ગુજરાત સમાચારના 53 વર્ષની ઉજવણી પ્રસંગે...

ગુજરાત સમાચારના 53 વર્ષની ઉજવણ

પ્રિય વાચકમિત્રો, ગુજરાત સમાચારના અમદાવાદ કાર્યાલયમાં 18 વર્ષથી બ્યૂરો ચીફ તરીકે સેવા આપી રહ્યો છું. ભૂતકાળમાં આપણે એક યા બીજા પ્રસંગે વાતચીત કરી ચૂક્યા છીએ, પણ આ વખતે પ્રસંગ અલગ છે. જોકે વાત આગળ વધારું તે પહેલાં થોડીક વાત જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞનના સૂત્રને વરેલા આપણા સહુના ગુજરાત સમાચારની. 

પ્રિય વાચકમિત્રો, ગુજરાત સમાચારના અમદાવાદ કાર્યાલયમાં 18 વર્ષથી બ્યૂરો ચીફ તરીકે સેવા આપી રહ્યો છું. ભૂતકાળમાં આપણે એક યા બીજા પ્રસંગે વાતચીત કરી ચૂક્યા છીએ, પણ આ વખતે પ્રસંગ અલગ છે. જોકે વાત આગળ વધારું તે પહેલાં થોડીક વાત જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞનના સૂત્રને વરેલા આપણા સહુના ગુજરાત સમાચારની. આ અગાઉ ગુજરાતી પત્રકારત્વમાં ઇંડિયા ટુડે, સમભાવ, ઇન્ડિયા એબ્રોડ ન્યૂઝ સર્વીસ, ગરવી ગુજરાત વગેરે પ્રકાશનોમાં કામ કરવાનો અનુભવ ધરાવું છું, પરંતુ અહીં કામ કરવાનો અનુભવ કંઇક વિશેષ રહ્યો છે. ગુજરાત સમાચારના કાર્યકાળ દરમિયાન બ્રિટનની મુલાકાતે આવી ગયો છું. આ પ્રવાસ દરમિયાન એક અખબાર તરીકે ગુજરાત સમાચાર - અને વ્યક્તિગત સ્તરે સી.બી. પટેલ સમાજ સાથે કેવો ઘનિષ્ઠ તાલમેલ ધરાવે છે તે જોવા - જાણવા - સમજવાનો મહામૂલો અવસર મળ્યો. કોઇ પણ સંબંધ હોય, સફળતા હોય કે વિશેષ સ્થાન - ક્યારેય કંઇ રાતોરાત મળી જતું નથી. ગુજરાત સમાચારે પણ વર્ષોની જહેમતથી લોકહૃદયમાં સ્થાન મેળવ્યું છે. અને આ સ્થાનના પાયામાં છે સત્ય - વાચક નિષ્ઠા અને સામાજિક પ્રતિબદ્ધતા.
સમસ્યા હોય કે સમયની માગ, સમાજને અન્યાયની વાત હોય કે હક-અધિકારની વાત હોય, ગુજરાત સમાચારના હૈયે હંમેશા જનહિત જ સર્વોચ્ચ રહ્યું છે. આ વાતને કેટલાક ઉદાહરણ થકી સમજીએ. આજે કેટલાક અખબારો માટે જ્યોતિષીઓ - દોરાધાગાની જાહેરખબરો આવકનો મુખ્ય સ્રોત બની રહી છે ત્યારે ગુજરાત સમાચાર સનાતન મૂલ્યોને નુકસાન કરતી આવી કોઇ પણ જાહેરાતો - હજારો પાઉન્ડનું નુકસાન વેઠીને પણ - પ્રકાશિત કરવાનું ટાળી રહ્યું છે. એક જમાનામાં અન્ય પ્રકાશનો પૂ. મોરારિબાપુ કે પૂ. ‘ભાઇશ્રી’ રમેશભાઇ ઓઝાની કથાની જાહેરખબરો - અહેવાલોની પ્રસિદ્ધિ અર્થે 15-15 હજાર પાઉન્ડ જેવી મસમોટી રકમ વસૂલતા હતા ત્યારે ગુજરાત સમાચારે વ્યાપક વાચકહિતને નજરમાં રાખીને આ જ જાહેરખબરો - અહેવાલોને વિનામૂલ્યે બહોળી પ્રસિદ્ધિ આપી હતી. વોટફર્ડ હરેકૃષ્ણ મંદિર અને લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટની સીમાચિહ્નરૂપી ઝૂંબેશથી તો કોણ અજાણ હશે? એક સમયે તાળાબંધીના આરે પહોંચેલું હરેકૃષ્ણ મંદિર આજે હજારો શ્રદ્ધાળુઓની અવરજવરથી ધબકે છે જ્યારે ડાયરેક્ટ ફ્લાઇટ માટે ગુજરાત સમાચાર અને શ્રી સી.બી. પટેલે ચલાવેલી ઝૂંબેશને તો આપણા લોકલાડીલા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ જાહેરમાં બિરદાવી ચૂક્યા છે.
માત્ર પ્રકાશન પ્રવૃત્તિ થકી જ નહીં, આર્થિક સખાવત થકી પણ સી.બી. પટેલ પરિવાર સામાજિક યોગદાન આપતો રહ્યો છે. સી.બી. પટેલ પરિવારે પાંચેક લાખ પાઉન્ડ સારા કામમાં આપ્યા છે. જેમાં પ્રેસ્ટન મંદિર, અક્ષયપાત્ર, ફૂડ ફોર લાઇફ-વૃંદાવન, ક્રિષ્ના હોસ્પિટલ જેવા કેટલાક સ્થળોએ તો 25 - 25 હજાર પાઉન્ડ કે વધુ મોટું અનુદાન આપવામાં આવ્યું છે. એક સામાન્ય પરિવાર માટે આ બહુ જ ઉદાર અનુદાન કહી શકાય. જ્યારે તમારા નીતિરીતિ અને નિયત સારાં હોય ત્યારે સહુનો સાથસહયોગ ના મળે તો જ નવાઇ. લોકોએ ગુજરાત સમાચારને ખોબલા મોઢે પ્રેમ અને ઉષ્માપૂર્ણ સહયોગ આપ્યો છે. વાચકોએ અખબારની નકલો ખરીદીને કે વાર્ષિક લવાજમ ભરીને, વિજ્ઞાપનદાતાઓએ જાહેરખબરો થકી તો અન્ય સહૃદયી મિત્રો પણ એક યા બીજા પ્રકારે ઉમળકાભેર સહયોગ આપતા રહ્યા છે તેની નોંધ લેવી રહી.
આપણે સહુ જાણીએ છીએ કે આજે અખબારી ઉદ્યોગ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. આમ છતાં સિદ્ધાંત અને મૂલ્ય પરસ્ત સી.બી. પટેલ પરિવાર આર્થિક ખોટ ભોગવીને પણ ગુજરાત સમાચારનું પ્રકાશન કરી રહ્યો છે. અને આ પ્રકાશન યાત્રામાં ઉત્સાહભેર સહયોગ આપી રહ્યા છે મારા વરિષ્ઠ સાથીદારો - જ્યોત્સનાબહેન શાહ, કોકિલાબહેન પટેલ, પૂજાબહેન રાવલ, સેસીલ સોન્સ, કિશોરભાઇ પરમાર, સુરેન્દ્રભાઇ પટેલ, શ્રીજીત રાજન અને હાર્દિક શાહ. અમે બધા એક સમર્પિત ટીમ તરીકે એવું માળખું વિકસાવવા પ્રયત્નશીલ છીએ જે સી.બી. પટેલના પ્રકાશન વારસાનું જતન કરવાની સાથોસાથ આપણા સમાજની સેવા પણ અવિરતપણે ચાલતી રહે.
અનેક પડકારો અને સંઘર્ષોને ઓળંગીને આગળ વધી રહેલા ગુજરાત સમાચાર દ્વારા 53મા સ્થાપન દિન પ્રસંગે શાનદાર વિશેષાંક ‘સોનેરી સ્મૃતિ ગ્રંથ A Timeless Treasure’ના પ્રકાશન માટે તૈયારી ચાલી રહી છે. આ દળદાર ગ્રંથમાં વિવિધ વિષયલક્ષી વાચનસામગ્રીની સાથે સાથે બ્રિટનવાસી ભારતીય - ગુજરાતી સમાજની એકતા અને વિકાસ માટે કાર્યરત સામાજિક, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ - સંગઠનો વિશે પણ માહિતી હશે. આપ સહુ લેખ, માહિતી, આ પ્રકાશન સાથે સંકળાયેલા જૂના ફોટોગ્રાફ્સ વગેરે થકી સહયોગ આપી શકો છો. વિશેષાંક માટેની માહિતી - ફોટોગ્રાફ 20 જૂન 2025 સુધીમાં ઇમેઇલ ([email protected]) દ્વારા મોકલી આપવા અનુરોધ છે. જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞના સૂત્રને સાર્થક કરનાર ગુજરાત સમાચારના આ વિશેષાંકને સફળ બનાવવા આપનો સહયોગ અનિવાર્ય છે. ઝાઝા હાથ રળિયામણાં કંઇ અમસ્તું નથી કહેવાયું.
ગુજરાત સમાચાર સાચા અર્થમાં પ્રજાનું અખબાર છે, અને આપ સહુના સહયોગ થકી ભવિષ્યમાં પણ તે પ્રજાનું જ અખબાર બની રહેશે.

ગુજરાત સમાચારના 53 વર્ષની ઉજવણ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.