સોમનાથ મંદિરઃ વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક

સોમનાથ મંદિરઃ વિનાશ પર નિર્મા

શિવનો અર્થ છે કલ્યાણ. તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો. તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય. પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે શિવદર્શન કહેવાય છે. સોમનાથ મહાદેવનું મંદિર સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું છે. ભગવાન શિવના બાર પવિત્ર જ્યોર્તિલિંગમાંનું પ્રથમ જ્યોર્તિલિંગ છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે.

શિવનો અર્થ છે કલ્યાણ. તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો. તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય. પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે શિવદર્શન કહેવાય છે.
સોમનાથ મહાદેવનું મંદિર સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું છે. ભગવાન શિવના બાર પવિત્ર જ્યોર્તિલિંગમાંનું પ્રથમ જ્યોર્તિલિંગ છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે.
આ જગ્યાનો ઇતિહાસ જોઇએ તો, એક વાર અત્રિઋષિ અને અનસૂયા શાંતિથી બેસીને જીવ-શિવની લીલા વિશે ચર્ચા કરતા હતા. ઘણા લોકો ભૌતિક સુખ, પુણ્ય, જીવનવિકાસ અને મોક્ષ માટે તપ કરતા હોય છે. અત્રિઋષિ અને અનસૂયા માનવજાતિના વિકાસ માટે, જગતમાં સુખ-શાંતિ અને સમાધાન માટે પુત્રની ઇચ્છા હતી અને તેના માટે તેઓ તપશ્ચર્યા કરે છે. ભગવાન શિવની કૃપાથી તેમને પુત્ર થાય છે જેનું ચંદ્ર નામ રાખે છે.
ચંદ્ર મોટો થતાં માતા અનસૂયા તેને સુશીલ અને સુસંસ્કૃત કન્યા સાથે લગ્ન કરી લેવા આગ્રહ કરે છે. ચંદ્રના મનમાં કોઇ સ્ત્રી શરીર સાથે નહીં પણ જે તેની બુદ્ધિપ્રતિભાને સમજી શકે, પોતાના વ્યક્તિત્વથી ધર્મકાર્યમાં સહકાર આપે તેવી સર્વગુણ સંપન્ન પત્ની જોઇતી હતી. એક વાર ચંદ્ર જંગલમાં ફરતો હતો ત્યારે તેના કરતાં પણ સુંદર કન્યા મળે છે. એકબીજા સાથે વાતચીત થાય છે. ચંદ્ર પુછે છે કે શું તમે પરણેલા છો? ત્યારે કન્યા કહે છે કે ‘પરણવું એટલે શું? અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ જોડાણ થાય તેને લગ્ન કહેવાય? પરણવું એટલે એકબીજામાં સમાઇ જવું. પ્રેમની ચરમસીમા વિલિનીકરણમાં છે. બે શરીરના લગ્ન એ લગ્ન નથી. પુરુષ પાસે વૈભવ હોય, શૂરવીર હોય, સૌંદર્યવાન અને સર્વગુણસંપન્ન હોવો જોઇએ.’
કન્યા કહે છે કે આવો સર્વગુણસંપન્ન અત્રિઋષિનો પુત્ર ચંદ્ર છે તેવું મેં મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે, તેની સાથે મારે લગ્ન કરવા છે. કન્યા કહે છે કે મારું નામ રોહિણી છે. હું દક્ષ પ્રજાપતીની પુત્રી છું. ચંદ્ર કહે છે કે વર્ષોથી તું જેનું ચિંતન કરે છે તે ચંદ્ર હું જ છું. ત્યારે રોહિણી કહે છે કે અમે સત્તાવીશ બહેનો દિલથી એક વિચારની, એકબીજા ઉપર પ્રેમ અને આત્મીયતાના કારણે અમે નક્કી કર્યું છે કે અમે એક જ પતિ સાથે પરણીશું. ત્યારે ચંદ્ર કહે છે કે તમારા જેવી સર્વગુણ સંપન્ન આદર્શ નારી મળતી હોય તો બાકીની છવ્વીસને પણ હું સ્વીકારીશ.
રોહિણી ચંદ્રને પિતા દક્ષ પાસે લઇ જાય છે અને બંનેના માતાપિતાની સંમતિથી ખુબ જ ઠાઠમાઠથી દક્ષરાજાની સત્તાવીશ કન્યાઓ સાથે ચંદ્રનાં લગ્ન કરવામાં આવે છે. લગ્ન પછી સત્કૃત્યોની શરૂઆત થાય છે. રોહિણી તેના કામમાં ખભેખભો મિલાવીને સાથ આપે છે, ચંદ્રની કદર કરે છે. બાકીની છવ્વીસ પત્નીઓ ચંદ્રને પ્રેમ કરે છે, પણ ચંદ્રના કાર્યને સમજી શકતી નથી તેથી તેમનામાં મત્સર (પારકાની ચડતી સહન ન થતાં આવતી અદેખાઇ) ઉભો થયો અને તેમને લાગ્યું કે પતિનું ખેંચાણ આપણી તરફ નથી.
એકવાર દક્ષ પ્રજાપતિ ચંદ્રના ઘેર આવે છે ત્યારે રોહિણી સિવાયની 26 દીકરીઓ પિતાજીને ફરિયાદ કરે છે કે અહીં સુખ છે, આનંદ છે, લીલાલહેર છે પરંતુ પતિનું અમારી તરફ ખેંચાણ નથી, અમારી ઉપેક્ષા થાય છે. દક્ષે ચંદ્રને બોલાવીને ઠપકો આપ્યો કે તમારા વિશે ફરિયાદ મળી છે તેવું ફરીથી ભવિષ્યમાં ના બને તેની કાળજી રાખજો. ચંદ્ર કહે છે કે હું સમજીવિચારીને આવું કરતો નથી પરંતુ મારા કાર્ય અને બુદ્ધિને ફક્ત રોહિણી જ સમજી શકે છે તેથી તેના પ્રત્યે ખેંચાણ વધુ રહે છે.
એક વાર ચંદ્રના જીવનમાં એક ઘટના બને છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિની પત્ની તારાની તરફ ચંદ્રનું મન ખેંચાય છે ત્યારે રોહિણી સિવાયની બાકીની પત્નીઓ ગુસ્સે થાય છે અને ચંદ્રનો તિરસ્કાર કરે છે તેથી ચંદ્રનું અન્ય પત્નીઓ તરફ ખેંચાણ ઓછું થાય છે. આખું જગત તિરસ્કાર કરે તો ચાલે પણ પત્ની આપણો તિરસ્કાર કરે તો તે અસહ્ય બને છે. રોહિણી ઘણી સમજદાર હતી તેને ખબર હતી કે ચંદ્રમાં જગતને સુધારવાની શક્તિ છે. પ્રભુની કૃપા પ્રસાદીથી તે જગતમાં આવ્યો છે તેની કદાચ ભૂલ થઇ હશે. તે ચંદ્ર પાસે જઇને સમજાવે છે કે ગુરુ બૃહસ્પતિની પત્ની તમારા જેવા લોકોત્તર પુરુષ પાછળ ગાંડી થાય તેમાં નવાઇ નથી પણ જગતમાં સૌંદર્ય અને શિતળતા લાવવા પ્રયાસ કરનાર તમે વિચાર કરો કે તમોને આ શોભે છે? અમે 27 છીએ 28મી લાવશો તો અમોને વાંધો નથી પરંતુ ‘પરસ્ત્રી તરફ ખરાબ નજરે જોવું એ સારું ના કહેવાય.’ તમારા આ કાર્યથી કૌટુંબિક સૌંદર્ય, સ્વાસ્થ્ય, સમાધાન, શાંતિ અને શિતળતા તમે ગુમાવી દેશો. ચંદ્રે ભૂલની કબૂલાત કરી પાપ પ્રક્ષાલન કર્યું અને ફરીથી આવી ભૂલ ન કરવાની ખાત્રી આપી પરંતુ બાકી 26 પત્નીના તિરસ્કારથી તેમના વચ્ચેનું અંતર વધતું ગયું અને તેથી તેમને પિતા દક્ષને ફરિયાદ કરી.
દક્ષ ગુસ્સે થયા અને ચંદ્રને કહ્યું કે તમે વચન આપ્યું પણ મારી દીકરીઓને એક સરખી રીતે રાખતા નથી. ચંદ્રે દલીલ કરી કે એમાં મારા એકલાનો દોષ નથી. હું દિવસરાત જે કાર્ય કરું છું તેમાં રોહિણી સિવાય બીજી કોઇને રત્તીભર રસ નથી. આવી ફક્ત હાડમાંસના પિંજરા જેવી પત્નીઓ ઉપર મને પ્રેમ કેવી રીતે થાય..!
દક્ષરાજા કહે છે કે લગ્ન વખતે તમે જે સોગંદ ખાધા હતા કે ‘ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતિચરામિ’ તે પાળી શક્યા નથી અને દક્ષે ગુસ્સામાં શ્રાપ આપ્યો કે તને કર્તૃત્વનો, બુદ્ધિમત્તાનો અને સૌંદર્યનો અહંકાર હોય તો જા તે બધાને ક્ષય લાગશે, તું ક્ષયરોગી થશે. દક્ષના ગયા પછી ચંદ્રને લાગ્યું કે સૌંદર્ય, કર્તૃત્વશક્તિ જતી રહેશે તો મારાથી જગકલ્યાણના કામ થશે નહીં તેથી તે દક્ષ પાસે ગુનેગાર તરીકે જાય છે. પગે લાગીને કહે છે કે મારી ભૂલ થઇ છે. ચંદ્ર નિસ્તેજ બની જતાં તમામ પત્નીઓને પોતાની ભૂલ સમજાય છે કે શું કરવા ગઇ અને શું થઇ ગયું? તેઓ પણ પિતાજીને શ્રાપ પાછો ખેંચી લેવા વિનંતી કરે છે.
દક્ષે કહ્યું કે શ્રાપ પાછો ખેંચવાની શક્તિ મારામાં નથી. હવે શું કરવું? રોહિણી ચંદ્રને કહે છે કે તમારી શક્તિ અને પ્રભાને ક્ષય લાગ્યો છે. અત્રિ અને અનસુયાએ મહાન તપ કરીને જગતની સિકલ બદલવા શિવજી પાસેથી તમને મેળવ્યા હતા તે કાર્ય હવે થવાનું નથી. ચંદ્ર કહે છે કે આપણે બ્રહ્માજી પાસે જઇએ તે કોઇક રસ્તો બતાવશે. ચંદ્ર અને રોહિણી બ્રહ્મા પાસે જાય છે. બ્રહ્માજી તેમને નિગ્રહાનુગ્રહ સમર્થ શિવજીની આરાધના કરવાનું કહે છે. રોહિણી અને ચંદ્રે પ્રભાસ ક્ષેત્રમાં શિવઆરાધના કરી. વર્ષોના તપ પછી શિવજી પ્રગટ થાય છે અને ચંદ્ર પર અનુગ્રહ કરી ચંદ્રની શક્તિમાં પંદર દિવસ વૃદ્ધિ અને પંદર દિવસ ક્ષય થશે એવા આશીર્વાદ આપ્યા. જે જગ્યાએ બ્રહ્માજીએ ભગવાન શિવની પ્રાણપ્રતિષ્ઠા કરવાનું કહ્યું તે સોમનાથ.
ચંદ્રે જગતમાં અનેક સત્કાર્યો કર્યા, જગતમાં શિતળતા અને ભાવ વધારવા જીવન પસાર કર્યું અને જ્યારે તેણે જગત છોડ્યું ત્યારે લોકોએ ચંદ્રની કદર કરી. એક મહાન શિતળ ગોળો જે આકાશમાં ફરે છે તેને નામ આપ્યું ચંદ્ર, અને ચંદ્ર જોડે જેણે સંસારનો સબંધ બાંધ્યો હતો તે ગમે તેવી પણ મહાન છે તે ચંદ્રની આસપાસ રહેતી નક્ષત્રમાલિકા. 27 માલિકાને પણ તેમનાં નામ આપ્યાં તે છે અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્ર્લેષા, મઘા, પૂર્વા, ઉત્તરા, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ પૂર્વાષાઢા, ઉત્તરષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતતારકા, પૂવાભા, ઉત્તરાભા અને રેવતી.
સોમ એટલે ચંદ્ર અને ચંદ્રે જે જગ્યાએ નાથ કહીને ભગવાન શિવનું તપ કર્યું અને શિવજી પ્રગટ થયા તે સોમનાથ. જે જગ્યાએ પ્રભુકાર્ય કરનારા ચંદ્રની ગુમાવેલી પ્રભા પરત મળી તે સ્થાન પ્રભાસ.
પ્રાચીન માન્યતા અનુસાર સત્યયુગમાં સોમરાજે સુવર્ણનું મંદિર બંધાવ્યું હતું. ત્રેતાયુગમાં રાવણે ચાંદીનું મંદિર બંધાવ્યું હતું ને દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનના લાકડાથી મંદિરનું નવનિર્માણ કર્યું હતું. સાગરકિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે, કોઈ જમીન નથી.
સમય જતાં ચંદ્રે ઉભો કરેલો ભાવ ઓછો થયો, શક્તિ ગઇ, વૈભવ ગયો. સંસ્કૃતિની શક્તિ નબળી પડતાં મહંમદ ગઝનીએ મંદિરને તોડી વૈભવ લૂંટ્યો.
આ બધી કથાનો અર્થ પણ સમજવો જોઇએ. ચંદ્રે ચાર પાપ કર્યા - વૃદ્ધનો અનાદર કર્યો, અનુભવવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધનો અનાદર ના કરવો જોઇએ... પ્રતિજ્ઞાનું પાલન ના કર્યું. પોતાના માનેલા સબંધીઓની સાથે પક્ષપાત કર્યો અને સ્ત્રીઓની ઉપર ભોગની નજર કરી. ધર્મ-સંસ્કૃતિના કામ કરનાર લોકોમાં ઉપર બતાવેલા પાપ થાય છે ત્યારે તેમને ક્ષય લાગે છે એટલે કે તે ખલાસ થાય છે.
સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર 1947નાં રોજ મંદિરના પુનઃનિર્માણની પ્રતિજ્ઞા કરી હતી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. 11 મે 1951ના રોજ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વેળા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા વિધી કરતાં કહ્યું હતું કે ‘સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે.’ સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં, હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આ ટ્રસ્ટના ચેરમેન છે.

સોમનાથ મંદિરઃ વિનાશ પર નિર્મા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.