માતૃભાષા એટલે મા પાસેથી બાળકને મળેલી પહેલી ભાષા

માતૃભાષા એટલે મા પાસેથી બાળકન

વાત મારી જેને સમજાતી નથી; એ ગમે તે હોય ગુજરાતી નથી..! ખલીલ ધનતેજવીના આ શબ્દો ખરેખર સચોટ છે. માતૃભાષા એટલે મા પાસેથી બાળકને મળેલી સૌથી પહેલી બોલી કે ભાષા. અને એટલે મને મારી મા પાસેથી મળેલ પ્રથમ ભાષા એવી મીઠી ગુજરાતી બોલી ખૂબ જ પ્રિય. ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ખૂબ સમૃદ્ધ છે. 

વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી..!
ખલીલ ધનતેજવીના આ શબ્દો ખરેખર સચોટ છે. માતૃભાષા એટલે મા પાસેથી બાળકને મળેલી સૌથી પહેલી બોલી કે ભાષા. અને એટલે મને મારી મા પાસેથી મળેલ પ્રથમ ભાષા એવી મીઠી ગુજરાતી બોલી ખૂબ જ પ્રિય. ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ખૂબ સમૃદ્ધ છે. ગુજરાતી માત્ર ભાષા જ નહીં, પણ તે એક ગુણ અને સૌમ્યતાના સમન્વય સાથેની સંસ્કૃતિ છે. ભારત દેશ પાસે વૈવિધ્યસભર ભાષાઓનો ખજાનો છે. હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી, ઉડિયા, ગઢવાલી, પંજાબી, અવધી... દરેક ભાષાનું માધુર્ય અને મહત્ત્વ છે. અરે! જરાતી ભાષામાં જ જુઓ તો કચ્છી, સૌરાષ્ટ્રની સોરઠી, જામનગરની હાલારી, ચરોતરી, દક્ષિણ ગુજરાતની સુરતી... આ દરેકની લય, હલકારો અને લહેકો પણ ખૂબ મીઠડો. આટલી વિવિધતા અને શબ્દવૈભવ હોવા છતાં આપણે વિદેશી ભાષાનો મોહ રાખતા હોઈએ છીએ. નિશાળમાં પણ અમુક ધોરણ પછી બીજી વૈકલ્પિક ભાષા પસંદ કરવાની થાય ત્યારે પણ ફ્રેન્ચ કે જર્મન ભાષા શીખવવાનો વાલી આગ્રહ રાખે છે. અરે ભાઈ! આટલો બધો પોતાની સ્વ-ભાષાનો અણગમો કેમ? શું આગળ જતાં તમારું બાળક તમારી સાથે રોજ ફ્રેન્ચ કે જર્મનમાં વાત કરવાનું છે? ના, પણ આ દેખાદેખીનો દુરાગ્રહ.
અરે ભલા માણસ, આપણા ગુજરાતી શબ્દોનો વૈભવ તો જુઓ... સવારના અલગ-અલગ પ્રહરને પણ કેવી સુંદર રીતે વર્ણવી શકાય. જેમકે, પ્હો ફાટ્યાની વેળા, ભળભાંખળું, ઉષારાણીનું આગમન, અને પછી સૂર્યોદય. તમે પોતાની માતૃભાષામાં કોઈ વાતનું વર્ણન કરો, તો તરત એ અનુભવાય... જેમ કે, પર્વત પરથી અથડાતું, પછડાતું આવતું ઝરણું ધરા પર ખળખળ વહેતું દોડવા લાગ્યું. તો સાંભળતાં જ એ ચિત્ર તમારી નજર સમક્ષ તાદ્દશ્ય અનુભવી શકાય. જ્યારે બીજી ભાષામાં આ વાતને આટલી સહજ અનુભવી શકાય જ નહીં. અરે! આપણી ભાષાના કેટલાક શબ્દ તો હવે આ અંગ્રેજી માધ્યમને લીધે લુપ્ત થતા હોય એવું લાગે. જેમ કે, ડામચિયો, મજૂસ, ગોખ, વરગણી, ચાડું, મહોતું, ગાગર, પરસાળ... આ બધા શબ્દો સાંભળીને અત્યારના ગુજલીશ શીખેલા બાળકો બાઘા બની જોયા કરશે.
મા-બાપ પણ ક્યાંક મારું બાળક પાછળ ન રહી જાય એની ઘેલછામાં તેને પોતાની ભાષાથી વિમુખ કરે છે. એમાં બાળક બિચારું મુંઝવણ અનુભવે. બેટા hand wash કરી લે, કે eat કરી લે. જો અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવાની મા-બાપની ઘેલછા હોય, તો આવી ગુજલીશ ભાષા જન્મે. વિચિત્ર ભાષાથી એના બાળમાનસમાં આ ભાષાઓનો દ્વંદ રચાય છે અને એ ન ઘરનું કે ન ઘાટનું એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આમાં મારી કોઈ કોઈ બીજી ભાષાને નીચી પાડવાની વાત નથી. અંગ્રેજી શીખવું જરૂરી છે, પણ માતૃભાષાના ભોગે તો નહીં જ.
દરેક મહાન વ્યક્તિઓ કે વૈજ્ઞાનિકોએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષામાં જ લીધું છે અને સિદ્ધિ મેળવી છે. ગુજરાતી ભાષા સમૃદ્ધ સાહિત્ય ધરાવતી ભાષા છે. જીવંત ભાષા છે. કવિ નર્મદ, ઝવેરચંદ મેઘાણી, કલાપી, દલપતરામ જેવા લોકોએ ઉત્તમ સાહિત્ય આપેલું છે. વળી, સંગીતના સાહિત્યના પ્રકારોમાંનો એક એવું ગઝલ ગાયન જે બધી ભાષાઓમાં નથી ગવાતું. છતાં, ઉર્દુ અને હિંદી પછી ગઝલ સૌથી વધુ ગવાતી હોય તો એ આપણી માતૃભાષા ગુજરાતીમાં. છેલ્લે ઉમાશંકર જોષીની આ રચના યાદ આવે છે.
‘સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.....’
આપ સહુને વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ની શુભેચ્છાઓ.

માતૃભાષા એટલે મા પાસેથી બાળકન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.