ઓગસ્ટમાં સ્મરણ ભારતીય ‘સ્વાતંત્ર્યરાણીઓ’નું...

પંદરમી ઓગસ્ટ આવી રહી છે. લાલ કિલ્લા પરથી ઉત્સવ ઉજવવામાં આવશે, સૈનિકો સલામી આપશે, ત્રિરંગો ફરકશે. ઉદ્દ્બોધન થશે અને રાષ્ટ્રગીત ગવાશે. જય હિન્દ! અને ભારત માતા કી જય!ના નારાથી આકાશ ગુંજશે. સૈનિકી વિમાનો આકાશમાં કરતબ બતાવશે.

પંદરમી ઓગસ્ટ આવી રહી છે. લાલ કિલ્લા પરથી ઉત્સવ ઉજવવામાં આવશે, સૈનિકો સલામી આપશે, ત્રિરંગો ફરકશે. ઉદ્દ્બોધન થશે અને રાષ્ટ્રગીત ગવાશે. જય હિન્દ! અને ભારત માતા કી જય!ના નારાથી આકાશ ગુંજશે. સૈનિકી વિમાનો આકાશમાં કરતબ બતાવશે.

... પણ, આ ‘જય હિન્દ!’ નારો સર્વ પ્રથમ ક્યાં ગાજયો હતો તેનું સ્મરણ કરીશું?
ના, ભારતમાં નહિ. ના, જવાહરલાલ કે ગાંધીજી દ્વારા. ઇતિહાસનાં તથ્યોને સ્વીકારીએ તો તેનો પ્રથમ રણઘોષ મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે કર્યો હતો. અને તે પણ ટોકયો, સિંગાપુર, રંગુનમાં. અને પછી આંદામાનના જંગલોમાં, ઈરાવદી નદીના કિનારે, પોપા પર્વત પર, છેક ભારતીય મુલક ઇમ્ફાલમાં. એકલા સુભાષે નહીં તેની જવામર્દ સેના - આઝાદ હિન્દ ફોજે. માત્ર નારો નહીં, બ્રિટિશ અને અમેરિકી સૈન્યની સામે બહાદુરીપૂર્વક યુદ્ધ કરીને, ભારતીય ભૂમિ ઇમ્ફાલને તેમના હાથમાંથી ઝૂંટવી લઇને ત્રિરંગો ફરકાવ્યો. અને જયઘોષ કર્યો, ‘જય હિન્દ!’નો.
ભારતમાં તેની શરૂઆત પંડિત જવાહરલાલે પ્રથમ સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લા પરથી ભારત મુક્તિની ઘોષણા કરતાં ભાષણના અંતે કહ્યું, ‘જય હિન્દ!’ જનમેદનીને તેમાં પોતાના પ્રિય નેતાજીની સ્મૃતિ છ્લોછલ અનુભવાતી હતી, અને આઝાદ હિન્દ ફોજના સેનાનીઓને ‘યુદ્ધના અપરાધી’ના આરોપ સાથે ચાલેલા મુકદ્દમાની યાદ પણ તાજી થઈ. આખા દેશમાં આ મુકદ્દમાની સામે વિરોધનો વંટોળ શરૂ થયો એટલે છેવટે સજા કરી શકાઈ નહિ. સૈનિકી અદાલતે તો ત્રણે આઝાદ હિન્દ ફોજના સેના-નાયકોને આજીવન કેદની સજા અને સૈનિકી સેવામાંથી કાઢી મૂકવાની સજા કરી, પણ લંડનમાં બેઠેલા બ્રિટિશ સત્તાધીશો ડરી રહ્યા હતા. આઝાદ હિન્દ ફોજ અને પછી નૌસેનાના વિપ્લવને લીધે ભારતમાં બ્રિટિશ સેના પર ભરોસો રાખી શકાય તેમ નહોતો. 1857થી પણ અધિક ઉગ્ર વિપ્લવ ફાટી નીકળે તેવા ડર સાથે જ મુક્તિનો નિર્ણય લેવામાં આવ્યો હતો એમ વડાપ્રધાન અર્લ એટલીએ સ્વીકાર્યું હતું.
જય હિંદની આ સેનામાં પહેલીવાર મહિલાઓએ યાદગાર ભૂમિકા ભજવી. આ તવારિખથી પરિચિત થવા જેવું છે. 28 માર્ચ, 1942ના દિવસે ટોકિયોમાં ઇંડિયન ઈંડિપેન્ડન્સ લીગની સ્થાપના થઈ. એપ્રિલમાં સિંગાપુરમાં પરિષદ થઈ. 95,000 જેટલા તેના સભ્યોએ ભારત-મુક્તિ માટે સંકલ્પ કર્યો. જાપાને બ્રિટિશ સેનાને પીછેહઠ કરાવી ત્યારે બ્રિટિશ બહાદુરો પોતાના સૈનિકોને છોડીને ભાગી છૂટયા, ભારતીય સૈનિકો જાપાનમાં યુદ્ધ કેદીઓ હતા, તેને આ સ્વાતંત્ર્ય સેનામાં ઉમેરવાની જાપાને સંમતિ આપી.
બેંગકોકમાં ત્રીજી આયોજન સમિતિની બેઠક થઈ, સિંગાપુરમાં દક્ષિણ પૂર્વ એશિયાનું કાર્યાલય ધમધમતું થયું. ત્યાં નેતાજી સુભાષનું આગમન થયું. જર્મનીથી છ મહિના ભયાવહ સ્થિતિમાં તે જાપાન પહોંચ્યા. સિંગાપુરમાં 4 જુલાઇ, 1943 લીગના અધ્યક્ષ બન્યા. ક્રાંતિના દાદા તરીકે ખ્યાત રાસબિહારી બોઝે તેમને નેતૃત્વ સોંપ્યું. આઝાદ હિન્દ ફોજ 25 ઓગસ્ટ, 1943ના સુભાષબાબુએ સંભાળી. સૈનિકો અને પ્રજાએ હર્ષોલ્લાસથી સુભાષને ‘નેતાજી’ જેવા પ્રિય સંબોધનથી નવાજીત કર્યા. ફોજની પાંચ શાખા રચાઇ. ટીઆરએન ગેરીલા છાપામાર પલટનની રચના થઈ, તેના નામ નેહરુ, આઝાદ, ગાંધી રાખવામાં આવ્યાં, નેતાજીની ખેલદિલી તો જુઓ કે જવાહરલાલે ગુવાહાટીની સભામાં એવું કહ્યું હતું કે જો સુભાષ બર્મામાં ફોજ સાથે ભારત તરફ આવશે તો તેની સામે લડવા જનારો હું પહેલો હોઈશ! અંગ્રેજોનો પ્રચાર હતો કે સુભાષના નામે જાપાન ભારત પર હુમલો કરશે. વાસ્તવમાં જાપાનના સમ્રાટ હિરોહિતો સહિત સેનાએ જાહેર કર્યું હતું કે આઝાદ હિન્દ ફોજ ભારતને સ્વાધીન કરે એટલી જ અમારી ઈચ્છા છે. અમારો કોઈ ઇરાદો ભારતમાં સત્તા મેળવવાનો નથી.

સમગ્ર સભ્યોનું પ્રશિક્ષણ પણ શરૂ થયું. એક બાલ સેના પણ તૈયાર થઈ, આ બધું સ્વાધીન ભારતના સંગ્રામમાં પહેલી વાર બન્યું. ત્યારબાદ અસ્થાયી સરકાર રચાઇ. તે ઐતિહાસિક દિવસ હતો 25 ઓક્ટોબર, 1943નો. ચાર વિભાગો, આઠ લશ્કરી પ્રતિનિધિઓ, એક સચિવ સલાહકાર, આઠ અન્ય સલાહકાર, મંત્રી પરિષદ, બંધારણ, રાષ્ટ્રધ્વજ, બેન્ક, ચલણ, રાષ્ટ્રગીત, સિવિલ અને સૈનિકી ગણવેશ, આંતરિક સુરક્ષા ભાગ, આરોગ્ય સેવા. એક સરકાર જ સ્થાપિત થઈ ચૂકી હતી.
... અને પછી સેનાના એક ભાગ તરીકે રચાઇ રાણી ઝાંસી રેજિમેન્ટ. કેપ્ટન લક્ષ્મીએ પારાવાર પ્રયાસો અને પ્રવાસો કર્યા. 22 ઓક્ટોબર, 1943. 300 જેટલી વીરાંગનાઓ તૈયાર થઈ, અને સૈનિકોની સેવા સુશ્રુષા ઉપરાંત યુદ્ધના મોરચે પણ જે સંગ્રામ કર્યો તે ઐતિહાસિક હતો, બધા એકબીજાને ‘રાણી’ તરીકે બોલાવતાં. એક અભ્યાસક્ર્મ પણ શરૂ કરવામાં આવ્યો. તેમાં ક્રાંતિનો ઇતિહાસ મુખ્ય વિષય હતો. સૈનિકી તાલીમથી સજ્જ બનેલી આ રાઇફલધારી વીરાંગનાઓનો ઇતિહાસ આટલા વર્ષો પછી પણ સ્વાધીન ભારતના વિદ્યાર્થીઓને ભણવવામાં આવ્યો નથી!
સિંગાપુર અધિકારી પદનું પ્રશિક્ષણ પાર્વતી દાવર અને જાનકી દાવરની ફરજમાં હતું. જ્યાં આઝાદ હિન્દ ફોજ લડી રહી હતી ત્યાં તે બંને પહોંચી. સિંગાપુરમાં સત્યવતી થીવર મેજર હતા. ‘ફ્લોરેન્સ નાઇટીન્ગેલ’ નામે જાણીતી બેલા દત્તે પરિચારિકા વિભાગનું મહત્વનું કાર્ય ઉપાડી લીધું. સૈનિકી તાલીમમાં શ્રીમતી બી. ચંદ્રન નોકરી છોડીને જોડાયાં હતાં. ગાંગુલી બહેનો - અરુણા અને માયાએ રેડિયો પર ભારતવાસીઓને સંબોધીને માહિતી આપવાનું કાર્ય કર્યું. યુદ્ધ મોરચા પર જનારી ગૌરી ભટ્ટાચાર્ય, શકુંતલા ગાંધી, ગાંગુલી બહેનો અને કેપ્ટન લક્ષ્મી હતાં. મેમિયો તરફ લેફટનન્ટ માનવતી આર્યાએ (પછીથી તેમણે ‘પ્રતિષ્ઠા’ નામે આત્મકથાત્મક નવલકથા લખી છે) મોરચો સંભાળ્યો.
જાપાનની પીછેહઠ દરમિયાન બ્રિટિશ-અમેરિકી ફોજે આઝાદ હિન્દ ફોજની છાવણીઓ પર બોમ્બ વરસાવ્યા. રાણી સેનાની છાવણીઓ ભડકે બળી. પણ આ તો હતી વીરાંગનાઓ. નિર્ભય રહીને આખો કાફલો જંગલ અને નદીઓ પાર કરીને રંગૂન કઈ રીતે પહોંચી તેનું વર્ણન આ જોખમી સફરમાં રહેલી જાનકી દાવરે એક ડાયરીમાં કર્યું છે.
સ્વાતંત્ર્યની આ રાણીઓમાંની આજે તો ભાગ્યે જ હયાત છે. ડો. પ્રાણજીવન મહેતાનો આખો પરિવાર આ રેજિમેન્ટમાં હતો. જે કેટલાંક નામો મળે છે, તેની યાદી આ પ્રમાણે છેઃ કેપ્ટન લક્ષ્મી સહગલ. માનવતી પાંડે (આર્યા), જાનકી દાવર (જાનકી અત્તિ નહાપ્પન), ડો. કલ્યાણી અમ્મા, પી. નારાયણી કુટ્ટી (પોદુવલ), શ્રીમતી શકુંતલા ગાંધી (શાહ), કુમારી બેલા મુખર્જી, રામા મહેતા (ખાંડવાળા), જી. કૃષ્ણવેલી, મેમી સન્યાલ, લક્ષ્મી સેનગુપ્તા, લક્ષ્મી અગરવાલ (મુખર્જી), નેઉ રોય (રાણી ભાદૂરી), અરુણા ગાંગુલી, માયા ગાંગુલી, પ્રતિમા સેન, ડો. ગૌરી ભટ્ટાચાર્ય, મમતા ચંદ્રગુપ્ત (મહેતા), કરુણા ગાંગુલી, શાંતિ અને અંજલિ ભૌમિક, ડો. લાવણ્યા ચટ્ટોપાધ્યાય, ક્ષિપ્રા સેન, પ્રતિમા પાલ, દેવકી અમ્મા, મનોરંજિતમ્ થીવર, રુક્ષ્મણી દેવી, લક્ષ્મી દેવી, પુનમ્મા, રાસમ્મા, કરુણા, ગુરુપદેશ કૌર, ડો. જ્ઞાન કૌર, અઝીઝા બેગમ.
આઝાદ હિન્દ ફોજનું રાષ્ટ્રગીત, તેની અંતિમ પંક્તિઓ:
સુબહ સબેરે પંખ પખેરુ તેરે હી ગીત ગાયે,
બાસ ભરી ભરપૂર હવાયે, જીવન મેં ઋત લાયે,
સબ મિલકર જય હિન્દ પુકારે, પ્યારા દેશ હમારા...
સુરજ બનકર જગ પર ચમકે, ભારત નામ સુહાગા,
જય હો, જય હો, જય હો, જય જય જય જય હો ભારત નામ સુહાગા...

બર્માની ભૂમિ પરનો ભારતની આઝાદીનો આ ‘રાણી’ સ્વાતંત્ર્ય અધ્યાય. કવિ કરસનદાસ માણેકે લખેલાં કાવ્યની પંક્તિ યાદ આવે: ‘ગુલામીએ દીઠું એક સપનું ગુલાબી...’

ઓગસ્ટમાં સ્મરણ ભારતીય ‘સ્વાતંત્ર્યરાણીઓ’નું...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.