પિતૃદેવો ભવઃ

પિતૃદેવો ભવઃ...

પરમેશ્વર જીવન આપે છે. જીવન જીવવા માટે હવા, પાણી, ખોરાક અને પ્રકાશ વિનામૂલ્યે પુરા પાડે છે. માતાપિતા જન્મ આપે છે અને ગુરુ આધ્યાત્મિક જન્મ આપે છે. મનુષ્ય ક્યારેય માતાપિતા, ગુરુ અને પરમેશ્વના આ ઋણમાંથી મુક્ત થઇ શકતો નથી. એટલે જ શાસ્ત્રો કહે છે કે, પરમેશ્વરનું આરાધન કરવું તથા मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव માતાપિતા અને ગુરુની પરમેશ્વરની જેમ સેવા કરવી.

પરમેશ્વર જીવન આપે છે. જીવન જીવવા માટે હવા, પાણી, ખોરાક અને પ્રકાશ વિનામૂલ્યે પુરા પાડે છે. માતાપિતા જન્મ આપે છે અને ગુરુ આધ્યાત્મિક જન્મ આપે છે. મનુષ્ય ક્યારેય માતાપિતા, ગુરુ અને પરમેશ્વના આ ઋણમાંથી મુક્ત થઇ શકતો નથી. એટલે જ શાસ્ત્રો કહે છે કે, પરમેશ્વરનું આરાધન કરવું તથા मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव માતાપિતા અને ગુરુની પરમેશ્વરની જેમ સેવા કરવી.
મનુષ્ય જીવનમાં જેટલું યોગદાન માતાનું છે એટલું જ યોગદાન પિતાનું છે. જોકે વિશ્વમાં માતાનો મહિમા ખૂબ ગવાય છે અને પિતા ભૂલી જવાય છે. હકીકતમાં બંનેનો સરખો મહિમા છે.
પિતા સૂરજ છે તો માતા ચંદ્ર છે. સૂર્ય અને ચંદ્ર ધરતીને સંતુલિત રાખે છે એ જ રીતે માતાપિતા સંતાનોના જીવનને સંતુલિત રાખે છે. ભારતીય સંસ્કૃતિમાં માતા અને પિતાને શિવ અને શક્તિની જેમ પરસ્પર પૂરક માનવામાં આવ્યા છે.
શરીરમાં જેમ દિલ અને દિમાગ છે એમ જીવનમાં માતાપિતા છે. માતા બુદ્ધિમતી છે પણ દિલ પ્રધાન છે અર્થાત્ ભાવના પ્રધાન છે. પિતા પણ પ્રેમની મૂર્તિ છે, પરંતુ દિમાગ પ્રધાન છે અર્થાત્ બુદ્ધિ પ્રધાન છે. બન્ને વચ્ચેનો સમન્વય સંતાનને સુખી બનાવે છે.
માતાની સંવેદના એમના વાત્સલ્ય અને આંખના આંસુઓથી પ્રગટે છે પરંતુ પિતાનો પ્રેમ જલ્દી પારખી શકાતો નથી. માતા પોતાની ભાવનાને રોકી શકતી નથી જ્યારે પિતા પોતાના ભાવ મંદિરને તાળું મારી બંધ કરી શકે છે. લાડકવાયી દીકરી જ્યારે એના શ્વસુરગૃહે પ્રયાણ કરે છે ત્યારે પિતાના હૃદયમાં વર્ષોથી કેદ થયેલો ભાવપ્રવાહ તમામ બંધનો તોડીને એક સાથે આંખના આંસુઓથી પ્રગટે છે.
ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં અનેક માતૃભક્ત તેમજ પિતૃભક્ત સંતાનો થયા છે. પુરાણોમાં યુવરાજ પૂરુની કથા છે. એમણે પોતાની જુવાની પોતાના પિતા યયાતીને અર્પણ કરી હતી અને પિતાના આશીર્વાદથી યુવરાજ પુરુ મહાન પુરુવંશના સ્થાપક બન્યા હતા. આ જ પુરુવંશમાં ચક્રવર્તી સમ્રાટ ભરત જેવા રાજાઓ થયા. આ જ પુરુવંશમાં પિતામહ ભિષ્મ થયા. એમણે પોતાના પિતા શાંતનુના સુખ ખાતર પોતાના તમામ સંસાર સુખનું બલિદાન આપી દીધું હતું તો સામે પિતાના આશીર્વાદથી ભિષ્મ ઇચ્છામૃત્યુને વર્યા હતા. કૌરવો અને પાંડવોનો જન્મ પણ આ જ પુરુવંશમાં થયો હતો. ઈતિહાસ પ્રસિદ્ધ મહારાજ પોરસ કે જેમણે સિકંદરની સામે યુદ્ધ કર્યું હતું તેઓ પણ પુરુવંશના હતા.
ભગવાન શ્રીરામચંદ્રજીએ પિતાના વચને હસતા મુખે વનવાસ સ્વીકાર્યો હતો અને એ જ વનવાસ સામાજિક સમરસતા અને રામરાજ્યની સ્થાપનામાં ભારે ઉપયોગી થયો હતો.
મહારાષ્ટ્રમાં પિતૃભક્ત પુંડરિક થયા. જેમણે પિતાની સેવાથી ભગવાન વિઠ્ઠલનાથજીને પ્રસન્ન કર્યા. વિશ્વ જ્યારે ફાધર્સ ડે ઉજવી રહ્યો છે ત્યારે પુરાણની એક સુપ્રસિદ્ધ કથાનો સાર લખવાનું મન થાય છે. કથા છે પિતૃભક્ત નાભાગની.
એમના પિતાનું નામ નભગ હતું. નભગ ઈક્ષ્વાકુ વંશના હતા અને કૌશલ દેશના સમ્રાટ હતા. એમને ત્રણ પુત્રો હતા. જેમાંથી બે પુત્રો લોભી અને લાલચી હતા જ્યારે નાભાગ સાધુપ્રકૃતિના હતા.
નાભાગ ગુરુકુલમાં અભ્યાસ કરવા ગયા એ દરમ્યાન બન્ને ભાઇઓએ વૃદ્ધ થયેલા પિતા નભગને નજર કેદ કર્યા અને સમગ્ર રાજ્ય આપસમાં વહેંચી લીધું. નાભાગ પાછા આવ્યા અને પોતાનો ભાગ માંગ્યો ત્યારે બન્ને ભાઇઓએ સખ્તાઇથી કહ્યું, આ પિતાજી તારા ભાગમાં! સાંભળીને નાભાગ પ્રસન્ન થયા અને બોલ્યા, ‘મારા અહોભાગ્ય કે મને જન્મ દેનારા પિતાની સેવા મારા ભાગે આવી.’
રાજમહેલની ખટપટથી કંટાળીને નાભાગ વૃદ્ધ અને બીમાર પિતાની સાથે વનવાસી બન્યા. વનમાં કુટીર બનાવી, પિતાજીની સેવા કરવા લાગ્યા. નાભાગની કુટીરથી થોડે દૂર ઋષિઓ સ્વર્ગકામનાથી યજ્ઞ કરતા હતા પરંતુ કેટલાંક મંત્રોની ખામીને લીધે તેઓનો યાગ પૂર્ણ થતો ન હતો. મહારાજ નભગ મંત્રવેત્તા હતા. એમણે પોતાના પુત્ર નાભાગને રૂદ્ર દેવતાના મંત્રો શીખવા ઋષિઓ પાસે મોકલ્યા. નાભાગે ઋષિઓનો યજ્ઞ પૂરો કરાવ્યો. પરિણામે ઋષિઓને દિવ્યદેહ મળ્યા. ઋષિઓ સ્વર્ગમાં જવા તૈયાર થયા ત્યારે એમણે નાભાગને કહ્યું, ‘હે નાભાગ, આ યજ્ઞ માટેની વિપુલ સમાગ્રી ધન, ધાન્ય, પશુ વગેરે અમે તને દક્ષિણામાં આપીએ છીએ અને તમને તથા તમારા પિતાને સુખી થવાના આશીર્વાદ આપીએ છીએ.’
આમ કહી ઋષિઓ સ્વર્ગે સિધાવ્યા. આ બાજુ નાભાગ જેવી સામગ્રી ભેગી કરવા લાગ્યા એ જ વખતે શ્યામલવર્ણા ભગવાન રૂદ્ર પ્રગટ થયા અને બોલ્યા, ‘યજ્ઞની શેષ સામગ્રી ઉપર મારો અધિકાર છે. તારાથી એ ન લેવાય.’
રૂદ્ર અને નાભાગ વિશે થોડો વિવાદ થયો ત્યારે રૂદ્રએ કહ્યું, ‘તારા પિતા શાસ્ત્રવેત્તા છે. એને પુછી જો! એ કહે કે મારી વાત ખોટી છે તો હું તને બધું આપી દઈશ.’
નાભાગ પિતા પાસે ગયા અને સઘળી વાત કરી. મહારાજ નભગ શાસ્ત્રવેત્તા અને સત્યનિષ્ઠ હતા. એમણે કહ્યું, ‘બેટા! યજ્ઞનો શેષ ભાગ તો રૂદ્રનો કહેવાય, આપણાથી એ ન લેવાય.’ નાભાગે રૂદ્રને પ્રણામ કરી પિતાની વાત જણાવી. મહારાજ નભગની સત્યનિષ્ઠા જોઇને ભગવાન રૂદ્ર પ્રસન્ન થયા અને વરદાન આપ્યું, તારા પિતા શરીરે સ્વસ્થ થશે અને તને સમગ્ર પૃથ્વીનું રાજ્ય મળશે. આમ કહી ભગવાન શિવ અદ્રશ્ય થઈ ગયા. આ દરમિયાન પેલા બંને લોભી - લાલચી અને પિતાનો ત્યાગ કરનારા રાજકુમારોનું રાજ્ય શત્રુઓએ પડાવી લીધું. બંને રાજકુમારો ભિખારી બન્યા. આ બાજુ ભગવાન શિવજીની કૃપાથી મહારાજ નભગ શરીરે સ્વસ્થ થયા. એમની કાયા કંચનવર્ણી બની અને પિતાની સેવાથી અને શિવજીની કૃપાથી નાભાગને સમગ્ર પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થયું. એમનું નામ ઈતિહાસમાં અમર બન્યું.
મહારાજ નાભાગને ત્યાં મહારાજ અંબરિષ થયા. જેમની કથા પુરાણોમાં સુપ્રસિદ્ધ છે. આ જ વંશમાં સમય જતાં પિતૃભક્ત ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા હતા.
Father’s Day પર્વ નિમિત્તે સર્વ પિતાઓને આ કથા સમર્પણ.
ફાધર્સ ડેના અવસરે ‘ગુજરાત સમાચાર’ દ્વારા આવો સુંદર વિષય પસંદ કરવા બદલ અમારા અંતરથી અભિનંદન. આદરણીય સી.બી.પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સમાચાર વિદેશની ધરતી ઉપર ભારતીય જીવન મૂલ્યોના પ્રચાસ પ્રસાર માટે પ્રશંસનીય પ્રયાસ કર્યો છે અને ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ ઉભી કરી છે. (લેખક સ્વામી માધવપ્રિયદાસજી અમદાવાદસ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમના વડા છે.)

પિતૃદેવો ભવઃ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.