મુઘલકાળમાં બાદશાહ અકબરે દિવાળીની ઊજવણી આરંભી

મુઘલકાળમાં બાદશાહ અકબરે દિવા

મુઘલ દરબારમાં હિંદુ-મુસ્લિમ એખલાસ માટેના પ્રયાસરૂપ પરંપરાનો આદર

બ્રિટિશ વડા પ્રધાન કે અમેરિકી રાષ્ટ્રપતિ હિંદુઓના મહત્ત્વના તહેવાર મનાતા દીપાવલી ઉત્સવમાં સહભાગી બને કે કરાચીમાં પાકિસ્તાનના વડા પ્રધાનથી લઈને તમામ રાજકીય પક્ષોના ટોચના નેતા દીપાવલી કે હોળી ઉત્સવમાં હાજરી આપે ત્યારે દુનિયાભરમાં એની ચર્ચા થવી સ્વાભાવિક છે. ભારતમાં ઘણો લાંબો સમય શાસન કરતા રહેલા મુઘલ બાદશાહો પણ હોળી-દિવાળીના તહેવારને મનાવીને હિંદુ-મુસ્લિમ એખલાસની ભાવનાને વધુ દૃઢ કરતા રહ્યા છે. ઈતિહાસને જે રંગીન ચશ્માંથી અમુક લોકો નિહાળવા ટેવાયેલા છે એમને તો મુસ્લિમ શાસનમાં સઘળું ભૂંડું વર્તાય અને હિંદુ શાસનમાં બદ્ધેબદ્ધું સારું અનુભવાય એ સ્વાભાવિક હોવા છતાં ઐતિહાસિક તથ્યોને અવગણવાં જરા મુશ્કેલ છે. 

બાદશાહ અકબર સામે સતત સંઘર્ષરત રહેલા ઉદયપુરના મહારાણા પ્રતાપને માત્ર હિંદુ શાસક ગણાવવા કે બાદશાહ ઔરંગઝેબની સાથે ખટરાગમાં રહેલા રાજા શિવાજીને હિંદુ રાજવી કહેવા જતાં તો અન્યાય કરવા જેવું છે. કારણ બહુ સ્પષ્ટ છે. શાસક શાસક છે. હિંદુ હૃદયસમ્રાટ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક વાર મુખ્ય પ્રધાન બને કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને ત્યારે એ માત્ર હિંદુઓના જ શાસક નથી, તમામ ધર્મી પ્રજા એમની પ્રજા બની જાય છે અને એમણે ‘સબ કા સાથ સબ કા વિકાસ’ના સૂત્રને હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, ઈસાઈ, જૈનના ભેદ વિના અમલમાં લાવવું પડે. શાસક આદર્શ ત્યારે ગણાય જ્યારે એ પ્રજાના ધાર્મિક કે અન્ય ભેદ ભૂલીને સમગ્રપણે એના કલ્યાણની દિશામાં સક્રિય પગલાં ભરતો રહે.

આગ્રા ફોર્ટ અને ફત્તેહપુર સિક્રીમાં દિવાળી

મુઘલ બાદશાહ અકબરે હિંદુ-મુસ્લિમ ભણી સમભાવ રાખવા ઉપરાંત દિન-એ-ઈલાહી નામક ધર્મની સ્થાપના કરી. એ ધર્મ અલ્પજીવી ભલે રહ્યો, પરંતુ અકબરના શાસનમાં કે એના નવરત્નોવાળાં દરબારમાં હિંદુ-મુસ્લિમના ભેદ વિના સમાનધોરણે ન્યાય તોળવાની પરંપરા હોવાની ગવાહી અનેક ઈતિહાસકારો આપે છે. પ્રત્યેક શાસકમાં રહેલા ગુણદોષનું વિશ્લેષણ અલગથી કરી શકાય, પરંતુ બાદશાહ અકબરને કોઈ કટ્ટર મુસ્લિમ શાસક લેખાવી શકે નહીં. એમના મહેલમાં મહારાણી જોધાબાઈ હિંદુ મંદિર અને હિંદુ પરંપરાનું અનુસરણ કરી શકે, એટલો ઉદારમતવાદી શાસક તો એ હતો જ. મુઘલો શ્રીકૃષ્ણના વંશજ હોવાનો ઈતિહાસ પણ મળે છે અને પ્રત્યેક શાસકના લોકપ્રિય શાસક અને ક્રૂર શાસનથી તુલના કરી શકાય. અકબરની તુલનામાં એના પ્રપૌત્ર બાદશાહ ઔરંગઝેબને ધર્માંધ, હિંદુવિરોધી અને ક્રૂર ગણાવવામાં આવતો હોવા છતાં હકીકત એ છે કે મુઘલ બાદશાહ અકબરના દરબાર અને શાસનમાં જેટલા હિંદુ અધિકારી-કર્મચારી હતા એનાથી ત્રણ ઘણા હિંદુ અધિકારી-કર્મચારી બાદશાહ ઔરંગઝેબના વખતમાં હતા. બાદશાહ અકબર અને બાદશાહ ઔરંગઝેબ બેઉના સેનાપતિ હિંદુ જ હતા. મુઘલ બાદશાહો અને એમના શાહજાદાઓ પણ હિંદુ રાજવીઓની રાજકુમારીઓ સાથે પરણ્યા હતા, એમાં ઔરંગઝેબ પણ અપવાદ નહોતો.

જોધાબાઈ અને બિરબલ થકી દીપોત્સવી આયોજન

બાદશાહ અકબરના સમયમાં મહારાણી જોધાબાઈ અને નવરત્નોમાંના એક રાજા બિરબલ થકી મુઘલ દરબારમાં જ દિવાળીની ઊજવણી થતી હતી. બાદશાહ જહાંગીર અને બાદશાહ શાહજહાંના શાસન દરમિયાન પણ દિવાળીની ઊજવણીની આ પરંપરા ચાલુ રહી હતી. બાદશાહોની નિશ્રામાં હોળી-ધૂળેટીના આયોજન પણ થતાં હતાં. દિલ્હીમાં લાલ કિલ્લામાં પણ બાદશાહ શાહજહાંના સમયગાળા પછી દિવાળીની વિશેષ ઊજવણી થતી હતી.

ઔરંગઝેબ દિવાળી ભેટ સ્વીકારતો

ધર્માંધ મનાતા બાદશાહ ઔરંગઝેબે ભવ્યતાપૂર્ણ રીતે દીપાવલી કે અન્ય હિંદુ તહેવારોની મુઘલ દરબારમાં ઊજવણીને બંધ કરાવી હતી, પરંતુ એ પોતાના રાજપુત સેનાપતિઓ જોધપુરના રાજા જસવંત સિંહ અને જયપુરના રાજા જય સિંહ પહેલા કનેથી દિવાળીના તહેવાર નિમિત્તે ભેટ જરૂર સ્વીકારતો હતો. ઔરંગઝેબના પૌત્ર જાહેન્દર શાહે લાહોરમાં લાલ કુંવર સાથે દિવાળીની ભવ્ય ઊજવણીમાં સહભાગી થવાનું પસંદ કર્યું હતું.

મુઘલ દરબારમાં મહિલાઓની ફૂલઝડીઓ

મુઘલ દરબારમાં અને જનાનખાનામાં સ્ત્રીઓ પણ દિવાળી વખતે તારામંડળ અને ફૂલઝડીનો આનંદ લેતી હતી. આ મહોત્સવનો આનંદ હિંદુ અને મુસ્લિમ મહિલાઓ સાથે મળીને લેતી હતી. કોઈ પણ ધર્મના અનુયાયી અન્ય ધર્મના તહેવારોમાં પરસ્પરને શુભેચ્છા પાઠવીને આનંદ લે ત્યારે જ એ તહેવારની ખરી મજા અનુભવાય છે.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૨૮ ઓક્ટોબર ૨૦૧૭ અથવા ક્લિક કરો વેબ લિંકઃ http://bit.ly/2gwpNP4 )

મુઘલકાળમાં બાદશાહ અકબરે દિવા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.