‘મિડ-નાઇટ નોક’ અને એક કલાકારનું કરુણ મોત..

‘મિડ-નાઇટ નોક’ અને એક કલાકારનુ...

ના, આ કોઈ ડિટેક્ટિવ કે હોરર કથા નથી. લોકતંત્ર પર જ્યારે સત્તાની આપત્તિનો અંધાર આવે ત્યારે શું બને, અને શું બની શકે તેની નજર સામે રચાયેલી ઘટના છે. આજે 25 જૂન છે. બરાબર 50 વર્ષ પૂર્વે આજની રાત્રે રાષ્ટ્રપતિ ભવનથી એક અધ્યાદેશ જાહેર થયો હતો જેણે 1977 ના જાન્યુઆરી સુધી, એટલે કે લગભગ બે વર્ષ દેશભરમાં ‘આંતરિક કટોકટી’ અને ‘પ્રિ-સેન્સરશીપ’ ચાલી અને તેની સાથે ‘મિસા’ નામે અટકાયતી ધારા તેમ જ ડીઆરઆઇ (ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)નો મનસ્વી ઉપયોગ થયો. એક લાખ, દસ હજાર નેતા-કાર્યકર્તા-શિક્ષક-પત્રકાર-વિદ્યાર્થી-મહિલા બધાને માટે અનિશ્ચિત મુદતનો કારાવાસ ભોગવવાનું બન્યું.

ના, આ કોઈ ડિટેક્ટિવ કે હોરર કથા નથી. લોકતંત્ર પર જ્યારે સત્તાની આપત્તિનો અંધાર આવે ત્યારે શું બને, અને શું બની શકે તેની નજર સામે રચાયેલી ઘટના છે.
આજે 25 જૂન છે. બરાબર 50 વર્ષ પૂર્વે આજની રાત્રે રાષ્ટ્રપતિ ભવનથી એક અધ્યાદેશ જાહેર થયો હતો જેણે 1977 ના જાન્યુઆરી સુધી, એટલે કે લગભગ બે વર્ષ દેશભરમાં ‘આંતરિક કટોકટી’ અને ‘પ્રિ-સેન્સરશીપ’ ચાલી અને તેની સાથે ‘મિસા’ નામે અટકાયતી ધારા તેમ જ ડીઆરઆઇ (ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)નો મનસ્વી ઉપયોગ થયો. એક લાખ, દસ હજાર નેતા-કાર્યકર્તા-શિક્ષક-પત્રકાર-વિદ્યાર્થી-મહિલા બધાને માટે અનિશ્ચિત મુદતનો કારાવાસ ભોગવવાનું બન્યું.

1950ની 26 જાન્યુઆરીથી સ્વાધીન ભારતનું સંસદીય સ્વરાજ શરૂ થયું, તેના પર આટલા મોટા પાયે કટોકટીની સત્તાનો દુરુપયોગ પહેલી વાર થયો, જેણે બંધારણ, સંસદ, મીડિયા અને વિચાર-મુક્તિ પર ઘેરી અસર કરી હતી.
મારા ટેબલ પર જૂન 1977નો એક પત્ર પડ્યો છે. કર્ણાટકના ખ્યાત ફિલ્મનિર્માતા ટી.પી. રામારેડ્ડીએ બેંગલુરુથી લખ્યો હતો, તેમાં કટોકટીના દિવસોમાં રિબાયેલી અને અંતે મોત પામેલી ફિલ્મ અને નાટ્ય કલાકાર સ્નેહલતા રેડ્ડીની કરુણ કહાણી છે. પોતાની પત્ની વિષે રામા રેડ્ડીએ લખ્યું છે:
 “ચંદ મરુત (કન્નડ) અને ‘વાઇલ્ડ વિન્ડ’ (અંગ્રેજી) ફિલ્મો હું બનાવતો હતો. તે રાજકીય ચેતનાનો વિષય લઈને આવી હતી. સત્તાની ઘૃણાજનક નિષ્ઠુરતાને તેમાં કથાસ્વરૂપે અભિવ્યક્ત કરવાનો પ્રયાસ હતો. તેમાં ડો. રામમનોહર લોહિયાના વિચારોનો પડઘો હતો અને તેની સાથે, બેંગલુરુ આવેલા જયપ્રકાશ નારાયણની મુલાકાતને વણી લેવામાં આવી હતી.
સ્નેહલતાએ તેમાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી. અને જે સંવાદો હતા તે પણ પોતે જ લખ્યા હતા. શરૂઆતમાં ફિલ્મ ફાઇનન્સ કોર્પોરેશને ફિલ્મ બનાવવા માટે લોન ફાળવી હતી પણ તે નાણાં મળે તે પહેલાં કટોકટી જાહેર થઈ અને લોન મળી નહિ. દિલ્હીના હુકમ મુજબ રાજ્ય સરકારે ફિલ્મની ચકાસણી કરવાનો પત્ર લખ્યો, હજુ ફિલ્મ પૂરી થઈ નહોતી એટલે મેં ના પાડી ત્યાં સુધીમાં કટોકટી ઉઠી ગઈ એટલે ફિલ્મ બચી ગઈ. ફિલ્મ તો બચી ગઈ, પણ હું મારી પત્ની સ્નેહલતાને - જે આ ફિલ્મનો આત્મા અને ચેતન સમી હતી - ગુમાવી બેઠો.
તેની ધરપકડ પહેલી જુલાઇ 1976ના દિવસે થઈ. પુત્ર કોણાર્કને પણ જેલમાં લઈ જવાયો. હંમેશની જેમ ત્યાગી અને સંવેદનશીલ પત્નીએ પોલીસ સમક્ષ જુબાની આપવાની તમામ જવાબદારી પોતાના શિરે લીધી એટલે કોણાર્કને છોડી દેવામાં આવ્યો. સ્નેહલતાને જેલમાં પુરવામાં આવી. રાજકીય દમન અને પુરુષજાતિનો અહંકાર બંનેનો તે ભોગ બની. એ નિર્ભય હતી, સત્ય અને ન્યાયને વ્યક્ત કરવાની ચમત્કારિક તાકાત હતી. પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાની મુશ્કેલીઓને ગૌણ બનાવીને બીજાની દરકાર કરતી. તેને પાગલ અને વેશ્યા સ્ત્રીઓની સાથે રાખવામાં આવી હતી તેની સમસ્યાઓ વિષે ચિંતા કરતી.
 અમારા બધાંની જેલમાં જ્યારે મુલાકાતો થતી, તે અગંભીર બનાવી દેતી. એ પ્રકાશની દેવી હતી, જેને ગંદા હાથો અંધારના વમળમાં ખેંચી જવા પ્રયત્નો કરતાં રહ્યાં, ઈશ્વરની એ કૃપા કે એ તેના સુંદર સ્વર્ગીય વિશ્વમાં ચાલી ગઈ, જયાં તેને મળવા હું પણ એટલો જ આતુર છું.’
યોગાનુયોગ સ્નેહલતાનું 1977 ની 25 જાન્યુઆરીના અવસાન થયું. હજુ પાંચ જ દિવસ તેને બેંગલુરુ જેલમાંથી છોડ્યાને થયાં હતા, તેની તબિયત જેલમાં તદ્દન રેઢિયાળ અને નકામા તબીબી ઉપચારોને લીધે અત્યંત ખરાબ થઈ ગઈ એટલે જેલ સત્તાવાળાઓને બીક લાગી કે ક્યાંક તેનું મૃત્યુ જેલ કોટડીમાં જ થઈ જશે એટલે 20 જાન્યુઆરીએ છોડી હતી.
ભારતના લોકતંત્ર પ્રજાસત્તાક દિવસના પૂર્વ દિવસે તે વિદાય પામી ત્યારે તેની પાછળ ઉત્તમ અભિનય કારકિર્દી અને અકારણ જેલમાં ચિત્કારોને છોડીને ગઈ. 1972 માં કન્નડ ફિલ્મ ‘સંસ્કાર’માં ઉત્કૃષ્ટ કામ કર્યું હતું. કે. અનંતમૂર્તિની એ જ નામે લખાયેલી નવલકથાની કથાવસ્તુ પર ફિલ્મ બનેલી, અને રાષ્ટ્રીય કક્ષાએ તેની ભૂમિકાને શ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત થયું હતું. તેણે પોતે એક નાટક લખ્યું હતું, ‘સીતા’ તેને ગુજરાતીમાં ભજવવાની સરકારી સમિતિએ ના પાડી હતી.
 કટોકટીના દિવસોમાં તેની, પુત્રી નંદના અને પુત્ર કોણાર્કની પૂછપરછ થઈ. જ્યોર્જ ફર્નાન્ડિઝની સાથેના પારિવારિક સંબંધોને લીધે, જ્યોર્જ વિષે માહિતી મેળવવા આ ધરપકડો થઈ. સ્નેહલતાએ કહ્યું કે મારા પુત્ર-પુત્રીને શા માટે હેરાન કરો છો? મને જે પૂછવું હોય તે પૂછો, પહેલાં તો આઈપીસીની 120 અને 121 કલમનો ઉપયોગ કર્યો પણ તેમાં તો અદાલતમાં જવું પડે એટલે ‘મિસા’ હેઠળ અટકાયત કરી, સાંકડી ગંદી કોટડી, અંદર જ શૌચાલય, તોતિંગ સળિયાનો બંધ દરવાજો, આસપાસ ગુનેગાર કેદી સ્ત્રીઓ, અંધકાર અને એકલતા. રોજેરોજ પૂછપરછ. દમની તે રોગી હતી તેમાં ઉમેરો થયો. ડોકટરોની સારવાર વિચિત્ર.
તેણે 22 જુલાઇથી લખેલી ડાયરીના આ વાક્યો એક હોનહાર કલાકાર સ્ત્રી પરના અનહદ જુલમ અને ઉપેક્ષા દર્શાવે છે: ‘આજે સાચે જ બચી ગઈ. થોડીક મિનિટની વાત હતી. નાડી અનિયમિત થઈ ગઈ હતી. આંખે અંધારા આવ્યા. કઈ જ દેખાતું નહોતું. (22 જુલાઇ). શરીરની બધી શક્તિ હરાઈ ગઈ છે. લથડિયા ખાઉં છું (23 જુલાઇ), સાવ એકાકી દિવસ. હાથવેંત મોત છેટું હોય તેવું અનુભવે છે. આ કોટડીમાંથી મુક્તિ મળે કે પેરોલ તો - (25 જુલાઇ), અર્ધ મૃત્યુની દશા. ડોક્ટર તો રજા પર છે. દમ એવો ઊથલો મારે છે કે ક્યારેય સાજી નહિ થાઉં , નર્વસ બ્રેક ડાઉન તો નહીં થાયને? મારે ઘેર જવું છે... બધાંને મળવું છે... (27 જુલાઇ). સુપરિન્ટેન્ડેન્ટ આટલો અવિવેકી અને નીચ કેમ છે..? ડાયરીના અંતિમ પાને નિસહાય કલાકાર એટલું જ માંગે છે, ‘મારે મારા પુત્ર સાથે જીવવું છે, જે પણ
થોડા દિવસ મળે... આ કહાણી આજથી 50 વર્ષ પૂર્વેના કટોકટીની કથાનો એક અંશ છે.
પુત્રી નંદના આજે પણ પૂછે છે, મારી માની હત્યા કોણે કરી?

‘મિડ-નાઇટ નોક’ અને એક કલાકારનુ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.