રક્ષાબંધનઃ યહ બંધન તો પ્યાર કા બંધન હૈ...

રક્ષાબંધનઃ યહ બંધન તો પ્યાર કા...

રવિવારે ભાઇ-બહેનના પ્રેમનું પ્રતીક ગણાતું રક્ષાબંધનનું પર્વ ઉમંગ-ઉલ્લાસભેર ઉજવાશે. બહેને ભાઇના કાંડે રક્ષાસૂત્ર બાંધીને તેમને રિદ્ધિ-સિદ્ધિ વરે તે માટે પરમાત્માને પ્રાર્થના કરશે તો ભાઇ પ્રેમના પ્રતીક સમાન ભેટ આપીને બહેનની રક્ષા કરવાના નિર્ધારનો પુનરોચ્ચાર કરશે. દેશવિદેશમાં ઉજવાતા આ પર્વની કોઈ શાસ્ત્રીય વિગતો કે એના ઉદ્ભવની

રવિવારે - ૨૨ ઓગસ્ટે ભાઇ-બહેનના પ્રેમનું પ્રતીક ગણાતું રક્ષાબંધનનું પર્વ ઉમંગ-ઉલ્લાસભેર ઉજવાશે. બહેને ભાઇના કાંડે રક્ષાસૂત્ર બાંધીને તેમને રિદ્ધિ-સિદ્ધિ વરે તે માટે પરમાત્માને પ્રાર્થના કરશે તો ભાઇ પ્રેમના પ્રતીક સમાન ભેટ આપીને બહેનની રક્ષા કરવાના નિર્ધારનો પુનરોચ્ચાર કરશે. દેશવિદેશમાં ઉજવાતા આ પર્વની કોઈ શાસ્ત્રીય વિગતો કે એના ઉદ્ભવની ચોક્કસ કાળગણના તો નથી મળતી, પણ એની સાથે ઘણી પૌરાણિક દંતકથાઓ જોડાયેલી છે તે હકીકત છે. આમાંથી સૌથી જાણીતી કથા બલિરાજાની છે.

અસુરરાજ બલિને ત્યાં વામન અવતાર ધારણ કરીને ગયેલા વિષ્ણુએ ત્રિલોકનું રાજ્ય પાછું મેળવી લીધું. એ વખતે દાનેશ્વરી બલિએ વામન અવતાર ધારણ કરીને આવેલા વિષ્ણુને ત્રણ ચરણમાં સમાય એ બધું જ આપવાનું વચન આપ્યું હતું. વામનમાંથી વિરાટ બનેલા વિષ્ણુએ ત્રીજું પગલું ક્યાં મૂકવું (સમગ્ર બ્રહ્માંડ તો બે પગલાંમાં કબજે થયું હતું!) એવું પૂછતાં બલિએ ઈશ્વરીય લીલા પારખીને પોતાના મસ્તક પર મૂકવાની વિનંતી કરી હતી. આ ભાવનાથી પ્રસન્ન ભગવાન વિષ્ણુએ બલિને વરદાન માગવાનું કહેતાં બલિએ વિષ્ણુનો સંગાથ માગી લીધો હતો. પ્રસન્ન થઈને વિષ્ણુ ઘણા સમય સુધી વચનપાલનમાં બંધાયેલા. બીજી તરફ, વિષ્ણુ પરત ન ફરતાં તેમના વિરહમાં ઝૂરતાં પત્ની લક્ષ્મીજી શ્રાવણી પૂનમના રોજ પાતાળમાં ગયાં. બલિને ધર્મનો ભાઈ બનાવ્યો અને તેમના કાંડે હીરનો દોરો બાંધ્યો. ખુશ થયેલા બલિએ ધર્મના બહેન લક્ષ્મીજીને બદલામાં ‘વીરપસલી’ આપવાનું કહ્યું, જેમાં લક્ષ્મીજીએ પતિ વિષ્ણુને માગતાં બલિએ તેમને વરદાનના બંધનમાંથી સહર્ષ મુક્ત કર્યા. એ અર્થમાં શ્રાવણી પૂનમ ‘બળેવ’ પણ કહેવાય છે.

બીજી એટલી જ વિખ્યાત કથા ઇન્દ્ર અને વૃત્રાસુરની છે. વૃત્ર નામના દાનવ સામે યુદ્ધમાં લગભગ પરાજય નિશ્ચિત હતો એવા ઇન્દ્રને પત્ની શચિ (ઇન્દ્રાણી)એ યુદ્ધમાં વિજય મળે અને રક્ષણ થાય એ માટે પૂનમના દિવસે કાંડે રક્ષાની પોટલી (જૈન ધર્મમાં અલગ સંદર્ભે રક્ષાપોટલી બાંધવાની પ્રથા છે.) બાંધ્યા પછી ઇન્દ્રને વિજય મળ્યો હતો. મહાભારતના યુદ્ધ સમયે પૌત્ર અભિમન્યુને રક્ષા માટે દાદી કુંતીએ રાખડી બાંધી હતી. આ પ્રથા દેવગુરુ બૃહસ્પતિએ શરૂ કરી હતી. અભિમન્યુની રક્ષા ઉંદર બનીને કૃષ્ણે કાપી નાંખી હોવાનું કહેવાય છે.
• લોકવ્રતમાં ગામડાંઓમાં ઘણી વખત કુંભસ્નાન કરીને વેદપાઠી બ્રાહ્મણ દ્વારા રક્ષાબંધન કરાવવામાં આવતું. એની પદ્ધતિ ભવિષ્યપુરાણમાં વર્ણવાયેલી છે. જેમાં સ્નાન કરી ઊન કે સૂતરના ટુકડામાં ચોખા-સરસવ બાંધીને પોટલી બનાવવાની રહેતી. સાથિયા કરી કુંભસ્થાપન કરી ‘યેનબદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલ, તેન ત્વામભિ બદ્નામિ, રક્ષે મા ચલ, મા ચલ’ એવો શ્લોક બોલીને યજમાન કાંડે રક્ષાની પોટલી બંધાવતા હતા.
• ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રમાં વીરપસલી માની વાર્તા શોધી હતી, જેમાં ભાઈ-બહેનના પ્રેમમાં સર્પના સાત ટુકડા થઈ જાય છે એવી કહાની હતી.
• રક્ષાબંધન સાથે જોડાયેલી અને અભ્યાસના પાઠ્યપુસ્તકો સુધી પહોંચી ગયેલી કથા હુમાયુ અને કર્ણાવતીની છે. ગુજરાતના બહાદુરશાહે ચિત્તોડની રાણી કર્ણાવતી પર હુમલો કર્યો હતો. કર્ણાવતી વિધવા હતા અને રાજસ્થાનના ઘણા રાજપૂતો મોગલો સામે લડ્યા હતા, છતાં કર્ણાવતીએ દિલ્હીના મોગલ બાદશાહ હુમાયને મદદના સંદેશ સાથે ‘ધર્મનો ભાઈ’ બનાવતી રાખડી મોકલી હતી અને બદલામાં હુમાયુએ બંગાળથી લશ્કર મોકલીને રાણી કર્ણાવતીની રક્ષા કરી હતી.
• એક માન્યતા મુજબ સિકંદરની પત્નીએ પંજાબના રાજા પોરસના કાંડે રાખડી બાંધી હતી, જે રણમેદાનમાં સિકંદરનો વધ કરવા જતાં પોરસની નજરે પડતાં તેણે પોતાની તલવાર પાછી ખેંચી લીધી હતી. જોકે, આ ઘટનાઓને ઐતિહાસિક સમર્થન નથી. ઔરંગઝેબે ઉદયપુરના રાજમાતાએ મોકલેલી રાખડી સ્વીકારી જવાબમાં બે પત્રો પણ લખ્યા હતા. ભારતમાં એક રિવાજ રાખડીના બદલામાં બહેનને ભરતકામ કરેલી ચોળી મોકલવાનો હતો, જેનો સંકેત ભાઈ બખ્તરની જેમ રક્ષણ કરશે એવું દર્શાવવાનો હતો.
• ગ્રીક માઈથોલોજીમાં ઝૂસનાં જોડીયાં પુત્ર-પુત્રી અપોલો અને આર્ટેમિસની કથા જાણીતી છે. ભારતમાં આવી જ કથા સૂર્યની પત્ની સંજ્ઞાથી ઉત્પન્ન થયેલાં જોડીયાં ભાઈ-બહેન યમ અને યમી (યમુના)ની છે. કહેવાય છે કે મૃત્યુના દેવતા યમરાજને રાખડી બાંધીને બહેન યમુનાએ વચન લીધું હતું કે જેના કાંડે રક્ષા હોય તેનો પ્રાણ લેવો નહીં!
• શ્રાવણ માસની પૂનમે શ્રવણ નક્ષત્ર હોય તો શ્રાવણી નામની યજ્ઞોપવિત વિધિ ઋગ્વેદી બ્રાહ્મણો કરે છે. શ્રાવણી માસની પૂર્ણિમા જ યજુર્વેદી બ્રાહ્મણો માટે પણ જનોઈ ધારણ કરવાનો દિવસ છે. બધા જ બ્રાહ્મણોને જોકે રક્ષાબંધન પર્વે યજ્ઞોપવિત સંસ્કાર ફરજિયાત નથી.
• મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, કર્ણાટક વગેરે જગ્યાએ તો રક્ષાબંધનની સાથે નાળિયેરી પૂર્ણિમા ઊજવવામાં આવે છે. નાળિયેરી પૂનમે દરિયાદેવનું પૂજન થાય છે. પુષ્પહાર અને શ્રીફળ અર્પણ કરી જૂના જમાનામાં સાગરખેડુઓ, સોદાગરો, વહાણવટીઓ સમુદ્રની સફરે નીકળતા હતા. માછીમારો માટે વરુણદેવનું પૂજન કરી ફરી માછીમારી શરૂ કરવાનો એ સંકેત રહેતો, કારણ કે ત્યારે ચોમાસાનું જોર ઘટ્યું હોય.
• દક્ષિણ ભારતનાં કેરળ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ તથા ઓરિસ્સા જેવા રાજ્યોમાં ‘અવનિ અવિટ્ટમ’ તરીકે શ્રાવણી પૂનમ ઊજવાય છે, જેમાં ઉપનયન સંસ્કાર મુજબ યજ્ઞોપવિત ધારણ થાય છે. જનોઈને તામિલમાં પુન્નુલ, બંગાળીમાં પૂવીથ અને તેલુગુમાં જહાનિયમ કહે છે. એક સમયે મધ્ય ભારતમાં એક વિસ્તારમાં પુત્રની માતા બનેલી ખેડૂત-સ્ત્રીઓ અમાસના નવ દિવસ પછી શ્રાવણી પૂનમ તરીકે કજરી ઉત્સવ મનાવતી હતી, તેથી રક્ષાબંધનને કજરી પૂનમ પણ કહે છે.
• જેલના કેદીઓના રક્ષાબંધનના તહેવારો આજે અખબારી સમાચાર બને છે પણ રક્ષાબંધનનો સામાજિક ક્રાંતિમાં ઉપયોગ કરવાનો પ્રથમ પ્રયોગ કવિ રવિન્દ્રનાથ ટાગોરે કર્યો હતો. ૧૯૦૫માં અંગ્રેજ શાસને ‘બંગભંગ’ દ્વારા બંગાળના કોમવાદી ધોરણે બે ભાગલા કર્યા પછી એનો પ્રતિકાર કરવામાં હિન્દુ-મુસ્લિમ એકતાની સ્થાપના માટે ટાગોરે જાહેરમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે રક્ષાબંધનના કાર્યક્રમો યોજ્યા હતા. શાંતિનિકેતનમાં તેમણે પાછળથી રક્ષાબંધન પર વ્યાખ્યાનો પણ આપ્યાં છે. કાકાસાહેબ કાલેલકરે પણ રક્ષાબંધન પર્વ વિશે ચિંતનાત્મક લખાણ લખ્યું છે.
અને હા, રક્ષાબંધન ભારતીય તહેવાર હોવાથી હિન્દી ફિલ્મોમાં ભાઈ-બહેનનાં પ્રેમ અને રાખી સોંગ્સ બેહિસાબ છે.

રક્ષાબંધનઃ યહ બંધન તો પ્યાર કા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.