવાહરલાલે કાશ્મીરના પ્રશ્ને સંયુક્ત રાષ્ટ્ર પરિષદને મધ્યસ્થી બનાવીને યુદ્ધવિરામ જાહેર કર્યો, એટલે સરદારની ઈચ્છા અને નિર્ણય હોવા છતાં ભારતીય સૈન્ય પાછું વળ્યું, અને કથિત ‘આઝાદ કાશ્મીર’ (ખરેખર તો પાકિસ્તાનનું ગુલામ કાશ્મીર) આપણા માટે માથાનો દુખાવો બની રહ્યું છે. ઓપરેશન સિંદૂરનું આડ પરિણામ એ આવ્યું કે પાકિસ્તાન હેઠળનું કાશ્મીર, બલુચિસ્તાન, સિંધ વગેરે પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લા દેશનું નિર્માણ થયું, તેવું અહીં પણ કરવા માટે વિચારતા થઈ ગયા. આમાં બલોચ પ્રજા સૌથી આગળ છે. બાંગ્લા દેશમાં જેમ મુક્તિ વાહિની રચાઇ તેમ જ રીતે બલોચ સ્વાધીનતા સેના ઊભી થઈ અને તેના નેતાએ સ્વાધીન દેશની ઘોષણા પણ કરી દીધી છે. આશંકા એ છે કે અત્યાર સુધી સેનાનો કેટલોક ઉપયોગ કરીને બલોચ પ્રજાને દબાવવાની કોશિશ તો હતી જ, હવે પૂર્વ પાકિસ્તાનમાં 1971માં જે ભયંકર અત્યાચારો પાકિસ્તાને કર્યા હતા, તેનું પુનરાવર્તન નહિ થાય? એવું થાય તે પહેલા વિશ્વના દેશોએ સ્વતંત્ર બલોચિસ્તાનને માન્ય કરવું જોઈએ.
બલોચ અને પખ્તુન પ્રજાને ભારત-વિભાજનને લીધે જ લોહીલુહાણ સ્થિતિ વેઠવાનું બન્યું છે, એ તો ઐતિહાસિક તથ્ય છે. ભારત વિભાજનને માન્ય કરવા માટે કોંગ્રેસ કારોબારી મળી તેનું તાદૃશ વર્ણન ડો. રામમનોહર લોહિયાએ ‘ધ ગિલ્ટી મેન ઓફ 1947’ પુસ્તકમાં કર્યું છે.
2 જૂન, 1947ની આ બેઠકમાં ‘અમે બે - જયપ્રકાશ અને હું - આમંત્રિત સભ્ય હતા. અમે બંનેએ, ગાંધીજીએ અને ખાન અબ્દુલ ગફારખાનને વિભાજનનો વિરોધ કર્યો. બીજા કોઈ એક શબ્દ પણ બોલ્યા નહિ. બે દિવસ આ કારોબારી ચાલી. એક ખૂણામાં ખુરશી પર મૌલાના આઝાદ લગાતાર સિગારેટનો ધુમાડો ઉડાડવા સિવાય એક શબ્દ બોલ્યા નહિ. આ બેઠકમાં આચાર્ય કૃપલાણીની હાલત દયાજનક હતી. એક ખૂણામાં અર્ધી ઊંઘમાં બેઠા હતા. કોઈ એક મુદ્દે ગાંધીજીએ ચર્ચા દરમિયાન થાકી ગયેલા અધ્યક્ષનો ઉલ્લેખ કર્યો, મેં કૃપલાણીને હલબલાવીને જગાડ્યા. ત્યારે તે બોલ્યા કે મને ભયંકર માથું દુખે છે. વિભાજનનો તેમનો વિરોધ કપટ વિનાનો હતો અને વ્યક્તિગત પણ હતો (તેઓ સિંધના હતા) પણ આઝાદી માટે આ જુજારૂ સંગઠનને બુઢાપાની બીમારી અને થાકને કારણે ખરાબ રીતે દબાવી દીધું હતું. અબ્દુલ ગફારખાન બે વાક્ય બોલ્યા. ઉત્તર પશ્ચિમ સરહદી પ્રાંતને ભારતમાં જોડવો જોઈએ અથવા પાકિસ્તાનથી અલગ સ્વતંત્ર રીતે માન્યતા આપવી જોઈએ. જેપી થોડુંક બોલ્યા, વિભાજનની વિરુદ્ધ દૃઢતાથી. ગાંધીજીએ કહ્યું કે નેહરુ-સરદારે મને જાણકારી આપી જ નહોતી. તુરંત જવાહરલાલે આવેશમાં કહ્યું કે હું સંપૂર્ણ માહિતી આપતો રહ્યો છું. ફરી ગાંધીજી બોલ્યા કે વિભાજનની યોજનાની જાણકારી મને નહોતી. નેહરુએ વળી ખુલાસો કર્યો કે તમે છેક નોઆખલી બેઠા હતા એટલે સંપૂર્ણ માહિતી વિસ્તારથી જણાવી શકાઈ નહોતી. લોહિયાના મતે કોઈક ગરબડ-ગોટાળો જરૂર હતો.’
ચોથી જૂને માઉન્ટબેટને ગાંધીજીની મુલાકાત લીધી ત્યારે કહ્યું: ‘મિસ્ટર ગાંધી, કોંગ્રેસ હવે તમારી સાથે નથી, મારી સાથે છે. ગાંધીજીએ એક જ વાક્ય કહ્યું કે.. પણ દેશ મારી સાથે છે. વિભાજનના વિરોધનાં સંદર્ભે આ કહેવાયું હતું.’
આજના સંદર્ભે પાકિસ્તાન સહિતની ઘાતક ઘટનાઓના મૂળ વિભાજનમાં દેખાય છે. કાશ્મીરની સાથે પાકિસ્તાને હજુ સુધી જુનાગઢ અને માણાવદર નવાબી રિયાસતોનો પ્રશ્ન જોડી રાખ્યો છે. પાકિસ્તાની ટપાલ ટિકિટ પર ‘વિવાદાસ્પદ પ્રદેશો’ સાથેના ભારતના નકશામાં કાશ્મીર, જુનાગઢ, માણાવદર નામજોગ ઉલ્લેખ થતો આવ્યો છે.
ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠાની સરહદો પર 1965 અને 1971માં પાકિસ્તાની હુમલાનું સંધાન 1947ના બનાવો સાથે છે. કરાચીમાં થોડાક વર્ષો પહેલા મળેલી સભામાં જુનાગઢને પાકિસ્તાનનો પાંચમો પ્રાંત જાહેર કરવાનો ઠરાવ થયો હતો. કચ્છમાં એક વાર તો ભારતીય સૈન્યે છાડબેટ, કંજરકોટ વગેરે પાકિસ્તાને કરેલા કબજાથી મુક્ત કર્યાં હતા. પરંતુ તાશકંદ કરાર પછી એક આંતરરાષ્ટ્રીય ચુકાદો (19 ફેબ્રુઆરી, 1968) જાહેર થયો તેમાં છાડબેટ, ધારબન્ની અને કંજરકોટ પાકિસ્તાનને સોંપી દેવા માટે નિર્ણય લેવાયો. ભારતીય સૈનિકોએ લોહી રેડીને પોતાનો મુલક પાછો મેળવ્યો હતો, તે કચ્છ કરારમાં કલમના એક ઝાટકે પાકિસ્તાની પ્રદેશ બની ગયો.
આ પંચ આંતરરાષ્ટ્રીય હતું, તેના બે સભ્યોના મત એકબીજાથી અલગ હતા એટલે અધ્યક્ષે પોતાનો મત આપીને આ કરાર અમલમાં મૂકવાની જાહેરાત કરી દીધી. એમ. સી. ચાગલાએ આનો વિરોધ કર્યો, અને 21 એપ્રિલ, 1968ના સરહદ પરના ખાવડાથી તમામ વિરોધ પક્ષોએ સત્યાગ્રહ શરૂ કર્યો. અટલ બિહારી વાજપેયી, જ્યોર્જ ફર્નાન્ડીઝ, વિજયારાજે સિંધિયા, એન.જી. ગોરે, બેરિસ્ટર નાથપાઈ, રાજવી મહારાજ કુમાર હિંમતસિંહજી, કેશુભાઈ પટેલ, હરિસિંહજી ગોહિલ, ચીમનભાઈ શુક્લ, સનત મહેતા વગેરેએ તેમાં ભાગ લીધો, બીજો સત્યાગ્રહ ભાઈ મહાવીરના નેતૃત્વમાં સુઈગામથી રણ પસાર કરીને નગરપારકર સુધીનો હતો.
ભારત-પાકિસ્તાન વચ્ચે 1965 અને 1971માં જે યુદ્ધવિરામ થયો તેમાં કોઈને કોઈ રીતે રશિયા, ઈંગ્લેન્ડ, અમેરિકાનું દબાણ રહ્યું. તાશકન્દમાં તો વડાપ્રધાન શાસ્ત્રીનું અવસાન થયું. સિમલાકરારમાં ગઢ આલા, સિંહ ગેલા જેવી સ્થિતિ રહી. બાંગ્લા દેશ તો થયો, પણ હવે તે હિન્દુ-હત્યાનો દેશ બનીને કટ્ટરતા દર્શાવે છે. ઈન્દિરાજીએ કશું (કેટલાકના માટે ‘પોક’) મેળવ્યા વિનાની કૂટનીતિ રાખી અને 90,000 પાકિસ્તાની કેદીઓને આપી દીધા. એ પછી કારગિલ સર્જાયું.
 આ તમામ સરહદી ઘટનાઓમાં યુદ્ધવિરામ તો થયો, આ સમયે તે માત્ર અસ્થાયી સીઝફાયર છે, તે સ્પસ્ટ દેખાય છે. યુદ્ધ અને શાંતિનો કોઈ પૂર્ણ વિરામ ખરો? તેનો જવાબ આગામી દિવસોમાં મળશે.

અલ્પવિરામ, અર્ધવિરામ, યુદ્ધવિ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.