સુભાષચંદ્ર બોઝ અને તેમની આઝાદ હિંદ ફોજ સરકાર

સુભાષચંદ્ર બોઝ અને તેમની આઝાદ...

નેતાજી અને આઝાદ હિન્દ ફોજ એટલે જાણે એક સિક્કાની બે બાજુ. નેતાજીએ દેશના સ્વાતંત્ર્ય કાજે કરેલા સંઘર્ષની વાત આઝાદ હિન્દ ફોજના ઉલ્લેખ વગર અધૂરી છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. નેતાજીના જીવનનું અભિન્ન અંગ બની રહેલી આઝાદ હિન્દ ફોજ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનું એક અવિસ્મરણીય પ્રકરણ ગણાય છે. નેતાજી સુભાષચંદ્ર બોઝે 22 ઓક્ટોબર 1943ના રોજ આઝાદ હિંદ ફોજની સ્વતંત્ર સરકાર રચી હતી. આ ‘આઝાદ હિંદ ફોજ સરકાર’ કેવી હતી? નેતાજીની 126મી જન્મજયંતી પ્રસંગે આઝાદ હિન્દ ફોજ સરકારના ઇતિહાસમાં ડોકિયું.

નેતાજી અને આઝાદ હિન્દ ફોજ એટલે જાણે એક સિક્કાની બે બાજુ. નેતાજીએ દેશના સ્વાતંત્ર્ય કાજે કરેલા સંઘર્ષની વાત આઝાદ હિન્દ ફોજના ઉલ્લેખ વગર અધૂરી છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. નેતાજીના જીવનનું અભિન્ન અંગ બની રહેલી આઝાદ હિન્દ ફોજ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનું એક અવિસ્મરણીય પ્રકરણ ગણાય છે. નેતાજી સુભાષચંદ્ર બોઝે 22 ઓક્ટોબર 1943ના રોજ આઝાદ હિંદ ફોજની સ્વતંત્ર સરકાર રચી હતી. આ ‘આઝાદ હિંદ ફોજ સરકાર’ કેવી હતી? નેતાજીની 126મી જન્મજયંતી પ્રસંગે આઝાદ હિન્દ ફોજ સરકારના ઇતિહાસમાં ડોકિયું.
સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી નેતા હતા, તેમનું એકમાત્ર લક્ષ્ય ભારતની આઝાદી હતું. રાજનેતા હોવાની સાથે તે સ્પષ્ટ વક્તા પણ હતા. તેઓ અંગ્રેજો સાથે ભારતની મુક્તિ માટે કોઈ પણ કિંમતે સમજૂતી કરવા તૈયાર ન હતા.
આરંભમાં તેઓ મહાત્મા ગાંધી સાથે દેશના આઝાદી આંદોલનમાં સામેલ હતા, પણ બાદમાં મતભેદના કારણે મહાત્મા ગાંધી અને કોંગ્રેસથી અલગ થયા અને 1939માં તેમણે ‘ફોરવર્ડ બ્લોક’ નામના પક્ષની સ્થાપના કરી.
સુભાષચંદ્ર માનતાં કે અંગ્રેજો જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં ફસાયેલાં હોય ત્યારે રાજકીય અસ્થિરતાનો લાભ લઈ સ્વતંત્રતાના પ્રયાસો કરવા જોઈએ. યુદ્ધ પૂરું થાય તે પછી અંગ્રેજો સ્વતંત્રતા આપે તે મતના તેઓ ન હતા. ભારતને બીજા વિશ્વયુદ્ધમાં સામેલ કરવા સામે પણ તેમણે વિરોધ કર્યો. અંગ્રેજોએ તેમને જેલમાં પૂર્યા. તેમણે જેલમાં ભૂખહડતાળ કરી. બાદમાં અંગ્રેજોએ તેમને જેલમાંથી મુક્ત કરી, ઘરમાં જ નજરબંધ કર્યા. આ સમય દરમિયાન સુભાષબાબુ ભારતથી જર્મની ભાગી ગયા. ત્યાં યુદ્ધમોરચે તાલીમ લીધી અને ત્યાં તેમણે સેના પણ બનાવી.
આઝાદ હિંદ ફોજ અને તેનો વિસ્તાર
આઝાદ હિંદ ફોજના સ્થાપક રાસબિહારી બોઝને તેમણે જર્મનીમાં આમંત્રણ આપ્યું હતું. ડોક્ટર રાજેન્દ્ર પટોરિયા તેમના પુસ્તક ‘નેતાજી સુભાષ’માં લખે છે, ‘4 જુલાઈ, 1943માં સિંગાપોરના કેથે ભવનમાં એક સમારોહમાં રાસબિહારી બોઝે આઝાદ હિંદ ફોજનું સુકાન સુભાષચંદ્ર બોઝને સોંપ્યું.’
સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદના સર્વોચ્ચ સેનાપતિ તરીકે સ્વતંત્ર ભારતમાં અસ્થાયી સરકારની રચના કરી. આ સરકારને જર્મની, જાપાન, ફિલિપાઇન્સ, કોરિયા, ચીન, ઇટાલી, આયરલેન્ડ સહિત નવ દેશોએ માન્યતા આપી.
આઝાદ હિંદ સરકાર
સુભાષે આઝાદ હિંદ ફોજને ભારે શક્તિશાળી બનાવી. ફોજને આધુનિક યુદ્ધ માટે તૈયાર કરવા જન, ધન અને સંસાધન એકઠાં કર્યાં. રાજેન્દ્ર પટોરિયા લખે છે, ‘આઝાદ હિંદની ઐતિહાસિક સિદ્ધિ એ હતી કે તેણે જાપાનની મદદથી અંદામાન નિકોબાર દ્વિપસમૂહને ભારતના પહેલા સ્વાધીન ભૂભાગરૂપે મેળવ્યો.’ નેતાજીએ રાષ્ટ્રીય આઝાદ બેન્ક અને સ્વાધીન ભારત માટે પોતાનું ચલણ બહાર પાડવાનો આદેશ આપ્યો.
આઝાદ હિંદ સરકાર વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું, ‘આઝાદ હિંદ સરકારે દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલી યોજનાઓ બનાવી. તેની પોતાની બેન્ક હતી, પોતાનું ચલણ હતું, પોતાની ટપાલ ટિકિટ હતી અને ગુપ્તચર તંત્ર પણ હતું.’
મહિલા સશક્તિકરણ
નેતાજી દીર્ઘદૃષ્ટા હતા. તેમણે આઝાદ હિંદ ફોજમાં મહિલા રેજિમેન્ટ રચેલી, જેનું સુકાન કેપ્ટન લક્ષ્મી સ્વામીનાથનને સોંપ્યું હતું. તેને રાણી ઝાંસી રેજિમેન્ટ નામ અપાયું હતું. સુભાષચંદ્ર બોઝ માનતા હતા કે જો દરેક ભારતીય ઇચ્છે તો ભારતને સ્વતંત્ર થતું કોઈ રોકી શકે નહીં. તે માટે તેમણે એમનાં લેખ અને ભાષણમાં લખવાનું અને બોલવાનું શરૂ કર્યું. તેમણે ‘ફોરવર્ડ’ નામની પત્રિકા સાથે આઝાદ હિંદ રેડિયોની સ્થાપના કરી અને જનમત ઊભો કર્યો. બહુ જ જૂજ સંસાધનો સાથે તૈયાર થયેલી આઝાદ હિંદ ફોજ, આઝાદ હિંદ સરકાર, આઝાદ હિંદ રેડિયો અને રાણી ઝાંસી રેજિમેન્ટ નેતાજીની વિશેષ સિદ્ધિ રહી.
આઝાદ હિંદ ફોજનો જુસ્સો
ઇમ્ફાલ અને કોહિમાના મોરચે ભારતીય બ્રિટિશ સેનાને આઝાદ હિંદ ફોજે યુદ્ધમાં ઘણી વાર હરાવી. પણ જર્મની અને ઇટાલીની હાર સાથે જ 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. યુદ્ધમાં લાખો લોકો માર્યા ગયાં. જ્યારે યુદ્ધ ખતમ થવાના આરે હતું ત્યારે 6 અને 9 ઓગસ્ટ, 1945માં અમેરિકાએ જાપાનના બે શહેરો હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ઝીંક્યા. જેમાં બે લાખથી વધુ લોકો માર્યાં ગયાં. આ ગાળામાં જ જાપાને આત્મસમર્પણ કર્યું.
ડોક્ટર રાજેન્દ્ર પટોરિયાએ તેમના પુસ્તક ‘નેતાજી સુભાષ’માં લખ્યું કે જાપાનની હાર બાદ કપરાં સંજોગોમાં ફોજે આત્મસમર્પણ કર્યું. ત્યારબાદ સૈનિકો પર લાલ કિલ્લામાં કેસ ચાલ્યો. જ્યારે આ કેસ ચાલતો હતો ત્યારે આખું ભારત ઊકળી ઉઠ્યું. જે ભારતીય સેનાના જોરે અંગ્રેજો રાજ કરી રહ્યા હતા, તે વિદ્રોહી બની. ‘નૌકાદળના વિદ્રોહે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી નાંખ્યા. અંગ્રેજો સારી રીતે સમજી ચૂક્યા હતા કે રાજનીતિ અને કૂટનીતિના જોરે રાજ કરવું મુશ્કેલ થશે. તેમણે ભારતને સ્વાધીન કરવાની ઘોષણા કરવી પડી.’

સુભાષચંદ્ર બોઝ અને તેમની આઝાદ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.