ગુજરાત વિશેનો નાદાન ભ્રમ; કારણો એક નહિ, અનેક!

ગુજરાત વિશેનો નાદાન ભ્રમ; કારણ...

આજકાલ ગુજરાત વિશે તરેહવારના વિધાનોની ભરમાર ચાલી છે. બંગાળમાં એવું કહેવાયું કે ગુજરાતમાં આઝાદીની લડાઈ બંગાળ જેવી અને જેટલી નથી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એવું વિધાન કર્યું કે ‘આ ભાજપ ગુજરાત અને બીજે લોકો અભણ હતા એટલે મૂર્ખ બનાવી શક્યું, કેરળમાં એવું નહિ થાય’. ખરેખર તો કેરળ વિશે કહેવું હોય તો ખડગેએ ડાબેરી મોરચા અને સામ્યવાદીઓ વિશે કહેવું જોઈતું હતું. પણ એવું લાગે છે કે તેમના અજ્ઞાત મનમાં ભારતના અન્ય પ્રદેશોની થઈ રહેલી ચૂંટણી હશે.

આજકાલ ગુજરાત વિશે તરેહવારના વિધાનોની ભરમાર ચાલી છે. બંગાળમાં એવું કહેવાયું કે ગુજરાતમાં આઝાદીની લડાઈ બંગાળ જેવી અને જેટલી નથી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એવું વિધાન કર્યું કે ‘આ ભાજપ ગુજરાત અને બીજે લોકો અભણ હતા એટલે મૂર્ખ બનાવી શક્યું, કેરળમાં એવું નહિ થાય’. ખરેખર તો કેરળ વિશે કહેવું હોય તો ખડગેએ ડાબેરી મોરચા અને સામ્યવાદીઓ વિશે કહેવું જોઈતું હતું. પણ એવું લાગે છે કે તેમના અજ્ઞાત મનમાં ભારતના અન્ય પ્રદેશોની થઈ રહેલી ચૂંટણી હશે.

એકે ગુજરાતને અભણ કહ્યું, બંગાળમાં ગુજરાતનાં સ્વતંત્રતા આંદોલનમાં નહિવત્ યોગદાનની વાત થઈ. અગાઉ એક મોટા બંગાળી વિદ્વાને એવું કહ્યું હતું કે અમે બંગાળીઓ તો શક્તિના પૂજક રહ્યા છીએ, ગુજરાતમાં રામ હોઇ શકે! દેવીદેવતાઓ અને આસ્થાસ્થાનો તેમજ પ્રાચીન ગ્રંથો એટલા સર્વસ્પર્શી અને વ્યાપક છે કે તેના વિશે અલગ અભિપ્રાયો રહ્યા છે. એકવાર અમદાવાદમાં રાવણની શ્રેષ્ઠતા વિષે પરિસંવાદ આયોજિત થયો હતો. જેએનયુ (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી)માં મહિષાશુરના વખાણ કરતી પરિષદ થઈ હતી. રામાયણ એક નથી, અનેક છે. તેમાં પણ રામ - રાવણ - સીતા - લક્ષ્મણ વિશે આપણને ગમે નહિ તેવા વર્ણનો પણ છે. રામનું કોઈ અસ્તિત્વ જ નથી એવું રામ-સેતુ અને અયોધ્યા મંદિર વિશે કયાં નહોતું કહેવાયું?! ઈશુ ખ્રિસ્તનું મૂળ કાશ્મીરમાં શોધનારા સંશોધકો પણ છે. પ્રાચીન ગ્રંથોમાં પ્રક્ષેપનો પ્રયાસ વારંવાર થયો. એમાં સીતાની અગ્નિપરીક્ષા એવો પછીથી ઉમેરાયેલો પ્રસંગ છે, રામ-માનસ કથામાં મોરારી બાપુ આ પ્રસંગ કહેતા નથી એવું સાંભળ્યું છે. કરસનદાસ મૂળજીએ જે લખ્યું, તેના વિશે મહારાજ લાઈબલ કેસ થયો હતો, કેટલાક વૈષ્ણવ સંશોધક આચાર્યો તેના વિષે કેટલાક પ્રશ્નો ઉઠાવે છે.
મેક્સમુલર અને પશ્ચિમી વિદ્વાનોના ભારતીય સંસ્કૃત સાહિત્ય વિષેના વિચારો પર અનેક પ્રશ્નાર્થો છે. તેમાંનો એક ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ, લેખન પર પ્રભુતા જમાવવાની ગુરુતાગ્રંથિનો આરોપ પણ છે. 1857ની વીર વિપ્લવી ઝાંસી રાની લક્ષ્મીબાઈ તદ્દન ચરિત્રહીન હતી, પોતાના પતિને મરાવી નાખ્યો હતો એવું વર્ણન કરતી નવલકથાઓ બ્રિટિશ લેખકોએ લખી હતી. 1857ના બ્રિટિશ સેનાપતિઓએ આવડા મોટા સ્વાતંત્ર્ય યુદ્ધને માત્ર થોડાક સૈનિકોનું ‘ફીતુર’ ગણાવીને તેવો ‘વિજેતા બ્રિટન’નો અસંતુષ્ટ રાજવીઓ, સૈનિકો અને મુઘલ બાદશાહ ઝફર, નાનાસહેબ પેશવા, ઝાંસી રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે અને સાધુ-બાવાઓ, મૌલવીઓની સામેના વિજયનો ઇતિહાસ લખ્યો, લંડનમાં બ્રિટિશ અખબારોએ લેખો લખ્યા ત્યારે ‘ઈન્ડિયા હાઉસ’ના ક્રાંતિકારીઓએ સાવરકરને કહ્યું અને તેમણે ઇન્ડિયાસ લાઇબ્રેરીમાં છ મહિના અભ્યાસ કરીને 1857નો ‘સ્વાતંત્ર્ય સમર’ પુસ્તક લખ્યું. બ્રિટિશ સરકારે તેના પ્રકાશન પૂર્વે જ પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારતમાં પંડિત સુંદરલાલના આવા બે ગ્રંથો પણ સરકારને ગમ્યા નહિ અને જપ્ત કર્યા હતા.

ગુજરાત વ્યાપરીઓનો પ્રદેશ છે એવું પહેલેથી કહેવામાં આવ્યું તે સ્વાભાવિક છે. આવડો મોટો દરિયાકિનારો હોય તેના લોહીમાં સાહસ કેમ ના હોય? મકરંદ મહેતાનું ‘ગુજરાત અને દરિયો’ પુસ્તક વાંચવા જેવું છે. આ પ્રજા calculative છે, રાજનીતિ કે સમાજનીતિ સર્વત્ર તે ગણતરીપૂર્વક ચાલે છે. સુરત અને અમદાવાદના શ્રેષ્ઠીઓ બ્રિટીશ દરબારમાં વગ ધરાવતા હતા. કચ્છી શ્રેષ્ઠીઓને પૂછીને અરબ રાષ્ટ્રોમાં સત્તાધીશો શાસન ચલાવતા એવા ઘણા નામો છે.
આથી અત્યાર સુધી લખાયેલા ઇતિહાસોમાં ગુજરાત વેપારી, ડાહ્યું, અહિંસક કહેવાયું. સ્વ. ઇલાબહેન ભટ્ટે એકવાર એક જાણીતા ઇતિહાસકાર (જે તેમના સગા પણ થાય)ને ફોન કરીને દિવ્ય ભાસ્કરમાં આવેલો મારો લેખ મોકલ્યો હતો, જેમાં ગુજરાતમાં 1857થી 1947 (અને પછી જૂનાગઢ મુક્તિની આરઝી હકૂમત)ની વિગતો હતી. પછી તેમનો આગ્રહ રહ્યો કે આ બધું ગ્રંથસ્થ થવું જોઈએ એટલે ગુજરાતમાં ભ્રમણ કરીને 101 જગ્યાઓએ જે સ્વાતંત્ર્ય સંઘર્ષ થયો તેની દસ્તાવેજી વિગતો અને તસવીરો સાથે પ્રકાશિત કર્યું.

ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત, સાબરમતી આશ્રમ, બારડોલી અને દાંડી... આટલું જ નથી. 100 જેટલા સ્થાનોએ 1857નો જંગ થયો, યુદ્ધો થાય, મહીસાગરના કિનારે 250 ગ્રામજનોને ફાંસી, સમૌમાં વણિક અને ઠાકોરને ફાંસી, અમદાવાદમાં શાહીબાગ લશ્કરી કેન્ટોન્મેન્ટમાં અનેક સૈનિકોને ગોળીથી ઠાર કરાયાની ઘટનાઓ, દ્વારિકામાં લડાયક વાઘેર-માણેક સ્ત્રીઓએ સમુદ્રમાંથી બ્રિટિશ સેનાનાયક ડોનાવનની સેનાએ છોડેલા તોપના ગોળાને ભીંજવેલ ગાદલાં, ગોદડા, તકિયામાં ઝીલીને રચેલી વીરગાથા, પોરબંદરના છગન ખેરાજ વર્માનું વેંકોવરમાં ગદર પાર્ટીના સંગઠન અને કોમાગાટા મારુ જહાજની કાનૂની લડાઈનું પ્રકરણ તો ગુજરાતમાં જ ભૂલી જવાયું હતું. પછી સિંગાપુરમાં તેને અપાયેલી ફાંસી કે સાન ફ્રાન્સિસ્કોમા ગદર ગુજરાતી અખબારનું તંત્રીપદ તો કોને યાદ હોય?
કંઇક આવું જ વડનગરના નાગર બ્રાહ્મણ ભગવતીચરણ વહોરાની સરદાર ભગતસિંહના પરમ પ્રિય સાથીદાર તરીકેની શહાદત વિષે બન્યું છે. નરેન્દ્ર મોદીનું વતન હોવા છતાં શહીદ વહોરા દંપતી વિશે કોઈ સ્મારક નથી, પોરબંદરમાં પણ હુતાત્મા છગન ખેરાજ ઉપેક્ષિત અને અજ્ઞાત છે! શ્રી અરવિંદે વડોદરામાં રહીને ‘ભવાની મંદિર’ પુસ્તિકા 125 વર્ષ પહેલાં લખી તેમાં ભારત માતાનું શક્તિ સ્વરૂપ છે. અહીં જ ચાંદોદ કરનાળીમાં ગંગાનાથ વિદ્યાલયે બારીન્દ્ર ઘોષ, જતીન મુખર્જી, ઉપેન્દ્ર ચટ્ટોપાધ્યાયને ક્રાંતિ-દીક્ષા થઈ હતી... એક સવાલ જરૂર થાય કે ગુજરાતમાં 1857થી 1945 સુધીમાં 10 હજાર હુતાત્માઓનો ઇતિહાસ છે, વાચાહીન છે, એટલે વાંક આપણો, ગુજરાતીઓનો, સમાજનો, ઇતિહાસકારોનો, નેતાઓનો છે. આવી વિગતો ગુજરાતની બહાર પહોંચી જ ના હોય પછી બંગાળ કે બીજે ગુજરાતની ટીકા થાય જ ને?
ગુજરાત વિશેની ખોટી આલોચના માટે આપણાં પોતાના બે મોટાં દોષ છે, કારણો છે. એક, વિસ્મૃતિનો અભિશાપ અને પોતાના ગૌરવ વિષે જ અજ્ઞાન.

આ વિસરાયેલા ગૌરવસ્થાનોની અધૂરી યાદી જાણવી છે? અમદાવાદ, તાજપુર, વડોદરા, સુરત, પાલનપુર, પાટણ, કડી, જુનાગઢ, વડનગર, પોરબંદર, પ્રતાપપૂરા, તારંગાના જંગલો, સીપોર, સરણા, છાબલીયા, કબીરપુર, દમલા, ઇડર, લોદરા, રીદરોડા, સમૌ, મુડેટી, સમી, પાલનપુર, ડીસા, આબુ, નગરપારકર, કટોસણ, દેવરાસન, વસઇ, વીજાપુર, માણસા, પેથાપુર, ડાભલા, દુબારા, સંડેરા, સંગરોડા, કનેરિયા, અનોડિયા, આગલોડ, આજોલ, પાટણ, પિલવાઈ, ખેડા, ઠાસરા, ખંભાત, વડતાલ, છોટા ઉદેપુર, ઉનાવા, કોડીનાર, માછરડા, મોરબી, ભાવનગર, ભાલોદ, કોરલ, સંતરામપુર, શિહોર, સામરખા, પાલા, દ્વારિકા, બેટ દ્વારિકા, આરંભડા, નંદાણા, નવસારી, રંગૂનમાં ગુજરાતીઓનું આઝાદ હિન્દ ફોજમાં નાણાકીય અને યુદ્ધમાં પ્રદાન, ચાનડુંપ, આણંદ, કડી, મીયાગામ...
ગુજરાતી વિપ્લવવીરોને આજન્મ કારાવાસ અને આંદામાનની સજા થઈ તેનો મુખી હતો ગરબડદાસ. સરકાર અને સમાજમાં જો ઇતિહાસબોધ હોય તો આણંદની લોટિયા ભાગોળ કે ઊંડી શેરીમાં ભવ્ય સ્મારક બનાવી શકે. અહીં 1857ના સંગ્રામમાં મૂળજી વેણીરામ જોશી, જીવાભાઇ ઠાકોર, કૃષ્ણારામ દવે, આહજી પગી, બાપુજી પટેલ પણ હુતાત્મા થયા. ખાનપુરમાં જીવાભાઇ ઠાકોરને ફાંસી આપવામાં આવી હતી. સુરતમાં શાયર ફાંસીએ ચઢ્યો હતો. મગદલ્લાની મરદાની કોળી જીવીબાઈએ બ્રિટિશ સૈનિકના અત્યાચારની સામે લડીને તેને ખતમ કર્યો હતો.
...ના, આ દંતકથાઓ નથી, ઇતિહાસ છે.

ગુજરાત વિશેનો નાદાન ભ્રમ; કારણ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.