સ્વયંસિદ્ધ શુભ મુહૂર્ત અક્ષય તૃતીયા

હિન્દુ કાળગણના મુજબ અક્ષય તૃતીયા એ વર્ષના ચાર અભિજિત મુહૂર્તોમાંનું એક છે. આ દિવસે ચારધામની યાત્રાનો શુભારંભ થાય છે. જૈન ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ છે. આદિનાથદાદાની કઠિન તપસ્યાને અંતે આ જ દિવસે શ્રેયાંશકુમારે શેરડીના રસ દ્વારા દાદાનું વરસીતપનું પારણું કરાવ્યું હતું.
અક્ષય તૃતીયાના નામકરણમાં બે શબ્દો છે અક્ષય અને તૃતીયા. અક્ષયનો અર્થ થાય છે જેનો ક્ષય થતો નથી તેવું અને તૃતીયા એ તિથિ ક્રમ છે. આ એક એવી તિથિ છે જેનો ક્યારેય ક્ષય થતો નથી. આ દિવસનું એ રીતે પણ મહત્ત્વ આંકવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે કરાયેલા દાન-પુણ્ય, ધાર્મિક કાર્યોનો, પુણ્યોનો ક્યારેય ક્ષય થતો નથી. તૃતીયા એટલે કે ત્રીજની તિથિ, માતા ગૌરીની તિથિ છે, તેથી આ દિવસે ગૌરી માતાની પૂજા પણ કરવામાં આવે છે. અક્ષય તૃતીયાનું ભારતભરમાં વિશેષ મહત્ત્વ છે. આ તહેવારને વિવિધ પ્રદેશોમાં વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. જેમાં અક્ષય તૃતીયા, અખાત્રીજ અને વૈશાખ સુદ ત્રીજ (આ વર્ષે ત્રીજી મે) મુખ્ય છે.
વિષ્ણુધર્મોત્તરમાં જણાવ્યા અનુસાર આજના દિવસે શ્રીહરિની અક્ષત વડે પૂજા થતી હોવાથી આ તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે. મત્સ્યપુરાણ અનુસાર આ દિવસે શ્રીહરિનું અક્ષત વડે પૂજન-અર્ચન કરવાથી તે અતિ પ્રસન્ન થાય છે અને પૂજા કરનારની સંતતિ અક્ષય બને છે. પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું. દ્વાપરયુગનું સમાપન પણ આ દિવસે થયું હતું. આ જ દિવસે યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછતાં જણાવ્યું હતું કે આ દિવસે જે પણ રચનાત્મક કે સાંસારિક કાર્ય કરશો તો તેનું પુણ્યફળ અનેકગણું મળશે.
આ તિથિએ ગંગા, યમુના અને સરસ્વતીનું સ્નાન કરીને વિધિવિધાનપૂર્વક દેવતાઓની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. મૃત પિતૃઓનું તલ અને જળથી તર્પણ, પિંડદાન અને પુણ્યદાન કરવાથી તેનું ફળ અક્ષય મનાય છે. આ દિવસે નરનારાયણ ભગવાન પરશુરામ અને હયગ્રીવનો અવતાર થયો હોવાથી અક્ષય તૃતીયા મહાપવિત્ર અને સુખ-સૌભાગ્ય આપનારી એકમાત્ર તિથિ છે.
વૈષ્ણવધર્મની દૃષ્ટિએ વૃંદાવન સ્થિત બાંકે બિહારીજીના ચરણાવિંદનાં દર્શન પણ આ જ દિવસે થતાં હોવાથી વૃંદાવનમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જામે છે. નાથદ્વારાના શ્રીનાથજી પ્રભુનું સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજીએ ગિરિરાજ ઉપર પધરાવ્યું હતું તેથી આ દિવસથી સેવા શરૂ થયેલી. વૈષ્ણવ મંદિરો અને હવેલીઓમાં ઠાકોરજીને સફેદ ચંદરવા અને ખેસના પડદા બંધાય છે. ઠાકોરજીને મલમલના આછા રંગનાં વસ્ત્રો ધરાવાય છે. ઉષ્ણકાલીન પ્રકારની સેવામાં ઠાકોરજીને શીતળ શરબત, કેરી, ટેટી, શિખંડ, લીચી, આઇસક્રીમ, મગ અને પલાળેલી ચણાની દાળની વાનગીઓ ધરાવાય છે. ઠાકોરજી બિરાજે છે ત્યાં સફેદ રંગના મલમલનો ચંદનનો કિનારીવાળો પીછોડો અને પીળા ચંદનના રંગનું ઠંડું વસ્ત્ર ધરાવીને ચંદન અર્પણ કરાય છે. માટીના કુંજમાં શીતલ જલ ધરાવાય છે.
જગન્નાથપુરી અને અમદાવાદ ભગવાન જગન્નાથજીની અષાઢી રથયાત્રા માટેના રથોનું નિર્માણ કાર્ય પણ આ દિવસથી પ્રારંભ થાય છે. આ દિવસે અયોધ્યામાં ઠાકોરજીનું વિશેષ પૂજન-અર્ચન થાય છે. સ્ત્રીઓ વૈશાખી સ્નાન કરીને ઠાકુરજીને સાથવાનો ભોગ ધરાવીને પોતે તે ગ્રહણ કરે છે. તેમ જ ગરુડ સહિત ગરુડ ગોવિંદ ચંદન ચર્ચિત વિગ્રહનાં નિવારણ દર્શન પણ ફક્ત આજના દિવસે થાય છે.
જૈનોમાં પણ આ દિવસનું અધિક મહત્ત્વ છે. પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથદાદાની કઠિન તપસ્યાને અંતે આ દિવસે શ્રેયાંસકુમારે શેરડીના રસ દ્વારા દાદાનું વરસીતપનું પારણું કરાવ્યું હતું. જૈન સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ આવી રીતે એક દિવસ બેસણું અને એક દિવસ ઉપવાસનું તેર માસ સુધી વરસીતપનું વ્રત રાખે છે અને અંતમાં આ દિવસે શેરડીના રસ દ્વારા પારણું કરે છે.
ભવિષ્યપુરાણ અનુસાર આ તિથિની યુગાદિતિથિઓમાં ગણના થાય છે. કેમ કે સત્યુગ અને કળિયુગનો પ્રારંભ આ દિવસે થયો હોવાથી દાન-પુણ્ય માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે. આ દિવસે જળ ભરેલો કળશ, પંખા, ચરણપાદુકા, છત્રી, પગરખાં, ગાય, ભૂમિ, ધન-ધાન્ય અને સુવર્ણ માત્રનું દાન પુણ્યકારી મનાયું છે. આ દિવસે જે વસ્તુનું દાન કરાય છે તે સઘળી વસ્તુઓ સ્વર્ગમાં ગરમીની ઋતુમાં મૃતાત્માને પ્રાપ્ત થાય છે.
જગતનો તાત પણ ખેતીનો પ્રારંભ આ દિવસે કરતો હોવાથી તરસી ધરતીની તરસ છિપાય છે. આ દિવસે વટેમાર્ગુઓને તથા પશુ-પક્ષીઓને ગરમીની ઋતુમાં જળ મળી રહે તે માટે ભાવિકો પરબો અને હવાડાઓ બાંધીને પુણ્યના ભાગીદાર બને છે. પશુ-પંખીઓને અન્ન અને જળ આપવાથી ધંધા અને રોજગારીમાં ઉન્નતિ થાય છે.
આ દિવસે ચારધામની યાત્રાનો શુભારંભ થાય છે અને ચારધામમાંના એક બદરીનાથનાં દર્શનાર્થે દ્વાર ખુલે છે. આ દિવસે ભગવાન બદરીનારાયણનું વિશેષ પૂજન કરાય છે. આ દિવસે સ્ત્રીઓ અને કન્યાઓ ગૌરીપૂજન કરીને મીઠાઈ, ફળ, પલાળેલા ચણા અને તાંબાનાં વાસણો વહેંચે છે. પાર્વતીજીની પૂજા કરીને ધાતુ અથવા માટીના કળશમાં ફળ, ફૂલ, જળ, તલ, અન્ન અને રોકડા રૂપિયા ભરીને ગુપ્તદાન કરે છે. ગૌરીપુત્ર ગણેશની તિથિ ચતુર્થીનો સંયોગ જો આ દિવસે હોય તો તે વધુ શુભ ફળદાયી છે.
મુહૂર્ત ગ્રંથ અને હિન્દુ કાળગણના મુજબ અક્ષય તૃતીયા એ વર્ષના ચાર અભિજિત મુહૂર્તોમાંથી એક છે. અખાત્રીજના દિવસે આવતાં તમામ મુહૂર્ત સ્વયંસિદ્ધ હોય છે. એટલે કે આજના દિવસે આવતાં તમામ મુહૂર્ત શુભ ગણાય છે. તેથી અક્ષય તૃતીયાને વણજોયું મુહૂર્ત કહેવાય છે.
ઐશ્વર્ય અને ધનની અધિષ્ઠાત્રી ભગવતી લક્ષ્મીની કૃપાપ્રાપ્તિ માટે પણ આ દિવસ શ્રેષ્ઠ છે. જેઓ પોતાનું દુઃખ, દરિદ્રતા વગેરેમાંથી મુક્તિ પામીને ધનલક્ષ્મી મેળવવા માગતા હોય તેમણે અક્ષય તૃતીયાના અભિજિત મુહૂર્તમાં લક્ષ્મીજીના સાક્ષાત સ્વરૂપ એકાંક્ષી નાળિયેરનું પુષ્પ, અક્ષત અને નૈવેદ્યથી પૂજન-અર્ચન કરવાથી ધાર્યું ફળ પ્રાપ્ત થાય છે. આમ આ પ્રકારે આ ઐતિહાસિક પર્વ જગતમાં દાન, તપ, વ્રત, જપ, પુણ્ય અને ધર્મના મહિમાની આરાધનાનું અક્ષય અને અજોડ પર્વ છે.
